છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સમર્થકો અને સરકારવિરોધીઓ સોશિયલ મીડિયામાં એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, IIT-BHU રેપ કેસના આરોપીઓને ભાજપ સાચવી રહી છે. તેમના છૂટવા પર પાર્ટી હરખ કરી રહી છે અને ઉજવણી પણ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કટ્ટરપંથીઓ અને ભાજપ તથા મોદી વિરોધી આ દાવાને લઈને ઉત્પાત મચાવી રહ્યા છે.
વાસ્તવમાં થોડા દિવસ અગાઉ જ IIT-BHU રેપ કેસ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે 2 આરોપીઓના શરતી જામીન મંજૂર કરીને તેમને મુક્ત કર્યા હતા. જેવા તેઓ જેલમાંથી બહાર આવ્યા કે સોશિયલ મીડિયા પર એવા દાવા વહેતા થઈ ગયા કે, ભારતીય જનતા પાર્ટી તેમના છૂટવા પર ખૂબ જ ખૂશ છે અને હરખમાં ઉજવણી કરી રહી છે. દાવો કરવામાં આવ્યો કે, ભાજપે કેક કાપીને બળાત્કારીઓનું સ્વાગત કર્યું છે. આ પ્રકારના દાવા જોઈને વામપંથીઓ, કટ્ટરપંથીઓ, કોંગ્રેસીઓ, સપા સમર્થકો સહિતના ભાજપ અને વડાપ્રધાન મોદીનો આંધળો વિરોધ કરતા લોકોએ તેને હવા આપવાનું શરૂ કરી દીધું હતું.
મહત્વનું છે કે, આ પ્રકારે જુઠ્ઠાણું ફેલાવનારા લોકોમાં એક નામ જુઠ્ઠાણું ફેલાવવા માટે કુખ્યાત અને ઓવરસીઝ કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ અવિ ડાંડિયાનું પણ છે. આ એ જ અવિ છે કે, જેણે પુલવામાં આતંકવાદી હુમલા વિશે જુઠ્ઠાણું ફેલાવીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાનો દાવો સાચો સાબિત કરવા આ ગેંગે કેટલાક ફોટા શેર કર્યા અને દાવો કર્યો કે, આ ગેંગરેપના આરોપીઓ છે અને તે ભાજપના કાર્યકર્તાઓ સાથે મોજ-મસ્તી કરી રહ્યા છે. ફોટામાં જેને આરોપી તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે, તેનો આખો ચહેરો જ કેકથી ઢંકાયેલો નજરે પડી રહ્યો છે. જુઠ્ઠાણું ફેલાવવાના ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યું કે, આરોપીઓને જામીન મળવાની ખૂશીમાં આ પાર્ટી યોજવામાં આવી રહી છે.
શું છે ફોટા પાછળની વાસ્તવિકતા?
ભાજપવિરોધી ગેંગ જે ફોટો શૅર કરી રહી છે, તેની પાછળની વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી ઉઠશો. વાસ્તવમાં આ ફોટો આરોપીઓ પૈકીના એક સક્ષમ સિંઘ પટેલે તેના જન્મદિવસ નિમિત્તે શૅર કર્યો હતો. ટાઈમલાઈન અનુસાર, આ ફોટો 12 જુલાઈ 2021ના રોજ શૅર કરવામાં આવ્યો હતો. મહત્વની વાત તો તે છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે હજુ સુધી સક્ષમને જામીન જ નથી આપ્યા. જો સક્ષમને જામીન જ ન મળ્યા હોય તો તેની ઉજવણીના ફોટા કેવી રીતે સામે આવી શકે?
Claim About BJP leader Welcoming IIT-BHU Gangrape Accused is False pic.twitter.com/CdT84Vrl0E
— Only Fact (@OnlyFactIndia) September 1, 2024
વાસ્તવિકતા તો તે છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે જેમને જામીન આપ્યા છે, તે આરોપીઓના નામ કુણાલ પાંડે અને આનંદ ચૌહાણ છે. સક્ષમ સિંઘ તો હજુ જેલમાં જ છે. આરોપી કુણાલને 24 ઑગસ્ટે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, જયારે આનંદને ગત મહિનાની 29 તારીખે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્રીજા આરોપીએ જામીન અરજી દાખલ કરી છે, પરંતુ હજુ સુધી તેને જામીન નથી મળ્યા.
વાસ્તવમાં ત્રણેય આરોપીઓ ભાજપ આઇટી સેલના સભ્ય તરીકે કામ કરતા હતા. પરંતુ સામુહિક બળાત્કાર કેસમાં નામ ખૂલ્યા બાદથી પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી દીધી હતી. યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારે તાત્કાલિક એક્શનના આદેશ આપ્યા હતા અને કાર્યવાહી પણ ઝડપી બનાવવામાં આવી હતી. તે ઉપરાંત તાત્કાલિક ધોરણે જ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી. જોકે, આ બધાથી વિપરીત માત્ર સસ્તી પ્રસિદ્ધિ અને રાજકીય લાભ માટે વિપક્ષ સમર્થકો અને ભાજપવિરોધીઓ સદંતર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.