વિશ્વનાં અતિપવિત્ર હિંદુ મંદિરોમાં સ્થાન ધરાવતું તિરુપતિ બાલાજી મંદિર (Tirupathi Temple) અચાનક આ સપ્તાહે ચર્ચામાં આવી ગયું. કારણ આ મંદિરનો પ્રસાદ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, જગન મોહન રેડ્ડીની સરકાર વખતે (2019-2024) તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવી હતી અને જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વિવાદ શરૂ થયો, જેમાં પછીથી અનેક ઘટનાક્રમ બન્યા.
આ બાબતની શરૂઆત ચંદ્રબાબુ નાયડુના નિવેદન સાથે જ થઈ હતી. તેમણે 18 સપ્ટેમ્બરે (બુધવાર) આંધ્રપ્રદેશના અમરાવતીમાં આયોજિત NDA પાર્ટીઓના ધારાસભ્યોની બેઠકમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, “તિરુમાલા લાડુમાં પણ ઊતરતી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી હતી. તેમણે ઘીના સ્થાને પ્રાણીજ ચરબીનો ઉપયોગ કર્યો હતો.” તેમણે આગળ કહ્યું કે, હવે શુદ્ધ-ચોખ્ખા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને મંદિર પણ સ્વચ્છ કરી દેવામાં આવ્યું છે, જેથી ગુણવત્તામાં પણ ફેર પડ્યો છે.”
CMએ જ આ ઘટસ્ફોટ કરતાં આ નિવેદન બીજા દિવસનાં છાપાંની હેડલાઇન બની ગયું. વધુમાં મુદ્દો સુપ્રસિદ્ધ મંદિરને લગતો હોવાના કારણે આંધ્રપ્રદેશની બહાર પણ ચર્ચા શરૂ થઈ અને સોશિયલ મીડિયા પર પણ વાયુવેગે વાત પ્રસરી ગઈ. વધુમાં આંધ્ર સરકારના જ મંત્રી અને ચંદ્રબાબુના પુત્ર નારા લોકેશે X પર એક પોસ્ટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો.
The lord venkateswara swamy temple at Tirumala is our most sacred temple. I am shocked to learn that the @ysjagan administration used animal fat instead of ghee in the tirupati Prasadam. Shame on @ysjagan and the @ysrcparty government that couldn’t respect the religious… pic.twitter.com/UDFC2WsoLP
— Lokesh Nara (@naralokesh) September 18, 2024
લોકેશે લખ્યું, “ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. જગન મોહન સરકારે તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીની ચરબી વાપરી હોવાનું જાણીને આઘાત લાગ્યો. જગન મોહન અને YSRCPએ શરમ કરવી જોઈએ. તેઓ કરોડો ભક્તોની લાગણીઓને માન પણ આપી શક્યા નહીં.”
આ આરોપો સામે આવ્યા બાદ જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPનું પણ નિવેદન સામે આવ્યું. પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્બારેડ્ડીએ આ આરોપો સદંતર નકારી દીધા અને ચંદ્રબાબુ નાયડુ અને તેમની પાર્ટી પર જ રાજકારણ રમવાનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું, “તિરુમાલા પ્રસાદ વિશે તેમની (CM નાયડુ) ટિપ્પણીઓ અત્યંત ઘૃણાજનક છે. શિષ્ટાચાર ધરાવતો કોઈ વ્યક્તિ આવાં નિવેદનો આપે નહીં કે આરોપો લગાવે નહીં. ફરી એક વખત સાબિત થયું છે કે ચંદ્રબાબુ રાજકીય લાભ મેળવવા માટે ગમે તે કરી શકે છે. ભક્તોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે હું મારા પરિવાર સાથે તિરુમાલા પ્રસાદ વિશે ભગવાન સમક્ષ શપથ લેવા માટે તૈયાર છીએ. શું ચંદ્રબાબુ તેમના પરિવાર સાથે આવું જ કરી શકે?”
લેબ ટેસ્ટમાં જાનવરોની ચરબી હોવાની પુષ્ટિ થઈ
18 સપ્ટેમ્બરના ચંદ્રબાબુ નાયડુના નિવેદનની બીજા દિવસે 19મીએ દિવસભર ચર્ચા ચાલી, પરંતુ મહત્વપૂર્ણ વળાંક આવ્યો તે જ દિવસે સાંજે. જ્યારે એક લેબ ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો, જેમાં જે આરોપો CM નાયડુએ લગાવ્યા હતા, તેની પુષ્ટિ થઈ હતી.
Breaking: Test report confirms beef fat, fish oil used in making laddus at Tirupati Temple.
— Rahul Shivshankar (@RShivshankar) September 19, 2024
Massive betrayal of Hindu Aastha! pic.twitter.com/J1hdV2J9MW
તિરુપતિ મંદિરમાં પ્રસાદ બનાવવા માટે વપરાયેલા ઘીનાં સેમ્પલ ગુજરાતના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સંચાલિત સેન્ટર ઑફ એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડ લેબ ખાતે મોકલવામાં આવ્યાં હતાં. અહીં લેબમાં કરવામાં આવેલા એક પરીક્ષણમાં સામે આવ્યું કે મંદિરના પ્રસાદ માટે બનાવવામાં આવતા લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં પ્રાણીની ચરબીની હાજરી પણ જોવા મળી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ઘીમાં સોયાબીન, સનફ્લાવર, ઓલિવ વગેરે સાથે ફિશ ઓઇલની પણ હાજરી જોવા મળી. સાથે રિપોર્ટમાં બીફ ટેલોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સાથે લાર્ડ પણ મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ એક અર્ધઘન સફેદ ચરબી હોય છે, જે ડુક્કરની જાડી ચરબીદાર પેશીને ઓગાળીને બનાવવામાં આવે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ YSRCP પર વધુ સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા.
KMFએ કહ્યું- અમે ઘી નહતું પહોંચાડ્યું, નાયડુ સરકાર આવ્યા બાદ ફરી શરૂ થયું; TTDએ બનાવી સમિતિ
આ વિવાદ બાદ કર્ણાટક મિલ્ક ફેડરેશનનું પણ એક સ્પષ્ટતા કરતું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે છેલ્લાં 4 વર્ષથી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ઘી પહોંચાડ્યું નથી. નવી સરકાર બદલાયા બાદ તેમને ફરી કોન્ટ્રાક્ટ અપાતાં ફરી શરૂ કરવામાં આવ્યું હોવાનું KMFએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દક્ષિણની જાણીતી ડેરી બ્રાન્ડ નંદિનીની માલિકી KMF પાસે છે. તેઓ અગાઉ TTDને ઘી પહોંચાડતા હતા, પરંતુ પછીથી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લેતાં કરાર સમાપ્ત થઈ ગયા હતા.
બીજી તરફ, 19 સપ્ટેમ્બરના રોજ જ તિરુપતિ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટે ઘીની ગુણવત્તા ચકાસવા માટે એક ચાર સભ્યોની સમિતિ બનાવી હતી. જેમાં ડેરી નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ સમિતિને તપાસ કરીને એક સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ સમિતિ ટેન્ડર પ્રક્રિયા વખતે ઘીની ગુણવત્તા અને શુદ્ધતા જળવાય રહે તે માટે કઈ શરતો રાખવી તે માટે પણ ભલામણ કરશે.
મામલો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તપાસની માંગ કરી હતી. આંધ્ર ભાજપના પ્રવક્તા ભાનુપ્રકાશ રેડ્ડીએ અગાઉની જગન મોહન સરકારને ‘હિંદુવિરોધી’ ગણાવી અને કહ્યું કે મામલાની કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ.
બીજી તરફ, આંધ્રપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જગન રેડ્ડીનાં બહેન YS શર્મિલાએ આ કેસમાં CBI તપાસની માંગ કરી. તેમણે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો હતો અને કહ્યું હતું કે, આ દેશભરના કરોડો હિંદુઓની શ્રદ્ધા અને આસ્થાનો સવાલ છે, જેથી મામલાની વિગતવાર તપાસ કરવામાં આવવી જોઈએ અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે કડક દાખલો બેસાડવો જોઈએ.
પવન કલ્યાણે કહ્યું- હવે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ સ્થાપવાનો સમય
આ બધા વચ્ચે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે સનાતન ધર્મ રક્ષણ બોર્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, હવે સનાતનના આવા અપમાન વિરુદ્ધ સૌ સનાતનીઓ એક થાય તે બહુ જરૂરી છે. તેમણે એક X પોસ્ટમાં આ વાત કહી હતી.
We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat )mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible.
— Pawan Kalyan (@PawanKalyan) September 20, 2024
But,this throws… https://t.co/SA4DCPZDHy
તેમણે કહ્યું, “આ મુદ્દો મંદિરોની પવિત્રતા, તેની જમીનના વિવાદો અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓને લગતી ઘણી સમસ્યાઓ ઉજાગર કરે છે. સંભવતઃ આ સમય આવી ગયો છે કે રાષ્ટ્રીય સ્તરે એક ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’નું નિર્માણ કરવામાં આવે, જેનું કામ સમગ્ર ભારતનાં મંદિરોના આવા મુદ્દાઓ પર કામ કરવાનું હોય.”
પવન કલ્યાણે કહ્યું કે, આ મુદ્દે તમામ પોલિસી મેકરો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, ન્યાયતંત્ર, નાગરિકો અને મીડિયા તેમજ અન્ય વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તે જરૂરી છે. અંતે તેમણે કહ્યું કે, “મને લાગે છે કે આપણે સૌએ સનાતન ધર્મના થતા અપમાનને રોકવા માટે આગળ આવવું જોઈએ.”
TTDએ પણ કરી રિપોર્ટની પુષ્ટિ
આ વિવાદ વચ્ચે 20 સપ્ટેમ્બરના રોજ તિરુપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી, જેમાં ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવાની વાતની પુષ્ટિ થઈ ગઈ. ટ્રસ્ટ તરફથી કહેવામાં આવ્યું કે, ઘીની ગુણવત્તાને લઈને ચિંતિત મુખ્યમંત્રીની સૂચનાથી લેબમાં સેમ્પલ મોકલવામાં આવતાં તેમાં પ્રાણીજ ચરબી મળી આવી હતી.
TTD અધિકારીએ જણાવ્યું કે, “રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી અને તેમાં વેજીટેબલ ફેટ ઉપરાંત એનિમલ ફેટ (પ્રાણીની ચરબી) પણ જોવા મળી. એનિમલ ફેટમાં લાર્ડ (ડુક્કરની ચરબી), પામ ઓઇલ, બીફ ટેલો અને ફિશ ઓઇલ હોવાનું જાણવા મળ્યું છે. ઘી આ બધાનું મિશ્રણ હતું. શુદ્ધ દૂધના ફેટનું રીડિંગ 95.68થી 104.32 હોવું જોઈએ, પણ આ ઘીના નમૂનાની વેલ્યુ 20 આસપાસ જ હતી, જેનો અર્થ એ થયો કે જે ઘી મોકલવામાં આવી રહ્યું હતું તે અત્યંત ભેળસેળયુક્ત હતું.”.
ટ્રસ્ટ દ્વારા સપ્લાયરોને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે, હવે અમે આંતરિક પ્રણાલી વધુ સશક્ત કરી રહ્યા છીએ, જેથી આવી સમસ્યાઓ ભવિષ્યમાં ન આવે. અમે સપ્લાયરોને દંડ પણ કર્યો છે. આ માટે એક એક્સપર્ટ કમિટી પણ બનાવવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને.
કેન્દ્ર સરકારે પણ સંજ્ઞાન લીધું
ત્યારબાદ તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં કેન્દ્ર સરકારે પણ સંજ્ઞાન લીધું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શુક્રવારે (20 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરીને આ મામલે સંપૂર્ણ રિપોર્ટ મંગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર મામલાની યોગ્ય તપાસ બાદ આવશ્યક કાર્યવાહી કરશે.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “મેં આંધ્ર પ્રદેશ CM ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે અને તેમની પાસેથી માહિતી લઈને જાણકારી મેળવી છે. મેં તેમની પાસે રિપોર્ટ મંગાવ્યો છે, જેથી તપાસ કરી શકાય. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”
જગન મોહને આરોપો નકાર્યા
વિવાદ વચ્ચે પછીથી આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને જેમની સરકારમાં પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવી હોવાનો આરોપ છે તેવા વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે તમામ આરોપો નકારી દીધા અને કહ્યું કે, ચંદ્રબાબુ રાજકારણ માટે આસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીફ જસ્ટિસને પત્ર પણ લખશે અને જણાવશે કે કઈ રીતે ચંદ્રબાબુ નાયડુએ તથ્યોને તોડી-મરોડીને રજૂ કર્યાં છે અને આવું કરવા માટે કેમ તેમની સામે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં
આખરે વધુ વિવાદ વકરતાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો. એક વકીલે શુક્રવારે (20 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે, પ્રસાદમાં ભેળસેળ હોવાનું સામે આવતાં કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને તેમના ધાર્મિક હકોના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પ્રસાદમાં ભેળસેળ હોવી એ મંદિર સંચાલનમાં મોટાપાયે ગેરરીતિ હોવાનો સંકેત છે હિંદુઓના ધાર્મિક હકો જળવાય રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
કોંગ્રેસીઓએ અમૂલને પણ ઘસડ્યું, આખરે થઈ FIR
આ સમગ્ર વિવાદમાં ગુજરાતની જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલને કશું લાગતું-વળગતું નથી, પરંતુ ગુજરાતદ્વેષ છલકાવવા માટે તલપાપડ કોંગ્રેસીઓ ખોટા દાવા કરીને અમૂલનું નામ પણ વચ્ચે લાવ્યા હતા. અમુકે સોશિયલ મીડિયા પર દાવા કર્યા હતા કે અગાઉ કર્ણાટકની નંદિની બ્રાન્ડ તિરુપતિ મંદિરને ઘી પહોંચાડતી હતી, પરંતુ પછીથી કોન્ટ્રાક્ટ અમૂલને આપવામાં આવ્યો અને ભેળસેળવાળું ઘી નીકળ્યું.
અહીં હકીકત એ છે કે અમૂલે ક્યારેય તિરુપતિ મંદિરને ઘી પહોંચાડ્યું નથી. જે બાબતની સ્પષ્ટતા પછીથી સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી. ત્યારબાદ ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ સહિતનાં અકાઉન્ટ્સ વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઈમ આ મામલે વિગતવાર તપાસ કરી રહી છે.