Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સફાઈનલ પહેલાં કેવી રીતે ડિસ્કવોલિફાય થઈ વિનેશ ફોગાટ? શું કહે છે ઓલમ્પિક્સના...

    ફાઈનલ પહેલાં કેવી રીતે ડિસ્કવોલિફાય થઈ વિનેશ ફોગાટ? શું કહે છે ઓલમ્પિક્સના નિયમો: વિશેષજ્ઞોએ કહ્યું- આમાં ષડ્યંત્ર જેવું કંઈ જ નથી- જાણો હકીકતે શું બન્યું હતું

    યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા આરક્ષિત આંતરરાષ્ટ્રીય કુશ્તી પ્રતિયોગિતા નિયમો અનુસાર, જો કોઈ પહેલવાન પ્રતિયોગિતા પહેલાં વજન પરીક્ષણમાં નિષ્ફળ રહે છે તો તેને તાત્કાલિક ધોરણે અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવે છે. આ સાથે જ તેને તે રમતમાં અંતિમ સ્થાન આપી દેવામાં આવે છે.

    - Advertisement -

    હાલ ઓલમ્પિક્સ 2024 (Paris Olympics 2024) ચાલી રહ્યો છે ત્યારે બુધવારે (7 ઑગસ્ટ) પેરિસથી ભારત માટે એક માઠા સમાચાર સામે આવ્યા. રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) ઓવરવેટના કારણે ડિસ્કવોલિફાય (Disqualify) થઈ ગઈ. વિનેશ ફિમેલ 50 KG કેટેગરીમાં ફાઇનલ રમવા માટે જવાની હતી, પરતું તે પહેલાં જ તેનાં સપનાં પાણીની જેમ વહી ગયાં. મેચ પહેલાં કરવામાં આવતા વજનમાં તેનું વજન નિયત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ થયું હતું. જે બાદ તેને અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવી હતી. જેના કારણે તે ફાઇનલ મેચ રમી શકશે નહીં અને કોઈપણ પ્રકારના મેડલની હક્કદાર પણ રહેશે નહીં. જો કદાચ ફાઇનલમાં મેચ રમીને હાર પણ મળી હોત, તોપણ સિલ્વર મેડલ પોતાના નામે કરી શકાયો હોત. પરંતુ ડિસ્કવોલિફાયના કેસમાં કશું જ મળી શકતું નથી.

    ભારતીય કુશ્તીના દિગ્ગજ મહાબલી સતપાલે આ અંગે કહ્યું છે કે, આ સમાચાર દેશ માટે દુઃખદાયી છે. પરંતુ તેમણે તે વાત પર પણ વાંધો વ્યકત કર્યો છે કે, કોઈપણ ખેલાડી અને કોચ આટલા બેદરકાર કઈ રીતે હોય શકે કે, સ્પર્ધાના ઠીક પહેલાં વજન વધેલું જોવા મળે. આ સાથે જ તેમણે વજન લેવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વજન લેવાની પ્રક્રિયા એકદમ પારદર્શી હોય છે, તેથી તેના પર દોષ આપી શકાય નહીં. ખેલાડી અને કોચની જવાબદારી હોય છે કે, તેઓ પોતાના હિત માટે વજન નિયંત્રણમાં રાખે. જો સ્પર્ધા સમયે કોઈ ખેલાડીનું વજન વધુ નીકળે તો તેને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવે છે.

    વિનેશ ફોગાટ સાથે બનેલી આ ઘટનાએ દેશભરમાં એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. દેશમાં ઓલમ્પિક્સ ગેમ્સ અને કુશ્તીના નિયમો વિશેની ચર્ચાએ જોર પકડયું છે. લોકો તે જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે, શા માટે વિનેશ ફોગાટ અંત સમયે ડિસ્કવોલિફાય થઈ? તે પહેલાંની રમતમાં તેનો વજન બરાબર હતો, પરંતુ હવે શા માટે તે અયોગ્ય જાહેર થઈ? શું હોય છે આ બધા નિયમો?

    - Advertisement -

    શું હોય છે કુશ્તીના નિયમો?

    યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા આરક્ષિત આંતરરાષ્ટ્રીય કુશ્તી પ્રતિયોગિતા નિયમો અનુસાર, જો કોઈ પહેલવાન સ્પર્ધા પહેલાં વજન પરીક્ષણમાં નિષ્ફળ રહે છે તો તેને તાત્કાલિક ધોરણે અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવે છે. આ સાથે જ તેને તે રમતમાં અંતિમ સ્થાન આપી દેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, વિનેશ ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ કોઈપણ મેડલની હક્કદાર બની શકશે નહીં. જો કદાચ એ ફાઇનલ હારી હોત તો પણ તેને સિલ્વર મેડલ મળી શક્યો હોત, પણ ડિસ્કવોલિફાયના કેસમાં તેવી કોઈ જોગવાઈ નથી.

    આંતરરાષ્ટ્રીય કુશ્તી નિયમના આર્ટિકલ 11 અનુસાર, વિનેશ ફોગાટના સ્થાને તે ખેલાડીને લેવામાં આવશે, જે સેમિફાઇનલમાં તેની સામે હાર્યો હતો. ઓલમ્પિક્સ કુશ્તીમાં સ્પર્ધા પહેલાં પહેલવાનોએ પોતાનું વજન કરાવવાનું હોય છે. પરંતુ જો કોઈ વેટ કેટેગરીની સ્પર્ધા બે દિવસમાં પૂર્ણ થતી હોય તો બીજા દિવસે પણ વજન કરવામાં આવે છે. ખાસ કરીને ફાઇનલમાં પહોંચનારા પહેલવાનનું વજન બીજા દિવસે પણ ફરજિયાત કરવામાં આવશે. દરેક પહેલવાનને પહેલા દિવસે વજન કરાવવા માટે 30 મિનિટ સુધીનો સમય આપવામાં આવે છે.

    30 મિનિટ દરમિયાન તેઓ અનેકવાર પોતાનું વજન કરી શકે છે. આ દરમિયાન તેમને માત્ર પોતાનો આધિકારિક ગણવેશ (યુનિફોર્મ) પહેરવાની જ પરવાનગી હોય છે. બીજા દિવસે, ખાસ કરીને ફાઇનલમાં પહોંચેલા પહેલવાનો માટે 15 મિનિટનો સમય વજન કરવા માટે આપવામાં આવે છે. આ દરમિયાન જ વિનેશ ફોગાટના વજનમાં વધારો જોવા મળ્યો હતો. જો કોઈપણ ખેલાડીએ મેડિકલ ચેકઅપ ના કરાવ્યું હોય તો તેવા પહેલવાનને વજન કરવા દેવામાં આવતું નથી. મેડિકલ ચેકઅપ આ કિસ્સામાં ફરજિયાત બની રહે છે.

    આ ઉપરાંત એ નિયમ તે પણ છે કે, વજન માપણી દરમિયાન પહેલવાને લાયસન્સ અને મેડિકલ ચેકઅપ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જો આવું ન થયું તોપણ તેને વજન કરવા દેવામાં આવી શકે નહીં. મેડિકલ ચેકઅપ દરમિયાન જો કોઈ બીમારી ધ્યાને આવે તો સંબંધિત પહેલવાનને બહાર કરી દેવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય નાની-નાની બાબતો પણ ધ્યાને લેવામાં આવે છે. જેમ કે, પહેલવાનોના નખ યોગ્ય અને નાના હોવા જોઈએ, શારીરિક ખોડખાંપણ ન હોવી જોઈએ.

    વજન માપણી માટે જવાબદાર રેફરીએ તે તપાસ કરવાની રહેશે કે, તમામ પહેલવાનોના વજન તેમની કેટેગરીને અનુરૂપ છે કે કેમ, નિયમોના આર્ટિકલ-5 હેઠળ આ બાબતની સત્તા રેફરી પાસે હોય છે. જો કોઈ એથલીટ વજન માપણીની પ્રક્રિયામાં સામેલ નથી થતો અથવા તો કોઈ કારણોસર તેનું વજન ઓછું કે વધુ આવે તો તેને તાત્કાલિક ધોરણે અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવશે અને કોઈપણ જાતના રેન્ક વિના તેને અંતિમ સ્થાન આપવામાં આવશે.

    ખાસ નોંધવા જેવું તે છે કે, આ પહેલાંની તમામ પ્રતિયોગિતામાં વિનેશ ફોગાટ 53 કિલોગ્રામની કેટેગરીમાંથી લડી હતી અને શાનદાર જીત પણ મેળવી હતી. આ વખતે તેણે 50 કિલોગ્રામની કેટેગરીમાં હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી વજન ઉતારવા માટે કામ પણ કરી રહી હતી, પરંતુ તે તેમાં સંપૂર્ણપણે સફળ થઈ શકી નહોતી. ફાઇનલ વજન માપણી પહેલાં તેણે આખી રાત વજન ઉતારવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ 100 ગ્રામ વજનના કારણે તેને ડિસ્કવોલિફાય થવું પડ્યું હતું.

    4 મહિના પહેલાં વિનેશે આ કામને ગણાવ્યું હતું કઠિન

    વિનેશ ફોગાટ છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના વજન પર ધ્યાન આપી રહી હતી. જોકે, વિરોધ પ્રદર્શનોમાં સમયનો વ્યય થયો હોવાથી તેમાં ખાસ ધ્યાન આપી શકાયું નહોતું. પરંતુ તેમ છતાં તેણે 4 મહિના પહેલાં વજન ઓછું કરવાને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, આ કામ તેના માટે ખૂબ કઠિન છે. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, 50 કિલોગ્રામની સૌથી નીચી કેટેગરીમાં વજન ઓછું કર્યા બાદ તેને જાળવી રાખવું પેરિસ ઓલમ્પિક્સમાં એક મોટો પડકાર છે. નોંધનીય છે કે, વિનેશે ‘રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંઘના વિરોધમાં દોઢ વર્ષ સુધી વિરોધ પ્રદર્શનો કરીને પોતાનો અમૂલ્ય સમય ગુમાવી દીધો હતો. જો તેણે તે સમયે પોતાના પર ધ્યાન આપ્યું હોત તો પેરિસ ઓલમ્પિક્સ-2024માં ગોલ્ડ મેડલ મળવો લગભગ નિશ્ચિત હતો.

    કોન્સ્પિરસી થિયરીમાં કોઇ તથ્ય નહીં

    વિનેશ ફોગાટના ડિસ્કવોલિફિકેશન બાદ ભારતમાં અમુકે જાતજાતની વાર્તાઓ ઘડવાનું શરૂ કરી દીધું છે તો રાજકારણીઓએ આને પણ રાજકારણનો વિષય બનાવી દીધો છે. એક પછી એક ‘કોન્સ્પિરસી થિયરી’ રજૂ કરવામાં આવી રહી છે. પરંતુ હકીકતે આમાં ‘ષડ્યંત્ર’ જેવું કશું જ નથી. ન્યૂઝ18ના એક રિપોર્ટમાં એથ્લેટિક્સ ફેડરેશનના પ્રમુખને ટાંકીને જણાવાયું છે કે વિનેશ કાલે સફળ થઈ ગઈ હતી. ત્યારબાદ તમને ભોજન લેવાની પરવાનગી આપવામાં આવે છે. તેણે બે મેચ વચ્ચે ભોજન લીધું હતું, કારણ કે શક્તિની જરૂર પડે છે. પણ રાત્રે તેમને જાણવા મળ્યું કે વિનેશનું વજન વધુ છે. તેઓ આખી રાત ડૉક્ટરો સાથે રહ્યા, વાળ પણ કાપવામાં આવ્યા, અન્ય યુક્તિઓ અજમાવવામાં આવી, પણ અમુક ગ્રામ વજન ન ઘટાડી શકાયું. આમાં કોઇ ષડયંત્ર નથી. આ નિયમો છે અને રમતમાં નિયમો હોય છે. 

    આ તબક્કે આવીને આવી ભૂલ કઈ રીતે થઈ શકે? તેની ઉપર તેઓ જણાવે છે કે, “કોઇ રીતે આ ભૂલ નથી. માણસનું શરીર છે. આવું થવું તદ્દન સ્વાભાવિક છે. લોકોએ સમજવું પડશે કે આમાં કોઇ ષડયંત્ર જેવું નથી. આ સિવાય, 2008ના ઓલમ્પિક ધ્વજવાહક અને પત્રકાર દિગ્વિજય સિંઘ દેવએ પણ X પર આવી થિયરીઓને નકારી દીધી હતી. તેમણે કહ્યું કે, “બધા જ પ્રયાસો કરવામાં આવ્યા, પણ સફળતા ન મળી. આમાં કોન્સ્પિરસી થિયરી ન ચલાવવી જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે, મંગળવારે વિનેશ ફોગાટે પહેલાં ક્વાર્ટર ફાઈનલ અને ત્યારબાદ સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આમ કરનાર તે પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. તેણે લાસ્ટ-8 સ્ટેજમાં યુક્રેનની મહિલા પહેલવાનને હરાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ચાર વખતની ચેમ્પિયન અને ગોલ્ડ મેડલ વિજેતા મહિલા પહેલવાનને હરાવી હતી. ત્યારબાદ સેમીફાઇનલમાં ક્યુબાની પહેલવાન સામે 5-0થી જીતીને ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ હવે ડિસ્કવોલિફિકેશનના કારણે મેડલ જીતી શકશે નહીં.

    આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને IOA અધ્યક્ષ પી. ટી ઉષા સાથે વાતચીત કરીને આ મામલે ભારત તરફથી કડક વિરોધ નોંધાવવા માટે કહ્યું છે. બીજી તરફ, પેરિસમાં ઓલમ્પિક્સ કમિટી પણ પોતાની રીતે અપીલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ નિયમોને જોતાં આમાં નવાજૂની થવી કઠિન માનવામાં આવે છે. કારણ કે ઓલમ્પિક્સ કમિટી તરફથી આ બાબતની આધિકારિક જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને કહેવાયું છે કે વિનેશ બહાર થતાં હવે સેમીફાઈનલમાં તેની સામે હારનાર પહેલવાન ફાઈનલ રમશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં