અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની ભારત યાત્રાએ દક્ષિણ એશિયાના રાજકારણમાં એક નવો અધ્યાય લખ્યો છે. ચાર વર્ષ પહેલાં જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારે કદાચ કોઈ વ્યક્તિએ કલ્પના પણ નહીં કરી હોય કે એ જ તાલિબાનના કોઈ શીર્ષ નેતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દિલ્હીમાં બેસીને રણનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પરંતુ, હવે આ હકીકત છે અને તેની અસર પાકિસ્તાનથી લઈને વોશિંગ્ટન અને બેઇજિંગ સુધી પહોંચી છે.
9 ઑક્ટોબર, 2025 રોજ દિલ્હી પહોંચેલા મુત્તાકીની આ મુલાકાત 2021 પછી તાલિબાનના કોઈ વરિષ્ઠ નેતાની ભારતની પ્રથમ સત્તાવાર યાત્રા છે. આ મુલાકાત દરમિયાન મુત્તાકીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી હતી. જેમાં વેપાર, માનવીય સહાય, આરોગ્ય અને ચાબાહાર બંદર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. ભારતે કાબુલમાં પોતાનું ટેક્નિકલ મિશન ફરીથી સંપૂર્ણપણે દૂતાવાસમાં બદલવાની જાહેરાત પણ કરી છે. પરંતુ આ યાત્રાનો અર્થ ફક્ત ભારત-અફઘાનિસ્તાન સુધી મર્યાદિત નથી, તે પાકિસ્તાન માટે જોખમ અને અમેરિકા-ચીન માટે ચિંતાનો વિષય પણ છે.
શા માટે આ યાત્રા મહત્વપૂર્ણ છે?
2021માં તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા કબજે કરી ત્યારથી ભારતે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. પરંતુ હવે યુએન સુરક્ષા પરિષદના પ્રતિબંધોમાંથી મુત્તાકીને મુક્તિ મળતા ભારતે આ યાત્રાને એક તક તરીકે જોઈ છે. મુત્તાકીએ એસ જયશંકર સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું છે કે,“અફઘાનિસ્તાનની જમીન ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ માટે નહીં વપરાય.” આ નિવેદન ભારતની સૌથી મોટી ચિંતા એટલે કે આતંકવાદને લઈને અપાયું છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના મંત્રીની આ યાત્રા ભારત માટે તો મહત્વપૂર્ણ છે જ, પણ તેની સૌથી વધુ અસર પાકિસ્તાન, ચીન અને અમેરિકાને પણ પડવા જઈ રહી છે. કારણ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં કોઈપણ પ્રકારનું અલાયન્સ પાકિસ્તાન, ચીન અને અમેરિકાના અફઘાનિસ્તાનમાં સ્થિત હિતોને નુકસાન પહોંચાડી શકે છે.
તાલિબાની મંત્રીની ભારત યાત્રાથી પાકિસ્તાનને કેમ ચિંતા?
ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ફેક્ટર પાકિસ્તાન હોય છે. જોકે, અવારનવાર પાકિસ્તાન મજહબી કારણોના લીધે અફઘાનિસ્તાનને પોતાનું ગણે છે, પરંતુ અફઘાનિસ્તાનનું વલણ ભારત તરફી રહ્યું છે. પાકિસ્તાનને લાગે છે કે ઇસ્લામી મુલ્ક હોવાના કારણે તાલિબાન સરકાર તેમની મિત્ર છે. ઇસ્લામાબાદે તાલિબાન સરકારને તો પોતાની સહયોગી પણ ગણાવી છે અને કાબુલને ભારત વિરુદ્ધ ઉપયોગમાં લેવાના પ્રયાસો પણ કર્યા છે.
પરંતુ તાલિબાન સરકારે સત્તામાં આવ્યા બાદથી પાકિસ્તાન પર નિર્ભર નહીં રહેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા અને ભારત સાથે આર્થિક, સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રકચર સહયોગને પ્રાથમિકતા આપી હતી. આ કારણે પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં ઓછો થઈ ગયો છે. મુત્તાકીનું દિલ્હી તરફી વલણ પાકિસ્તાનને સતાવી રહ્યું છે.
ભારત-અફઘાનિસ્તાન સંબંધોની સૌથી મોટી તાકાત એ છે કે બંનેને ચાબહાર બંદર જેવા વૈકલ્પિક વેપાર માર્ગોની જરૂર છે, જે પાકિસ્તાનને સંપૂર્ણપણે અવગણી શકે. જો અફઘાનિસ્તાન ભારત સાથે સીધો વેપાર માર્ગ સ્થાપિત કરી શકે તો પાકિસ્તાનનો પરંપરાગત ‘ભૌગોલિક એકાધિકાર’ ખતમ થઈ જશે.
આ જ કારણ છે કે પાકિસ્તાની મીડિયા અને સુરક્ષા એજન્સીઓ આ પ્રવાસને ‘વ્યૂહાત્મક જોખમ’ ગણાવી રહ્યા છે. ભારત પણ આ તકને સાવધાનીપૂર્વક હેન્ડલ કરી રહ્યું છે. સરકાર હજુ સુધી તાલિબાન શાસનને સત્તાવાર માન્યતા આપવાથી બચી રહી છે, પરંતુ સંવાદની પ્રક્રિયાને ધીમે-ધીમે આગળ વધારી રહી છે. આ ‘વ્યાવહારિક સંપર્ક’ની નીતિ છે, એટલે કે સંવાદ પણ અને સાવચેતીભરી દૂરી પણ.
તાલિબાની મંત્રીની યાત્રા અફઘાનિસ્તાનના રિજનલ ડાયનામિક્સમાં સંભવિત પરિવર્તનના પણ સંકેત આપે છે, કારણ કે ભારત અને તાલિબાન ચીન અને પાકિસ્તાનના પ્રભાવને સંતુલિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને કાબુલ અમેરિકાને બગરામ એરબેઝ આપવાનો ઇનકાર કરી રહ્યું છે. આ બધા કારણો પાકિસ્તાનને હેરાન કરી રહ્યા છે.
એટલે જ તો તાલિબાની વિદેશ મંત્રીની ભારત યાત્રાના સમયે જ પાકિસ્તાન કાબુલ પર હુમલા કરી રહ્યું છે. 9 ઑક્ટોબરે પાકિસ્તાને કાબુલમાં TTPનાં ઠેકાણાં પર હવાઈ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે અને તેના કારણે બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ વણસી છે. અફઘાનિસ્તાને તો આ હુમલાને ‘યુદ્ધની ઘોષણા’ ગણાવી છે અને ભારતમાં રહીને અફઘાની વિદેશ મંત્રીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે.
અમેરિકા સાથે બગરામ એરબેઝનો વિવાદ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આઘાનિસ્તાન સ્થિતિ મહત્વપૂર્ણ બગરામ એરબેઝની માંગણી કરીને દક્ષિણ એશિયાના રાજકારણમાં ગરમાવો પેદા કર્યો છે. અફઘાનિસ્તાને આ એરબેઝ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ એક એવો મુદ્દો છે, જેમાં પાકિસ્તાન પણ અમેરિકાની વિરુદ્ધ છે. કારણ કે પાકિસ્તાન પણ નથી ઇચ્છતું કે આ એરબેઝના બહાને અમેરિકા તેના પર ચડી બેસે. તેથી પાકિસ્તાને પણ અમેરિકાની આ માંગણીનો વિરોધ કર્યો છે.
પાકિસ્તાનની સાથે સૌથી વધુ ચિંતા અમેરિકાને પણ છે. અમેરિકા હવે અફઘાનિસ્તાનને પોતાનો ‘શત્રુ’ ગણવા લાગ્યું છે. તેથી ભારત સાથેના અફઘાનિસ્તાનના સંબંધો પર પોતાને ‘જગત જમાદાર’ ગણાવતું અમેરિકા પણ નજર ઠેરવીને બેઠું છે. દિલ્હી પહોંચ્યા પહેલાં અમીર ખાન રશિયા પણ ગયા હતા. રશિયામાં તેમણે વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી અને એવું માનવામાં આવે છે કે બંને દેશોએ બગરામ એરબેઝનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ડૉનના રિપોર્ટ અનુસાર, બગરામના મુદ્દા પર રશિયાએ અફગાનિસ્તાનને સમર્થન આપ્યું છે. રશિયા પણ નથી ઇચ્છતું કે આ એરબેઝ અમેરિકાને મળે. જોકે, રશિયા દુનિયાનો એકમાત્ર દેશ છે, જેણે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપી છે. મૂળ વાત એ છે કે આ એરબેઝના વિવાદના કારણે અમેરિકા અફઘાની વિદેશ મંત્રીની ભારત યાત્રા પર નજર રાખીને બેઠું છે.
ચીનની પણ નજર
બીજી તરફ, ચીન માટે પણ આ પગલું સાવધાની અને સ્પર્ધા બંનેનો સંકેત છે. ચીન પહેલાંથી જ અફઘાનિસ્તાનમાં ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યું છે અને ઇચ્છે છે કે તાલિબાન તેના બેલ્ટ-એન્ડ-રોડ પ્રોજેક્ટનો ભાગ બને. પરંતુ જો ભારત તાલિબાન સાથે પોતાના સંબંધો મજબૂત કરે છે તો ચીન-પાકિસ્તાનની ધુરીને પ્રાદેશિક સંતુલનમાં નવો પ્રતિસ્પર્ધી મળશે. ચીન એવું ઈચ્છે છે કે અફઘાનિસ્તાન અમેરિકા અને ભારત બંનેથી દૂરી બનાવીને રહે.
ચીન મુત્તાકીની આ યાત્રાને એક પડકાર તરીકે જોઈ રહ્યું છે. કારણ કે ભારત-તાલિબાનના સંબંધો વધુ સારા થવાથી તેની ‘સીપેક’ યોજના અને આઘાનિસ્તાનમાં રોકાણ પર દબાણ વધી શકે છે. જો ભારત અફઘાનિસ્તાનની નીતિમાં મજબૂત ભૂમિકા નિભાવે છે તો ચીનને પોતાના બેલ્ટ-એન્ડ-રોડ પ્રોજેક્ટ માટે પણ જોખમ ઊભું થતું દેખાવા લાગશે. તે સિવાય પાકિસ્તાન અને ચીન બંનેની સરહદો આઘાનિસ્તાન સાથે જોડાયેલી છે અને અફઘાનિસ્તાનની સરકાર ભારત તરફી વલણ અપનાવે તો સ્વાભાવિક બંને દેશોને ભય તો રહેવાનો.
ભારતનો હેતુ હાલમાં સ્પષ્ટ છે- તાલિબાનને માન્યતા આપ્યા વિના પોતાના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવી. આ તે જ વ્યૂહરચના છે, જે ભારતે 1990ના દાયકામાં પણ અપનાવી હતી. આજે ભારત સામે ત્રણ મુખ્ય લક્ષ્યો છે: 1- અફઘાનિસ્તાનમાં ભારતીય રોકાણ અને પરિયોજનાઓનું રક્ષણ કરવું, 2- આતંકવાદ-વિરોધી સહયોગને મજબૂત કરવો અને 3- પાકિસ્તાન-કેન્દ્રિત પ્રાદેશિક દબાણને સંતુલિત કરવું.
તાલિબાન પણ આ સંવાદથી ઘણું હાંસલ કરવા માંગે છે- આંતરરાષ્ટ્રીય માન્યતા, વેપારી સહયોગ અને આર્થિક રાહત. પરંતુ ભારત માટે આ ફક્ત તાલિબાન સાથે નિકટતાનો મુદ્દો નથી, બલ્કે દક્ષિણ એશિયાની સમગ્ર ભૂ-રાજનીતિને નવી દિશા આપવાની તક પણ છે.
અમીર ખાન મુત્તાકીની દિલ્હી મુલાકાત દર્શાવે છે કે દક્ષિણ એશિયા હવે ‘જૂના જૂથો’માં વહેંચાયેલો પ્રદેશ નથી રહ્યો. અફઘાનિસ્તાન હવે પોતાની વિદેશ નીતિના માર્ગો જાતે નક્કી કરવા માંગે છે. ભારત આ બદલાવને સાવધાનીપૂર્વક, પરંતુ એક તક તરીકે જોઈ રહ્યું છે. આ મુલાકાત માત્ર એક કૂટનીતિક ઘટના નથી, પરંતુ બદલાતા ભૂ-રાજનીતિક સમીકરણોનું પ્રતીક છે.


