Thursday, April 2, 2026
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ હાઇકમાન્ડનું 'વચન', 'રિવોલ્યુશન' અને ખુરશીનો સંઘર્ષ: કેમ સામસામે આવ્યા કર્ણાટક સીએમ...

    કોંગ્રેસ હાઇકમાન્ડનું ‘વચન’, ‘રિવોલ્યુશન’ અને ખુરશીનો સંઘર્ષ: કેમ સામસામે આવ્યા કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા અને DyCM ડીકે શિવકુમાર?

    બીજી તરફ આ વિવાદમાં શું નિર્ણય લેવો એ પાર્ટી માટે એક સંકટ સમાન છે, કારણે કે બંને નેતાઓનો સમુદાય પ્રાદેશિક રાજકારણમાં મોટો પ્રભાવ ધરાવે છે.

    - Advertisement -

    તાજેતરમાં કર્ણાટક રાજ્ય ભારતીય રાજકારણના વિખવાદનું કેન્દ્ર બન્યું છે. તેનું કારણ છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી રહેલ વિવાદ. કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક રાજકીય સંઘર્ષ હવે તેના ઉગ્ર તબક્કામાં પહોંચી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર (ડીકેએસ) વચ્ચે ચાલી રહેલી નેતૃત્વની ખેંચતાણ હવે એક ‘પોલિટિકલ વૉર’ બની ગઈ છે. એવી અટકળો છે કે મે 2023મા જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં ભવ્ય વિજય મેળવ્યો, ત્યારે વરિષ્ઠ નેતાઓએ એક ગુપ્ત ‘પાવર-શૅરિંગ’ સમજૂતી કરી હતી. હવે અઢી વર્ષનો સમયગાળો પૂરો થતાં આ સમજૂતી પક્ષ માટે સૌથી મોટું (અ)ધર્મસંકટ બની ગઈ છે.

    વર્તમાનમાં સોશિયલ મીડિયા પર કર્ણાટકના સીએમ અને ડેપ્યુટી સીએમ મોરેમોરો આવી ગયા છે. તેમની સાથે તેમના સમર્થકો પણ સામસામે આવી ગયા છે. અને એક શબ્દ જોર પકડી રહ્યો છે, ‘નવેમ્બર રિવોલ્યુશન.’ ડી.કે શિવકુમારના સમર્થકો સત્તા પરિવર્તનની માંગ કરી રહ્યા છે. જોકે 7 નવેમ્બરે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું કે તેમને રાજ્ય સરકારમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ શક્યતા દેખાતી નથી.

    શું છે સમગ્ર વિવાદ?

    કર્ણાટકમાં વર્તમાન સંકટનું મૂળ 2023ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રોપાયું હતું. મે 2023માં કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો, પરંતુ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા (કુરૂબા સમુદાયના દિગ્ગજ નેતા) અને ડી.કે. શિવકુમાર (વોક્કાલિંગા સમુદાયના શક્તિશાળી નેતા અને પક્ષના ‘ટ્રબલશૂટર’) વચ્ચે આકરી ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી.

    - Advertisement -

    નવ દિવસના ભારે મંથન બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધરમૈયાને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. આમાં એક સમાધાન હતું કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને એકમાત્ર નાયબ મુખ્યમંત્રી પદ તેમજ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના (KPCC) અધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું હતું. હવે એવી અટકળો ચાલી રહી છે કે આ જ વખતમાં પાર્ટી હાઇકમાન્ડ અને વરિષ્ઠ નેતાઓએ શિવકુમારને એવું મૌખિક વચન આપ્યું હતું કે સિદ્ધારમૈયા અને શિવકુમાર અઢી-અઢી વર્ષ માટે રાજ કરશે. એટલે કે સિદ્ધારમૈયા પ્રથમ અઢી વર્ષ મે 2023થી નવેમ્બર 2025 સુધી સીએમ રહેશે, ત્યારબાદ ડીકેએસ બાકીના અઢી વર્ષ માટે પદ સંભાળશે.

    ડીકે શિવકુમારે આ કરારને ક્યારેય સ્પષ્ટપણે જાહેર કર્યો નથી, પરંતુ અવારનવાર સંકેતો આપ્યા છે. તાજેતરમાં જ તેમણે એક પોસ્ટ કરીને આ બાબતનો સંકેત આપ્યો છે. બીજી તરફ સિદ્ધારમૈયાના સમર્થકો અને તેમના પક્ષમાં રહેલ નેતાઓ આ કરારની વાતને સતત નકારે છે અને દાવો કરે છે કે સિદ્ધારમૈયા જ 2028 સુધી મુખ્યમંત્રી રહેશે.

    20 નવેમ્બર 2020ની આસપાસ આ સંઘર્ષ વધુ તીવ્ર બન્યો જ્યારે સિદ્ધારમૈયાની સરકારના 30 મહિના એટલે કે અઢી વર્ષ પૂરા થઈ ગયા. જો મૌખિક કરારને યાદ કરીએ તો અઢી વર્ષ એટલે પાવર ટ્રાન્સફર માટેનો નિર્ધારિત સમય હતો. આ તારીખ નજીક આવતા જ શિવકુમારના સમર્થક ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોના ત્રણ બેચ નેતૃત્વ પરિવર્તનની માંગ સાથે દિલ્હી પહોંચ્યા હતા. આ જૂથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના હાઇકમાન્ડના નેતાઓને મળીને દબાણ વધાર્યું.

