ભાજપ નેતા અને પોરબંદર વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના એક નિવેદનને ટાંકીને મીડિયા ચેનલ ઝી 24 કલાકે દાવો કર્યો છે કે તેમણે ઘણા નેતાઓ ED, CBI અને ITથી ડરીને ભાજપમાં આવતા હોવાનું કહ્યું હતું.
ઝી 24 કલાકના X અકાઉન્ટ પરથી એક વિડીયો સાથે લખવામાં આવ્યું કે, ‘ઘણા નેતાઓ ED, CBI, ITથી ડરીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે: અર્જુન મોઢવાડિયાનું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર.’ વિડીયોમાં બુલેટિન દરમિયાન એન્કર કહે છે કે, મોઢવાડિયા ભાષણમાં એવું બોલી ગયા કે ED, CBI અને IT ટાર્ગેટ કરે છે એટલે કોંગ્રેસ છોડીને નેતાઓ ભાજપમાં આવે છે.
ઘણા નેતાઓ ED, CBI, ITથી ડરીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે: અર્જુન મોઢવાડિયાનું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર #Gujarat #BJP #Congress #LokSabhaElections2024 pic.twitter.com/s41lwZm4Eo
— Zee 24 Kalak (@Zee24Kalak) April 27, 2024
આ ટ્વિટના કારણે ઘણા યુઝરો ઊંધું સમજી બેઠા અને એવી ટિપ્પણીઓ પણ ચાલુ થઈ ગઈ કે ભાજપ નેતા સાચું બોલી ગયા અને જે વાત કોંગ્રેસના નેતાઓ કરતા તે હવે ભાજપ નેતાઓ કરી રહ્યા છે.
પરંતુ વિડીયોમાં ચલાવવામાં આવેલી અર્જુન મોઢવાડિયાના ભાષણની ક્લિપ સાંભળવામાં આવે તો સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે. આ ક્લિપ જ એનો પુરાવો છે કે તેઓ કોંગ્રેસની શું માનસિકતા છે તે અંગે વાત કરી રહ્યા હતા અને જે રીતે દાવો કરવામાં આવે છે તે અર્થમાં તેમણે કહ્યું ન હતું.
વિડીયોમાં તેઓ કહે છે કે, “હું સ્ટેજ પર (બોલવા માટે) ઉભો થાઉં એટલે બધા તૈયાર હોય કે હું મોદી સાહેબની ટીકા કરીશ કે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરીશ. પણ આજે જ્યારે દેશ બદલાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ બદલાવા તૈયાર નથી. તેમના નેતાઓ માત્ર ઉપરવાળા શું વિચારે છે એ જ વિચારે છે, અને જો કોઇ બહાર નીકળે તો ED, CBI કે ઇન્કમ ટેક્સ તેને ટાર્ગેટ કરે છે એટલા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે.”
આગળ તેઓ કહે છે, “મેં 20 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં રહ્યો. પરંતુ મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી આવ્યો. તેમને દરેક વ્યક્તિમાં સારપ દેખાય છે, જ્યારે હું જે પક્ષમાં હતો તેમાં એક નેતા સિવાય બાકીના બધા સારા નથી લાગતા. એટલા માટે હવે બદલાવ આવી રહ્યો છે.”
કોંગ્રેસની માનસિકતા વિશે વાત કરી રહ્યા હતા ભાજપ નેતા
અહીં સ્પષ્ટ છે કે અર્જુન મોઢવાડિયા વિપક્ષના એ દાવાઓની વાત કરી રહ્યા હતા, જે સામાન્ય રીતે કોઇ પણ વિપક્ષી નેતા તેની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય ત્યારે વિપક્ષો કરતા આવે છે. સામાન્ય રીતે એવું કહી દેવામાં આવે છે કે જે-તે નેતા ED, CBI કે ITના ડરના લીધે ભાજપમાં ગયા. તેઓ વિપક્ષની માનસિકતા વિશે જણાવી રહ્યા હતા. પોતે એમ કહ્યું નથી કે એજન્સીઓના ડરના કારણે નેતાઓ ભાજપમાં આવે છે.
જેથી તેમના નામે નિવેદન ચડાવી દેવું એ ભ્રામક છે. તેમણે વિપક્ષ કે કોંગ્રેસની માનસિકતા વિશે વાત કરી હતી અને ત્યારબાદ તરત એમ કહીને આ આરોપોનું ખંડન પણ કર્યું હતું કે તેઓ વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા છતાં સરકારે કે ભાજપે તેમને હેરાન કર્યા નથી.
નોંધવું જોઈએ કે અગાઉ પણ તેઓ આ વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ ED, CBI અને અન્ય એજન્સીઓનો ઉલ્લેખ કરીને પાર્ટી છોડનારા આરોપ લગાવતા રહે છે, પરંતુ 40 વર્ષમાં તેમણે ક્યારેય કોઇ કાર્યવાહીનો સામનો કર્યો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો ખોટાં કામ કર્યાં હોય તો જ કાર્યવાહી થાય.
ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં પુષ્ટિ કરી
આ અંગે અર્જુન મોઢવાડિયાએ ઑપઇન્ડિયા સાથે પણ વાત કરી. દરમ્યાન તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના કહેવાનો આશય એ હતો કે કોંગ્રેસ એવી માનસિકતા ધરાવે છે, કે નેતાઓ એજન્સીના ડરથી પાર્ટી છોડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એવી નથી. તેમણે પોતાનું ઉદાહરણ આપીને પણ કહ્યું કે તેઓ વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા હોવા છતાં તેમણે સત્તાપક્ષ તરફથી કોઇ બદલાની કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું નથી.
તેમણે ઉમેર્યું કે, આમાં તેમની જીભ લપસી હોય તેવું પણ કંઈ નથી અને પોતે કોંગ્રેસની માનસિકતા વિશે વાત કરી રહ્યા હતા. તેમના નિવેદનને ટ્વિસ્ટ કરવામાં આવ્યું હોય શકે, પરંતુ હકીકત જુદી છે.