હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારના (Himachal Pradesh Government) એક આદેશને લઈને વિવાદ સર્જાયો છે. સરકારે રાજ્યમાં ઘરમાં જેટલી ટોયલેટ સીટ (Tax on Toilet Seat) હોય તેની ઉપર ટેક્સ લગાવવાનું શરૂ કર્યું હોવાના અમુક મીડિયા અહેવાલો બાદ કોંગ્રેસ પર પ્રશ્નો સર્જાયા તો ગુરુવારે (3 ઑક્ટોબર) હિમાચલ સરકારના જળશક્તિ મંત્રાલયે આ રિપોર્ટને ભ્રામક ગણાવ્યા હતા અને ‘સ્પષ્ટતા’ કરતાં કહ્યું હતું કે આવો કોઈ નિર્ણય થયો નથી. ત્યારબાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ પણ આવી જ વાત કહી. પરંતુ કઠણાઈ એ છે કે રાજ્ય સરકારનો જ એક આદેશ સરકારની આ વાતોમાં વિરોધાભાસ સર્જે છે.
હિમાચલ પ્રદેશ સરકારના જળશક્તિ વિભાગ દ્વારા એક પ્રેસ રિલીઝ બહાર પાડીને કહેવામાં આવ્યું કે, ‘વિભાગ મીડિયામાં પ્રકાશિત એ સમાચારનું ખંડન કરે છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભવન માલિક દ્વારા સ્થાપિત સીટોની સંખ્યાના આધાર પર સીવરેજ કનેક્શન આપવામાં આવશે. અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવી કોઈ અધિસૂચના વર્તમાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી.”
આગળ જણાવવામાં આવ્યું કે, સીવરેજ કનેક્શન પહેલાંની જેમ જ પ્રદાન કરવામાં આવશે. અમારું લક્ષ્યાંક 100% કનેક્ટિવિટી પ્રાપ્ત કરવાનું છે, જેથી પ્રદૂષણ ઘટાડી શકાય અને સીવરેજનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત થઈ શકે. હાલ માત્ર પાણીના શુલ્ક મામલે અધિસૂચના બહાર પાડવામાં આવી છે, જ્યારે અન્ય ચીજો યથાવત રહેશે.
બીજી તરફ, હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ પણ આ રિપોર્ટોને નકારી દીધા અને આદત અનુસાર ભાજપ પર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું, “આ બાબત તથ્યોથી વેગળી છે. હરિયાણામાં ચૂંટણી છે એટલે તેઓ (ભાજપ) હિંદુ-મુસ્લિમ અને સીવરેજની વાત કરે છે, પણ એવું કશું જ નથી. આ સંપૂર્ણપણે તથ્યવિહીન છે.”
પોતાના જ નોટિફિકેશનને નકારી રહી છે હિમાચલ પ્રદેશ સરકાર?
હવે અહીં ભાજપે મુદ્દો ઉઠાવ્યા બાદ અને દેશભરમાં બહુ ચર્ચા થાય બાદ હિમાચલ પ્રદેશ સરકાર ટોયલેટ સીટ પર ટેક્સ મામલેના અહેવાલો નકારી રહી છે. પરંતુ સરકારનું નોટિફિકેશન જુદી જ વાત કહી રહ્યું છે.
હિમાચલ પ્રદેશ સરકારના જળશક્તિ વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 1 ઑક્ટોબરના રોજથી હિમાચલમાં વૉટર સપ્લાયના શુલ્કમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નોટિફિકેશનમાં ત્રીજો મુદ્દો સીવરેજ કનેક્શન ચાર્જને લઈને છે.
અહીં ત્રીજા મુદ્દામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, “શહેરી વિસ્તારોમાં અમુક એકમો પોતાના જળસ્ત્રોતનો ઉપયોગ કરે છે અને સરકારી વિભાગની સીવરેજ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ કિસ્સામાં ₹25 પ્રતિ સીટ સીવરેજ ચાર્જ માસિક ધોરણે લાગુ કરવામાં આવશે.”
જોકે, હિમાચલ સરકારની તાજી સ્પષ્ટતાને ધ્યાને લેવામાં આવે તો તેમાં પણ સીવરેજ કનેક્શનની વાત કરવામાં આવી છે અને તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકાર ઘરમાલિક દ્વારા સ્થાપિત સીટોની સંખ્યાના આધારે સીવરેજ કનેક્શન આપવામાં આવશે તેવા દાવાને નકારી રહી છે અને કહે છે કે આવી કોઈ અધિસૂચના બહાર પાડવામાં આવી નથી. એ વાત સાચી છે કે, નોટિફિકેશનમાં સીટોની સંખ્યાના આધારે સીવરેજ કનેક્શન આપવાની કોઈ વાત કહેવામાં આવી નથી.
પરંતુ મહત્વની બાબત એ છે, જે હિમાચલ સરકાર જણાવી રહી નથી કે આ જ નોટિફિકેશનમાં પ્રતિ સીટ શુલ્ક લગાવવાની વાત તો કહેવાઈ જ છે, અને તે સરકારના જ અધિકારિક આદેશમાં છે. પરંતુ તે બાબતે જળશક્તિ વિભાગે કોઈ સ્પષ્ટતા કરી નથી. કાં તો સરકાર શબ્દોની માયાજાળ રચીને છટકબારી શોધી રહી છે અથવા તો ફજેતીથી બચવા માટે સંપૂર્ણપણે પોતાના જ નોટિફિકેશનને નકારી રહી છે.