Monday, July 1, 2024
More
    હોમપેજગુજરાતફરી એક વખત ખુલી ‘જમાવટ’ના રિપોર્ટની પોલ: જે વાયરલ વિડીયોના આધારે 'ગર્ભવતી...

    ફરી એક વખત ખુલી ‘જમાવટ’ના રિપોર્ટની પોલ: જે વાયરલ વિડીયોના આધારે ‘ગર્ભવતી ટેટ ઉમેદવાર’ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો દાવો કર્યો, તેમાં હકીકત જુદી જ સામે આવી!

    ઑપઇન્ડિયાએ સુરત ડેપોનો સંપર્ક કર્યો. જ્યાંથી એ બાબતની પુષ્ટિ કરવામાં આવી કે જે-તે નામ ધરાવતાં મહિલા ગુજરાત સરકારના ST વિભાગમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ અમે સંપર્ક કર્યો આ મહિલાના પતિનો. તેમણે પણ જણાવ્યું કે, વાયરલ વિડીયોને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સદંતર ખોટા છે.

    - Advertisement -

    અગાઉ પણ અનેક વખત ફેક ન્યૂઝ ફેલાવતાં પકડાઇ ચૂકેલા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ‘જમાવટ’ પર ફરી એક ભ્રામક સમાચાર પ્રકાશિત થયા છે. આ વખતે એક વિડીયોના આધારે દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પછીથી કંઈક જુદી જ હકીકત સામે આવી. મામલો તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલન વખતેનો છે, જે ગત 18 જૂનના રોજ યોજાયું હતું. જમાવટે એક વિડીયો બતાવીને દાવો કર્યો હતો કે ગુજરાત પોલીસે એક ગર્ભવતી ટેટ પાસ મહિલા ઉમેદવાર સાથે ગેરવર્તન કર્યું હતું, પણ પછી સામે આવ્યું કે આ મહિલા ન તો ગર્ભવતી હતી કે ન ટેટ-ટાટ પાસ ઉમેદવાર. 

    20 જૂનના રોજ જમાવટની યુ-ટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મૂકવામાં આવ્યો, જેનું શીર્ષક છે- ‘કોઈને નિર્જળા એકાદશી તો કોઈ ગર્ભવતી છોકરી….મારતી વખતે એક ક્ષણનો વિચાર ન કર્યો.’ શરૂઆતમાં પાંચ-છ સેકન્ડની એક ક્લિપ ચાલે છે, જેમાં બે મહિલા પોલીસકર્મીઓ એક મહિલાને પકડીને લઇ જતી દેખાય છે અને તેનો ફોન આંચકી લે છે. 

    આ ક્લિપને બતાવીને એન્કર કહે છે કે, “આ ક્લિપમાં જે બહેન દેખાય છે તે ગર્ભવતી છે, તેમ છતાં પોલીસે તેમની સાથે બેરહેમીપૂર્વક વર્તન કર્યું. બળજબરીથી ફોન આંચકી લીધો અને વિડીયો ડિલીટ કરવા માટે પોલીસે ક્રૂરતા બતાવી છે તે કેદ થઈ ગઈ છે. પોલીસના કર્મચારીઓ આવું કોના કહેવાથી કર્યું એ ખબર નથી, પણ જે કર્યું તે બહુ ખરાબ હતું. તેઓ ઉપરથી આદેશ હતો તેમ કહીને છટકી જાય એ ન ચાલે, કારણ કે એવો આદેશ બિલકુલ ન હતો કે તમે રસ્તા પર ગર્ભવતી સ્ત્રીને મારજો.”

    - Advertisement -

    ત્યારબાદ આગળ બીજી પણ ઘણી વાતો કહે છે, પરંતુ અહીં મૂળ વાત એ છે કે જે વિડીયોને લઈને હોબાળો મચાવવામાં આવી રહ્યો હતો અને પોલીસ પર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા તેમાં જે મહિલા દેખાય છે તે ગર્ભવતી પણ નથી અને ટેટ-ટાટ પાસ ઉમેદવાર પણ નથી. આ હકીકતની પોલીસે પણ પુષ્ટિ કરી છે અને ઑપઇન્ડિયાએ જ્યારે જે-તે મહિલાના પતિનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ જ વાત જણાવી હતી. 

    વરિષ્ઠ પત્રકાર છે નિર્ણય કપૂર. સૌથી પહેલાં તેમણે આ પોલ ખોલી. X પર કરેલી એક વિસ્તૃત પોસ્ટમાં તેઓ લખે છે કે, જે મહિલા વિડીયોમાં દેખાય છે તેઓ ગર્ભવતી નથી અને ટેટ કે ટાટ પાસ ઉમેદવાર પણ નથી. તેઓ સરકારી કર્મચારી છે, આવું નિવેદન તેમણે પોલીસને હાજરીમાં આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં તેઓ સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે અને હાલ 6 દિવસની રજા પર હતાં. તેમના પતિ ગાંધીનગર પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા તો તેઓ પણ સાથે આવ્યાં હતાં. 

    કપૂર અનુસાર, મહિલા પતિ સાથે ગાંધીનગર ડેપો ખાતે ટેટ-ટાટ ઉમેદવારોના પ્રદર્શનમાં હાજર હતાં. ત્યારે પોલીસે આવીને આઇડી પ્રૂફ માંગ્યું તો ઓળખ છુપાવી. પોલીસે ફોન ચેક કરવા માટે માગ્યો અને ત્યારબાદ ડિટેન કરીને લઇ ગઈ. 

    સુરત ડેપોએ કરી પુષ્ટિ, મહિલાના પતિએ પણ ઑપઇન્ડિયાને હકીકત જણાવી 

    બાબતની વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ સુરત ડેપોનો સંપર્ક કર્યો. જ્યાંથી એ બાબતની પુષ્ટિ કરવામાં આવી કે જે-તે નામ ધરાવતાં મહિલા ગુજરાત સરકારના ST વિભાગમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ અમે સંપર્ક કર્યો આ મહિલાના પતિનો. તેમણે પણ જણાવ્યું કે, વાયરલ વિડીયોને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સદંતર ખોટા છે. તેમનાં પત્ની એક સરકારી કર્મચારી છે અને તેમની સાથે ગાંધીનગર પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. 

    અહીં એ વાત પર ચર્ચા થઈ શકે કે ગુજરાત પોલીસે આ ઉમેદવારો સાથે જે વર્તન કર્યું તે યોગ્ય હતું કે કેમ. જોકે, એ ભૂલવું ન જોઈએ કે પોલીસે સ્થિતિ જાળવવા માટે બળપ્રયોગો કરવા પડે છે. નહીંતર પોલીસ આમ જ મૂકદર્શક બનીને બેસી રહે તો આ જ મીડિયા ચેનલો માઇક અધિકારીઓના મોંમાં ઘુસાડીને પ્રશ્ન કરવામાં લેશમાત્ર સમય બગાડતી નથી. પરંતુ હકીકત એ છે કે વિડીયોમાં મહિલાને ગર્ભવતી ગણાવવામાં આવી છે અને ટેટ-ટાટ પાસ ઉમેદવાર ગણાવાઈ છે, તે દાવા ખોટા છે. 

    પોલ ખુલી ગયા બાદ શુક્રવારે (28 જૂન) જમાવટે અન્ય એક વિડીયો મૂકીને દાવા કર્યા કે પ્રદર્શન દરમિયાન એક ગર્ભવતી મહિલા સાથે ‘ગેરવર્તન’ થયું હતું પરંતુ તે એ મહિલા નથી, જે વિડીયોમાં દર્શાવવામાં આવી રહી છે અને તે ગેરસમજના કારણે થયું હતું. તેમણે પણ સ્વીકાર્યું કે મહિલા સરકારી નોકરી કરે છે અને તેના પતિ સાથે ગાંધીનગર આવી હતી. પરંતુ અન્ય એક મહિલાને શોમાં લાવીને દાવો કર્યો કે તેઓ ગર્ભવતી છે અને તેમની સાથે પોલીસે ગેરવર્તન કર્યુ હતું, પરંતુ આ સમાચાર આપતી વખતે વિડીયોમાં ગેરસમજ થઈ અને ખોટો વિડીયો ચલાવી દેવામાં આવ્યો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં