આતંકવાદનો પર્યાય બની ચૂકેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં સરકારો આવતી અને જતી રહે છે પણ સત્તાની ખરી કમાન તો સેનાના હાથમાં જ રહે છે તેવું હવે દુનિયા જોતી અને જાણતી થઈ ગઈ છે. એ જ કારણ છે કે સાત દાયકા પછી પણ એક પણ વડા પ્રધાન પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યો નથી. હાલ ત્યાં વડા પ્રધાન તરીકે શાહબાઝ શરીફ નામની એક કઠપૂતળી છે અને સેનાધ્યક્ષ તરીકે આતંકવાદી, કોમવાદી, હિંદુદ્વેષી આસિમ મુનીર છે. આસિમ મુનીરે વધુ સત્તા હસ્તગત કરવા માટે હવે પાસાં ફેંક્યાં છે, જેના માટે તે પાકિસ્તાનના બંધારણમાં 27મુ સંશોધન કરવાની ફિરાકમાં છે.
તાજેતરમાં પાકિસ્તાનની સિનેટમાં એક બંધારણીય સંશોધન માટેનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો. આ 27મુ સંશોધન હશે. જેનાથી સેનાધ્યક્ષ તમામ સશસ્ત્રબળોનો વડો બની જશે અને તેના માટે એક નવું પદ પણ સ્થાપિત થશે. સાથે સુપ્રીમ કોર્ટની શક્તિઓ પર પણ મોટાપાયે લગામ લાગવાની શક્યતાઓ છે. આવતાંની સાથે આ બિલ વિવાદમાં સપડાયું છે અને પાકિસ્તાનમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે.
કેબિનેટની મંજૂરી બાદ સીનેટમાં શનિવારે (8 નવેમ્બર) રજૂ કરવામાં આવેલા આ બિલમાં પાકિસ્તાનના બંધારણના આર્ટિકલ 243માં મોટા ફેરફારો કરવાનું સૂચવાયું છે. જે હેઠળ એક નવા પદની રચના કરવામાં આવશે: ચીફ ઑફ ડિફેન્સ ફોર્સીસ (CDF).
શું કરવામાં આવશે સુધારાઓ?
આ CDF પદ સંભાળશે જે-તે ચીફ ઑફ આર્મી સ્ટાફ, એટલે કે સેના પ્રમુખ. હાલ સેના પ્રમુખ છે આસિમ મુનીર. CDF ત્રણેય સેનાઓ પાયદળ, વાયુદળ અને નૌકાદળના સુપ્રીમ કમાન્ડર તરીકે કામ કરશે.
સાથે જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટીના (CJCSC) ચેરમેનનું પદ નિરસ્ત કરી દેવામાં આવશે. હાલ આ કમિટી ત્રણેય પાંખો વચ્ચે સંકલન સાધવાનું કામ કરતી ટોપ કૉ-ઓર્ડિનેટિંગ કમિટી છે. 27 નવેમ્બરના રોજ તેના વર્તમાન ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારબાદ આ પદ રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ આ જવાબદારીઓ CDF સંભાળશે.
આર્ટિકલ 243ની વાત કરવામાં આવે તો આ આર્ટિકલ હેઠળ સેનાના નિયંત્રણ અને સંચાલન માટે પાકિસ્તાનના વડા પ્રધાન (હેડ ઑફ ધ ગવર્નમેન્ટ) અને રાષ્ટ્રપતિ (હેડ ઑફ ધ સ્ટેટ) વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી છે.
નવા સુધારા હેઠળ હવે રાષ્ટ્રપતિ સેના, નૌસેના અને વાયુસેનાના પ્રમુખોની નિમણૂક વડા પ્રધાનની સલાહના આધારે કરશે. પરંતુ ત્રણેય સેનાઓના વડા તરીકે ચીફ ઑફ ડિફેન્સ ફોર્સીસ રહેશે. એટલે નિમણૂક જેની પણ થાય, તેઓ કામ CDFના હાથ નીચે કરશે અને CDF ત્રણેય સેનાઓની ઉપર બંધારણ માન્ય ઓથોરિટી રહેશે. જેથી વડા પ્રધાનની સત્તા પણ સદંતર ઘટી જશે.
આ સિવાય આ જ સુધારા હેઠળ એક નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના કમાન્ડરની જોગવાઈ કરવામાં આવી છે. આ કમાન્ડ દેશનાં પરમાણુ શસ્ત્રો બાબતે નિર્ણય કરે છે. કમાન્ડરની નિમણૂક વડા પ્રધાન કરશે, પરંતુ CDFની ભલામણના આધારે. જેથી અહીં પણ વડા પ્રધાને માત્ર CDF પાસેથી આવેલી ભલામણ પર હસ્તાક્ષર જ કરવાના રહે. અન્ય એક નિયમ એવો છે કે કમાન્ડર ફરજિયાત સેનાનો જ અધિકારી હોવો જોઈએ. જેથી ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી પર પણ સરકાર કરતાં વધારે સત્તા સેના પાસે હશે એ નિશ્ચિત છે.
આ સિવાય નવા બંધારણીય સંશોધનમાં ફાઈવ સ્ટાર રેન્ક્સને પણ માન્યતા આપી દેવામાં આવી છે. જેમકે, ફિલ્ડ માર્શલ, માર્શલ ઑફ ધ એર ફોર્સ અને એડમિરલ ઑફ ધ ફ્લીટ. આ સેનાનો સર્વોચ્ચ રેન્ક છે અને રાષ્ટ્રસુરક્ષા માટે અસાધારણ યોગદાન બદલ (ખાસ કરીને યુદ્ધ સમયે) આપવામાં આવે છે. પણ એ અન્ય દેશો માટે. પાકિસ્તાન જેવા પેરોડી દેશમાં અસીમ મુનીર જેવાઓ પણ લઈને ફરતા હોય છે.
પાકિસ્તાનમાં હવે આવા રેન્કને બંધારણીય બનાવી દેવામાં આવ્યા છે અને ચોખવટ કરવામાં આવી છે કે તે કોઈ નિમણૂક નથી પણ ટાઇટલ છે અને જીવનપર્યંત રહે છે. આ રેન્ક જેમને આપવામાં આવે તેઓ આજીવન યુનિફોર્મમાં રહી શકે અને તમામ પ્રકારની સરકારી સગવડો પણ મળતી રહે. તેમને માત્ર મહાભિયોગથી જ હટાવી શકાય. એક રીતે કહીએ તો રાષ્ટ્રપતિને જે-જે લાભો મળે છે એ તમામ લાભ આવા રેન્ક ધરાવનાર સેના અધિકારીને મળી શકે. આવાં ટાઇટલ વડા પ્રધાન રદ કરી શકે નહીં, સત્તા માત્ર સંસદ પાસે રહેશે.
સુપ્રીમ કોર્ટની શક્તિઓ પર પણ લગામ, હવે માત્ર ‘ડિસ્ટ્રીક્ટ સુપ્રીમ કોર્ટ’ બનીને રહી જશે
આટલા સુધારા સૈન્ય સ્તરે થયા, આ સિવાય ન્યાયિક પ્રક્રિયામાં પણ અમુક ફેરફારો સૂચવવામાં આવ્યા છે, જેની મદદથી સુપ્રીમ કોર્ટની શક્તિઓ પર કાતર ફેરવી દેવામાં આવી છે.
એક બિલ હેઠળ ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ સ્થાપિત કરવામાં આવશે. આ જ્યુડિશિયલ બોડીનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું રહેશે. ઉપરાંત સરકાર સ્તરના જે વિવાદો હોય અને આર્ટિકલ 199 હેઠળ જે પ્રશ્નો ઉદભવે તેનું સમાધાન આ કોર્ટ કરશે. પાકિસ્તાનના બંધારણનો આ આર્ટિકલ 199 હાઇકોર્ટની સત્તા નક્કી કરે છે.
સામાન્ય રીતે આ બધી બાબતો સુપ્રીમ કોર્ટ જોતી હોય છે, પણ હવે એક નવી કોર્ટ બેસાડી દેવામાં આવી છે, જેથી સુપ્રીમ કોર્ટની શક્તિઓ નિયંત્રિત થઈ જશે. બીજું, નવી કોર્ટમાં વડા પ્રધાન, સંસદ, રાષ્ટ્રપતિ વગેરેના હસ્તક્ષેપથી ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે આ સુધારાથી સુપ્રીમ કોર્ટનું કોઈ ઔચિત્ય જ ન રહે અને માત્ર ‘સુપ્રીમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ’ બનીને રહી જશે, જે માત્ર સામાન્ય અપીલનું કામકાજ કર્યા કરશે અને બંધારણીય બાબતો નવી કોર્ટમાં લઈ જવામાં આવશે.
ટૂંકમાં સુધારા એ રીતે કરવામાં આવ્યા છે, જેથી સેનાની શક્તિઓ એ હદે વધી જશે કે સરકાર પણ તેમાં ચંચૂપાત ન કરી શકે. ઘણી બાબતોમાં સંસદ પણ સેનાના નિર્ણયો પર પ્રશ્નો ન કરી શકે તેવી સ્થિતિ સર્જાશે. વડા પ્રધાન અને કેબિનેટનું કામ માત્ર સેના તરફથી જે ભલામણો આવે તેની ઉપર સહી કરવા જેટલું સીમિત રહી જશે. પાકિસ્તાન અત્યાર સુધી પોતાને ‘ઈસ્લામિક રિપબ્કિક ઑફ પાકિસ્તાન’ ગણાવતું હતું. વર્ષોથી જોકે આ બધું કાગળ પર જ રહ્યું છે, હવે પાકિસ્તાન મિલિટરી ઓટોક્રસી બનવા તરફ સત્તાવાર રીતે આગળ વધી રહ્યું છે.


