કાયમ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પાછળ પડ્યા રહેતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે તાજેતરમાં ગુજરાત સરકાર પર નિયમોથી ઉપરવટ જઈને અદાણી જૂથને લાભ પહોંચાડવાનો અને વધુ પડતી છૂટછાટ આપવાનો આરોપ લગાવ્યો છે. બુધવારે (14 ઑગસ્ટ) કરેલા એક લાંબા ટ્વિટમાં તેમણે અમુક દાવાઓ કરીને સરકાર પર આરોપ લગાવ્યા હતા. જોકે, આ દાવાઓ લાંબો સમય ટકી શક્યા નહીં અને ગુજરાત સરકારે વિગતવાર સ્પષ્ટતા કરીને એજન્ડાનો ફુગ્ગો ફોડી દીધો હતો.
જયરામ રમેશે X પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, ગુજરાત સરકારે રાજ્યનાં મુન્દ્રા, હજીરા અને દહેજ બંદરોનું સંચાલન કરતા અદાણી જૂથને નિયમોથી ઉપરવટ જઈને તેના સંચાલન માટેનો કન્સેશન પિરિયડ વધુ 45 વર્ષ (કુલ 75 વર્ષ) માટે વધારી આપ્યો છે. જ્યારે નિયમો અનુસાર, વધુમાં વધુ 50 વર્ષના કરારની જ પરવાનગી છે. પહેલાં જયરામ રમેશના દાવા જોઈએ.
તેમણે લખ્યું કે, “ગુજરાત સરકાર ખાનગી બંદરોને 30 વર્ષનો કન્સેશન પિરિયડ બિલ્ડ-ઑન-ઓપરેટ-ટ્રાન્સફર (BOOT) પદ્ધતિથી આપે છે. જે સમયગાળો પૂર્ણ થઈ જાય ત્યારબાદ માલિકી ફરી ગુજરાત સરકારને ટ્રાન્સફર થઈ જાય છે. આ મોડેલ પર અદાણી હાલ મુન્દ્રા, હજીરા અને દહેજ બંદરોનું સંચાલન કરે છે.”
The Gujarat Government grants private ports a 30-year concession period on a Build-Own-Operate-Transfer (BOOT) basis, after which ownership gets transferred to the Government of Gujarat. On the basis of this model, Adani Ports currently has control over Mundra, Hazira, and Dahej…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 14, 2024
જયરામ આગળ લખે છે, “2024ની લોકસભા ચૂંટણી પહેલાં અદાણી પોર્ટ્સ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડને (GMB) તેમનો કન્સેશન પિરિયડ 45 વર્ષ વધારે આપવા માટે વિનંતી કરી હતી, જેથી કુલ 75 (30 વર્ષના કરાર પહેલેથી છે) વર્ષ થશે.” જયરામ રમેશનો દાવો છે કે, મહત્તમ 50 વર્ષ સુધીના કન્સેશન પિરિયડની જ અનુમતિ છે, પરંતુ તેમ છતાં GMBએ તાત્કાલિક કોઇ પણ રીતે આ સમયગાળો વધારી આપવા માટે વિનંતી કરી અને ઉતાવળ એટલી હતી કે બોર્ડની પણ મંજૂરી લેવામાં ન આવી અને સીધો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હતો, જેના કારણે ફાઇલ પરત આવી ગઈ હતી.
કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે, GMBના બોર્ડે ભલામણ કરી હતી કે 30 વર્ષનો કન્સેશન પિરિયડ પૂર્ણ થઈ જાય ત્યારબાદ ગુજરાત સરકાર ફરીથી બીજા ઑપરેટરો કે કંપનીઓ પાસેથી બીડ મંગાવે અથવા તો પછી અદાણી સાથે જ ફરીથી નાણાકીય બાબતોને લઈને વાતચીત કરીને નવેસરથી કરાર કરવામાં આવે.” આગળ અદાણી જૂથ વિશે ‘ટેમ્પો વાલા’ શબ્દપ્રયોગ કરીને જયરામ રમેશ લખે છે કે, સ્પર્ધા થવાની સંભાવનાઓ જોતાં તેમણે GMB બોર્ડના નિર્ણયમાં જ ફેરફાર કરવા માટે દબાણ કર્યું અને ત્યારબાદ સમયગાળો વધારી આપવામાં આવ્યો, જેમાં નવી બીડ ન મંગાવાઈ કે ન શરતો પર કોઇ ચર્ચા થઈ. CM પર આરોપ લગાવતાં તેઓ લખે છે કે, મુખ્યમંત્રી અને અન્યોએ ત્યારબાદ આ પ્રસ્તાવ પસાર થાય અને તમામ પ્રકારના ક્લિયરન્સ મળે તે સુનિશ્ચિત કરવામાં કોઇ કસર બાકી ન રાખી.
જયરામે આરોપ લગાવતાં કહ્યું કે, અદાણી ગુજરાતના પોર્ટ સેક્ટર પર મૉનોપોલી સિક્યોર કરી લેશે, જેના કારણે માર્કેટ કોમ્પિટિશનને પણ અસર થશે અને સામાન્ય લોકો માટે ભાવવધારો થશે. જ્યારે ગુજરાત સરકાર વિશે કહ્યું કે, બીડ ન મંગાવવાના કારણે અને શરતો પર ફરીથી વાટાઘાટો ન થવાના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જશે. આગળ દર વખતની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી જૂથને લાભ પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યા અને અંતે કહ્યું કે, આ બધાં કારણોસર સંયુક્ત સંસદીય સમિતિની તપાસ જરૂરી છે.
50 વર્ષની કોઈ મર્યાદા નહીં, નિયમો બધા માટે સરખા: સરકાર
જયરામ રમેશના આ આરોપો મુદ્દે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે કહ્યું કે, પોર્ટ ઑપરેટરોના કન્સેશન પિરિયડમાં 50 વર્ષની કોઈ મર્યાદા નથી અને અદાણી જૂથ માટે કે કોઇ પણ એક કંપની માટે અલગ નિયમો નથી. આ નિયમો બધા માટે સમાન રીતે લાગુ પડે છે અને સ્પષ્ટતા એ પણ કરવામાં આવી કે દેશમાં ઘણાં રાજ્યો છે, જ્યાં કન્સેશન પિરિયડ 99 વર્ષ સુધીના છે.
સરકારે જણાવ્યું કે, ‘ગુજરાત મેરીટાઇમ સેક્ટરમાં હંમેશા અગ્રણી રહ્યું છે અને હાલ પણ દેશમાં સૌથી વધુ સંખ્યામાં કાર્ગોનું સંચાલન કરે છે. વર્ષ 1997માં (જ્યારે કોંગ્રેસના સમર્થનથી શંકરસિંહ વાઘેલાની સરકાર હતી) BOOT પોલિસી અંતર્ગત ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા અમુક કન્સેશન એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેમાં શરૂઆતનો સમયગાળો 30 વર્ષ રાખવામાં આવ્યો અને એવી જોગવાઈ કરવામાં આવી હતી કે તેને પછીથી પ્રાઇવેટ કે જોઇન્ટ સેક્ટર મોડ થકી બંદરના વિકાસ માટે આગળ લંબાવી શકાય.” આ બંદરોમાં પીપાવાવ, મુન્દ્રા, હજીરા, દહેજ, છારા અને જાફરાબાદનો સમાવેશ થાય છે.
Gujarat government denies all allegations of Jayram Ramesh on Adani port#TV9Gujarati #TV9News pic.twitter.com/Trw31Scq8N
— Tv9 Gujarati (@tv9gujarati) August 15, 2024
આગળ જણાવવામાં આવ્યું કે, પોર્ટ ઑપરેટરો પાસેથી કન્સેશન માટેના કરારોની સમયમર્યાદા લંબાવી આપવા માટે અનેક વિનંતીઓ મોકલવામાં આવી હતી. જેમાં દહેજ બંદર તરફથી 2012 અને 2013માં, ATM ટર્મિનલ (પીપાવાવ) તરફથી 2011 અને 2021 વચ્ચે તેમજ APSEZ મુન્દ્રા તરફથી 2015 અને 2021માં આવી વિનંતીઓ સરકારને કરવામાં આવી હતી.
સરકારે નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે, પીપાવાવ પોર્ટ માટે APM ટર્મિનલ સાથેના પહેલા કરાર 2028માં પૂર્ણ થઈ જતા હોવાથી પોર્ટ સેક્ટરના રોકાણકારોને સ્પષ્ટતા રહે અને કાર્ગો મૂવમેન્ટમાં કોઇ અડચણ ન આવે તે માટે આગળ લંબાવવા જરૂરી હતા.
અન્ય રાજ્યોમાં 30થી 99 વર્ષ સુધીના કરારો
ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટમાં 50 વર્ષની મર્યાદા હોવાની કોઇ જોગવાઈ કરવામાં આવી નથી. ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે જેવાં ઘણાં કિનારાનાં રાજ્યોમાં આ સમયગાળો 30થી લઈને 99 વર્ષ સુધીનો છે. સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે GMBનો પ્રસ્તાવ બોર્ડની મંજૂરીથી જ સરકારને મોકલવામાં આવ્યો હતો. અહીં જયરામ રમેશના દાવાનું સ્પષ્ટ ખંડન થાય છે.
આગળ જણાવવામાં આવ્યું કે, આ પોલિસીનો અમલ તમામ પોર્ટ ઑપરેટરો માટે થશે, જેથી કોઇ એકને લાભ મળવાના દાવામાં કોઇ સત્ય નથી. કોઇ એક પોર્ટ ઑપરેટરને જ નીતિમાંથી લાભ થાય તેવું પણ નથી, એટલે મોનોપૉલીનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. સાથે જયરામ રમેશના એ દાવાનું પણ ખંડન કરવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ બધી પ્રક્રિયા એકદમ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “આ પ્રસ્તાવિત નીતિનો અમલ ઘણાં વર્ષો પહેલાં શરૂ થઈ ગયો હતો અને તે પણ જે-તે પોર્ટ ડેવલપર્સની વિનંતી પર કરવામાં આવ્યો હતો, જેમના કરાર આગલા દાયકામાં પૂર્ણ થતા હતા.
કોંગ્રેસ નેતાના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢતાં કહેવામાં આવ્યું કે, “આજ સુધી સરકાર દ્વારા એક્સટેન્શન પર કોઇ પણ પ્રકારની પોલિસી જાહેર કરવામાં આવી નથી. જે પ્રસ્તાવિત નીતિ છે તે હાલ વિચારણા હેઠળ છે. જેથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ ખોટા અને પાયાવિહોણા આરોપો સદંતર નકારી કાઢે છે.”