Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતશું સ્માર્ટ મીટરમાં કોઇ ખામી છે કે તેનાથી વીજળી બિલ વધુ આવે...

    શું સ્માર્ટ મીટરમાં કોઇ ખામી છે કે તેનાથી વીજળી બિલ વધુ આવે છે? વિરોધ અને દુષ્પ્રચાર વચ્ચે જાણો કઈ રીતે કામ કરે છે આ સિસ્ટમ- તમામ ભ્રમ કરો દૂર

    ગુજરાતમાં લાગુ થવા જઈ રહેલા સ્માર્ટ મીટરમાં કોઈપણ પ્રકારની ખરાબી કે ચાલાકી નથી. ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ભારત બનાવવા માટે હવે દરેક ક્ષેત્રને પણ ડિજિટલ બનાવવું અનિવાર્ય છે. ગુજરાતમાં જોવા મળી રહેલો વિરોધ માત્ર અને માત્ર સમજણ અને માહિતીના અભાવના કારણે જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    ગુજરાતનાં અમુક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પાર પડે તે પહેલાં જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ આખો વિવાદ વડોદરામાં વધુ જોવા મળી રહ્યો છે, જ્યાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાના આરોપો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને અસમંજસ ઊભી થઈ ગઈ છે. સામાન્ય લોકો પણ માહિતીના અભાવના કારણે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

    જ્યારે વડોદરા કોંગ્રેસે તો તકનો લાભ લઈને સરકારની ખોદણી કરવાની પણ શરૂ કરી દીધી છે. વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે, જો સ્માર્ટ મીટર લાગ્યાં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવામાં સામાન્ય લોકો ગેરમાર્ગે દોરાઈને સમજણના અભાવના કારણે મીટરનો વિરોધ કરવાનું શરૂ કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈને શું આરોપો લાગી રહ્યા છે? શું ખરેખર તે આરોપો સાચા છે? જો આરોપો સાચા ન હોય તો તેની વાસ્તવિકતા શું છે? જેવા પ્રશ્નો સામાન્ય માણસોમાં ચર્ચાઇ રહ્યા છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે સ્માર્ટ મીટર અને તેની સિસ્ટમ વિશે માહિતી મેળવવી જરૂરી છે. પત્રકાર નિર્ણય કપૂરે પોતાની એક X પોસ્ટમાં વ્યવસ્થિત રીતે સમજણ આપી છે.

    સ્માર્ટ મીટર પર લાગી રહ્યા છે આરોપો

    સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઇ છે. કેટલાક વિસ્તારોમાં આ વીજ મીટર લાગી ગયાં છે. જ્યાં આ મીટર લાગ્યા છે, ત્યાંનાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કર્યો છે. તેમાં એક મહિલાનો વિડીયો વાયરલ થઈ જતાં વિરોધ વધુ ગતિ પકડી ચૂક્યો છે. પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ-અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યાં છે. 15 હજાર ઘરોમાં લગાવાયેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોનો આરોપ છે.

    - Advertisement -

    આ જ કારણે મહિલાઓએ પણ વિરોધ શરૂ કરી દીધો છે અને મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, પહેલાં જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ બાદ બેલેન્સ પણ ઓછું આવે છે. સ્થાનિકોના આ વિરોધને લઈને વિપક્ષ પણ તકનો લાભ લેવા માટે મેદાને આવી ગયું છે. શહેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આંબેડકર સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી અને વીજ કંપની સામે લૂંટનો આરોપ લગાવ્યો. આ સાથે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે, જો સ્માર્ટ મીટર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા તો આંદોલન પણ થશે.

    શું છે વાસ્તવિકતા?

    સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તે સમજવું પણ આવશ્યક છે કે, આ ડિજિટલ મીટર કઈ રીતે કામ કરે છે અને તેનાથી શું પરિવર્તન આવી શકે છે. વિરોધનું કારણ છે, લોકોમાં માહિતીનો અભાવ. લોકો એવું માની રહ્યા છે કે, સ્માર્ટ મીટર નિયમિત મીટર કરતાં વધુ ઝડપથી ચાલે છે અને બિલ બમણું આવે છે. આવા આક્ષેપો સાંભળીને લાગે કે, બધા મીટરો ખરાબ હશે. સ્માર્ટ મીટરો આવવાથી આખી સિસ્ટમ ભાંગી પડશે. સોશિયલ મીડિયામાં જે રીતે લોકોના વિરોધ દેખાઈ રહ્યા છે, તે જ રીતે મીડિયામાં પણ કોઈ તપાસ કર્યા વગર સમાજમાં ભ્રામક વાતો ફેલાવવાનું શરૂ થઈ ગયું છે.