    રામનગરના ધારાસભ્ય ઇકબાલ હુસૈન જેવા નેતાઓએ જાહેરમાં દાવો કર્યો કે, “ડી.કે. શિવકુમાર 200 ટકા જલ્દી જ મુખ્યમંત્રી બનશે.” આ બધા નિવેદનોના આધારે કહી શકાય કે કોંગ્રેસમાં આતંરિક તિરાડ વધુ ઊંડી થઈ રહી છે. કારણ કે શિવકુમારના સમર્થકો માને છે કે કરારનું પાલન થવું જોઈએ. આ દબાણને કારણે જ કર્ણાટકમાં ‘નવેમ્બર રિવોલ્યુશન’ની વાતો શરૂ થઈ.

    સોશિયલ મીડિયા પર ‘વચન’નો મહાસંગ્રામ

    સત્તાનો આ સંઘર્ષ નવેમ્બર 27, 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખુલ્લેઆમ પ્રગટ થયો, જ્યાં બંને નેતાઓએ એકબીજાને ‘વચન’ના મહત્વ પર સાંકેતિક પોસ્ટ કરી. ડી.કે. શિવકુમારે એક પોસ્ટ કરીને જાણે હાઇકમાન્ડને આપેલા કથિત વચનની યાદ અપાવી. લખ્યું કે,

    “આપેલું વચન પાળવું એ જ વિશ્વની સૌથી મોટી તાકાત છે! વચન શક્તિ એ વિશ્વ શક્તિ છે. ન્યાયાધીશ હોય, રાષ્ટ્રપતિ હોય કે મારા સહિત અન્ય કોઈ પણ હોય, દરેકે આપેલું વચન નિભાવવું પડે છે.” આ પોસ્ટ સ્પષ્ટપણે કોંગ્રેસના એ વરિષ્ઠ નેતાઓને સંબોધીને હતી (આડકતરી રીતે), જેમણે મે 2023માં ‘રોટેશનલ ચીફ મિનિસ્ટર’ની સમજૂતી કરાવી હતી. જોકે પોસ્ટ કરવામાં સિદ્ધારમૈયા પણ બાકાત ન રહ્યા.

    શિવકુમારની પોસ્ટના કલાકો બાદ સિદ્ધારમૈયાએ વળતો પ્રહાર કર્યો, જેમાં તેમણે ‘વચન’ને ‘જનકલ્યાણ’ સાથે જોડી દીધું અને પોતાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોવાનો દાવો કર્યો.

    “જ્યાં સુધી શબ્દ લોકો માટે વિશ્વને બહેતર ન બનાવે, ત્યાં સુધી તે શક્તિ નથી.” સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે તેમણે સત્તામાં આવ્યા બાદના પહેલા મહિનાથી જ તેમણે આપેલી ગેરંટીઓ પૂરી કરવાની શરૂ કરી દીધી હતી. તેમણે આ પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું કે, “કર્ણાટકની જનતા દ્વારા આપવામાં આવેલો જનાદેશ માત્ર એક ક્ષણ માટે નહીં, પરંતુ પાંચ વર્ષો માટેની જવાબદારી છે.”  આની સાથે જ તેમણે અઢી વર્ષના ફોર્મ્યુલાને નકારી કાઢ્યો.

    આ સિવાય તેમણે પોતાની સરકારની ગેરંટી યોજનાઓની સિદ્ધિઓનું લાંબુ લિસ્ટ રજૂ કરીને દર્શાવ્યું કે તેમનું ‘વચન’ જમીની સ્તરે કામ કરી રહ્યું છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે, “અમારા પાછલા કાર્યકાળમાં (2013-2018) અમે 95% વચનો પૂરા કર્યા હતા. વર્તમાન કાર્યકાળમાં 593માંથી 243થી વધુ વચનો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના વચનો પણ પૂરા કરવામાં આવશે.”

    આ વળતો જવાબ દર્શાવે છે કે સિદ્ધારમૈયા પાવર-શૅરિંગના રાજકીય મુદ્દાને જનકલ્યાણ અને વહીવટી કાર્યક્ષમતાના મુદ્દામાં ફેરવીને પદ પર રહેવા માટે તૈયાર છે.

    કોંગ્રેસ ‘હાઇકમાન્ડ’ પર સંકટ

    આ પરિસ્થિતિઓ જોતા કોંગ્રેસ પર દબાણ વધી રહ્યું છે. તાજેતરમાં જ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે હાઇકમાન્ડ નિર્ણય લેશે. જોકે અહીં પ્રશ્ન એ પણ છે કે જો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ મલ્લિકાર્જુન ખડગે છે તો તેઓ કયા હાઇકમાન્ડની વાત કરી રહ્યા છે. પછીથી મલ્લિકાર્જુને જ આ પ્રશ્નનો જવાબ આપીને કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની વાત કરી રહ્યા છે.

    નોંધનીય છે કે કોંગ્રેસમાં આ બાબતની કોઈ નવાઈ નથી કે પદ પર કોઈ અલગ વ્યક્તિ હોય અને નિર્ણયકર્તા કોઈક અલગ હોય. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ભારતે 2004થી 2014 દરમિયાન જોયું જ છે. આ સમય દરમિયાન સ્પષ્ટ થયું હતું કે મનમોહન સિંઘ માત્ર નામના વડા પ્રધાન હતા, નિણર્યો બધા સોનિયા ગાંધી જ લેતા હતા. બાદમાં આ પરિસ્થિતિ માટે ‘સુપ્રીમ પીએમ’ એવો શબ્દ પણ પ્રચલિત થયો હતો. જોકે કોંગ્રેસનો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસમાં પરિવારવાદના મૂળિયાં કેટલા ઊંડા છે.

    વર્તમાનમાં જે વિવાદ ચાલી રહ્યો છે એ કોંગ્રેસ માટે એક પડકાર સમાન છે. કારણ કે કોંગ્રેસ માટે આ વિવાદને ઉકેલવો માત્ર સત્તાની વહેંચણીનો પ્રશ્ન નથી, પરંતુ પક્ષના ભવિષ્યનો સવાલ છે. આ આગાઉ કોંગ્રેસે રાજસ્થાનમાં અશોક ગેહલોત વિરુદ્ધ સચિન પાયલટ વચ્ચે અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ વિરુદ્ધ ટી.એસ. સિંઘ દેવ વચ્ચે પણ રોટેશનલ સીએમની ફોર્મ્યુલા અપનાવવાનો પ્રયાસ કર્યો હતો.

    પરિણામ સ્વરૂપ આ ફોર્મ્યુલા નિષ્ફળ ગયો અને જનતા વચ્ચે સત્તા માટે સંઘર્ષ કરી રહેલ કોંગ્રેસ નેતાઓનો ચહેરો ઉઘાડો પડી ગયો હતો. ત્યારબાદ આ બંને રાજ્યોમાં આંતરિક કલહ અને સંઘર્ષને કારણે પક્ષે ત્યારબાદની ચૂંટણીઓમાં સત્તા ગુમાવી હતી. આ ઇતિહાસ કર્ણાટકના નેતાઓને તુરંત શાંત કરવા માટે ‘હાઇકમાન્ડ’ પર મોટું દબાણ ઊભું કરે છે.

    બીજી તરફ આ વિવાદમાં શું નિર્ણય લેવો એ પાર્ટી માટે એક સંકટ સમાન છે, કારણે કે બંને નેતાઓનો સમુદાય પ્રાદેશિક રાજકારણમાં મોટો પ્રભાવ ધરાવે છે. સિદ્ધારમૈયા કુરૂબા (OBC) સમુદાયનું નેતૃત્વ કરે છે, જે રાજ્યમાં બીજો સૌથી મોટો સમુદાય છે. બીજી તરફ ડી.કે. શિવકુમાર વોક્કાલિંગા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, જે દક્ષિણ કર્ણાટકમાં નિર્ણાયક છે.

    જો સિદ્ધારમૈયાને હટાવવામાં આવે તો કુરૂબા સમુદાયમાં અસંતોષ ફેલાઈ શકે છે અને જો શિવકુમારને CM ન બનાવાય તો વોક્કાલિંગા સમુદાય પક્ષથી વિમુખ થઈ શકે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વોક્કાલિંગા સમાજનું એક મોટું સંગઠન પહેલેથી જ કોંગ્રેસને ચેતવણી આપી ચૂક્યું છે. કર્ણાટકમાં સત્તા મેળવવા માટે આ બંને સમુદાયોનો ઉપયોગ તેમના નેતાઓના આધારે થયો હતો. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે કોંગ્રેસે બંને સમુદાયોને ખુશ કરવા માટે જે ફોર્મ્યુલા અપનાવ્યો હતો તે એમાં એના જ ઉંધા ટાંટિયા ભરાયા છે.

    બીજી તરફ ભાજપે આ આંતરિક સંઘર્ષને સંપૂર્ણપણે વહીવટની નિષ્ફળતા તરીકે દર્શાવ્યો છે અને આરોપ મૂક્યો છે કે ‘નવેમ્બર રિવોલ્યુશન’ સિવાય રાજ્યમાં કોઈ વિકાસ કાર્ય થઈ રહ્યું નથી. નોંધનીય છે કે હાલમાં શિવકુમારના ધારાસભ્યો અને MLC પહેલેથી જ દિલ્હીમાં છે. ત્યારે શિવકુમાર પણ 29 નવેમ્બરે ‘હાઇકમાન્ડ’ સોનિયા ગાંધીને મળવા માટે રાજધાની જાય તેવી અપેક્ષા છે. પાર્ટીના ફેરફારો અંગે અંતિમ નિર્ણય સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં 1 ડિસેમ્બર સુધીમાં લેવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં