Saturday, March 1, 2025
More
    હોમપેજદેશ350થી વધુનો ખાતમો, 700+નું આત્મસમર્પણ: જાણો કેવી રીતે અમિત શાહની ડેડલાઈન પૂર્ણ...

    350થી વધુનો ખાતમો, 700+નું આત્મસમર્પણ: જાણો કેવી રીતે અમિત શાહની ડેડલાઈન પૂર્ણ કરી રહ્યા છે સુરક્ષાદળો, અબુઝમાડથી બીજાપુર સુધીના નક્સલી અડ્ડાઓને કરી રહ્યા છે ધ્વસ્ત

    2010માં દેશના 126 જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા પરંતુ 2024માં આ સંખ્યા ઘટીને 90 થઈ હતી. 2010માં, દેશમાં નક્સલવાદી હિંસાના 1000થી વધુ બનાવો બન્યા હતા. જે 2024માં ઘટીને 374 થઈ ગયા હતા.

    - Advertisement -

    છત્તીસગઢમાં(Chhattisgarh) સુરક્ષાદળો નક્સલવાદીઓ (Naxalites) પર સતત કાર્યવાહી કરી રહ્યા છે. બીજાપુરમાં તાજેતરમાં થયેલા એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓ માર્યા ગયા હતા. સૈનિકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સુરક્ષાદળો એક પછી એક નક્સલીઓના ગઢને સતત નષ્ટ કરી રહ્યા છે. હવે સૈનિકો તે વિસ્તારોમાં પણ પહોંચી રહ્યા છે, જ્યાં પહેલા નક્સલવાદીઓ મુક્તપણે ફરતા હતા. બસ્તરથી ગઢચિરોલી સુધી, નક્સલવાદીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા ફરી રહ્યા છે.

    બીજાપુરમાં સફાયો

    9 ફેબ્રુઆરી, 2025ના રોજ બીજાપુરના ઇન્દ્રાવતી નેશનલ પાર્કમાં નક્સલવાદીઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. છત્તીસગઢ પોલીસ, DRG, STF, બસ્તર ટાઇગર અને કેન્દ્રીય સુરક્ષાદળોએ અહીં નક્સલીઓની એક ગુપ્ત બેઠક પર હુમલો કર્યો હતો અને 31 નક્સલીઓને ઠાર માર્યા હતા. આ હુમલાથી નક્સલવાદીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

    નોંધનીય છે કે, પોલીસને બાતમી મળી હતી કે ઇન્દ્રાવતી નેશનલ પાર્કના છોટાકાકલેર અને લોદ્દેડ વિસ્તારોમાં નક્સલવાદીઓની એક બેઠક થઈ રહી છે. આ બેઠક નક્સલવાદીઓ દ્વારા આગળની રણનીતિ ઘડવા માટે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તેલંગાણા, બસ્તર, ઇન્દ્રાવતી વિસ્તારના નક્સલીઓ સામેલ હતા.

    - Advertisement -

    સુરક્ષાદળોએ આ ઓપરેશન માટે મોટી યોજના બનાવી હતી. આમાં, સૈનિકોએ નક્સલવાદીઓને ઘેરવા માટે મહારાષ્ટ્ર સરહદનો પણ ઉપયોગ કર્યો. આ ઓપરેશનમાં લગભગ 1000 સૈનિકો સામેલ હતા. બીજાપુર ઉપરાંત, તેઓ મહારાષ્ટ્ર તરફ પણ ગયા હતા. આ માટે સૈનિકોને 100 કિલોમીટર ચાલવું પડ્યું હતું.

    સૈનિકો થોડા દિવસ પહેલાં આ ઓપરેશન માટે રવાના થયા હતા. સૈનિકોના એકદમ હુમલો કરવાના કારણે નક્સલવાદીઓ સ્તબ્ધ થઈ ગયા. પહાડી પર આ અથડામણ થઈ હતી. તેલંગાણાના નક્સલીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ માર્યા ગયા હતા. ગોળીબાર બાદ અહીં 31 મૃતદેહો અને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા.

    સતત થઈ રહ્યા છે મોટા ઓપરેશનો

    ફક્ત ઇન્દ્રાવતી નેશનલ પાર્ક જ નહીં, અગાઉ 2 ફેબ્રુઆરીએ કોરચોલીમાં એક કાર્યવાહીમાં 8 નક્સલીઓ માર્યા ગયા હતા. 20 જાન્યુઆરી, 2025ના રોજ ગરિયાબંદમાં પણ પોલીસ એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં 29 નક્સલીઓ માર્યા ગયા હતા. 16 જાન્યુઆરીના રોજ થયેલા ઓપરેશનમાં સુકમામાં 18 નક્સલીઓ માર્યા ગયા હતા.

    આ પહેલાં અબુઝમાડમાં 5 નક્સલીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર છત્તીસગઢના વિવિધ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થયા હતા. આમાંથી, અબુઝમાડ અને ગરિયાબંદ વગેરે નક્સલવાદીઓના ગઢ રહ્યા છે. જોકે, હવે આ વિસ્તારોમાં સુરક્ષાદળોના સેંકડો કેમ્પ છે.

    શરણાગતિ પર પણ ભાર

    સુરક્ષાદળો નક્સલવાદીઓના મોટા જૂથોનો સતત સફાયો કરી રહ્યા છે. આંકડા મુજબ, વર્ષ 2024માં જ છત્તીસગઢમાં 239 નક્સલીઓ માર્યા ગયા હતા. 2025માં છત્તીસગઢમાં 87 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળો માત્ર નક્સલવાદીઓને મારી રહ્યા નથી, પરંતુ તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. 2024માં છત્તીસગઢમાં 925 નક્સલીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    આ ઉપરાંત, 738એ નક્સલવાદનો માર્ગ છોડીને આત્મસમર્પણ કર્યું હતું. છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સરકાર સતત આગ્રહ કરી રહી છે કે, નક્સલીઓ દ્વારા ગેરમાર્ગે દોરાયેલા લોકોને ફરીથી મુખ્ય પ્રવાહમાં જોડવા જોઈએ. જોકે, સુરક્ષાદળોને સતત નિશાન બનાવી રહેલા નક્સલવાદીઓ આ વાત સાથે સહમત નથી. આવી સ્થિતિમાં તેમણે નક્સલીઓનો સફાયો કરવાનો નિર્ણય લીધો છે.

    માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવાની યોજના

    છેલ્લા કેટલાક વર્ષોમાં નક્સલવાદી હિંસામાં ઝડપથી ઘટાડો થયો છે અને તે વિસ્તારોમાં વિકાસ પણ થયો છે. ગૃહ મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબ મુજબ, 2010માં દેશના 126 જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા પરંતુ 2024માં આ સંખ્યા ઘટીને 90 થઈ હતી. 2010માં, દેશમાં નક્સલવાદી હિંસાના 1000થી વધુ બનાવો બન્યા હતા. જે 2024માં ઘટીને 374 થઈ ગયા હતા. આ ઉપરાંત, 2010માં સુરક્ષાદળોએ 1000થી વધુ સૈનિકો ગુમાવવા પડ્યા હતા. 2024માં આ સંખ્યા ઘટીને 105 થઈ ગઈ છે.

    માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવાની યોજના

    નક્સલવાદીઓ સામેની આ ઝડપી કાર્યવાહી પાછળ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલી ડેડલાઈન સુરક્ષાદળો માટે એક મંત્રની જેમ કામ કરી રહી છે. ગૃહમંત્રી શાહે ઓગસ્ટ 2024માં રાયપુરમાં જાહેરાત કરી હતી કે, દેશમાં નક્સલવાદીઓ સામેની લડાઈ એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદી સમસ્યા નાબૂદ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, હવે છત્તીસગઢ સિવાય દેશના બાકીના રાજ્યો નક્સલવાદી સમસ્યાથી મુક્ત છે. જ્યારે મહારાષ્ટ્રમાં સમસ્યા ફક્ત એક જ જિલ્લા પૂરતી મર્યાદિત છે.

    બીજાપુરમાં થયેલા એન્કાઉન્ટર બાદ, ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું, “હું મારા સંકલ્પને પણ પુનરાવર્તિત કરું છું કે 31 માર્ચ 2026 પહેલાં, આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં