અફઘાનિસ્તાનમાં સોમવારની (3 નવેમ્બર 2025) સવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફ નજીક ખોલ્મ વિસ્તારમાં હતું. ઊંડાઈ જમીનથી 28 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું.
અહેવાલ અનુસાર, ભૂકંપના કારણે 20થી વધુ લોકોનાં મોત થયાં છે અને 640થી વધુ ઘાયલ થયા છે. બે મહિના પહેલાં પૂર્વી અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકાઓથી 2200થી વધુ લોકોનાં મોત થયાં હતાં. 3 નવેમ્બરે આવેલા આ ભૂકંપના આંચકા અફઘાનિસ્તાન સાથે તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા.
❗️?? – A 6.3-magnitude earthquake struck near Mazar-e Sharif in northern Afghanistan early on November 3, 2025, at a depth of 28 km (17.4 miles), affecting a city of about 523,000 people.
— ??The Informant (@theinformant_x) November 3, 2025
At least seven people were killed and around 150 injured, according to provincial… pic.twitter.com/p5pRRsX9iq
અફઘાનિસ્તાનમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ
2020થી 2025 વચ્ચે અફઘાનિસ્તાનમાં ડઝનેક ભૂકંપ આવ્યા છે. તેમાંથી ઘણા 6.0 અથવા તેનાથી વધુ તીવ્રતાના હતા. ભૂગર્ભીય એજન્સીઓ અને અહેવાલો અનુસાર 5 વર્ષમાં ઓછામાં ઓછા 50થી વધુ ભૂકંપ નોંધાયા છે.
રોયટર્સના રિપોર્ટ અનુસાર, 1990થી અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં 5.0 અથવા તેનાથી વધુ તીવ્રતાના ઓછામાં ઓછા 355 ભૂકંપ આવી ચૂક્યા છે. છેલ્લા 35 વર્ષમાં ભૂકંપોને કારણે 12,000થી વધુ લોકોનાં મોત થયાં છે.
સત્તાવાર આંકડા કહે છે કે અફઘાનિસ્તાનમાં દર વર્ષે સરેરાશ 560 લોકોનાં મોત વિવિધ ભૂકંપને કારણે થાય છે. તેના કારણે દર વર્ષે આશરે 8 કરોડ ડોલરનું (લગભગ ₹660 કરોડ) આર્થિક નુકસાન થાય છે.

આની પાછળનું કારણ એ છે કે અફઘાનિસ્તાન એવા ભૂકંપીય વિસ્તારમાં આવેલું છે, જ્યાં ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. આ અથડામણના કારણે ઉત્તર અને પૂર્વીય ભાગોમાં ફેલાયેલી હિંદુકુશ અને પમીર પર્વતમાળાઓ ઉભી થાય છે.
ટેક્ટોનિક પ્લેટ્સ પૃથ્વીની સપાટીની નીચે આવેલ મોટા-મોટા ખડકો છે જે ધીમે-ધીમે પોતાની જગ્યાએથી ખસતા રહે છે. 50થી 250 કિલોમીટર જાડી આ પ્લેટ્સ પૃથ્વીના ઉપરના ભાગમાં (લિથોસ્ફિયર) આવેલી હોય છે.
તેની નીચે ગરમ પ્રવાહી પદાર્થોવાળી પરત હોય છે જેને એસ્થેનોસ્ફિયર કહેવાય છે. જ્યારે આ પ્લેટ્સ અથડાય છે, અલગ થાય છે અથવા એકબીજાની પાસેથી પસાર થાય છે ત્યારે ભૂકંપ, જ્વાળામુખી જેવી ઘટનાઓ બને છે અથવા પર્વતો ઊભા થાય છે.
ભારતીય પ્લેટ દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધી રહી છે. તો યુરેશિયન પ્લેટ ઉત્તરમાં આવેલી છે જેની સાથે ભારતીય પ્લેટ અથડાય રહી છે. આ બંને ઉપરાંત અરેબિયન પ્લેટ દક્ષિણ-પશ્ચિમ તરફ છે અને થોડો ઓછો પ્રભાવ પાડે છે.
અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં અવારનવાર લગભગ 1 લાખ કિમી ઊંડાઈવાળા ભૂકંપ આવે છે. આવા ભૂકંપ પૃથ્વીની સપાટી પર ઓછું નુકસાન પહોંચાડે છે. જોકે, જેમ-જેમ ઊંડાઈ ઓછી થતી જાય તેમ તેમ ભૂકંપના આંચકા તીવ્ર થાય છે અને વધુ નુકસાન પહોંચાડે છે.
અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારમાં અનેક સક્રિય ભ્રંશ રેખાઓ હાજર છે, જેના કારણે નિયમિતપણે ભૂકંપના મધ્યમથી તીવ્ર આંચકા આવે છે. વાસ્તવમાં અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ જ તેને પ્રાકૃતિક રીતે ભૂકંપ માટે સંવેદનશીલ બનાવે છે.
છેલ્લાં 5 વર્ષમાં આવેલા કેટલા ભૂકંપ
છેલ્લા 5 વર્ષમાં અફઘાનિસ્તાનમાં અનેક વાર વિનાશકારી ભૂકંપ આવ્યા છે. ઑક્ટોબર 2023માં હેરાત વિસ્તારમાં 2 વાર 6.3ની તીવ્રતાના ભૂકંપ આવ્યા, જેમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા અને 2,000થી વધુ ઘાયલ થયા હતા. ઑગસ્ટ 2025માં પૂર્વી અફઘાનિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 500થી વધુ મોત થયાં. નવેમ્બર 2025માં ખોલ્મ વિસ્તારમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 20થી વધુ લોકોનાં મોત અને 600થી વધુ ઘાયલ થયા હતા.
2025માં 12 એપ્રિલે પાકિસ્તાનમાં 39 કિમી ઊંડાઈએ 5 તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ઉપરાંત 16 અને 19 એપ્રિલે હિંદુકુશ અને અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સીમા પર 5.6 અને 5.8 તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા.
ત્યારપછી 10 મે અને 29 જૂને પાકિસ્તાનમાં 5.7 અને 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર અફઘાનિસ્તાન પર પણ પડી હતી. ત્યારબાદ 27 ઑગસ્ટે અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં 5.6 તીવ્રતાનો અને 19 ઑગસ્ટે 186 કિમી ઊંડાઈએ 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 1 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં 6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં 800થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
આ પહેલાં વર્ષ 2024માં 5 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન સીમા વિસ્તારમાં 5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારપછી 11 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનના હિંદુકુશમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 17 ઑક્ટોબરે ફરી તે જ વિસ્તારમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
વર્ષ 2023માં 5 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં જ 5.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. માર્ચના અંતમાં ઉત્તરી અફઘાનિસ્તાનમાં 6.5 તીવ્રતાના ભૂકંપના આંચકાઓમાં 13 લોકો માર્યા ગયા હતા.
ત્યારપછી 3 મે અને 5 ઑગસ્ટે ફરી હિંદુકુશ વિસ્તારમાં 5.6 અને 5.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 6 ઑગસ્ટે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સીમા પર 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઑક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા અનેક ભૂકંપોમાં અનેક લોકો માર્યા ગયા હતા. 15 નવેમ્બરે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સીમા વિસ્તારમાં 5.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
2022માં 17 જાન્યુઆરીએ પશ્ચિમી અફઘાનિસ્તાનમાં 30 કિમી ઊંડાઈએ 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 5 ફેબ્રુઆરીએ હિંદુકુશમાં 5.7 તીવ્રતાનો અને જૂનમાં 6 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
5 અને 6 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં સતત બે અથવા તેનાથી વધુ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં 8 લોકો માર્યા ગયા હતા. પછીથી 16 ડિસેમ્બરે દક્ષિણ-પૂર્વી અફઘાનિસ્તાનમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
2021માં 19 મેના રોજ અફઘાનિસ્તાનમાં 17.6 કિમી ઊંડાઈએ 4.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7 ઓક્ટોબરે દક્ષિણી પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા.
એ જ રીતે 2020માં 22 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સીમા વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર પછી 5 માર્ચે હિંદુકુશમાં 5.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઑગસ્ટમાં અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આપત્તિઓનો સામનો કરવામાં પણ ઘણા પડકારો
અફઘાનિસ્તાનમાં આપત્તિઓથી નિપટાવવાની વ્યવસ્થા ત્યાંનો સૌથી મોટો પડકાર છે. 2021માં તાલિબાનની સત્તા આવ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશના સંબંધો નબળા પડ્યા હતા. આ રાજકીય અસ્થિરતા સાથે આર્થિક સંકટ અને તકનીકી સાધનોની ઉણપને કારણે રાહત અને બચાવ કાર્ય ધીમું પડે છે. ગ્રામીણ અને પહાડી વિસ્તારોમાં પહોંચવું પણ મુશ્કેલ બને છે. જેનાથી રાહત કાર્ય પ્રભાવિત થાય છે.જોકે ભારત ભૂકંપ પીડિતોની મદદ કરતું રહ્યું છે
ભૂકંપ પછી અનેક દેશો અને સંગઠનોએ અફઘાનિસ્તાનને સહાય મોકલી છે. ભારતે દવાઓ, ટેન્ટ અને તબીબી ટીમ મોકલી, તો ઈરાન અને પાકિસ્તાને સીમા વિસ્તારોમાં પ્રાથમિક તબીબી સારવાર અને આશ્રય આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ, રેડ ક્રોસ અને WHOએ ખોરાક, પાણી, તબીબી અને માનસિક સહાય પૂરી પાડી છે. જોકે, રાહતનું પ્રમાણ જરૂરિયાત મુજબ ખૂબ ઓછું રહ્યું અને અનેક પ્રભાવિત વિસ્તારોમાં સમયસર મદદ પહોંચી નહીં.
અફઘાનિસ્તાનમાં ભૂકંપ માત્ર એક પ્રાકૃતિક આપત્તિ ન રહેતાં એક માનવીય સંકટ બની ગયો છે. ભૂગર્ભની સંવેદનશીલતા સાથે દેશનો નબળો મૂળભૂત ઢાંચો, મર્યાદિત સાધનો અને રાજકીય પડકારો તેને વધુ ગંભીર બનાવે છે. તેની સામે લડવા માટે સ્થાનિક સ્તરે આપદા નિપટાવવાની તૈયારી, ઈમારત બાંધકામના સખત ધોરણો અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રાથમિકતા આપવી જરૂરી છે.


