આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીય શ્રમિકોનું અપહરણ થયું છે, જે આ વિસ્તારમાં અલ-કાયદા અને ISIS જેવા ઇસ્લામી કટ્ટરપંથી જૂથોની વધતી જતી હિંસા અને અસ્થિરતાનું પરિણામ લાગે છે. અહેવાલો અનુસાર, આ જૂથો માલીના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક સરકાર અને વિદેશી શ્રમિકો બંને માટે જોખમ વધી ગયું છે. હાલમાં કોઈ જૂથે જવાબદારી લીધી નથી, પરંતુ તપાસ ચાલુ છે. જોકે, શંકા છે કે આ હરકત અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા આતંકી સંગઠનોએ કરી છે.
આ ઘટના 6 નવેમ્બર 2025ના રોજ બની હતી. જ્યારે પાંચ ભારતીય શ્રમિકો માલીના પશ્ચિમી ભાગમાં આવેલા કોબ્રી (Kobri) વિસ્તાર પાસે જઈ રહ્યા હતા. કોબ્રી માલીની રાજધાની બમાકોથી (Bamako) લગભગ 150-200 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં ઇલેક્ટ્રિફિકેશન (વીજળીકરણ) પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું હતું. આ શ્રમિકો એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા, જે માલીમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પહોંચાડવાના પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.
અહેવાલો અનુસાર, હથિયારબંધ શખ્સોએ તેમના વાહનને અટકાવીને તેમનું અપહરણ કરી લીધું છે. કંપનીના એક પ્રતિનિધિએ AFP ન્યુઝ એજન્સીને જણાવ્યું છે કે, “અમે પાંચ ભારતીય નાગરિકોના અપહરણની પુષ્ટિ કરીએ છીએ. કંપનીના અન્ય ભારતીય કર્મચારીઓને બમાકો ખસેડી દેવામાં આવ્યા છે.” આ શ્રમિકો મુખ્યત્વે ટેક્નિશિયન અને એન્જિનિયર્સ હતા, જેઓ દૂરના વિસ્તારોમાં કામ કરતા હતા.
પીડિતોના નામો હજુ સત્તાવાર રીતે જાહેર થયા નથી, પરંતુ તેઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા હોવાનું માનવામાં આવે છે. અપહરણકર્તાઓએ હજુ સુધી કોઈ ખંડણીની માંગ કરી નથી અને કોઈ આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી. જોકે, વિશેષજ્ઞો માને છે કે આ પાછળ JNIM (જમાત નુસરત અલ-ઇસ્લામ વલ-મુસલમીન) અથવા ISGS (ઇસ્લામિક સ્ટેટ ઇન ધ ગ્રેટર સહારા) જેવા જૂથોનો હાથ હોય શકે છે.
અપહરણ બાદ તાત્કાલિક પગલાં
કંપનીએ તમામ અન્ય લગભગ 15-20 ભારતીય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમને બમાકો ખસેડી દીધા છે. તેઓ હાલમાં હોટેલ અથવા સુરક્ષિત સ્થળો પર છે. માલીની સૈન્ય સરકારે તપાસ શરૂ કરી છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. રશિયન વૅગ્નર ગ્રુપ (હવે આફ્રિકા કોર્પ્સ તરીકે ઓળખાતું) જેવા દળો માલીમાં સુરક્ષા માટે કામ કરે છે અને તેઓ આ મામલે સહાય કરી શકે છે. બીજી તરફ પીડિતોના પરિવારજનો ભારતમાં ચિંતિત છે અને સરકાર પાસે તાત્કાલિક મુક્તિની માંગ કરી રહ્યા છે.
હાલ સુધી કોઈની મુક્તિના સમાચાર નથી, પરંતુ બંધકોને છોડાવવાના પ્રયાસ ચાલુ છે. અગાઉના કેસોમાં જેમ કે સપ્ટેમ્બર 2025માં 2 UAEના અને એક ઇરાની નાગરિકોને $50 મિલિયનની ખંડણી પછી મુક્ત કરવામાં આવ્યા હતા, તેના આધારે આ કેસમાં પણ ખંડણી માંગવામાં આવે એવી શક્યતા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ ઘટનાની પુષ્ટિ કરી છે અને બમાકોમાં ભારતીય દૂતાવાસને સક્રિય કર્યું છે. દૂતાવાસ માલીની સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને પીડિતોની તપાસ અને મુક્તિ માટે કાર્યવાહી કરી રહ્યું છે. MEAએ માલીમાં રહેતા તમામ ભારતીયોને સલાહ આપી છે કે તેઓ સુરક્ષિત વિસ્તારોમાં રહે, અનાવશ્યક મુસાફરી ટાળે અને દૂતાવાસ સાથે સંપર્કમાં રહે.
ભારતીય દૂતાવાસે તાત્કાલિક પગલાં લીધા છે અને માલીની સરકાર સાથે સંપર્ક સાધ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, “અમે આ ઘટના પર નજર રાખી રહ્યા છીએ અને પીડિતોની સુરક્ષિત વાપસી માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.”
માલીમાં વધતી અસ્થિરતા: અલ-કાયદા અને ISISનું વર્ચસ્વ
પશ્ચિમ આફ્રિકાના સહેલ વિસ્તારમાં આવેલા માલી દેશમાં ઇસ્લામી કટ્ટરપંથીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે, જેના કારણે આ દેશ અણી પર આવીને ઊભો છે. અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા જૂથો, ખાસ કરીને જમાત નુસરત અલ-ઇસ્લામ વલ-મુસલમીન (JNIM) અને ઇસ્લામિક સ્ટેટ ઇન ધ ગ્રેટર સહારાએ (ISGS) માલીના મોટાભાગના ઉત્તરીય અને મધ્ય વિસ્તારો પર કબજો કરી લીધો હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. 2025માં તેમની પ્રવૃત્તિઓ વધી છે, જેમાં ઈંધણ પર બ્લોકેડ, હુમલા, અપહરણ અને આર્થિક દબાણનો સમાવેશ થાય છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: ક્યારથી અને કેમ વધી અસ્થિરતા?
માલીની અસ્થિરતા 2012માં તુઆરેગ વિદ્રોહીઓના બળવાથી શરૂ થઈ, જેમણે ઉત્તરીય માલી પર કબજો કર્યો અને ‘અઝાવાદ’ નામક સ્વતંત્ર રાજ્યની જાહેરાત કરી. આ વિદ્રોહમાં અલ-કાયદા અને ISIS જેવા જેહાદી જૂથો અને અલ-કાયદા ઇન ધ ઇસ્લામિક મેઘરેબ (AQIM), મુવમેન્ટ ફોર યુનિટી એન્ડ જિહાદ ઇન વેસ્ટ આફ્રિકા (MUJAO) અને અન્સાર દીન જેવા કટ્ટરપંથી જૂથો પણ સામેલ થયા, જેમણે શરિયા કાયદો લાદવાનો પ્રયાસ કર્યો હતો.
આ સિવાય 2020-21માં 2 વખત સૈન્ય તખ્તાપલટ થયા, જેમાં કર્નલ અસિમી ગોઈતા સત્તા પર આવ્યા હતા. તેમણે ફ્રાન્સ અને અમેરિકા સાથેના સંબંધો તોડીને રશિયન વૅગ્નર ગ્રુપની (હવે આફ્રિકા કોર્પ્સ) મદદ લીધી હતી. જોકે તેનું કોઈ પરિણામ ન આવ્યું અને આતંકવાદ વધતો રહ્યો. આજે માલીના મોટાભાગના ઉત્તર અને મધ્ય વિસ્તારો જેહાદીઓના કબજામાં છે.
2025માં જુલાઈમાં JNIMએ બર્કિના ફાસોમાં 54, માલીમાં 36 અને નાઇજરમાં 7 હુમલા કર્યા હતા. યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ 2024-25માં 1,200થી વધુ નાના-મોટા હુમલાઓમાં 3,000થી વધુ લોકો માર્યા ગયા છે. આ અસ્થિરતા આર્થિક સંકટ (ઈંધણ અભાવ, વીજળીની અછત) અને સામાજિક અશાંતિ વધારી રહી છે, જે જેહાદીઓને ભરતી કરવામાં મદદ કરે છે.
મુખ્ય આતંકી જૂથો: અલ-કાયદા અને ISISની શાખાઓ
માલીમાં કટ્ટરપંથી આતંકી જૂથો અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા છે, જે એકબીજા સામે સ્પર્ધા કરે છે. તેઓ અપહરણ, ખંડણી, હુમલા અને આર્થિક બ્લોકેડ દ્વારા વર્ચસ્વ જમાવે છે.
અલ-કાયદા સાથે જોડાયેલું JNIM (જમાત નુસરત અલ-ઇસ્લામ વલ-મુસલમીન)
સ્થાપના અને નેતૃત્વ: 2017માં અલ-કાયદા ઇન ધ ઇસ્લામિક મેઘરેબ (AQIM), અન્સાર દીન અને અન્ય જૂથોના મિશ્રણથી બનેલું છે. તેનો નેતા ઈયાદ અગ-ઘાલી (તુઆરેગ મલિયન) છે, જેણે 1990ના દાયકામાં વિદ્રોહ કર્યો હતો.
JNIM માલીનું મુખ્ય જેહાદી અને આતંકી જૂથ છે, જે ACLED અનુસાર વધુ સક્રિય છે. તે બમાકો પર બ્લોકેડ લગાવે છે, જેમ કે સપ્ટેમ્બર 2025થી ઈંધણના ટેન્કરો પર પ્રતિબંધ, જેનાથી બમાકોમાં ઇંધણની અછત ઉભી થઈ હતી. આ સિવાય 17 ઑક્ટોબર 2025ના રોજ સિકાસ્સોમાં 50 ટેન્કરોના કન્વોય પર હુમલો કર્યો અને 28 ઑક્ટોબરે બમાકો પાસે અન્ય કન્વોય પર હુમલો કર્યો હતો.
JNIMએ ઉત્તર અને મધ્ય માલીમાં સુરક્ષિત વિસ્તારો બનાવ્યા છે, જ્યાં તે સ્થાનિક વિવાદો જેમ કે ફુલાણી અને સોંગ્હાઈ વચ્ચેનો લાભ લઈને ભરતી કરે છે. તેના વિસ્તારમાં બર્કિના ફાસો, નાઇજર અને તાજેતરમાં ઉત્તરીય નાઇજીરિયા સુધીનો સમાવેશ થાય છે.
2025ના પ્રથમ અર્ધમાં તેણે બર્કિના ફાસોમાં 280થી વધુ હુમલા કર્યા હતા તે 2024 કરતાં બમણા છે. તે અપહરણો પણ કરે છે. તાજેતરમાં જ ઑક્ટોબર 2025માં મોપ્ટીમાં 2 પત્રકારો અને સપ્ટેમ્બરમાં 2 યુએઈ નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે 29 ઑક્ટોબરે મુક્ત થયા હતા. JNIMના વિસ્તારથી માલી ‘અલ-કાયદા’ દ્વારા અથવા ઘોષિત ઇસ્લામી આતંકવાદી સંગઠન શાસિત પ્રથમ દેશ બની શકે છે, જે વૈશ્વિક સ્તરે જોખમ બની શકે છે.
ISIS સાથે જોડાયેલું ISGS (ઇસ્લામિક સ્ટેટ ઇન ધ ગ્રેટર સહારા)
આ સંગઠન 2015-16માં ISISની સહેલ શાખા તરીકે ઉભર્યું હતું, જે AQIMથી અલગ થયું હતું. તે પશ્ચિમી માલી અને પડોશી દેશોમાં પણ સક્રિય છે. ISGS અપહરણ કરીને ખંડણી લે છે. તે મોટાભાગે વિદેશી શ્રમિકોને નિશાન બનાવે છે.
ISGSનું વર્ચસ્વ પશ્ચિમી વિસ્તારોમાં વધુ મજબૂત છે અને JNIM સાથે તે સ્પર્ધા કરે છે. તેની પ્રવૃત્તિઓથી સહેલના બુર્કિના ફાસો, માલી અને નાઇજર જેવા વિસ્તારોમાં ISISનું વિસ્તરણ થયું છે.
ભારતીય નાગરિકોનું અપહરણ અને સરકારી પ્રતિસાદ
અપહરણની ઘટના બન્યા પછી, ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) તાત્કાલિક પગલાં લીધા અને બમાકોમાં ભારતીય દૂતાવાસને સક્રિય કર્યો છે. MEAએ માલીમાં રહેતા તમામ ભારતીયોને સુરક્ષિત વિસ્તારોમાં રહેવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. દૂતાવાસ માલીની સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને પીડિતોની તપાસ અને મુક્તિ માટે કાર્યવાહી કરી રહ્યો છે. નોંધનીય છે કે માલીમાં લગભગ 500-600 ભારતીયો કામ કરે છે, મુખ્યત્વે ખનીજ, બાંધકામ અને વીજળી ક્ષેત્રમાં અને આ અપહરણથી વિદેશી રોકાણો પર અસર પડશે.
આંતરરાષ્ટ્રીય અસર અને નિષ્કર્ષ
આ ઘટના માલીની અસ્થિરતાનું પ્રતીક છે, જ્યાં કટ્ટરપંથીઓ વિદેશીઓને નિશાન બનાવીને તેમની તાકાત વધારે છે. યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઇટલીએ તેમના નાગરિકોને માલી છોડવાની સલાહ આપી છે. યુએન અને આફ્રિકન યુનિયન શાંતિ પ્રયાસો કરે છે, જેને સફળતા મળી રહી નથી. આ અસ્થિરતાથી વેપાર (ખનીજ, કૃષિ) અને વિદેશી રોકાણોને નુકસાન થાય છે. માલી-બર્કિના ફાસોમાં 50%થી વધુ વિસ્તાર કટ્ટરપંથીઓના કબજામાં છે, જે પશ્ચિમ આફ્રિકાને અસ્થિર કરે છે.
વિશેષજ્ઞો માને છે કે જો JNIMએ બમાકો પર કબજો કર્યો તો તેની સ્થિતિ પણ અફઘાનિસ્તાનની જેવી થઈ જશે અને જેહાદીઓને નવું આશ્રયસ્થાન પણ મળી જશે. ભારત સરકાર કૂટનીતિ અને સુરક્ષા માર્ગે પીડિતોની મુક્તિ માટે પ્રયત્નશીલ છે, પરંતુ આ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે. આ ઘટના વૈશ્વિક આતંકવાદ સામે એકતાની જરૂરિયાત યાદ અપાવે છે.
માલી પર કબજો કરી શકશે JNIM?
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં JNIMના માલી પર કબજા કરવા સંબંધિત દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ધ ટેલિગ્રાફથી લઈને વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોએ પણ આ વિષય પર વિગતવાર લખ્યું છે. ધ ટેલિગ્રાફના એક રિપોર્ટમાં કહેવાયું છે કે JNIM હવે રાજધાની બમાકો સુધી પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. આતંકીઓએ ઇંધણની સપ્લાય બંધ કરી દીધી છે અને શહેરોની નાકાબંધી કરી દીધી છે. તેનાથી ભય ઊભો થયો છે કે કદાચ માલી અલ-કાયદાના સીધા શાસન હેઠળનો પ્રથમ દેશ બની જશે.
ગત કેટલાક અઠવાડિયાથી JNIMએ રાજધાની બમાકો તરફ જતા ઇંધણના કાફલાઓને નિશાના બનાવવાનું શરૂ કરી દીધું છે. માલીની સેના, જે 2021ના તખ્તાપલટ પછીથી સત્તામાં છે, હજુ સુધી આ સંકટને કાબૂમાં નથી કરી શકી. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, પેટ્રોલ પંપો ખાલી થઈ ગયા છે અને રાજધાનીની સડકો પર લાંબી લાઇનો લાગી રહી છે.
માલીની સેનાના નેતૃત્વવાળી સરકાર પહેલેથી જ આંતરરાષ્ટ્રીય દબાણ અને આંતરિક અસ્થિરતા સામે ઝઝૂમી રહી છે. યુનાઇટેડ નેશન્સ, ફ્રાન્સ અને અમેરિકાના સૈનિકો પહેલેથી જ દેશ છોડી ચૂક્યા છે. હવે રશિયા અને તૂર્કી જ માલીની મુખ્ય સુરક્ષા શક્તિ છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ એ બતાવી રહી છે કે દેશ ધીમે-ધીમે એક અન્ય મોટા સંકટ તરફ વધી રહ્યો છે. જ્યાં આતંકવાદીઓ ન માત્ર હથિયારોથી પરંતુ ઇંધણ અને અર્થતંત્ર પર પકડ બનાવીને આખા માલીને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.


