Monday, March 9, 2026
More
    હોમપેજદેશ‘માત્ર આતંકીઓનો સફાયો નહીં, આતંકવાદ પાછળની સિસ્ટમ નષ્ટ કરવી જરૂરી’: વાંચો શું...

    ‘માત્ર આતંકીઓનો સફાયો નહીં, આતંકવાદ પાછળની સિસ્ટમ નષ્ટ કરવી જરૂરી’: વાંચો શું છે ગૃહ મંત્રાલયની નવી આતંકવિરોધી નીતિ– PRAHAAR, કઈ રીતે કામ કરશે

    ‘પ્રહાર’નો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતાં ડોક્યુમેન્ટમાં કહેવાયું છે કે આ ઇન્ટેલિજન્સ, નીતિગત બાબતો,  કાયદો-વ્યવસ્થા, સામાજિક માળખાં અને આંતરરાષ્ટ્રીય સહકારને એક વ્યવસ્થિત માળખામાં ગોઠવવાનો પ્રયાસ છે.

    - Advertisement -

    આતંકવાદ અને તેનાં વિવિધ સ્વરૂપો સામે લડવા માટે ભારત સરકારે તેની પહેલી કાઉન્ટર-ટેરેરિઝમ પોલિસી જાહેર કરી છે. આ નીતિગત દસ્તાવેજને ‘પ્રહાર’ (PRAHAAR) નામ આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બદલાતા સુરક્ષા પરિદૃશ્યમાં દેશ આતંકવાદી હુમલાઓનો સામનો કઈ રીતે કરશે, જોખમો સામે કઈ રીતે લડશે અને કોઈ પણ હુમલા બાદ સામાન્ય સ્થિતિ કઈ રીતે બહાલ કરાશે. નીતિનો ઉદ્દેશ્ય એ છે કે હુમલાઓ અને આતંકવાદી ઘટનાઓ બાદ માત્ર પ્રતિક્રિયા આપવા પૂરતા સીમિત ન રહીને વ્યવસ્થિત સમન્વય અને મજબૂત ઇન્ટેલિજન્સની મદદથી આવી ઘટનાઓને પહેલાં જ કઈ રીતે રોકી શકાય એ બાબત પર ધ્યાન આપવામાં આવે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે: આતંકવાદને કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને ભારત પહેલેથી આતંકવાદ મુદ્દે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે. વર્ષોથી દેશ કઈ રીતે ક્રોસ બોર્ડર ટેરેરિઝમનો સામનો કરી રહ્યો છે અને આંતરિક સુરક્ષાની દૃષ્ટિએ પણ કયા અને કેવા પડકારો રહ્યા છે એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

    દસ્તાવેજની ગંભીરતા જોતાં પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાનનું નામ લખવામાં આવ્યું નથી, પરંતુ તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વિસ્તારમાં અમુક દેશો એવા છે જે આતંકવાદને ‘સ્ટેટ પોલિસી’ના એક સાધન તરીકે વાપરતા રહ્યા છે અને આજની તારીખે પણ આ એક મોટો ચિંતાજનક વિષય છે. ઉલ્લેખનીય છે કે અનેક યુદ્ધોમાં ભારત સામે પછડાટ ખાઈ ચૂકેલું પાકિસ્તાન વર્ષોથી સરહદપારથી આતંકીઓ મોકલીને ભારતમાં અસ્થિરતા સર્જવાના પ્રયાસ કરતું રહે છે.

    - Advertisement -

    પોલિસી સમજાવે છે કે આજે કઈ રીતે આતંકવાદનાં સ્વરૂપો બદલાય રહ્યાં છે. ભારત પરનાં જોખમોની ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે પહેલાં સરહદપારથી અન્ય દેશો દ્વારા આતંકવાદીઓ મોકલવામાં આવતા હતા. ઉપરાંત અલ-કાયદા અને ISIS જેવાં ઇસ્લામી આતંકવાદી સંગઠનો ભારતમાં પણ પગપેસારો કરવા માટે મથતાં રહ્યાં છે. આ સિવાય હવે ડ્રોનનો ઉપયોગ વિસ્ફોટકો અને હથિયારો સ્મગલ કરવા માટે થવા માંડ્યો છે.

    સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ ઓનલાઇન કટ્ટરપંથનો ફેલાવો કરવા માટે કરવામાં આવે છે અને તેના માટે વિવિધ મેસેજિંગ એપ્લિકેશનો વપરાય છે. અમુક ઈનક્રિપ્ટેડ પ્લેટફોર્મ અને ક્રિપ્ટોકરન્સી થકી ટેરર ફન્ડિંગ પણ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. આ સિવાય સાયબર હુમલાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

    ‘પ્રહાર’ની રણનીતિના મુખ્ય સાત સ્તંભો છે.

    1) ઇન્ટેલિજન્સની મદદથી હુમલાઓ પહેલાં જ રોકી દેવા

    નીતિમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ધ્યાન એ બાબતે કેન્દ્રિત કરવું જોઈએ કે હુમલાઓ થાય એ પહેલાં જ તેમને રોકી દેવામાં આવે. જેના માટે ઇન્ટેલિજન્સ મેળવવું અને એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. ‘મલ્ટી એજન્સી સેન્ટર’ જેવાં માધ્યમો વિવિધ એજન્સીઓને રિયલ ટાઇમ ઇનપુટ્સ પૂરાં પાડવામાં મદદ કરી શકે. ઉપરાંત ઓનલાઇન ટેરર નેટવર્ક અને ફન્ડિંગ ચેનલો પણ બંધ કરી શકાય.

    2) ઝડપી અને સંકલિત પ્રતિકાર

    કોઈ પણ હુમલો થાય ત્યારે સ્થાનિક પોલીસ સૌથી પહેલી પ્રતિક્રિયા આપે છે. ત્યારબાદ કેન્દ્રીય બળો અને જરૂર પડ્યે નેશનલ સિક્યુરિટી ગાર્ડની મદદ લેવામાં આવે છે. આપાતકાલીન પરિસ્થિતિમાં કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકાર અને તેની એજન્સીઓ વચ્ચે સમન્વય કઈ રીતે સાધી શકાય તે માટે સ્ટાન્ડર્ડ પ્રોસિજર પણ તૈયાર કરવામાં આવી છે.

    3) સુરક્ષા ક્ષમતામાં વધારો કરવો

    પોલિસીમાં કહેવાયું છે કે પોલીસ અને સુરક્ષાબળોના મોડર્નાઇઝેશન પર વધુ ભાર આપવામાં આવશે, જે માટે વધુ સારી ટેકનોલોજી, ટ્રેનિંગ અને સાધનોનો ઉપયોગ થશે. વિવિધ રાજ્યોમાં એન્ટી-ટેરર સ્ટ્રક્ચર તૈયાર કરીને તૈયારીઓમાં સુધારો કઈ રીતે કરી શકાય તે માટેના પ્રયાસો પણ હાલ ચાલી રહ્યા છે.

    4) કાયદાનું શાસન, માનવાધિકાર

    સ્ટ્રેટેજી કહે છે કે આતંકવાદનો સામનો તો કરવો જરૂરી છે, પરંતુ કાયદા પાલન સાથે. આવાં એન્ટી ટેરર ઑપરેશન માટે હાલના કડક કાયદાઓ જેમકે UAPA વગેરે બૅકબોનનું કામ કરે છે. પરંતુ તેમાં જ્યુડિશિયલ ઓવરસાઈટ અને આરોપીઓને પૂરતું કાયદાકીય રક્ષણ આપવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે.

    5) કટ્ટરપંથ પર લગામ

    પોલિસીમાં આ બાબત પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. જે કહે છે કે આતંકવાદ એક સામાજિક સમસ્યા પણ છે. સમુદાયના નેતાઓ, NGO, એજ્યુકેટરો વગેરે કટ્ટરપંથ સામે લડવામાં મદદ કરી શકે. આ માટે ડી-રેડિકલાઇઝેશન પ્રોગ્રામ, યુથ એંગેજમેન્ટ ઇનિશિએટિવ વગેરેની મદદ લેવા માટે પણ કહેવાયું છે, જેથી યુવાનોને આવાં હિંસક નેટવર્કના ભાગ બનતા રોકી શકાય.

    6) આંતરરાષ્ટ્રીય સંકલન

    નીતિ કહે છે કે આતંકવાદ ઘણી વખત સરહદપારથી પણ ઓપરેટ થાય છે, જેથી અન્ય દેશો સાથે પણ સતત સંકલનમાં રહેવું જરૂરી છે. ભારત આવાં ઈન્ટરનેશનલ આતંકી નેટવર્ક પકડવા અને તેમને નિષ્ક્રિય કરવા માટે સતત ઇન્ટેલિજન્સ શેરિંગ, પ્રત્યાર્પણ કરાર વગેરે થકી વૈશ્વિક મંચ પર પણ સતત કાર્યરત રહે છે.

    7) રિકવરી, સોશિયલ રિસાઇલન્સ

    અંતિમ સ્તંભમાં નીતિગત દસ્તાવેજ જણાવે છે કે હુમલો થયા બાદ શું કરવું જોઈએ. જેના માટે માત્ર સરકાર નહીં પણ સમુદાયે સાથે મળીને કામ કરવું પડશે. એટલે કે સરકાર, પોલીસ, નાગરિકો, સમુદાયો, પ્રાઇવેટ સેક્ટર, સામાજિક સંગઠનો સાથે મળીને એક જ વલણ અપનાવે તો આતંકવાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં જનજીવન ફરીથી સામાન્ય થઈ શકે અને તે માટે તંત્ર, ડૉક્ટરો, મનોવૈજ્ઞાનિક, સામુદાયિક સંસ્થાઓની મદદ લેવા માટે જણાવાયું છે.

    નીતિમાં કહેવાયું છે કે ભારતે અત્યાર સુધી આતંકવાદ સામે મજબૂતીથી લડત આપી છે, પણ એ વાત પણ હકીકત છે કે નવા પડકારો સતત આવતા રહે છે. જેના માટે સમયાંતરે કાયદામાં સુધારો જોઈએ, રાજ્ય સ્તરે કાઉન્ટર-ટેરર યુનિટ પણ એટલાં જ મજબૂત હોવાં જોઈએ અને ટેકનોલોજીમાં રોકાણ પણ સમયની માંગ છે. હવે આ બાબતો પર ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત આતંકવાદ સામે લડવા માટે વૈશ્વિક સહકાર પણ જરૂરી છે, જે દિશામાં પણ સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

    ‘પ્રહાર’નો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતાં ડોક્યુમેન્ટમાં કહેવાયું છે કે આ ઇન્ટેલિજન્સ, નીતિગત બાબતો,  કાયદો-વ્યવસ્થા, સામાજિક માળખાં અને આંતરરાષ્ટ્રીય સહકારને એક વ્યવસ્થિત માળખામાં ગોઠવવાનો પ્રયાસ છે. માત્ર આતંકવાદીઓ ખતમ કરવા કરતાં ફન્ડિંગ, પ્રોપગેન્ડા અને ભરતીની જે સિસ્ટમ આતંકવાદ પાછળ કામ કરે છે તેને મૂળમાંથી ઉખાડી ફેંકવી જરૂરી છે. જો કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ વચ્ચે આ માળખા પ્રમાણે કામ થશે અને જમીન પર સતત તેનું અમલીકરણ થશે તો આ વિષયમાં ઘણી સફળતા મળી શકે એમ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં