Thursday, April 2, 2026
More
    હોમપેજદેશ2030 સુધીનો આર્થિક રોડમેપ, લેબર મોબિલિટી, યુરિયા પ્રોડક્શન અને મેડિકલ એજ્યુકેશન: ભારત-રશિયા...

    2030 સુધીનો આર્થિક રોડમેપ, લેબર મોબિલિટી, યુરિયા પ્રોડક્શન અને મેડિકલ એજ્યુકેશન: ભારત-રશિયા વચ્ચે થયા 7 મહત્વપૂર્ણ કરારો- વિગતો

    આ ભાગીદારી હવે ફક્ત ભાવનાત્મક કે ઐતિહાસિક નથી રહી, એ આધુનિક, વ્યવહારુ અને વિકાસ-કેન્દ્રિત સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઊર્જા સુરક્ષાથી લઈને કૃષિ સુધારા સુધી, રોજગારથી લઈને વિજ્ઞાન-ટેક્નોલોજી સુધી, 2025નું આ શિખર સંમેલન ભારતની રાષ્ટ્રીય રણનીતિને વાસ્તવિક તાકાત આપનારું સાબિત થશે.

    - Advertisement -

    5 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલાં શિખર સંમેલને ભારત-રશિયા સંબંધોને નવી ગતિ આપી છે. વૈશ્વિક રાજકીય તણાવ અને બદલાતા આર્થિક સમીકરણો વચ્ચે પણ બંને દેશોએ ન માત્ર પોતાની રણનીતિક ભાગીદારીને મજબૂત કરવાની વાત કરી, પરંતુ ભવિષ્યની દિશા નક્કી કરતા અનેક મહત્વના કરારો પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ કરારો માત્ર કાગળ પરના દસ્તાવેજો નથી, પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા, કૃષિ-ઉદ્યોગ, વેપાર વિસ્તાર અને ટેક્નોલોજી સહયોગ માટે વાસ્તવિક તકો લઈને આવ્યા છે. 

    પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સમાં પણ બંને દેશો વચ્ચેની ભાગીદારી અને સંબંધોની વાત કરી હતી. વડા પ્રધાને આ દરમિયાન એક જાહેરાત પણ કરી હતી કે હવે રશિયન નાગરિકો માટે 30 દિવસના ફ્રી ઇ-વિઝાની શરૂઆત કરવામાં આવશે. આ સાથે જ રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રશિયા ભારતને ફ્યુલ સપ્લાય નિરંતર, કોઈપણ અડચણ વગર ચાલુ જ રાખશે. બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો વિગતે જોઈએ. 

    આર્થિક સહયોગ કાર્યક્રમ 2030: દ્વિપક્ષીય વેપારનું નવું વિઝન

    આ શિખર સમ્મેલનનું સૌથી મોટું પરિણામ રહ્યું Economic Cooperation Programme 2030. આ કાર્યક્રમ ભારત અને રશિયા વચ્ચે વેપાર, રોકાણ, ઉદ્યોગ, ટેક્નોલોજી અને નાણાકીય સહયોગ માટે એક વિશાળ રોડમેપ તૈયાર કરે છે. તેનો ધ્યેય બંને દેશો વચ્ચે વેપારને રેકોર્ડ સ્તર સુધી પહોંચાડવાનો છે. રશિયાએ ભારતને ખાતરી આપી છે કે ઊર્જા, ખનિજ અને રક્ષા-ટેક્નોલોજીની સાથે-સાથે બિન-પરંપરાગત ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવામાં આવશે. આ કરાર દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર ગ્રાહક નથી રહ્યું, પરંતુ રણનીતિક ભાગીદારીઓ દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવવા માંગે છે. 