    મીટરનો વિરોધ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. તેમાંનું સૌથી મોટું પરિબળ છે કે, લોકો હજુ સુધી સ્માર્ટ મીટર વિશે કઈ જાણતા નથી. લોકોના માહિતીના અભાવના કારણે જ આજે મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલાં તો લોકોએ તે અંગે સમજવું જરૂરી છે કે, આ મીટર કઈ રીતે કામ કરે છે અને કઈ ટેકનોલોજીથી ચાલે છે. સમગ્ર બાબતને પત્રકાર નિર્ણય કપૂરે પોતાની X પોસ્ટમાં સરળ શબ્દોમાં અને મુદ્દાસર સમજાવી છે.

    લોકોના મનમાં કોઈ સંદેહ ના રહે તે માટે 100 મીટરના દરેક કલસ્ટરમાં રેન્ડમ ધોરણે 5 જૂના મીટર પણ લગાવવામાં આવશે જે નવા પ્રીપેડ મીટર્સ સાથે જોડાયેલાં હશે. તેથી રીડિંગ્સની સરખામણી થઈ શકે. તેથી આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બંને મીટર વચ્ચેમાં રીડિંગમાં તુલના જોઈ શકે છે અને જો સરખામણીમાં કોઈપણ પ્રકારની ગરબડી આવે તો ફરિયાદ પણ કરી શકે છે.

    પાઇલટ પ્રોજેક્ટ હેઠળ જે ઘરોમાં નવા મીટર લગાવવામાં આવ્યાં છે, તે ઘરના સભ્યોની સુવિધા માટે જૂના મીટરની વપરાશને તે સમયે સેટલ કરવામાં ન આવી અને ઘરના સભ્યોને જાણકારી આપીને તે વપરાશ ચાર્જને 180 દિવસોમાં વિભાજિત કરવામાં આવ્યો અને તેને નવા મીટર સાથે ડેઇલી બેસિસ પર જોડવામાં આવ્યો. જેથી લોકોને એવું લાગ્યું કે, 10 દિવસમાં આટલા એકસ્ટ્રા પૈસા કયા જતાં રહ્યા. પરંતુ તે ખ્યાલ હોવો અનિવાર્ય છે કે, જૂના મીટરના વપરાશનો ચાર્જ પણ તેમાંથી કપાયો છે.

    આ સિવાય પ્રીપેડ મીટરમાં એવી જોગવાઈ છે કે, ગ્રાહકે મોબાઈલ ફોનની જેમ અગાઉથી જ મીટર ચાર્જ કરવું પડશે અને જો તેનો વપરાશ ચાર્જ પ્રીપેડ એમાઉન્ટથી 300 રૂપિયા વધુ પણ થઈ જશે ત્યાં સુધી તેની વીજળી કાપવામાં આવશે નહીં. એટલે કે, તેનું ક્રેડિટ તેને મળશે. પરંતુ તે બાદ વીજળી કટ કરી દેવામાં આવશે અને રિચાર્જ કર્યા બાદ ફરીથી તેની જાતે જ શરૂ પણ થઈ જશે. સૌથી રસપ્રદ વાત એ છે કે, 300 રૂપિયા માઇનસમાં ગયા પછી પણ વીજળી વિભાગ ગ્રાહકને 5 દિવસનો ગ્રેસ પિરિયડ આપે છે. હવે તેમાં પણ જો રિચાર્જ ના કરવામાં આવે તો વીજળી કટ થશે.

    વડોદરાના વાયરલ વિડીયોની શું છે વાસ્તવિકતા?

    વાયરલ થયેલા એક વિડીયોમાં એક મહિલા ફરિયાદ કરતી દેખાય છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમનું બિલ બમણું થઈ ગયું છે. તેમણે વિડીયોમાં ઘણા આરોપો પણ લગાવ્યા હતા. આ મુદ્દે MGVCLના MD તેજસ પરમારે જણાવ્યું હતું કે, તે ઘટનાની હકીકત એ છે કે, મહિલાએ રિચાર્જ એમાઉન્ટ યુઝ કર્યા બાદ 300 રૂપિયાની લિમિટ પણ ક્રોસ કરી દીધી હતી. ત્યારપછી 5 દિવસનો ગ્રેસ પિરિયડ પણ પૂર્ણ કરી દીધો હતો. જે બાદ ત્રણ દિવસની જાહેર રજા આવી હતી. (નિયમ અનુસાર, જાહેર રજાના દિવસે વીજળી કાપવામાં આવી નહીં.) ત્યારપછી જ્યારે વીજળી કાપી નાખવામાં આવી તો મહિલાએ સબ-ડિવિઝન ઓફિસમાં જઈને રિચાર્જ કરાવ્યું અને કનેક્શન શરૂ થઈ ગયું પરંતુ તેમના 1500ના રિચાર્જમાંથી 300 રૂપિયા એક્સેસ ચાર્જ અને 8 દિવસનો એક્સેસ યુઝ ચાર્જ (જેમાં લિમિટ ક્રોસ કર્યા બાદ પણ વીજળી કટ કરવામાં આવી નહોતી) કાપી નાખવામાં આવ્યો હતો.

    અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જાણકારીના અભાવના કારણે મહિલાને લાગ્યું કે, તેમનું બિલ વધુ આવી રહ્યું છે. પરંતુ પાછળથી તેમને સાચા કારણ વિશે જણાવવામાં આવ્યું તો તેમને ખ્યાલ આવ્યો અને તેમની મૂંઝવણ પણ દૂર થઈ ગઈ. પણ ત્યાં સુધીમાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને બીજા જિલ્લાના લોકોને પણ એવું લાગવા લાગ્યું કે, તેમનું મીટર ઝડપથી ચાલી રહ્યું છે.

    માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ બિહાર, આસામ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ સિસ્ટમ સફળતાપૂર્વક ઇમ્પલિમેન્ટ કરવામાં આવી છે. ગુજરાતના સુરતમાં પણ આ સિસ્ટમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતમાં સૌથી પહેલાં સ્માર્ટ મીટર GEB કોલોનીમાં જ લગાવવામાં આવ્યા હતા અને તે પછી પાલ વિસ્તારમાં પણ લગાવવામાં આવ્યા હતા. જ્યાં લોકો સરળતાથી સ્માર્ટ મીટરની વપરાશ અને તેના કાર્યને સમજી શકયા હતા.

    MGVCLના MD તેજસ પરમારે જણાવ્યું હતું કે, પ્રથમ સ્માર્ટ મીટર તેમના જ ઘરમાં લગાવવામાં આવ્યું હતું. તેમણે સ્માર્ટ મીટરની સાથે એક દિવસ પહેલાં ચેક મીટર પણ જોડ્યું હતું અને તેમણે જોયું કે સ્માર્ટ મીટર અને ચેક મીટરના રીડિંગ સમાન છે. તેમનું કહેવું છે કે, સ્માર્ટ મીટર જૂના મીટર જેવાં જ છે, તેમાં વધુ બિલ આવી શકે નહીં. તેમણે કહ્યું કે, સ્માર્ટ મીટર અને જૂના મીટર વચ્ચેનો તફાવત માત્ર પેમેન્ટ મોડ છે. અગાઉ ગ્રાહકને દર બે મહિને પોસ્ટ-પેઇડ બિલ મળતું હતું. હવે તે પ્રીપેડ થઈ ગયું છે.

    સમગ્ર ચર્ચાને અંતે તે સાબિત થાય છે કે, ગુજરાતમાં લાગુ થવા જઈ રહેલા સ્માર્ટ મીટરમાં કોઈપણ પ્રકારની ખરાબી કે ચાલાકી નથી. ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ભારત બનાવવા માટે હવે દરેક ક્ષેત્રને પણ ડિજિટલ બનાવવું અનિવાર્ય છે. ગુજરાતમાં જોવા મળી રહેલો વિરોધ માત્ર અને માત્ર સમજણ અને માહિતીના અભાવના કારણે જોવા મળી રહ્યો છે, તેની સત્ય સાથે કોઈ નિસબત નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં