Sunday, September 15, 2024
More
    હોમપેજદુનિયાઅમેરિકાની ચીનને સ્પષ્ટ વાત- દલાઈ લામા સાથે શરૂ કરો વાર્તાલાપ: તિબેટને સંરક્ષણ...

    અમેરિકાની ચીનને સ્પષ્ટ વાત- દલાઈ લામા સાથે શરૂ કરો વાર્તાલાપ: તિબેટને સંરક્ષણ આપતા બિલ પર જો બાયડને કર્યા હસ્તાક્ષર- વિગતે જાણો શું છે આ ‘રિઝોલ્વ તિબેટ એક્ટ’ 

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને તિબેટ રિઝોલ્વ એક્ટ (Resolve Tibet Act) પર હસ્તાક્ષર કરીને કાયદો અમલમાં લાવી દીધો છે. આ અધિનિયમ લાગુ થયા બાદ ચીન દ્વારા તિબેટ પર કરવામાં આવેલા અતિક્રમણ અને દાવાનું સમાધાન વગર સંઘર્ષે, શાંતિપૂર્ણ વાતચીતના માધ્યમથી લાવવાનું રહેશે.

    - Advertisement -

    તિબેટ અને ચીન વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. 1959ના વિદ્રોહ બાદ 14મા દલાઈ લામા હજારો તિબેટીયન લોકો સાથે ભારતમાં આવીને વસ્યા અને એક નિર્વાસિત સરકારની સ્થાપના કરી હતી, જેને ચીન દ્વારા માન્યતા આપવામાં આવી નથી. આટલાં વર્ષો વીતવા છતાં ચીન-તિબેટ વિવાદનો કોઈ ઉકેલ નથી આવ્યો. તેવામાં હવે અમેરિકાએ રિઝોલ્વ તિબેટ એક્ટ લાગુ કર્યો છે. રાષ્ટ્રપતિ જો બાયડને તેના બિલ પર હસ્તાક્ષર કરી દેતા હવે તેના પર મહોર લાગી ગઈ છે અને તેણે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન અને તિબેટ વચ્ચે સંઘર્ષ ઘટાડીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને તિબેટ રિઝોલ્વ એક્ટ (Resolve Tibet Act) પર હસ્તાક્ષર કરીને કાયદો અમલમાં લાવી દીધો છે. આ અધિનિયમ લાગુ થયા બાદ ચીન દ્વારા તિબેટ પર કરવામાં આવેલા અતિક્રમણ અને દાવાનું સમાધાન વગર સંઘર્ષે, શાંતિપૂર્ણ વાતચીતના માધ્યમથી લાવવાનું રહેશે. ચીને આ કાયદાનો ભારે વિરોધ કર્યો હતો અને તેનાથી અસ્થિરતા ઉભી થશે તેવા દાવા કર્યા હતા. પરંતુ તેના ધમપછાડા ક્યાંય કામ ન લાગ્યા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાની પ્રતિનિધિ સભામાં તેને પસાર કરવામાં આવ્યો અને મેં મહિનામાં સેનેટે તેને મંજૂરી આપી દીધી હતી.

    આ કાયદો લાદીને અમેરિકાએ આડકતરી રીતે ચીન પર નિશાનો સાધ્યો છે. કાયદો લાગુ થયા બાદ ચીનને તિબેટ મામલે બેકફૂટ પર જવું પડશે. સહુથી મોટી બાબત તે છે કે કાયદો લાગુ થયા બાદ ચીનનું જુઠ્ઠાણું વધારે નહીં ચાલે. સાથે-સાથે હવે ચીન તિબેટને પોતાનું ઐતિહાસિક અવિભાજ્ય અંગ પણ નહીં ગણાવી શકે. બીજી તરફ કાયદો પસાર થયા બાદથી અમેરિકાના વિદેશ મંત્રાલયને ચીનના દાવો પર સીધી પ્રતિક્રિયા આપવા માટેનો અધિકાર મળી ગયો છે. જેનો અર્થ તે છે કે આગામી સમયમાં અમેરિકા અને ચીનની સરકારો તિબેટ મુદ્દે સામસામે આવી શકે છે.

    - Advertisement -

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને આ મામલે શું કહ્યું?

    શુક્રવારે (12 જુલાઈ 2024) વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રપતિના આધિકારિક નિવેદન મુજબ, જો બાયડને આ મામલે જણાવ્યું હતું કે, “આજે મેં S 138 તિબેટ-ચીન વિવાદ પર સમાધાન લાવવા માટેના અધિનિયમ રિઝોલ્વ તિબેટ એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. હું તિબેટીયન લોકોના માનવાધિકાર અને તેમની સંસ્કૃતિ, ભાષા અને ધાર્મિક ધરોહરને સંરક્ષિત કરવાના પ્રયાસોનું સમર્થન કરવા માટે કોંગ્રેસની દ્વિદળીય પ્રતિબધ્ધતા રજૂ કરું છું. મારું પ્રશાસન પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનને દલાઈ લામા કે પછી તેમના પ્રતિનિધિઓ સાથે કોઈ પણ પૂર્વ શરતો વગર સીધી વાતચીત ફરી શરૂ કરવા માટેનું આહ્વાન સતત ચાલુ રાખશે.”

    તેમણે જણાવ્યું કે, “આમ કરવાથી મતભેદોને દૂર કરી શકાશે અને તિબેટ પર વાતચીત દ્વારા સમાધાન લાવી શકાશે. આ અધિનિયમ તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને ચીનના અન્ય ક્ષેત્રોને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના ભાગના રૂપમાં માન્યતા આપવાની લાંબા સમયથી ચાલી આવતી દ્વિદળીય સંયુક્ત રાજ્ય અમેરિકાની નીતિને નહીં બદલે.”

    શું છે રિઝોલ્વ તિબેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ?

    અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલા રિઝોલ્વ તિબેટ એક્ટને સરળ ભાષામાં સમજીએ તો લાગુ થયા બાદ તે તિબેટ પર ચીનની જગ્યાએ અમેરિકાની સ્થિતિ મજબૂત કરવાનું કામ કરશે. હાલ પૂરતું તેમાં જણાવાયું છે કે કાયદાનો મુખ્ય હેતુ તિબેટને લઈને દલાઈ લામા સાથે ચર્ચા-વિચારણા કરવા દબાણ ઉભું કરવાનો છે. આ અધિનિયમ લાગુ થતાં અમેરિકન ફોરેન અફેયર્સના અધિકારીઓને ચીન દ્વારા ચલાવવામાં આવતાં જુઠ્ઠાણાં વિરુદ્ધ ખુલ્લું હથિયાર મળી જશે અને તેઓ જાહેરમાં તેના પર પ્રતિક્રિયા આપી શકશે.

    રિઝોલ્વ તિબેટ એક્ટ લાગુ થયા બાદ ચીનની સરકારોએ નમતું જોખીને દલાઈ લામા અને તેમના પ્રતિનિધિઓ સાથે ‘કોઈ પૂર્વ શરત વગર’ અને લોકતાંત્રિક રીતે વાર્તાલાપ શરૂ કરવો પડશે. અધિનિયમમાં તિબેટના લોકોના આત્મનિર્ણય તેમજ માનવાધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ચીનને ભીંસમાં લેવા માટે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ પર હસ્તાક્ષરકર્તાના રૂપમાં ચીનના કર્તવ્યોને પણ રેખાંકિત કરવામાં આવ્યા છે.

    આ અધિનિયમ લાગુ થયા બાદથી તિબેટના લોકોના વિશેષ અધિકાર, વિશિષ્ટ ઐતિહાસિક, સંસ્કૃતિ, ધાર્મિક તેમજ ભાષાકીય ઓળખને માન્યતા આપવાની રહેશે. અમેરિકન નીતિ હાલ જે મુજબ જણાવી રહી છે તે મુજબ તેનો ઉદ્દેશ્ય તિબેટમાં ન્યાય અને શાંતિ લાવવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સશક્ત બનાવવાનો છે.

    પહેલાના અધિનિયમ કરતા શું અલગ?

    નોંધનીય છે કે, રિઝોલ્વ તિબેટ એક્ટ સ્પષ્ટ શબ્દોમાં તિબેટ પર ચીનના અધિકારોનો વિરોધ કરે છે. અહીં નોંધવું જોઈએ કે વર્ષ 2002માં લાદવામાં આવેલા અધિનિયમમાં ચીનના દાવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2002માં દલાઈ લામાને એક રાજકીય આગેવાનની જગ્યાએ આધ્યાત્મિક માર્ગદર્શકના રૂપમાં ચીન સાથે વાટાઘાટો કરવાની પરવાનગી આપવામાં આવી હતી, જ્યારે નવા એક્ટ મુજબ તેમને એક આગેવાન તરીકે જ જોવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, તિબેટ નીતિ તેમજ સમર્થન અધિનિયમ 2020માં પણ વાટાઘાટો પર ભાર આપવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન જોગવાઈમાં તે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વાર્તાલાપનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર મતભેદોનું સમાધાન જ હોવો જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં