Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશ‘મતગણતરી દરમિયાન ફોનના ઉપયોગથી EVM અનલૉક કરાયાં’: મિડ-ડેના અહેવાલ બાદ ફરી EVMનું...

    ‘મતગણતરી દરમિયાન ફોનના ઉપયોગથી EVM અનલૉક કરાયાં’: મિડ-ડેના અહેવાલ બાદ ફરી EVMનું ભૂત ધૂણવા માંડ્યું- તથ્યાત્મક માહિતી સાથે જાણો કેમ આ રિપોર્ટ ખોટો અને ભ્રામક છે 

    રિપોર્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી EVM પર માછલાં ધોવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તક ઝડપી લઈને દર વખતની જેમ લોકતંત્ર અને વ્યવસ્થાની મોટી-મોટી વાતો હાંકી છે. 

    - Advertisement -

    લોકસભા ચૂંટણીમાં વિપક્ષને ધારવા કરતાં સારી એવી બેઠકો મળવાથી પરિણામો પછી થોડા સમય માટે EVMનાં રોદણાં રડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પણ તેમ છતાં હજુ પણ એક વર્ગ સતત ભારતની સૌથી સુરક્ષિત ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાનું ચૂકતો નથી. તાજેતરમાં મુંબઈથી પ્રકાશિત થતા અખબાર મિડ-ડેએ એક સનસનીખેજ અહેવાલ છાપીને દાવો કર્યો કે મુંબઈની એક બેઠક પરથી ચૂંટાયેલા શિવસેના સાંસદના એક સંબંધીએ મોબાઈલ ફોનથી EVM કનેક્ટ કર્યું હતું. 

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ એક OTP જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો, જેનાથી EVM મશીન ‘અનલૉક’ થયું હતું અને જેનો ઉપયોગ 4 જૂનના રોજ મતગણતરી દરમિયાન NESCO સેન્ટરમાં થયો હતો. આગળ કહેવામાં આવ્યું કે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ફોન ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલી આપવામાં આવ્યો છે. 

    અહીં રિપોર્ટમાં એ જણાવવામાં નથી આવ્યું કે કથિત રીતે જો શિવસેના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પંડિલકરે OTP જનરેટ કરીને EVM અનલૉક પણ કરી નાખ્યું હોય તો ત્યારપછી તેણે તેમાં શું કર્યું હતું. રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે વાયકરની 48 મતથી જીત થઈ હતી. પરંતુ એવું નથી જણાવવામાં આવ્યું કે પંડિલકરે ફોનની મદદથી EVMમાં વૉટ ઉમેર્યા હતા. બીજી તરફ, રિપોર્ટના અંતમાં લખવામાં આવ્યું છે કે મતગણતરી કેન્દ્ર પર સર્વિસ વૉટરો માટેની ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) ઉપલબ્ધ હતી. આગળ કહેવામાં આવ્યું કે, અન્ય એક આરોપી દિનેશ ગૌરવે આ જ ફોનનો ઉપયોગ કરીને OTP જનરેટ કર્યા બાદ પોસ્ટલ બેલેટ સિસ્ટમ અનલૉક કરી હતી. 

    - Advertisement -

    મિડ-ડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “EVM મશીનમાં મતગણતરી દરમિયાન ઉમેદવાર અમોલ કિર્તિકર આગળ ચાલી રહ્યા હતા, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમના મત ગણવામાં આવ્યા ત્યારે કીર્તિકર પાછળ ચાલ્યા ગયા અને આખરે વાયકર સામે હારી ગયા.” કીર્તિકર કોંગ્રેસ ઉમેદવાર હતા. રિપોર્ટમાં એવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શિવસેના ઉમેદવારની જીત એટલા માટે થઈ કારણ કે તેમના એક સંબંધીએ OTP જનરેટ કરીને EVM અને ETPBS અનલૉક કરી દીધાં હતાં. 

    રિપોર્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી EVM પર માછલાં ધોવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તક ઝડપી લઈને દર વખતની જેમ લોકતંત્ર અને વ્યવસ્થાની મોટી-મોટી વાતો હાંકી છે. 

    અહીં હકીકત એ છે કે પોલીસે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ મિડ-ડેનો રિપોર્ટ ઘણા અંશે ભ્રામક છે. તેમાં જે દાવો કરવામાં આવ્યો છે કે મંગેશ પંડિલકરે EVM અનલૉક કરવા માટે OTP જનરેટ કરવા મોબાઇલનો ઉપયોગ કર્યો એ તદ્દન ખોટો અને પાયાવિહોણો દાવો છે. ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (EVM) ક્યારેય પણ કોઇ નેટવર્ક સાથે જોડાયેલાં હોતાં નથી અને તેને બહારથી OTP જનરેટ કરીને કોઇ કાળે અનલૉક જ કરી શકાય એમ નથી. 

