Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશચાંદીપુરા વાયરસ શું છે? કઈ રીતે ફેલાય છે?- વિગતવાર જાણો એ રોગ...

    ચાંદીપુરા વાયરસ શું છે? કઈ રીતે ફેલાય છે?- વિગતવાર જાણો એ રોગ વિશે, જેના સૌથી વધુ કેસ ગુજરાતમાં: સંક્રમણથી કઈ રીતે બચી શકાય એ પણ વાંચો

    નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ અનુસાર, આ વાયરસ શ્રીલંકા અને આફ્રિકામાં પણ જોવા મળ્યો છે પરતું તેના માનવીય કેસ ફક્ત ભારતમાં જ નોંધાયા છે. આ વાયરસ માણસ સિવાય સસ્તન પ્રજાતિઓને પણ સંક્રમિત કરી શકે છે.

    - Advertisement -

    વિશ્વ કોરોના મહામારીના પ્રકોપથી માંડ બહાર નીકળ્યું છે. પરંતુ ક્યાંક, કોઈ જગ્યાએ કોરોનાનો ઉલ્લેખ પણ લોકોને ડરાવી મૂકે છે. હજુ તો કોરોનાના ભયમાંથી દેશ અને રાજ્ય સંપૂર્ણપણે બહાર પણ નથી આવ્યા, ત્યાં ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ માથું ઊંચકી રહ્યો છે. આ વાયરસના મોટાભાગના કેસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આ વાયરસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની ચોક્કસથી આવશ્યકતા છે. કારણ કે, આ વાયરસથી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકો પ્રભાવિત થઈ રહ્યા છે. તેથી તેના નિદાન માટેના યોગ્ય ઉપાયો અને પદ્ધતિઓ વિશે જાણવું ખૂબ આવશ્યક છે.

    સમગ્ર દેશમાં ચાંદીપુરા વાયરસના 29 કેસ નોંધાયા છે, જેમાંથી 26 કેસ ગુજરાતના છે. જ્યારે 2 કેસ રાજસ્થાનમાં અને 1 કેસ મધ્યપ્રદેશમાં નોંધાયો છે.  ઉલ્લેખનીય છે કે, બુધવાર(17 જુલાઈ)ના રોજ પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ ચાંદીપુરા વાયરસને કારણે ગુજરાતમાં ચાર વર્ષની બાળકીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. અત્યાર સુધીમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર અને મોરબી જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. તેવી સ્થિતિમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માધ્યમથી લોકોમાં વાયરસ અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટ કરી હતી.

    શું છે ચાંદીપુરા વાયરસ?

    નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ અનુસાર, આ વાયરસ શ્રીલંકા અને આફ્રિકામાં પણ જોવા મળ્યો છે પરંતુ તેના માનવીય કેસ ફક્ત ભારતમાં જ નોંધાયા છે. આ વાયરસ માણસ સિવાય સસ્તન પ્રજાતિઓને પણ સંક્રમિત કરી શકે છે. આ વાયરસને એક ‘અનાથ વાયરસ’ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ પાછળથી ધ્યાનમાં આવ્યું કે, વાયરસ રાબડોવિરિડે(Rhabdoviridae)ના વેસિક્યુલોવાયરસ જીનસ(Vesiculovirus genus)નો ભાગ છે. સંજોગવશાત આમાં જ હડકવાના વાયરસનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં કહી શકાય કે, આ વાયરસ માણસો સહિત સસ્તન પ્રાણીઓને પણ થઈ શકે છે.

    - Advertisement -

    કેવી રીતે પડ્યું ‘ચાંદીપુરા વાયરસ’ નામ ?

    વર્ષ 1965માં મહારાષ્ટ્રના નાગપુર શહેરના ચાંદીપુરામાં આ વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ચાંદીપુરાના બે દર્દીઓને તાવ આવ્યો હતો, તે બંનેની તપાસ કરતાં લોહીમાં પ્રથમ વખત આ વાયરસ મળી આવ્યો હતો. તેથી આ ગામ પરથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે. 1980માં મધ્ય પ્રદેશમાં તીવ્ર એન્સેફાલીટીસના દર્દીમાંથી પણ આ વાયરસ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ દેશમાં વર્ષ 2003-04માં મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ સહિતના મધ્ય ભારતના ભાગોમાં ફાટી નીકળ્યો હતો, જેના કારણે 300થી વધુ બાળકોના મોત થયા હતા.

    કેવી રીતે ફેલાય છે આ વાયરસ?

    આ વાયરસ ફ્લેબોટોમાઇન સેન્ડફ્લાય (રેતાળ પ્રદેશમાં ઊડતી અને લોહી ચૂસતી માખીની પ્રજાતિ) અને એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. વૈજ્ઞાનિકો આ વાયરસને RNA(Ribonucleic Acid)ના રૂપમાં જોઈ રહ્યા છે. આ વાયરસ મોટાભાગે 15 વર્ષથી ઓછી વયના બાળકોમાં ફેલાય છે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ વાયરસથી 4 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવાની શોધ હજુ સુધી થઈ શકી નથી.

    Aedes એડેઝ મચ્છર (ફોટો:વિકિપીડિયા)

    ચાંદીપુરા વાયરસના લક્ષણો

    આ વાયરસના મુખ્ય લક્ષણો ફલૂ જેવા છે. જેમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે વગેરે લક્ષણો જોવા મળે છે. આ વાયરસ એ એન્સેફાલીટીસ(મગજની પેશીઓમાં બળતરા અથવા સોજો આવવો) પેદા કરનાર વાયરસ છે. આ વાયરસથી સંક્રમિત બાળકોનું 48-72 કલાકમાં મૃત્યુ થવાની સંભાવના હોય છે. જોકે, તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. યોગ્ય સારવાર અને જરૂરી પરેજી પાળવાથી તે વાયરસને મ્હાત આપી શકાય છે.

    ચાંદીપુરા વાયરસથી બચવા માટે કેવી સાવચેતી રાખવી જોઈએ?

    ચાંદીપુરા વાયરસથી બચવા માટે બાળકોને આખી બાંયના કપડાં પહેરાવવા જોઈએ, જેથી તેઓ આ મચ્છર કે માખીના સંપર્કમાં ના આવે. રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તથા મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર ન હોય ત્યારે બારી-બારણાં બંધ રાખવા ખૂબ જરૂરી છે. બાળકમાં ઉપર દર્શાવેલા કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક પ્રાથમિક સારવાર લઈ લેવી ખૂબ જરૂરી છે. સૌથી મહત્વની સાવચેતી સ્વચ્છતાની છે. ઘર, ઓફિસ, રહેણાંક, શેરી/મહોલ્લા, સોસાયટીની આસપાસ સ્વચ્છતા રાખવાથી ત્યાં મચ્છર કે માખીઓ આવતી નથી. તેથી સ્વચ્છતા રાખવી પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે.

    હાલ ગુજરાત ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. કારણ કે, દેશમાં આવેલા કુલ 29 કેસમાંથી 26 કેસ ગુજરાતમાં નોંધાયેલા છે અને વાયરસથી દેશમાં કુલ 15 મૃત્યુ થયા છે, જેમાંથી 13 મૃત્યુ ગુજરાતમાં થયા છે. ગુજરાતમાં વાયરસ સામે લડવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિવારક પગલાં શરૂ કરવામાં આવ્યા છે. 50,000થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે અને તમામ જિલ્લા અને ગ્રામીણ હોસ્પિટલોને શંકાસ્પદ કેસોના નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)માં મોકલવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

     

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં