દુનિયાનાં વ્યાપાર માનચિત્રમાં 2025 એવું વર્ષ બની ચૂક્યું છે, જેણે વૈશ્વિક અર્થતંત્રમાં ઘણા ઉતારચડાવ જોયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ટેરિફ લગાવ્યા અને અર્થતંત્ર ધીમું પડ્યું. જ્યારે અમેરિકાએ ભારતીય નિકાસ પર 50% સુધીનો વધારાનો ટેરિફ લગાવ્યો ત્યારે વિશ્વમાં મોટા-મોટા અર્થશાસ્ત્રીઓ ભારતનાં વળતાં પાણીના દિવસો ગણવા લાગ્યા હતા અને દાવો કરવા લાગ્યા હતા કે ભારતીય અર્થતંત્રને ફટકો પડશે, નિકાસ ઘટશે.
પરંતુ, એવું થયું નહીં. ભારતે ન માત્ર નિકાસને સ્થિર રાખી, પરંતુ ઘણા સેક્ટરોમાં તેની વૃદ્ધિ પણ નોંધપાત્ર થઈ. વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે (27 નવેમ્બર) એક સંસદીય પેનલને જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ભારતની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન નિકાસમાં ગત વર્ષની આ જ અવધિ કરતાં વૃદ્ધિ થઈ છે.
વાણિજ્ય પર સંસદની એક સ્થાયી સમિતિનાં અધ્યક્ષ અને તૃણમૂલ કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ ડોલા સેનની અધ્યક્ષતામાં ભારત-અમેરિકા સંબંધોની સમીક્ષા માટે એક બેઠક થઈ હતી, જેમાં અમેરિકા દ્વારા તાજેતરમાં જ વધારવામાં આવેલા ટેરિફ પર વધુ ભાર આપવામાં આવ્યો હતો. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ સહિત મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓએ એક વિસ્તૃત પ્રસ્તુતિ પણ આપી હતી. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે ઘરેલુ ઉત્પાદન કેન્દ્રની પ્રાથમિકતા છે અને ભારતીય અર્થવ્યવસ્થામાં તેનાં મહત્વપૂર્ણ યોગદાનને નોંધપાત્ર ગણવામાં આવ્યું છે.
સમિતિને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વાણિજ્ય મંત્રાલય આવનારા બે અઠવાડિયામાં એક વિસ્તૃત રિપોર્ટ પણ રજૂ કરશે. મૂળ વાત એ છે કે અમેરિકી ટેરિફ વધુ હોવા છતાં મોદી સરકારની નીતિએ તેની અસર નહિવત કરી દીધી છે. કારણ કે નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે.
અમેરિકી ટેરિફ અને ભારતની વૃદ્ધિ
2025માં અમેરિકાએ ભારત પર વધારાનો 50% ટેરિફ લગાવ્યો. ઘણા ઉત્પાદનો, ખાસ કરીને ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ઉત્પાદન અને ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનો 50% સુધી મોંઘા થઈ ગયાં હતાં. આ બધા પડકારો સામે હોવા છતાં એપ્રિલ-સપ્ટેબર 2025ના પહેલા છ મહિનામાં ભારતની અમેરિકાને અપાયેલી નિકાસ 13.3% વધી છે અને 45-46 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. એટલું જ નહીં, પણ 2025માં ભારતની કુલ નિકાસમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. PIB અનુસાર, કુલ નિકાસ 5.19% ટકા વધી છે, જ્યારે માલ નિકાસમાં 2.31%નો વધારો નોંધાયો છે.
આ એવા સમયે થયું છે, જ્યારે દુનિયાની ઘણી અર્થવ્યવસ્થાઓ મંદી અને માંગ-ફુગાવો સામે ઝઝૂમી રહી છે. જોકે, ભારતની નિકાસ વૃદ્ધિ પાછળ મોદી સરકારની નીતિ જવાબદાર છે. સરકારે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને અન્ય દેશોમાં ઉત્પાદનો પહોંચતા કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે, જેથી અમેરિકી ટેરિફની અસર નહિવત થઈ ગઈ છે.
ભારતે બદલી માર્કેટ
જોકે, એક હકીકત એ પણ છે કે ટેરિફની અસર ઝીરો નહોતી. ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, કેટલાક મહિનાઓમાં (ખાસ કરીને ઑગસ્ટ-ઑક્ટોબર) અમેરિકી માર્કેટમાં ભારતની નિકાસ 8.8 બિલિયન ડોલરથી ઘટીને 5.5 બિલિયન ડોલર થઈ ગઈ હતી. પણ મહત્વપૂર્ણ વાત એ છે કે કુલ નિકાસમાં ઘટાડો નથી થયો. કારણ કે ભારતે પોતાની નિકાસની દિશા બદલી નાખી હતી અને તે સાથે બદલી નાખી હતી માર્કેટ.
ભારતે ખાડી દેશો, યુરોપિયન સંઘ (EU), ASEAN (દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો), હોંગકોંગ અને ચીનમાં પોતાની નિકાસ ઝડપથી વધારી દીધી છે. FY25-26ના પ્રારંભિક 6 મહિનામાં ભારતની ચીનને નિકાસ 22% સુધી વધી ગઈ હતી. એટલે કે ભારતની નિકાસ નીતિ હવે કોઈ એક દેશ કે તે દેશની માર્કેટ પર નિર્ભર ન રહીને વૈશ્વિક બજારોને આવરનારી બની છે. અમેરિકી ટેરિફ વધ્યા તો ભારતીય નિકાસકારોએ ઓર્ડર શીપ કર્યા, રસ્તો બદલ્યો અને નવી બજારો શોધી કાઢી.
ગ્લોબલ એક્સપર્ટ ભારતના આ નિર્ણયને ‘ઇન્ડિયાઝ એડેપ્ટિવ કેપીસીટી’ કહી રહ્યા છે. ટેક્સટાઇલ, લેધર, જેમ્સ-જલેવરી જેવા પારંપરિક ક્ષેત્રોની ભાગીદારી ચોક્કસ સ્થિર રહી, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ, ફાર્મા, એન્જિનિયરિંગ ઉત્પાદ અને કેમિકલ્સની નિકાસ ઝડપથી આગળ વધવા લાગી છે. PIBએ પણ હાઇ-વેલ્યુ એક્સપોર્ટની પુષ્ટિ કરી છે.
સરકારની નીતિઓ
ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, સરકાર ટેરિફના અસરગ્રસ્ત સેક્ટરો માટે વિશેષ રાહત પેકેજ તૈયાર કરી રહી છે. તેના કારણે નિકાસકારોને સહાય તો મળશે જ, પણ તેની સાથે આત્મવિશ્વાસ પણ મળશે. જોકે, પડકાર તો હજુ પણ સામે છે. ઘણા ક્ષેત્રો, જેમ કે ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને મરીન ઉત્પાદનો, હાલ પણ ટેરિફના કારણે અસરગ્રસ્ત છે, પરંતુ સરકાર તેના પર પણ કામ કરી રહી છે. એક રીતે સરકારે અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડી દીધી હોવાથી આવનારા સમયમાં આ ઉત્પાદનો માટે પણ યોગ્ય માર્કેટ મળી શકશે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમેરિકાએ ટેરિફ વધાર્યા હોવા છતાં પણ ભારતે નિકાસ કેવી રીતે વધારી? તો તેનો સીધો જવાબ એ છે કે ભારતે પણ પરિસ્થિતિનો તાગ મેળવી લઈને પોતાનામાં પરિવર્તન લાવવાનું અને સ્થિતિ અનુસાર પોતાને ઢાળવાનું શરૂ કર્યું છે. હવે ભારતીય નિકાસ કોઈ એક દેશ કે સેક્ટર પર નિર્ભર નથી રહી. હવે ભારત જે વસ્તુઓ અમેરિકાને વેચતુ હતું, એ જ વસ્તુઓ અન્ય દેશોમાં પહોંચતી કરશે અને નિકાસ જાળવી રાખશે.
ભારત હવે ગ્લોબલ ટ્રેડનો રુલ-ટેકર નહીં, પણ રુલ-શેપર બની રહ્યો છે. ભારતની નિકાસનીતિ એ વાતની સાબિતી આપે છે કે આજના આ નવા વેપાર-વિશ્વમાં (જ્યાં અંગત સ્વાર્થ હાવી છે) જે દેશ પોતાને સ્થિતિ અનુસાર ઢાળી શકશે, એ જ દેશ ટકી શકશે. ભારત આજે એવું જ કરી રહ્યું છે. મોદી સરકારની આ સ્ટ્રેટેજીએ એક વાત તો નક્કી કરી નાખી છે કે અમેરિકન ટેરિફ ભારતનું ભવિષ્ય નક્કી નહીં કરી શકે, ભારત પોતાનો માર્ગ પોતે જ બનાવશે.
આજે જ્યારે દુનિયાની ઘણી અર્થવ્યવસ્થાઓ સંરક્ષણવાદ સામે તૂટતી દેખાઈ રહી છે, તેવામાં ભારતે પોતાની માર્કેટ બદલી, રસ્તા બદલ્યા અને ટાર્ગેટ પણ જાળવી રાખ્યો છે. ભારત માટે આ યાત્રા હજુ પ્રારંભિક છે, ભારતના વિકાસથી બળતરા કરતી ઘણી વૈશ્વિક શક્તિઓ આગળ પણ યાત્રામાં અડચણરૂપ બની શકે છે, પરંતુ દરેક વખતની જેમ ભારત પોતાને સ્થિતિ અનુસાર ઢાળતા શીખી ગયું છે.


