વર્તમાનમાં યુનાઇટેડ કિગડમમાં જ્યુરી સિસ્ટમની ભારે ચર્ચા ચાલી રહી છે. યુકે સરકાર કેટલાક પ્રકારના ગુનાઓ માટે જ્યુરી દ્વારા ચાલતી સુનાવણીને (Jury Trial) ઘટાડવા અથવા કેટલાક સ્તરે સમાપ્ત કરવાની વિચારણા કરી રહી છે. આ પગલું માત્ર બ્રિટનની વહીવટી સમસ્યાઓને ઉકેલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ભારત જેવા દેશોના અનુભવને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યાં આ સિસ્ટમને 1980ના દાયકામાં જ બંધ કરી દેવામાં આવી હતી.
યુકેમાં, ખાસ કરીને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે. કોર્ટમાં કેસોની રેકોર્ડ સંખ્યાના બેકલૉગને (વિલંબ) કારણે, હાલમાં 78,000થી વધુ કેસો પેન્ડિંગ છે. કહેવાઈ રહ્યું છે કે ભવિષ્યમાં આવા કેસોની સંખ્યા 1,00,000 સુધી પહોંચી શકે છે. આના કારણે ટ્રાયલની તારીખો 2029 કે 2030 સુધી લંબાઈ ગયેલી છે. વારંવાર ટ્રાયલ લંબાવવાના કારણે પીડિતો, સાક્ષીઓ અને આરોપીઓમાં માનસિક તણાવ ઉભો થાય છે.
હવે ન્યાય મંત્રાલય (MoJ) અને જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમી આ સમસ્યાને ઉકેલવા માટે જ્યુરી ટ્રાયલને મર્યાદિત કરવાના કડક પગલાં લેવા માંગે છે. બ્રિટનની લેબર સરકારે 2025માં જાહેરાત કરી છે કે, ક્રાઉન કોર્ટમાં (Crown Court) જ્યુરી ટ્રાયલને મોટાભાગના કેસો માટે મર્યાદિત કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ‘મિડ-રેન્જ’ અપરાધો (મધ્યમ સ્તરના) જેમ કે ચોરી, લૂંટ, છેતરપિંડી, હુમલો અને અન્ય કેસો સામેલ છે, જેમાં મહત્તમ 5 વર્ષની સજા થઈ શકે. આ કેસોમાં હવે સિંગલ જજ અથવા જજ અને બે મેજિસ્ટ્રેટ્સ (magistrates) દ્વારા વિચારણા થશે, જ્યારે હત્યા, બળાત્કાર, હંમેશા મૃત્યુ અને જાહેર હિતના કેસોમાં જ્યુરી જ નિર્ણય લેશે.
આ પ્રસ્તાવનું મુખ્ય કારણ કોર્ટમાં વધતો જતો બેકલૉગ છે. આ અંગે બ્રાયન લેવેસને ચેતવણી આપી છે કે, “આ રીતે ચાલ્યું તો સિસ્ટમનું પતન થઈ જશે.” આ પ્રસ્તાવો ડિસેમ્બરમાં જાહેર થશે અને નવા વર્ષમાં તેમને કાયદાકીય રૂપ આપવામાં આવે તેવા સમાચાર છે. નોંધનીય છે કે યુકે સરકાર ‘ક્રાઉન કોર્ટ બેન્ચ ડિવિઝન’ (Crown Court Bench Division – CCBD) નામક નવો વિભાગ બનાવવાની યોજના ધરાવે છે, જ્યાં જજ અને મેજિસ્ટ્રેટ્સ દ્વારા કેસો પર વિચારણા થશે.
નિષ્ણાતોનું કહેવું છે કે, તેનાથી કોર્ટના 9,000 દિવસો બચી શકે છે અને વર્તમાન બેકલૉગને 5 વર્ષમાં ક્લીયર કરી શકાય એમ છે. વિલંબને કારણે પીડિતો અને સાક્ષીઓ તપાસમાંથી હાથ ખંખેરી લે છે, આ સિવાય પુરાવા નબળા પડે છે અને કાં તો આરોપીઓને વર્ષો સુધી જેલમાં રહેવું પડે કાં તો કેટલાક તરત જ છૂટી જાય છે. લાંબા સમય સુધી ચાલતી ટ્રાયલોના કારણે યુકેની જેલની વસ્તી રેકોર્ડ સ્તરે છે. નોંધનીય છે કે આ ફેરફારોમાં વાયલન્સ અગેન્સ્ટ વુમન એન્ડ ગર્લ્સ જેવા મુદ્દાઓને પણ આવરી લેવાયા છે.
યુકેમાં ઘણા લોકો આ નવા ફેરફારોનો વિરોધ કરી રહ્યા છે અને જ્યુરી સિસ્ટમ બચાવવાનું કહી રહ્યા છે.
શું છે જ્યુરી સિસ્ટમ?
જ્યુરી ટ્રાયલ એ ન્યાય વ્યવસ્થામાં નાગરિકોની ભાગીદારીનો મુખ્ય આધાર માનવામાં આવે છે. આ પ્રથા જે મેગ્ના કાર્ટાના (Magna Carta – 1215) યુગથી સ્થાપિત થયેલ છે. જ્યુરી ટ્રાયલ એટલે એવી કાનૂની કાર્યવાહી, જેમાં સામાન્ય નાગરિકોને રેન્ડમલી પસંદ કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે 12 લોકો હોય છે. આ સમિતિ જ્યુરી કહેવામાં આવે છે અને તેનું મુખ્ય કાર્ય કેસના પુરાવાઓ સાંભળીને માત્ર હકીકતો (Facts) નક્કી કરવાનું અને અંતિમ વર્ડિક્ટ (Verdict) એટલે કે આરોપી ‘દોષિત’ (ગિલ્ટી) છે કે ‘નિર્દોષ’ (નોન ગિલ્ટી) તે જાહેર કરવાનું હોય છે.
જજ અને જ્યુરીની ભૂમિકા
જ્યુરીની ભૂમિકા: જ્યુરી ફક્ત પુરાવાઓના આધારે હકીકત નિર્ધારણ (Fact-finding) કરે છે. તેઓ કાયદાનું અર્થઘટન કરી શકતા નથી. તેઓ ન્યાયમૂર્તિની કાયદાકીય સૂચનાઓનું પાલન કરીને સર્વસંમતિથી અથવા બહુમતીથી નિર્ણય લે છે.
જજની ભૂમિકા: જજ કાયદાનું અર્થઘટન કરે છે, કાર્યવાહીનું સંચાલન કરે છે અને જ્યુરીને કાયદાકીય સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપે છે. જો આરોપી દોષિત ઠરે, તો જજ સજા સંભળાવે છે.

આ સિસ્ટમનો મૂળભૂત વિચાર એ છે કે આરોપીને સરકારના અધિકારીઓને (જજ) બદલે સમુદાયના સાથીઓ (peers) દ્વારા ન્યાય મળવો જોઈએ. જેનાથી સત્તાનો દુરુપયોગ ન થાય અને સામાન્ય વ્યક્તિઓને પણ સુરક્ષા મળી રહે.
જ્યુરી સિસ્ટમની મુખ્ય ખામીઓ
જ્યુરી ટ્રાયલની પદ્ધતિ ન્યાય અને સમુદાયની ભાગીદારી માટે આદર્શ માનવામાં આવતી હોવા છતાં, તેમાં અનેક ગંભીર ખામીઓ રહેલી છે, જેના કારણે ભારત સહિત ઘણા દેશોએ તેને નાબૂદ કરી છે અથવા તેમાં ફેરફાર કર્યા છે.
- પક્ષપાત અને પૂર્વગ્રહ: જ્યુરી સભ્યો તેમના પોતાના સામાજિક, આર્થિક, ધાર્મિક કે જાતિ-આધારિત પૂર્વગ્રહોથી પ્રભાવિત થઈ શકે છે. તેઓ પુરાવાના બદલે આરોપીની પૃષ્ઠભૂમિ, દેખાવ અથવા સમુદાયના આધારે નિર્ણય લે એવી સંભાવનાઓ હોય છે. આ સિવાય જ્યુરીના સભ્યો વકીલોની ભાવનાત્મક દલીલો અથવા પીડિતનાં નિવેદનોથી સરળતાથી પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે તર્ક અને કાયદાકીય પુરાવાની અવગણના થઈ શકે છે.
- કાયદાકીય જ્ઞાનનો અભાવ: જ્યુરી સભ્યો સામાન્ય નાગરિકો હોય છે, જેમને કાયદાકીય તાલીમ મળેલી હોતી નથી. જટિલ કાયદાકીય સિદ્ધાંતો, તકનીકી પુરાવાઓ (જેમ કે DNA અથવા ફોરેન્સિક ડેટા) અને કોર્ટરૂમની કાર્યવાહીને સમજવામાં તેમને મુશ્કેલી પડી શકે છે. આ સિવાય કાયદાની સમજણ ન હોવાથી જ્યુરી ઘણીવાર માત્ર જજ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પર વધુ પડતો આધાર રાખે છે, જે તેમની સ્વતંત્રતા નિર્ણય લેવાની શક્તિને અસર કરી શકે છે.
- બાહ્ય પ્રભાવ અને મીડિયા: આ સિવાય હાઇ-પ્રોફાઇલ કેસોમાં, મીડિયાનું સનસનાટીભર્યું કવરેજ જ્યુરી સભ્યોના નિર્ણયને પક્ષપાતી બનાવી શકે છે. તેઓ કોર્ટમાં રજૂ ન થયેલા પુરાવા કે જાહેર અભિપ્રાયના આધારે નિર્ણય લે છે. ભારતમાં કે. એમ. નાણાવટી કેસ (K.M. Nanavati Case) આનું મુખ્ય ઉદાહરણ છે. આરોપી અથવા તેના પક્ષ દ્વારા જ્યુરી સભ્યોને પ્રભાવિત કરવા, ડરાવવા અથવા લાંચ આપવાનો પ્રયાસ થવાનું જોખમ પણ રહેલું છે.
- અસંગતતા અને ‘અયોગ્ય’ ચુકાદાઓ: અલગ-અલગ જ્યુરી સમાન પુરાવાઓ અને કાયદાકીય મુદ્દાઓ પર જુદા જુદા અને અસંગત નિર્ણયો આપી શકે છે, જેનાથી ન્યાયની સમાનતા (uniformity of justice) જળવાતી નથી. ઘણીવાર પુરાવા સ્પષ્ટ હોવા છતાં જ્યુરી સભ્યો લાગણીઓ, સહાનુભૂતિ અથવા પક્ષપાતના આધારે એવો ચુકાદો આપે છે જે તર્કસંગત પુરાવાઓથી વિરુદ્ધ હોય. આવા ચુકાદાઓને ‘અયોગ્ય’ ગણવામાં આવે છે.
- સમયનો બગાડ અને ખર્ચ: જ્યુરીની પસંદગી કરવામાં, તેમને પુરાવા સમજાવવા અને ચર્ચા કરવામાં વધુ સમય લાગે છે, જેના કારણે ટ્રાયલ લાંબી ચાલે છે અને ન્યાયમાં વિલંબ થાય છે. જ્યુરીને ટ્રાયલ દરમિયાન હાજર રાખવાનો ખર્ચ કોર્ટ સિસ્ટમ પર મોટો બોજ બની રહે છે. આ ઉપરાંત જ્યુરીના સભ્યો તેમના નિર્ણય પાછળના તર્ક કે કારણો જાહેર કરવા માટે બંધાયેલા નથી. આ ગુપ્તતાને કારણે તેમના નિર્ણયની પાછળનો તર્ક શું હતો તે જાણી શકાતું નથી, જેનાથી પારદર્શિતા અને જવાબદારીનો અભાવ રહે છે.
ભારતમાં જ્યુરી સિસ્ટમનો ઇતિહાસ
ભારતમાં પણ જ્યુરી ટ્રાયલની સિસ્ટમ હતી, જે બ્રિટિશ શાસન દરમિયાન દાખલ કરવામાં આવી હતી. ભારતે તેને મુખ્યત્વે ન્યાયની પ્રક્રિયામાં દેખાતી ખામીઓ અને એક ચોક્કસ હાઇ-પ્રોફાઇલ કેસના કારણે નાબૂદ કરી હતી. ભારતમાં જ્યુરી ટ્રાયલની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન થઈ હતી. 17મી સદીમાં બોમ્બે, મદ્રાસ અને કલકત્તા જેવા પ્રેસિડેન્સી શહેરોમાં જ્યુરી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી.
આ સિસ્ટમનો ઉદ્દેશ્ય અંગ્રેજી કાયદા સિસ્ટમને લાગુ કરવાનો અને સામાન્ય લોકોને ન્યાય પ્રક્રિયામાં સામેલ કરવાનો હતો. જોકે મોટાભાગે એવું થતું કે, જયુરીમાં અંગ્રેજોનો જ સમાવેશ કરવામાં આવતો જેના કારણે વંશીય ભેદભાવ જોવા મળતો. તેથી જો કોઈ અંગ્રેજ પર ભારતીયો પર અત્યાચારો કરવા મામલે કેસ પણ ચાલતો તો એ નિર્દોષ છૂટી જતો હતો. ભારતીય કાયદામાં આ સિસ્ટમ કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), 1898 હેઠળ ચાલી રહી હતી.
ભારતે જ્યુરી સિસ્ટમ કેમ નાબૂદ કરી?
ભારતે સ્વતંત્રતા પછી ધીમે ધીમે આ સિસ્ટમ પરથી વિશ્વાસ ગુમાવ્યો અને અંતે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી. આ નિર્ણય પાછળ ઘણા કારણો રહેલા હતા.
કાયદાકીય જટિલતા અને સમજણનો અભાવ: તેનું એક કારણ એ પણ હતું સ્વતંત્રતા બાદ પણ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું હતું, જેના કારણે જ્યુરી સભ્યો કાયદાકીય તાલીમ લીધા વિનાના સામાન્ય નાગરિકો હતા. તેઓ જટિલ કાયદાકીય મુદ્દાઓ, સબૂત-પુરાવાઓની તકનીકી વિગતો અને કોર્ટરૂમની જટિલ કાર્યવાહીને સમજવામાં અસમર્થ હતા. કાયદાકીય આયોગોએ નોંધ્યું હતું કે જ્યુરી સભ્યોની ગુણવત્તા અને તેમની નિષ્પક્ષતા ઘણીવાર શંકાસ્પદ રહેતી હતી.
સામાજિક પક્ષપાત અને પૂર્વગ્રહ: સ્વતંત્રતા બાદ ભારત પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિવાદ જેવી ઘણી સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. એવામાં સમાજમાં વ્યાપકપણે ફેલાયેલી જાતિ, ધર્મ, વર્ગ અને ભાષા આધારિત પક્ષપાતની અસર જ્યુરીના નિર્ણયો પર સ્પષ્ટપણે જોવા મળતી હતી. જ્યુરી સભ્યો પુરાવા અને કાયદાના બદલે જાહેર અભિપ્રાય (Public Opinion) અથવા આરોપી પ્રત્યેની વ્યક્તિગત સહાનુભૂતિથી પ્રભાવિત પણ થતા હતા.
આવા બધા મામલા સામે આવતા સરકાર અને ન્યાયતંત્ર આ વ્યવસ્થાને ભારત માટે અયોગ્ય માનવા લાગ્યા હતા. એવામાં 1959માં ભારતના કાયદા પંચે તેના 14મા અહેવાલમાં જ્યુરી સિસ્ટમને ‘નિષ્ફળ’ જાહેર કરી દીધી. કમિશને દલીલ કરી હતી કે જ્યુરીઓ ઘણીવાર મીડિયા અને જાતિ અને સાંપ્રદાયિક વિચારણાઓથી પ્રભાવિત હોય છે. આ બધાની વચ્ચે એક એવી ઘટના બની જેણે ભારતમાંથી જ્યુરી સિસ્ટમનો પાયો ઉખાડી નાખ્યો.
ઐતિહાસિક અને મહત્ત્વનો કેસ: કે. એમ. નાણાવટી વિ. મહારાષ્ટ્ર રાજ્ય (1959)
ભારતમાં જ્યુરી સિસ્ટમને લઈને ઘણા મતાંતરો ચાલી જ રહ્યા હતા અને એવામાં જ્યુરી સિસ્ટમની નાબૂદીમાં આ કેસ એક અંતિમ પ્રહાર સાબિત થયો.
આ એસમાં એક પ્રખ્યાત નૌકાદળના પારસી કમાન્ડર કાવાસ માણેકશા નાણાવટી પર તેમની પત્નીના પ્રેમી, પ્રેમ આહુજાને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ હતો. આ કેસ મીડિયામાં સનસનાટીભર્યો બન્યો, ટેબ્લોઇડ પત્રકારત્વ દ્વારા ઉશ્કેરવામાં આવ્યો જેમાં નાણાવટીને એક નાયક અને સન્માનિત માણસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ન્યાયાધીશની સૂચનાઓ અને પૂર્વયોજિત હત્યા તરફ નિર્દેશ કરતા પુરાવા હોવા છતાં જ્યુરીએ નાણાવટીના ‘આકસ્મિક ગોળીબાર’ના બચાવને માન્ય રાખ્યો.

ત્યારબાદ બૉમ્બે સેશન્સ કોર્ટમાં જ્યુરીએ 8-1 બહુમતીથી નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા. પ્રિસાઇડિંગ સેશન્સ જજે આ ચુકાદાને ‘અયોગ્ય’ (Perverse Verdict) ગણાવ્યો, કારણ કે તે ઉપલબ્ધ પુરાવાઓથી વિરુદ્ધ હતો. તેથી, જજે કેસને બૉમ્બે હાઇકોર્ટમાં મોકલ્યો. હાઇકોર્ટે જ્યુરીના ચુકાદાને ફગાવી દીધો અને નાણાવટીને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા. નાણાવટીને જેલમાં મોકલવામાં આવ્યા, તેમણે 3 વર્ષ જેલમાં વિતાવ્યા બાદમાં મહારાષ્ટ્રના રાજ્યપાલે તેમને માફી આપી દીધી.
આ કેસે સ્પષ્ટ કર્યું કે જ્યુરી સિસ્ટમ ભારતીય સમાજમાં બાહ્ય પ્રભાવો અને ભાવનાઓ સામે ટકી શકે તેમ નથી, જેના કારણે ન્યાયની ગરિમા જોખમાય છે. આ કેસ પછી બૉમ્બે હાઇકોર્ટે 1959માં જ સરકારને લખીને કહ્યું કે મુંબઈમાં પણ જ્યુરી સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ. જોકે આ પછી પણ મુંબઈમાં લગભગ 5-6 જ્યુરી ટ્રાયલ થઈ. કલકત્તા હાઇકોર્ટમાં તો 1973 સુધી જ્યુરી ટ્રાયલ ચાલુ રહી. 1973માં કલકત્તામાં થયેલો એક મર્ડર કેસ ભારતનો ‘અંતિમ જ્યુરી કેસ’ હતો.
આખરે, ભારત સરકારે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સુધારો કર્યો અને કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), 1973 લાગુ કર્યો. CrPC, 1973માં જ્યુરી ટ્રાયલને લગતી તમામ જોગવાઈઓ દૂર કરવામાં આવી, જેનાથી ભારતમાં ફોજદારી કેસોમાંથી જ્યુરી સિસ્ટમનો સંપૂર્ણપણે અને કાયમી ધોરણે અંત આવ્યો. આ નવા કાયદામાં (CrPC, 1973) અગાઉના CrPC, 1898ની એ તમામ જોગવાઈઓ દૂર કરવામાં આવી, જે જ્યુરી દ્વારા ટ્રાયલની મંજૂરી આપતી હતી. આ નવા કાયદા હેઠળ સેશન્સ કોર્ટ સમક્ષની તમામ ટ્રાયલ હવે માત્ર સેશન્સ જજ અથવા એડિશનલ સેશન્સ જજ દ્વારા જ ચલાવવામાં આવે છે.
જ્યુરી ટ્રાયલ સિસ્ટમનો ઇતિહાસ દર્શાવે છે કે તે નાગરિક અધિકારોની સુરક્ષા માટે એક આદર્શ પદ્ધતિ હતી, પરંતુ તેમાં વ્યવહારિક પડકારો અને માનવીય પક્ષપાતો જેવા પડકારો પણ રહેલા હતા. ભારતે તેને બિનઅસરકારક, પક્ષપાતી અને મીડિયાના પ્રભાવ હેઠળ આવતી જોઈને 50 વર્ષ પહેલાં જ તેનો અંત આણ્યો હતો. હવે યુકે જ્યાં આ સિસ્ટમનો જન્મ થયો તો તે પણ બેકલૉગના કારણે કાયદાકીય ફેરફાર લાવવા તરફ આગળ વધી રહ્યું છે. જો બ્રિટન આ પગલું લેશે તો 800 વર્ષ જૂની પરંપરાનો અંત આવશે.