    મતદાન પૂર્ણ થઈ ગયા બાદ EVMને બહારથી સીલ કરવામાં આવે છે અને જે અધિકૃત પોલિંગ એજન્ટો હોય તેમની હાજરીમાં સરકારી કર્મચારીઓ સીલ કરે છે. ત્યારબાદ EVMને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે, જ્યાં ઉમેદવારના એજન્ટોને પણ પ્રવેશ હોય છે. ત્યારબાદ મતગણતરીના દિવસે EVM બહાર લવાય છે અને એજન્ટોની હાજરીમાં સીલ ચેક કર્યા બાદ, હસ્તાક્ષર લીધા બાદ તેને તોડવામાં આવે છે અને માત્ર એક રિઝલ્ટનું બટન દબાવીને EVMમાં કોને કેટલા મત પડ્યા તેની માહિતી મેળવવામાં આવે છે. 

    આમાં EVM ફાળવવથી લઈને, મતદાન અને છેલ્લે ગણતરી સુધી OTP મારફતે બહારથી લૉક કે અનલૉક કરવાની કોઇ વ્યવસ્થા જ હોતી નથી. EVM સીલ થાય છે એ પણ બહારથી ફિઝિકલી કરવામાં આવે છે અને અનસીલ પણ એ જ રીતે કરવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક રીતે આમાં કશું જ થતું નથી. એટલે અહીં એમ કહેવું કે સાંસદના સંબંધીએ OTP મારફતે EVM અનલૉક કર્યું એ દાવો ખોટો છે અને આવા સમાચાર ‘ફેક ન્યૂઝ’ છે. 

    આ રિપોર્ટમાં ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની પણ વાત કરવામાં આવી છે. એ શું છે તે સમજીએ. 

    ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં જે કર્મચારીઓ ફરજ પર હોય તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા હોય છે અને તેઓ પોતાનો મત પોસ્ટલ બેલેટ થકી આપે છે. કારણ એ છે કે કર્મચારીઓની ફરજ મતદાન સમયે અન્યત્ર કેન્દ્રમાં હોય તો તે પોતાના મતદાન મથકે જઈને મતદાન કરી શકે નહીં. નવી ETPBS સિસ્ટમ આ પોસ્ટલ બેલેટ સિસ્ટમની જગ્યાએ લાગુ કરવામાં આવી છે, જે સરકારી કર્મચારીઓને મદદરૂપ થાય છે. પણ અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ સિસ્ટમથી માત્ર બેલેટ પેપર જ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવે છે, મતદાન ઈલેક્ટ્રોનિક રીતે થતું નથી, એ એ જ રીતે થાય છે જે રીતે થતું આવે છે. એટલે કે બેલેટના માધ્યમથી. 

    થોડી સરળ ભાષામાં, સૌથી પહેલાં સરકારી કર્મચારી કે સર્વિસ વૉટરને ઈલેક્ટ્રોનિક માધ્યમથી બેલેટ મોકલવામાં આવે છે, જે પાસવર્ડ અને પિનથી સુરક્ષિત હોય છે. કર્મચારી આ પોસ્ટલ બેલેટ મેળવી લે અને ડાઉનલોડ કરી લે, ત્યારબાદ તે તેની પ્રિન્ટ કઢાવીને તેમાં મત આપે છે અને જે-તે ચૂંટણી કર્મચારીને મોકલી આપે છે. એટલે કે અહીં માત્ર બેલેટ મોકલવાની જ પદ્ધતિ બદલાઈ છે, મત આપવાની પદ્ધતિ જૂની જ છે. 

    આ પદ્ધતિ એટલા માટે અમલમાં મૂકવામાં આવી છે જેથી સર્વિસ વૉટરોને ખાલી પોસ્ટલ બેલેટ મોકલવામાં પડતી ઉપાધિ ઓછી થાય. કારણ કે તેમાં દરેક પોસ્ટલ બેલેટ પ્રિન્ટ કર્યા બાદ તેને કવરમાં મૂકીને યોગ્ય સરનામા પર પહોંચાડવું પડે છે, જે સમય માંગી લે તેવું કામ છે. જેના સ્થાને હવે બેલેટને સુરક્ષિત રુપમાં ઈલેક્ટ્રોનિક રીતે મોકલી આપવામાં આવે છે, જે રીતે ઈ-મેઈલ ઉપર આપણે કોઇ ફાઇલ મોકલી છીએ. પણ વોટ હજુ પણ પેપર બેલેટ પર જ આપવામાં આવે છે. 

    ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ એ EVM જેવું કોઇ મશીન નથી પણ સર્વિસ વૉટરને બેલેટ મોકલવા માટેની સિસ્ટમને નામ આપવામાં આવ્યું છે. જે સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર અને નેટવર્ક પર કામ કરે છે. આ માટે ચૂંટણી પંચે એક અલગ પોર્ટલ પણ બનાવ્યું છે, જેમાં ચૂંટણી અધિકારીઓ લૉગ ઇન કરીને પોસ્ટલ બેલેટ જનરેટ કરીને સેન્ડ કરી શકે છે. 

    આ પોર્ટલ પર લૉગ-ઇન કરવા માટે ROને OTP મોકલવામાં આવે છે, જે તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર આવે છે. ત્યારબાદ તેઓ પાસવર્ડથી સુરક્ષિત પોસ્ટલ બેલેટ બનાવે છે અને સિસ્ટમ પર અલોડ કરે છે. આ બેલેટ પછી જે-તે સર્વિસ વૉટરોને મોકલવામાં આવે છે. આ બેલેટ મોકલવા માટે પણ સર્વિસ વૉટર ઇલેક્ટોરલ રોલ ડેટા ઉપયોગમાં લેવાય છે, જે સર્વિસ વૉટર, યુનિટ ઑફિસર અને રેકોર્ડ ઑફિસર સાથે જોડાયેલ હોય છે. 

    સર્વિસ યુનિટમાં એક અધિકારી હોય છે જેઓ સિસ્ટમમાં લૉગ-ઇન કરીને પોસ્ટલ બેલેટ ડાઉનલોડ કરે છે. આ પાસવર્ડથી સુરક્ષિત પોસ્ટલ બેલેટ પછી જે-તે યુનિટના સર્વિસ વૉટરોને મોકલવામાં આવે છે. તેમને આ બેલેટ ઓપન કરવા માટેનો PIN અલગથી આપવામાં આવે છે, જેથી જેને મોકલવામાં આવ્યું હોય તે જ તેને ડાઉનલોડ કરી શકે. 

    બેલેટ મળી ગયા બાદ સર્વિસ વૉટર (સરકારી કર્મચારી) તેની પ્રિન્ટ કઢાવે છે અને મત ટીકમાર્ક કરે છે. તેની સાથે તેમણે એક ફોર્મ ભરીને હસ્તાક્ષર કરવાના હોય છે જે વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે. ત્યારબાદ બેલેટને એક કવરમાં સીલ કરી દેવાય છે અને ચૂંટણી અધિકારીને મોકલી આપવામાં આવે છે. 

    ટૂંકમાં આ આખી જ પ્રક્રિયામાં માત્ર સરકારી કર્મચારીઓને બેલેટ મોકલવાની જ પદ્ધતિ બદલાઈ છે અને ઓનલાઈન કરી દેવાઈ છે. પણ મત ઓનલાઈન કે ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી આપવામાં આવતો નથી, એ માટે જૂની જ પદ્ધતિ અમલમાં છે. 

    આ પોસ્ટલ બેલેટની ગણતરી કઈ રીતે થાય છે? 

    રિપોર્ટમાં મિડ-ડેએ જે દાવો કર્યો છે તેનાથી તદ્દન વિપરીત હકીકત એ છે કે પોસ્ટલ બેલેટની ગણતરી સવારે પહેલાં થાય છે અને પછી EVM ખોલવામાં આવે છે. પોસ્ટલ બેલેટ છેલ્લે ગણવામાં આવતાં જ હોતાં નથી. 

    તેમાં પણ દરેક કવર સાથે એક યુનિક સિરિયલ નંબર હોય છે અને આ જ નંબર સિસ્ટમમાં પણ નોંધાયેલો હોય છે. જેની મતગણતરી કરવા પહેલાં ખરાઈ કરવામાં આવે છે. જે તે અધિકારીએ ETPBSમાં લૉગ-ઇન કરીને સિરિયલ નંબર વેરિફાય કરવાના રહે છે. જોકે, ETPBSમાં કોઇ મત સ્ટોર થતાં નથી, જેથી કદાચ કોઇ વ્યક્તિ આ સિસ્ટમમાં ઘૂસી પણ જાય તોપણ મતમાં એક મતનો પણ ફેરફાર થઈ શકે નહીં. કારણ કે પોસ્ટલ મતો પ્રિન્ટ થયેલા હોય છે. તેમાં કયો ફોન અને કયો OTP છેડછાડ કરી શકે? 

    જેથી એ દાવો પણ ખોટો છે કે સિસ્ટમને ફોનથી અનલૉક કર્યા બાદ રવિન્દ્ર વાયકર આગળ નીકળી ગયા હતા. ઉપરાંત, EVM બાદ ETPBSની ગણતરી થઈ એ દાવો પણ ખોટો છે. EVMની મતગણતરી શરૂ થાય તેના અડધા કલાક પહેલાં પોસ્ટલ બેલેટ ગણવામાં આવે છે. EVMની ગણતરી બાદ કોઇ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવતી નથી. હવે પોસ્ટલ બેલેટની સંખ્યા એટલી બધી હતી નથી, એટલે પહેલા અડધા કલાકમાં તે ગણાય જાય છે અને પછી EVMના મત ગણાય છે. ત્યારબાદ કોઇ પણ 5 મશીનમાંથી VVPATની સ્લીપ ગણવામાં આવે છે, કારણ કે આવો નિયમ છે. 

    જેથી આટલી ચર્ચાને અંતે એટલું સ્પષ્ટ છે કે મિડ-ડેનો રિપોર્ટ ખોટો અને ભ્રામક છે. કારણ કે તેની હેડલાઇનમાં જ લખવામાં આવ્યું છે કે, રવિન્દ્ર વાયકરના સંબંધીએ EVM ફોનથી અનલૉક કર્યું હતું. હકીકતે ફોનથી કોઇ EVM અનલૉક થતાં નથી, પહેલી વાત EVMમાં લૉક-અનલૉક જેવું કશું આવતું જ નથી. 

    તો અહીં શું બન્યું હોવું જોઈએ? 

    રિપોર્ટમાં જે પોલીસ ક્વોટ છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આ માત્ર એક મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોનના અનધિકૃત ઉપયોગનો કેસ છે. ક્યાંય પણ કોઇ પણ પોલીસ કર્મચારીએ EVM કે OTPથી અનલૉક કરવાની કોઈ વાત કહી નથી. 

    રિપોર્ટમાં વનરાઈ પોલીસ મથકના વરિષ્ઠ ઇન્સ્પેક્ટરને ટાંકીને કહેવામાં આવ્યું કે, “અમે મોબાઈલ ફોનને ફોરેન્સિકમાં મોકલી આપ્યો છે અને કોલ રેકોર્ડ્સ તપાસવામાં આવશે. અમે એ પણ જોઈ રહ્યા છીએ કે મોબાઈલ ફોનનો ઉપયોગ અન્ય કારણોસર કરવામાં આવ્યો છે કે કેમ. અમે અન્ય ઉમેદવારોનાં નિવેદન લીધાં છે અને આરોપીને નોટિસ મોકલવામાં આવી છે. તેમણે પોલીસ મથકે આવીને તપાસમાં સહયોગ આપવો પડશે. હાલ તો તેઓ અમને મદદરૂપ થઈ રહ્યા છે, જો આગળ જરૂર પડે તો અરેસ્ટ વૉરન્ટ ઇસ્યુ કરવામાં આવશે.”

    અન્ય એક અધિકારીએ કહ્યું કે, “હાલ અમે NESCO સેન્ટર (જ્યાં ગણતરી યોજાઈ હતી)ના CCTV કેમેરા તપાસી રહ્યા છીએ, જેથી જાણી શકાય કે સેન્ટરમાં મોબાઈલ આવ્યો કઈ રીતે. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આમાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા છે કે કેમ કે પછી આ મોબાઈલ ફોન કોણે અંદર મોકલાવ્યો.” આના પરથી સ્પષ્ટ છે કે ગુનો સેન્ટરમાં મોબાઈલ લઇ જવા મામલેનો છે, OTP કે EVM સાથે કશું લાગતું-વળગતું નથી. 

    સ્પષ્ટ વાત છે કે પોલીસે પણ ક્યાંય EVM કે OTPથી અનલૉક કરવાની વાત કહી નથી. તેઓ માટે એટલી તપાસ કરી રહ્યા છે કે મતગણતરી કેન્દ્રમાં પ્રતિબંધ હોવા છતાં ફોન આવ્યો કઈ રીતે અને તેનો કોઈ ઉપયોગ થયો છે કે કેમ. પોલીસે એવું ક્યાંય કહ્યું નથી કે આરોપીઓએ EVM કે ETPBS અનલૉક કર્યુ હોય. આ મિડ-ડેનો રિપોર્ટ લખનારના મગજની ઉપજ હોય તેમ જણાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં