Thursday, September 19, 2024
More
    હોમપેજદેશ‘ખાનગી ક્ષેત્રમાં પણ ST, SC, OBCને મળે અનામત’: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર...

    ‘ખાનગી ક્ષેત્રમાં પણ ST, SC, OBCને મળે અનામત’: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે લોકસભામાં રજૂ કર્યું પ્રાઇવેટ મેમ્બર બિલ- શું આવી શકે આ વ્યવસ્થાનાં પરિણામો-દુષ્પરિણામો?

    સામાજિક રીતે બહુ મોટી અસર પડી શકે, ઉપરાંત આર્થિક રીતે જે નુકસાન થાય તેની ભરપાઈ કરવી કઠિન થઈ પડે. રોકાણની તકોથી માંડીને, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ અને અન્ય અનેક બાબતો ઉપર અસર થઈ શકે.

    - Advertisement -

    આઝાદ સમાજ પાર્ટીના નવનિર્વાચિત સાંસદ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે લોકસભામાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરીને નવો વિવાદ સર્જી દીધો છે. આઝાદે લોકસભામાં બિલ રજૂ કરીને ખાનગી ક્ષેત્રમાં પણ ST, SC, OBC માટે અનામત વ્યવસ્થા લાવવાની માંગ કરી. બિલનું શીર્ષક છે- ‘રિઝર્વેશન ફોર શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ ટ્રાઈબ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ ઇન પ્રાઇવેટ સેક્ટર એક્ટ, 2024’.

    આ બિલ બંધારણના આર્ટિકલ 16(4) અને 16(4A) હેઠળ લાવવામાં આવ્યું હોવાનું કહેવાયું છે. આ આર્ટિકલોમાં સરકારી અનુદાન પ્રાપ્ત નાણાકીય સંસ્થાઓ તેમજ જાહેર ક્ષેત્રમાં અનામત આપવાની મંજૂરી આપવામાં આવી છે. બિલમાં મુખ્ય રજૂઆત એ કરવામાં આવી છે કે હાલ જે માત્ર જાહેર ક્ષેત્રમાં અનામત લાગુ કરવામાં આવ્યું છે તેને ખાનગી ક્ષેત્ર સુધી લંબાવવામાં આવે. નોંધનીય છે કે હાલ ખાનગી ક્ષેત્રમાં ક્યાંય કોઇ પણ પ્રકારનું અનામત લાગુ નથી. જ્યારે જાહેર ક્ષેત્રમાં, સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓમાં ST, SC, OBC માટે અનામત લાગુ છે. 

    બિલમાં કહેવામાં આવ્યું છે કે, એક્ટ થકી કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રના એકમોને ST, SC અને OBC અનામત માટે પ્રોત્સાહિત કરવાનાં રહેશે અને રાષ્ટ્રીયકૃત બેન્કો થકી ઓછા વ્યાજના દરે લૉન પૂરી પાડવાની રહેશે, ઉપરાંત સ્પેશિયલ કન્સેશન્સ પણ આપવાનાં રહેશે. એટલું જ નહીં, સરકારે આ એક્ટ હેઠળ દર વર્ષે સંસદનાં બંને ગૃહમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવો જેમાં એક્ટ હેઠળ શું અને કેટલી કાર્યવાહી થઈ તેની જાણકારી આપવી.

    - Advertisement -

    બિલ રજૂ કરતી વખતે આઝાદે કહ્યું કે, તેનાથી સમાવેશી વિકાસ અને સામાજિક-આર્થિક ઉત્થાનને વેગ મળશે અને સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ થશે, કારણ કે હવે ખાનગી ક્ષેત્ર પણ રાષ્ટ્રનિર્માણમાં અગત્યનો ભાગ ભજવવા જઈ રહ્યું છે. 

    શું છે પ્રાઈવેટ મેમ્બર બિલ? 

    તેમની આ દલીલોનું વિશ્લેષણ કરીએ તે પહેલાં એ જાણવું જરૂરી છે કે આ પ્રાઇવેટ મેમ્બર બિલ શું હોય છે. પ્રાઇવેટ મેમ્બર બિલ તેના નામની જેમ સરકાર નહીં પણ સાંસદો રજૂ કરે છે. સત્તા પક્ષ કે વિપક્ષ કોઇ પણ પાર્ટીના કે અપક્ષ સાંસદો પણ રજૂ કરી શકે છે. જે અન્ય બિલ જેવાં જ હોય છે, પરંતુ મૂળ અંતર એ કે સરકારી બિલ કેન્દ્ર સરકારના મંત્રીઓ રજૂ કરે છે, જ્યારે આ પ્રકારનાં બિલ સાંસદો વ્યક્તિગત ક્ષમતાના આધારે ગૃહમાં મૂકે છે. સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે દર શુક્રવારે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવે છે. 

    સામાન્ય બિલની જેમ જ આ બિલ પસાર કરાવવું હોય તો સંસદનાં બંને ગૃહની મંજૂરી જરૂરી છે. જોકે, મોટેભાગે પ્રાઇવેટ મેમ્બર બિલ પસાર થઈને કાયદો બનતાં નથી. બહુધા તે ગૃહ કે દેશનું જે-તે વિષય પર ધ્યાન ખેંચવા માટે જ જ રજૂ થતાં રહ્યાં છે. 

    શું આવી શકે પરિણામો?

    ચંદ્રશેખર આઝાદે બિલ એવા સમયે સંસદમાં રજૂ કર્યું છે જ્યારે કર્ણાટકમાં સ્થાનિકોને પ્રાઇવેટ સેક્ટરમાં અનામતનો મુદ્દો હાલમાં જ ચર્ચાઈ ગયો. જોકે, દેશભરમાં ટીકા અને અમુક કંપનીઓની પ્રતિક્રિયા બાદ સરકારે હાલ પૂરતી બ્રેક મારી દીધી છે, પણ આ બિલથી કોંગ્રેસ સરકારના મનસૂબા તો જગજાહેર થઈ જ ગયા. ચંદ્રશેખરનો મુદ્દો વધુ સંવેદનશીલ અને ગંભીર છે, કારણ કે અહીં વાત જાતિઆધારિત અનામતની છે. 

    ભારતમાં બંધારણ લાગુ થયાના દિવસથી જાતિઆધારિત અનામત લાગુ છે. તેનાં પરિણામો, દુષ્પરિણાઓ, અસર વગેરે ઉપર અલગથી ચર્ચા થઈ શકે. જે આશય સાથે વ્યવસ્થા લવાઈ હતી તે પૂરો થઈ શક્યો છે કે કેમ કે તે દિશામાં કામ થઈ રહ્યું છે કે કેમ તે પણ આકલનનો વિષય ખરો. પણ એ વાત તદ્દન સાચી છે કે અહીં અનામત અને ખાસ કરીને જાતિ આધારિત અનામતનો મુદ્દો અત્યંત સંવેદનશીલ રહ્યો છે. આ જ મુદ્દે ભ્રમ અને જુઠ્ઠાણાં ફેલાવીને INDI ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઠીકઠાક નુકસાન પણ કરી ચૂક્યું છે. 

    હાલ આ વ્યવસ્થા સરકારી ક્ષેત્રમાં જ લાગુ છે અને ખાનગી ક્ષેત્ર અળગું રહ્યું છે. જો ખાનગી ક્ષેત્રને પણ તેના વિસ્તાર હેઠળ સમાવી લેવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન સામાજિક સમરસતાનો ઉભો થશે. અત્યારે જ એવા અનેક મુદ્દાઓ છે, જેનાથી વિષમતા સર્જાતી રહે છે. અહીં પહેલેથી જ જાતિ આધારિત અનામત કરતાં આર્થિક આધાર પર અનામત આપવાની વકાલત થતી રહે છે. 

    ભારતમાં આ મુદ્દો એટલો ગંભીર અને સંવેદનશીલ છે કે ભૂતકાળમાં પણ આ મુદ્દાને કેન્દ્રમાં રાખીને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવા સંજોગો ઉભા થયા છે. જાતિ આધારિત અનામત માંગવા, હટાવવા માટેનાં પ્રદર્શનો તાજો ભૂતકાળ છે. આ સંજોગોમાં ખાનગી ક્ષેત્રમાં પણ વ્યવસ્થા લાગુ કરવાનાં માઠાં પરિણામો ભોગવવાં પડી શકે. 

    આર્થિક દ્રષ્ટિએ થતી અસરો પણ નકારી ન શકાય 

    સામાજિક રીતે બહુ મોટી અસર પડી શકે, ઉપરાંત આર્થિક રીતે જે નુકસાન થાય તેની ભરપાઈ કરવી કઠિન થઈ પડે. રોકાણની તકોથી માંડીને, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ અને અન્ય અનેક બાબતો ઉપર અસર થઈ શકે, જેની ઉપર દેશ અત્યારે બહુ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને વિદેશી મૂડીરોકાણ પણ આવી રહ્યું છે. 

    વિદેશી મૂડીરોકાણની વાત આવી છે તો અનેક કંપનીઓ એવી છે જે અન્ય દેશોમાંથી પોતાના કારોબાર ભારતમાં ખસેડી રહી છે. ઉદાહરણ એપલનું છે. એપલ પોતાના જગવિખ્યાત મોબાઈલ ફોન ‘આઇફોન’ હવે ભારતમાં બનાવે છે. સેમસંગથી માંડીને અન્ય કંપનીઓનાં પણ અહીં એકમો છે અને રેકોર્ડ માત્રામાં મોબાઈલ ફોન બને છે. ભારતમાં હવે સેમીકન્ડક્ટર ચિપ પણ બનવાની શરૂ થઈ ગઈ છે, જેના માટે અત્યાર સુધી ચીન પર આધાર રાખવો પડતો હતો. ચીનનો જ રમકડાં ઉદ્યોગ હવે ભારતમાં આવી રહ્યો છે. ટેસ્લા જેવી કંપનીઓ ભારતમાં આવે તે માટે સરકાર પણ પ્રયાસરત છે અને આવી કંપનીઓ પણ રસ દાખવી રહી છે. 

    આ બધાનું કારણ એ છે કે ખાનગી ક્ષેત્ર બિનજરૂરી સરકારી હસ્તક્ષેપ અને અન્ય જટિલ સરકારી વ્યવસ્થાઓમાંથી મુક્ત છે. અહીં કૌશલ્ય, આવડત અને હોંશિયારીનું જ મહત્વ છે. જે વધુ સારું કામ કરી શકે તે આગળ વધે છે. તેમાં ક્યાંય ક્વોટા આવતો નથી. ઉપરાંત, સમયાંતરે કામનું આકલન થાય છે અને વધુ સારું કામ થઈ શકે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ન તો તેમાં કોઇ રાજકીય પાર્ટી હસ્તક્ષેપ કરતી હોય કે ન બીજી કોઇ સમસ્યા આવે છે. 

    જો ખાનગી ક્ષેત્રને પણ અનામત વ્યવસ્થાઓ હેઠળ લાવવામાં આવે તો એક તો રાજકીય પાર્ટી અને સરકારોનો હસ્તક્ષેપ વધશે અને સાથોસાથ ભ્રષ્ટાચાર અને ‘અધિકારી રાજ’ જેનાથી અત્યારે જે સિસ્ટમ છે તે જ પીડાઈ રહી છે ત્યાં વધુ એક ક્ષેત્ર તેના દાયરામાં આવી જશે. સંભવિત પરિસ્થિતિઓ જોઈએ તો રાજકીય પાર્ટીઓ જે-તે કંપનીઓને પોતાના માણસોને ક્વોટા સિસ્ટમ હેઠળ લેવા માટે દબાણ કરે કે પછી અણઆવડત છતાં પોતાના રાજકીય હેતુઓ પાર પાડવા માટે કર્મચારીઓને છૂટા ન કરવા માટે દબાણ કરી શકે. તેનાથી આખરે કામ ઉપર જ અસર પડશે અને એકંદરે સેક્ટર પર અસર પડશે. 

    આવા કિસ્સાઓમાં કંપનીઓ ભારતમાં આવવા પહેલાં બે વખત વિચાર કરે તે સ્વભાવિક છે. કારણ કે કોઇ પણ ઉદ્યોગ, ધંધા-વ્યવસાય માટે સૌથી વધુ મહત્વપૂર્ણ નફો જ છે અને આ વ્યવસ્થા હેઠળનાં પરિબળોના કારણે તેની ઉપર અસર પડવાની એ દેખીતી વાત છે. 

    વધુમાં, અહીં સામાજિક ઉત્થાનની વાત થાય છે પણ આ વ્યવસ્થાના કારણે તો હાલ જે સામાજિક સમ્રસ્ત અને શાંતિ ટકી રહી છે તેમાં પણ ગાબડાં પાડવાની વાત થઈ. એકંદરે જોવા જઈએ તો આ એક અતિશય મૂર્ખામીભર્યું પગલું ગણી શકાય અને તેનાથી સરકારો જેટલી બચીને રહે તેમાં જ સૌનું હિત છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં