Sunday, January 19, 2025
More
    હોમપેજફેક્ટ-ચેકશું પીએમ મોદીએ કહ્યું કે દર વર્ષે ભારતમાં અઢી કરોડ 'કાર' વેચાય...

    શું પીએમ મોદીએ કહ્યું કે દર વર્ષે ભારતમાં અઢી કરોડ ‘કાર’ વેચાય છે?… મીડિયાએ મિસ્કવોટ કર્યા બાદ વડાપ્રધાનને કરાયા ટાર્ગેટ- અહીં જાણો હકીકત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંય 'કાર' શબ્દનો ઉપયોગ નથી કર્યો. તેઓ 'ગાડીઓ' બોલી રહ્યા છે. અહીં તે સમજવું જરૂરી છે કે ગુજરાતીની જેમ હિન્દીમાં પણ વાહન માટે 'ગાડી-ગાડિયાં' શબ્દ પ્રયોજાય છે.

    - Advertisement -

    હમણાં ન્યૂઝ એજન્સી ANIના એક ટ્વિટ અને અહેવાલના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઇકોસિસ્ટમ દાવો કરી રહી છે કે PM મોદીએ એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે દેશમાં વેચાતી કારના (Cars) આંકડાઓ આપવામાં જુઠ્ઠાણું ચલાવ્યું. કોંગ્રેસીઓ અને મોદી વિરોધીઓ એ સમાચાર ફેરવી રહ્યા છે, જેમાં વડાપ્રધાનને દેશમાં 2.5 કરોડ કાર દર વર્ષે વેચાતી હોવાનું કહેતા હોય તે રીતે ક્વોટ કરવામાં આવ્યા છે.

    વિગતવાર જોઈએ તો ગત 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નો શુભારંભ કરાવ્યો અને ત્યારબાદ સંબોધન કર્યું હતું. આ સંબોધનને લઈને ન્યૂઝ એજન્સી ANIએ એક અહેવાલ છાપ્યો અને તેને લઈને એક X પોસ્ટ પણ કરી. આ પોસ્ટમાં ANIએ લખ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતમાં દર વર્ષે વેચાય છે 2.5 કાર, અનેક દેશોની વસ્તી કરતાં પણ વધુ.’ આ તેની હેડલાઇન છે.

    ANIની પોસ્ટને આધાર બનાવી ફેલાવ્યું જુઠ્ઠાણું

    ANIનો આ રિપોર્ટ મોદીવિરોધીઓ માટે પ્રોપગેન્ડા ફેલાવવાનું એક હથિયાર બની ગયો. એજન્સીએ પ્રકાશિત કરેલા આ તથાકથિત નિવેદનને ‘ખોટું’ સાબિત કરવાની ઘેલછા સાથે ધડાધડ પોસ્ટ થવા લાગી અને પીએમ મોદીની મજાક બનાવવાનું શરૂ થઈ ગયું. કોંગ્રેસ સમર્થક X હેન્ડલ તમિલન પરથી ANIની પોસ્ટને શેર કરવામાં આવી અને લખવામાં આવ્યું કે, “2.5 કરોડ એટલે કે 25 મિલિયન. એટલી ચીન વેચે છે, ભારત માત્ર 4 મિલિયન વેચે છે, વધુ એક બેશરમીભર્યું જુઠ્ઠાણું.”

    - Advertisement -

    કોંગ્રેસ પ્રવક્તા અને કર્ણાટક કોંગ્રેસનાં મહામંત્રી લાવણ્યા જૈને પણ ANIની આ પોસ્ટ શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટા સાબિત કરવા વર્ષ 2023 અને 2024માં કેટલી કાર અને વાહન વેચાયાં એનો હિસાબ મૂક્યો. જોકે, આ આંકડા તેઓ ક્યાંથી લાવ્યાં તેની તેમણે કોઈ માહિતી આપી નથી. તેમણે લખ્યું છે કે, “પીએમને ખોટા આંકડા કોણ આપે છે.”

    આ રીતે ઘણાં હેન્ડલો પરથી પીએમ મોદીની મજાક ઉડાવતી પોસ્ટ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો કે સર્વોચ્ચ પદ પર બેઠેલ વ્યક્તિ આ રીતે ખોટા આંકડાઓ આપી રહી છે.

    શું છે વાસ્તવિકતા?

    અહીં વાસ્તવિકતા શું છે તે જાણવું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચનો એ ભાગ ધ્યાનથી સાંભળવો પડે. જેને સાંભળતા જ ANIની ભૂલ અને તેના આધારે ચાલેલા તરખાટનો ખુલાસો થઈ જાય. અહીં પીએમ મોદી કહી રહ્યા છે કે, “એટલી તો વિશ્વના કેટલાક દેશોની વસ્તી નથી, જેટલી દર વર્ષે ભારતમાં ‘ગાડીઓ’ વેચાઈ રહી છે. એક વર્ષમાં લગભગ અઢી કરોડ ગાડીઓનું વેચવું તે દર્શાવે છે કે ભારતમાં માંગ સતત કેવી રીતે વધી રહી છે.”

    અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંય ‘કાર’ શબ્દનો ઉપયોગ નથી કર્યો. તેઓ ‘ગાડીઓ’ બોલી રહ્યા છે. અહીં તે સમજવું જરૂરી છે કે ગુજરાતીની જેમ હિન્દીમાં પણ વાહન માટે ‘ગાડી-ગાડિયાં’ શબ્દ પ્રયોજાય છે. અહીં વડાપ્રધાને ‘ગાડિયાં’ શબ્દ પ્રયોજ્યો છે, તે વાસ્તવમાં કાર-ફોર વ્હીલર, પેસેન્જર વ્હીકલ માટે નહીં, પરંતુ ઓવરઓલ જે વાહનો વેચાયાં છે તેના માટે છે. તેમના કહેવાનો સીધો અર્થ તે થાય છે કે દેશમાં બે વર્ષમાં અઢી કરોડ ‘વાહન’ વેચાયાં છે, નહીં કે માત્ર કાર.

    તેમની આ વાતની પુષ્ટિ કરવા માટે તપાસ કરી તો DD ન્યૂઝનો 14 જાન્યુઆરી, 2025ના રોજ પ્રકાશિત થયેલો એક અહેવાલ મળ્યો. અંગ્રેજીમાં છપાયેલા આ અહેવાલની આ હેડલાઈન છે- “2024માં ભારતના ઓટોમોબાઈલ સેલ રેકોર્ડ બ્રેક 2.5 કરોડ યુનિટ રહ્યો, 11.6% નો વધારો નોંધાયો.” અહીં હેડલાઇનમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલી વાતની પુષ્ટિ થઈ ગઈ. અહેવાલમાં સોસાયટી ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સને (SIAM) ટાંકીને લખવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2024માં ઓટોમોબાઈલ વેચાણમાં 11.6%ની વૃદ્ધિ થઈ છે.

    શું કહે છે SIAMના આંકડા?

    અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2023માં વેચાયેલા વાહનોનો આંકડો 2.3 કરોડ યુનિટ હતો, તે વર્ષ 2024માં વધીને 2.5 કરોડે પહોંચી ગયો છે. અહેવાલમાં SIAMના અધ્યક્ક્ષ શૈલેશ ચંદ્રાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 2024માં ટુ-વ્હીલર્સનું વેચાણ 14.5% વધ્યું અને તેનો આંકડો 1.95 કરોડે પહોંચ્યો, પેસેન્જર (PV) વાહનોના વેચાણમાં 4.2% વૃદ્ધિ થઈ અને 43 લાખ યુનિટ વેચાયા અને થ્રી-વ્હીલરના વેચાણમાં 6.8% વૃદ્ધિ આવી અને તેના 7.3 લાખ યુનિટ વેચાયા.

    અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2024માં ડીલરોને મોકલવામાં આવેલા પેસેન્જર વાહનોની સંખ્યા 2023માં 2,86,390 યુનિટ હતી, જે 2024માં વધીને 3,14,934 યુનિટ થઈ ગઈ. ટુ-વ્હીલર વાહનોની સંખ્યામાં 9%નો ઘટાડો આવ્યો છે, જે ગયા વર્ષે 12,12,238 યુનિટ હતું જે ડિસેમ્બરમાં 11,05,565 યુનિટ રહી. સાથે જ થ્રી-વ્હીલરની સંખ્યામાં વધારો થયો અને તે 50,947 યુનિટથી વધીને 52,733 યુનિટ પહોંચી ગઈ.

    નિષ્કર્ષ

    DD ન્યૂઝના અહેવાલ અને તેમાં ટાંકવામાં આવેલા SIAMના આંકડા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું નિવેદન સાચું છે કે એક વર્ષમાં અંદાજે અઢી કરોડ ‘ગાડીઓ’નું વેચાણ થયું. અહીં ગાડીઓ શબ્દ ‘વાહન’ શબ્દના સ્થાને પ્રયોજવામાં આવ્યો છે, જે સર્વસામાન્ય બાબત છે અને સામાન્ય બોલચાલમાં વપરાય છે. ANI દ્વારા કરવામાં આવેલા મિસ્કવોટ અને તેના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુઠ્ઠાણું ચલાવ્યું હોવાના દાવા તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં