1 જાન્યુઆરી 2025ના દિવસથી સ્વિટ્ઝર્લેન્ડમાં (Switzerland) બુરખા બેન (Burqa Ban Law) કાયદો લાગુ થઇ ગયો છે. આ કાયદાને ઇસ્લામ વિરોધી માનવામાં આવી રહ્યો છે. તેનો વિરોધ પણ થઇ રહ્યો છે. જોકે સ્વિટ્ઝર્લેન્ડની સરકારે ઘણા સમય પહેલાં જ આ કાયદો બનાવી દીધો હતો જેનો અમલ 2025ના પ્રથમ દિવસથી કરવામાં આવ્યો હતો. આ કાયદામાં મહિલાઓને તેમનો ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચહેરો બુરખા અથવા હિજાબ (Hizab) દ્વારા ઢાંકવાની પ્રથા ઇસ્લામમાં (Islamic) જ છે તેથી આ કાયદાને ઇસ્લામ વિરોધી કાયદો કહીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્વિટ્ઝર્લેન્ડ સરકાર આ કાયદો બનાવવા પાછળ તેના ઉદ્દેશો સ્પષ્ટ કરી ચુકી છે.
નોંધનીય છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં લાગુ કરવામાં આવેલ આ કાયદામાં સાર્વજનિક સ્થાનો પર સામાન્ય જનતા પર નાક, મોઢું, આંખ વગેરે ઢાંકવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સપ્ટેમ્બર 2023માં, સંસદના નીચલા ગૃહે પ્રતિબંધને કાયદો બનાવ્યો અને ઉલ્લંઘન કરનારાઓ માટે 1,000 ફ્રેંક (લગભગ ₹94,651.06) સુધીનો દંડ નક્કી કર્યો હતો.
ક્યાં લાગુ નહીં પડે પ્રતિબંધ
નોંધનીય છે કે આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે જો અભિવ્યકિતની આઝાદી અને કોઈ સભા દરમિયાન કે કોઈ વિશેષ પરિસ્થિતિમાં વ્યક્તિગત સુરક્ષા માટે ચહેરો ઢાંકવાની આવશ્યકતા હશે તો તેના માટે અનુમતિ આપવામાં આવશે. જોકે તેના માટે પહેલાં સબંધિત અધિકારી પાસેથી મંજૂરી લેવી પડશે. જો અધિકારીને લાગશે કે અનુમતિ આપવાથી સાર્વજનિક વ્યવસ્થા ખરાબ નહીં થાય તો તે અનુમતિ આપશે, તે પછી જ વ્યક્તિ ચહેરો ઢાંકી શકશે.
આ સિવાય ફ્લાઈટ્સ કે રાજનાયિક કે વાણિજ્ય દુતાવાસ પર આ કાયદો લાગુ નહીં પડે. આ ઉપરાંત પવિત્ર સ્થળો તથા પૂજા સ્થળો પર પણ ચહેરો ઢાંકવાની મંજૂરી આપવામાં આવી છે. કાયદા અનુસાર સ્વાસ્થ્ય એ સુરક્ષા કારણોસર, સ્થાનિક રીતિ-રિવાજો અને સર્દી-ગરમીથી બચવા માટે પણ ચહેરો ઢાંકવાની પરવાનગી આપવામાં આવશે. મનોરંજન અને વિજ્ઞાપનો માટે પણ ચહેરો ઢાંકવાની અનુમતિ આપવામાં આવશે.
કેવી રીતે સ્વિટ્ઝર્લેન્ડમાં લાગુ થયો બુરખા બેન
નોંધનીય છે કે બુરખા બેન કાયદા માટેનો પ્રસ્તાવ સ્વિસ પીપલ્સ પાર્ટી (SVP) દ્વારા મુકવામાં આવ્યો હતો. તેમણે આ પ્રસ્તાવ ‘કટ્ટરપંથને રોકો’ એવા નારા સાથે મુક્યો હતો. નોંધનીય છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં લોકશાહી અંતર્ગત સામાન્ય લોકોને વિવિધ મામલાઓમાં પ્રત્યક્ષ રીતે ભાગ લેવાનો અધિકાર છે. ત્યાં અલગ-અલગ મુદ્દાઓને લઈને જનમત સંગ્રહ કરાવવામાં આવે છે.
ત્યારે આ કાયદા માટે પણ જનમત સંગ્રહ લેવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં લોકો પોતાની મરજીથી વિરોધ કે સમર્થનમાં મત આપતાં હોય છે. વર્ષ 2021માં સ્વિટ્ઝર્લેન્ડમાં જનમત સંગ્રહ કરી લોક પ્રતિસાદ લેવામાં આવ્યો હતો. આ મામલે કુલ 51.2% લોકોએ બુરખા બેન કાયદાના સમર્થનમાં વોટ આપ્યો હતો જયારે 48.8% લોકોએ આની વિરુદ્ધમાં મત આપ્યો હતો.
Switzerland has banned the burka.
— BooBoo (@BooBiffa) March 7, 2021
By public vote pic.twitter.com/qSlu11kPdj
બુરખો સુરક્ષા માટે ખતરો
જોકે આ પ્રતિબંધને ઇસ્લામ સાથે જોડવામાં આવી રહ્યો છે. કારણ કે મોટાભાગે ઇસ્લામની મહિલાઓ જ ચહેરો ઢાંકતી હોય છે. પરંતુ કાયદામાં સ્પષ્ટ ઇસ્લામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે સરકારનું કહેવું હતું કે સરકારને એવો અધિકાર નથી કે તે લોકો શું પહેરશે તે નક્કી કરે. પરંતુ બુરખા બેન કાયદાના સમર્થન કરતા લોકોનું કહેવું હતું કે બુરખો ચરમપંથીનું પ્રતિક છે અને સુરક્ષા માટે ખતરો છે.
કેટલી મહિલાઓ પહેરે છે બુરખો?
યુનિવર્સિટી ઓફ લ્યુસર્નના (જર્મન ભાષામાં) સંશોધન મુજબ સ્વિટ્ઝર્લૅન્ડમાં લગભગ 1000માંથી 30 મહિલાઓ નકાબ પહેરે છે. સ્વિટ્ઝર્લેન્ડની 8.6 મિલિયનની વસ્તીમાંથી લગભગ 5% મુસ્લિમ છે, જે મોટાભાગની તુર્કી, બોસ્નિયા અને કોસોવોની છે. આ કાયદાનો ઘણા માનવાધિકાર સંગઠનોએ વિરોધ કર્યો હતો. તેમનો એવો તર્ક છે કે મુસ્લિમ મહિલાઓ આસ્થા કે વ્યક્તિગત વિશ્વાસ માટે નકાબ કે બુરખો પહેરે છે.
મહત્વની બાબત છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં આ પહેલાં પણ ઇસ્લામ અંતર્ગતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે પણ જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. વર્ષ 2009માં મિનારા બનાવવાના મામલે જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ SVP દ્વારા પણ રજૂ કરાયેલી દરખાસ્તમાં જણાવ્યું હતું કે મિનારાઓ ઇસ્લામીકરણની નિશાની છે. આ સમયે પણ જનતાએ સરકારની સલાહની વિરુદ્ધ જઈને મિનારાના બાંધકામ પર પ્રતિબંધ મૂકવા માટે મત આપ્યો હતો.