સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે (13 નવેમ્બર 2024) બુલડોઝર એક્શનને (Bulldozer Action) ગેરબંધારણીય (Unconstitutional) ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ઈમારતોને માત્ર એટલા માટે તોડવી ગેરકાયદેસર છે કારણ કે તે ગુનાના આરોપી વ્યક્તિની માલિકીની છે. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે બુલડોઝર કાર્યવાહી ક્યારે કરી શકાય અને ક્યારે નહીં તે અંગે વિગતવાર નિર્દેશો પણ આપ્યા છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, અધિકારીઓ આરોપી વ્યક્તિના દોષ કે નિર્દોષતા નક્કી કરી શકતા નથી અને સજા તરીકે આવા વ્યક્તિના ઘરને તોડી પણ શકતા નથી. આ કૃત્યને ગેરબંધારણીય ગણાવતા ખંડપીઠે કહ્યું કે, કોઈ વ્યક્તિના ગુનાને નક્કી કરીને તેને સજા આપવાની જવાબદારી ન્યાયતંત્રની છે.
કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તોપણ તે વ્યક્તિ સામે બુલડોઝરની કાર્યવાહી થઈ શકે નહીં, કારણ કે વહીવટીતંત્રની આ કાર્યવાહી ગેરકાયદેસર છે. આમ કરવું એ વહીવહીતંત્ર દ્વારા કાયદો પોતાના હાથમાં લેવા સમાન ગણાય છે. કોર્ટે કહ્યું કે, કોઈનું ઘર તોડવું એ બંધારણની કલમ 21 હેઠળ આશ્રયના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને તે આરોપીના પરિવારને સામૂહિક રીતે સજા કરવા સમાન છે.
ખંડપીઠે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને કાયદો તોડનારાઓ સામે પગલાં લેવાની જવાબદારી રાજ્યની હોવા છતાં રાજ્ય દ્વારા આ પ્રકારની સત્તાનો ઉપયોગ મનસ્વી રીતે કરી શકાય નહીં અને કોઈપણ વ્યક્તિની મિલકત મનસ્વી રીતે તેની પાસેથી છીનવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, કાર્યપાલિકા કોઈ પણ બાબતમાં ન્યાયતંત્રનું સ્થાન લઈ શકે નહીં.
નિર્દેશો ન માનવા પર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ સાથે જ તેમણે બંધારણની કલમ 142 હેઠળ ન્યાય આપવા માટે સુપ્રીમ કોર્ટની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને બુલડોઝરની કાર્યવાહી અંગે ગાઈડલાઇન પણ જારી કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આરોપી વ્યક્તિના મકાન/બિલ્ડીંગને તોડતા પહેલાં તેને સૂચના આપવી જરૂરી છે.
કોર્ટે કહ્યું કે, ડિમોલિશનની કાર્યવાહી વચ્ચે અસરગ્રસ્ત વ્યક્તિને અપીલ કરવા માટેનો સમય આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે વધુમાં કહ્યું હતું કે, “મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને રાતભર રસ્તા પર ખદેડાયેલા જોવા એ કોઈ સુખદ દ્રશ્ય નથી. જો અધિકારીઓ થોડા સમય માટે તેમનો હાથ ઝાલી રાખે તો તેમાં કોઈ ફરક નહીં પડી જાય.”
સુપ્રીમ કોર્ટે ચેતવણી પણ આપી હતી કે, તેના નિર્દેશોનું ઉલ્લંઘન કરનારા જવાબદાર અધિકારીઓ સામે કોર્ટની અવમાનનાનો કેસ પણ કરવામાં આવશે. આ સાથે આવા અધિકારીઓએ પોતાના ખર્ચે તોડી પાડવામાં આવેલી મિલકત પુનઃસ્થાપિત કરવી પડશે. આ સાથે તેમને ડિમોલિશન માટે વળતર પણ ચૂકવવું પડશે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તેના દ્વારા જારી કરાયેલ ગાઈડલાઇન રસ્તાઓ, નદી કિનારાઓ વગેરે પર ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહી પર લાગુ પડશે નહીં. કોર્ટે કહ્યું કે, આ નિર્દેશો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે જારી કરેલા નિર્દેશો
- જો ડિમોલિશનનો આદેશ આપવામાં આવે તો સંબંધિત વ્યક્તિને તેની જાણ કરવાની રહેશે. આ સાથે તેમને આ આદેશ સામે અપીલ કરવા માટે સમય પણ આપવો પડશે.
- કારણ બતાવો નોટિસ વિના ડિમોલિશન થઈ શકશે નહીં. નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ઈમારતના માલિકને મોકલવાની રહેશે. આ સાથે જે બિલ્ડીંગ તોડી પાડવાની છે, તેના પર તે નોટિસ લગાવવાની પણ રહેશે. કોઈપણ ડિમોલિશનની કાર્યવાહી કરતા પહેલાં નોટિસની તારીખથી ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવો પડશે.
- નોટિસમાં ડિમોલિશનના કારણો જણાવવાના રહેશે. એટલે કે કયા નિયમના ભંગ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જણાવવું પડશે. નોટિસમાં તે પણ દર્શાવવાનુ રહેશે કે, કઈ તારીખ પર અસરગ્રસ્ત પક્ષ માટે વ્યક્તિગત સુનાવણી નક્કી કરવામાં આવી છે અને તે કોના (ક્યા અધિકારીના) સમક્ષ નક્કી કરવામાં આવી છે. તેમાં તેવા દસ્તાવેજોની યાદી પણ જોડેલી હોવી જોઈએ, જે નોટિસ પ્રાપ્તકર્તાને જવાબ આપતા સમયે આપવાના રહેશે.
- આવી કોઈ નોટિસના બેકડેટિંગની સમસ્યા ન આવે તે માટે જેવી શો કૉઝ નોટિસ ઇસ્યુ થાય કે તુરંત તે પ્રાપ્ત થયાની જાણ કલેક્ટર કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ઇમેઇલ થકી કરવામાં આવે અને કલેક્ટર ઑફિસ દ્વારા મેઇલ મળ્યાની રિસિપ્ટ ઓટોજનરેટેડ રિપ્લાય દ્વારા મોકલવામાં આવે. આ માટે કલેક્ટર અને DMએ એક નોડલ ઑફિસરની નિમણૂક કરીને એક ઇમેઇલ ફાળવવાનો રહેશે. ઇમેઇલ આજથી એક મહિનાની અવધિમાં તમામ મ્યુનિસિપલ તેમજ બિલ્ડિંગ રેગ્યુલેશન અને ડિમોલિશન વિભાગના ઇન્ચાર્જ અધિકારીઓને મોકલી દેવામાં આવે.
- એક ડિજિટલ પોર્ટલ ત્રણ મહિનાની અંદર ઉપલબ્ધ કરાવવાનું રહેશે, જ્યાં આવી નોટિસો, જવાબો અને પાસ કરેલા ઓર્ડરની વિગતો ઉપલબ્ધ હશે.
- નિયુક્ત સત્તાધિકારી અસરગ્રસ્ત વ્યક્તિને વ્યક્તિગત સુનાવણીની તક આપશે અને આવી સુનાવણીની વિગતો નોંધવામાં પણ આવશે.
- એકવાર આખરી હુકમ પસાર થઈ ગયા બાદ તેમણે જવાબ આપવો જોઈએ કે, શું અનધિકૃત બાંધકામનો ગુનો સમાધાન યોગ્ય છે. જો સ્ટ્રક્ચરલ કન્સ્ટ્રક્શનનો એક ભાગ જ ગેરકાયદેસર જણાયો છે, તો તેની તપાસ થવી જોઈએ કે કેમ તોડી પાડવું જ એકમાત્ર ઉપાય છે. આ રીતે પસાર કરાયેલા આદેશો (ડિમોલિશન જરૂરી છે કે નહીં તે નક્કી કરવા પર) ડિજિટલ પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે.
- તોડી પાડવાના આદેશના 15 દિવસની અંદર માલિકને અનધિકૃત બાંધકામ તોડી પાડવા અથવા દૂર કરવાની તક આપવી જોઈએ. મિલકત તોડી પાડવાનું પગલું 15 દિવસ વીતી ગયા પછી જ લઈ શકાય છે, જો વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ દૂર ન કર્યું હોય અથવા જો કોઈ અપીલ સંસ્થાએ સ્ટે ન આપ્યો હોય તો જ. માત્ર અનધિકૃત અને સમાધાન યોગ્ય ન હોય તેવા બાંધકામો જ જમીનદોસ્ત કરવામાં આવશે.
- બે સાક્ષીઓ દ્વારા હસ્તાક્ષર કરેલ વિગતવાર નિરીક્ષણ રિપોર્ટ સંબંધિત સત્તાધિકારી દ્વારા તોડી પાડવા પહેલાં તૈયાર કરવામાં આવશે.
- ડિમોલિશન કાર્યવાહીની વિડીયોગ્રાફી કરવામાં આવશે. વિડીયો રેકોર્ડિંગને સુરક્ષિત રાખવું પડશે. ડિમોલિશન રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે, જેમાં તે નોંધવામાં આવશે કે ડિમોલિશનની કામગીરીમાં કયા અધિકારીઓ/પોલીસ અધિકારીઓ/સિવિલ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને મોકલવામાં આવશે. આ રિપોર્ટ ડિજિટલ પોર્ટલ પર પણ દર્શાવવાનો રહેશે.