    - Advertisement -

    ખાદ્ય-સુરક્ષા અને ખાતર સહયોગ: ભારતીય ખેડૂતો માટે મોટી રાહત

    ખાદ્ય સુરક્ષા પર થયેલો કરાર ભારતના કૃષિ ક્ષેત્ર માટે અત્યંત મહત્વનો છે. રશિયા અનાજ અને ખાતર ઉત્પાદનમાં વિશ્વના સૌથી મોટા દેશોમાંનો એક છે. આ ભાગીદારી હેઠળ એક યુરિયા પ્લાન્ટ સ્થાપવા પર પણ સહમતિ બની છે, જેથી ભારતની ખાતર આયાત પરની નિર્ભરતા ઘટશે. યુરિયાની સ્થિર ઉપલબ્ધતાથી ખેડૂતોને સમયસર સપ્લાય મળશે અને ખાતરની કિંમત પણ નિયંત્રણમાં રહેશે. આ ગ્રામીણ અર્થતંત્રને સીધો લાભ આપનારું પગલું છે. 

    ઊર્જા સુરક્ષા: રશિયા આપશે અવિરત ઇંધણ પુરવઠો

    વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા વચ્ચે પુતિને સ્પષ્ટ જાહેરાત કરી કે રશિયા ભારતને ‘નિરંતર ઇંધણ પુરવઠો’ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેલ અને ગેસની સ્થિર સપ્લાય ભારતની મોંઘવારી નિયંત્રણ નીતિ અને ઊર્જા જરૂરિયાતો બંને માટે અત્યંત મહત્વની છે.  સાથે જ નાગરિક પરમાણુ ઊર્જા અને ક્રિટિકલ મિનરલ્સ પર પણ સહયોગ વધારવાની સહમતિ બની છે. એટલે ભવિષ્યની ટેક્નોલોજી, બેટરી-મેટલ્સ અને ઊર્જા નવાચારમાં ભારતને લાંબાગાળાનો લાભ મળશે.

    શ્રમિકોની અવરજવરનો કરાર: ભારતીય યુવાનો માટે નવી તક તકો

    આ શિખર સંમેલનનો સૌથી માનવ-કેન્દ્રિત અને વ્યવહારુ કરાર રહ્યો Labour Mobility Agreement. આ હેઠળ ભારતીય શ્રમિકો, ખાસ કરીને સ્કિલ-આધારિત અને વોકેશનલ ટ્રેન્ડ યુવાનો માટે રશિયામાં રોજગારની તકો સરળ બનાવવામાં આવશે. રશિયામાં મોટાપાયે બાંધકામ, ઊર્જા, આરોગ્ય અને ટેક્નોલોજી ક્ષેત્રમાં માનવબળની અછત છે, જ્યારે ભારત પાસે સ્કિલ્ડ યુવાનોની મોટી વસ્તી છે. આ કરાર બંને દેશોની જરૂરિયાતોને જોડે છે અને ભારતીય પરિવારો માટે રેમિટન્સ અને રોજગારનો નવો રસ્તો ખોલે છે. 

    વ્યાવસાયિક શિક્ષણ અને સ્કિલ-ડેવલપમેન્ટમાં ભાગીદારી

    લેબર મોબિલિટીને વધુ અસરકારક બનાવવા માટે બંને દેશોએ વ્યાવસાયિક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ પર પણ MoU કર્યું છે. આથી ભારતમાં સ્કિલ ટ્રેનિંગની ગુણવત્તા વધશે, ટેક્નિકલ કોર્સમાં રશિયન નિષ્ણાતોનું જ્ઞાન ઉમેરાશે અને ભારતીય યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા મળશે. તેનો સીધો લાભ એ થશે કે ભારતની વર્કફોર્સ વધુ સ્પર્ધાત્મક બનશે અને વૈશ્વિક રોજગાર બજારમાં તેની સ્વીકૃતિ વધશે.

    સમુદ્રી પરિવહન અને તબીબી વિજ્ઞાનમાં નવા કરારો

    શિપિંગ અને સમુદ્રી પરિવહન પર થયેલો કરાર ભારત-રશિયા વેપાર પર સીધી અસર કરશે. વેપાર માર્ગો સરળ બનતાં ખર્ચ ઘટશે અને લોજિસ્ટિક્સની ગતિ વધશે. તબીબી વિજ્ઞાન સાથે જોડાયેલા MoU દવાઓ, વેક્સીન, તબીબી સંશોધન અને હેલ્થ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી તકો ખોલે છે. રશિયા બાયો-ટેક્નોલોજીમાં મજબૂત છે, જ્યારે ભારત ફાર્મા-ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે, બંનેની ક્ષમતાઓનો આ મેળ ભવિષ્યમાં મોટા પરિણામો આપશે. 

    ખાનગી ક્ષેત્રની ભાગીદારી: દ્વિપક્ષીય વેપારને મળશે નવા એન્જિન

    બંને દેશોએ ખાનગી ઉદ્યોગોને દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં મોટી ભૂમિકા આપવાની જાહેરાત પણ કરી છે. આથી ડિફેન્સ-ટેક, ખાણકામ, એગ્રો-પ્રોસેસિંગ, ફાર્મા અને હેવી મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નવા રોકાણો અને ભાગીદારીઓ બનશે. સરકારો નીતિ આપશે, પણ વાસ્તવિક આર્થિક વિસ્તાર ખાનગી ક્ષેત્ર જ આગળ વધારશે. આ મોડેલ તરફ ભારત-રશિયા ભાગીદારી ઝડપથી આગળ વધી રહી છે. 

    કુલ 7 મુખ્ય સમજૂતીઓ અને 25 વ્યાપક એગ્રીમેન્ટ: એક વિશાળ ભાગીદારી

    શિખર વાર્તામાં 7 મુખ્ય આંતર-સરકારી સમજૂતીઓ થઈ, જેમાં નીચે મુજબની સમજૂતીનો સમાવેશ થાય છે.

    • Economic Cooperation Programme 2030  
    • Food Security & Fertilizer Cooperation  
    • Labour Mobility Agreement  
    • Vocational & Skill Cooperation  
    • Medical Sciences Collaboration  
    • Shipping & Transport Cooperation  
    • Energy & Civil Nuclear Cooperation  

    આ ઉપરાંત વિવિધ મંત્રાલયો, સંસ્થાઓ અને ઉદ્યોગ ક્ષેત્રો વચ્ચે 25 વિગતવાર MoU/કરારો પર હસ્તાક્ષર થયા છે, જેનો અર્થ એ છે કે ભારત-રશિયા સંબંધો હવે ફક્ત રક્ષા કે ઊર્જા સુધી મર્યાદિત નથી, પરંતુ બહુઆયામી અને ભવિષ્યલક્ષી બની ચૂક્યા છે. 

    વડા પ્રધાન મોદીએ બિલકુલ સાચું કહ્યું કે ભારત-રશિયાનો સંબંધ ‘ધ્રુવ તારા જેવો અટલ’ છે. આ ભાગીદારી હવે ફક્ત ભાવનાત્મક કે ઐતિહાસિક નથી રહી, એ આધુનિક, વ્યવહારુ અને વિકાસ-કેન્દ્રિત સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઊર્જા સુરક્ષાથી લઈને કૃષિ સુધારા સુધી, રોજગારથી લઈને વિજ્ઞાન-ટેક્નોલોજી સુધી, 2025નું આ શિખર સંમેલન ભારતની રાષ્ટ્રીય રણનીતિને વાસ્તવિક તાકાત આપનારું સાબિત થશે. વિશ્વમાં ભલે ભૂ-રાજકીય દબાણ કેટલું પણ વધે, ભારત-રશિયા સંબંધોનો આ નવી આયામ આવનારા દાયકામાં આંતરરાષ્ટ્રીય રાજનીતિના ઘણા નવા અધ્યાયો લખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં