Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણમહાવિકાસ આઘાડીનો અતિ આત્મવિશ્વાસ જ તેને લઇ ડૂબ્યો: જાણો MLC ચૂંટણીમાં કઈ...

    મહાવિકાસ આઘાડીનો અતિ આત્મવિશ્વાસ જ તેને લઇ ડૂબ્યો: જાણો MLC ચૂંટણીમાં કઈ રીતે થયો ‘ખેલ’? કોંગ્રેસના જ ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કરવાથી બગડ્યું ગણિત

    અહીં વાસ્તવમાં અજિત પવાર જૂથ પાસે મતો ખૂટતા હતા, પરંતુ તેમ છતાં તેમણે 2 ઉમેદવારો ઉતાર્યા હતા અને બંને વિજયી થયા છે. બીજી તરફ, INDI ગઠબંધન પાસે સંખ્યાબળ હોવા છતાં એક બેઠક પર હાર ચાખવી પડી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં INDI ગઠબંધને સારું પ્રદર્શન કર્યું હતું અને કુલ 48માંથી 30 બેઠકો જીતી લીધી હતી. પરંતુ તેના મહિના પછી જ યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં (Maharashtra MLC Elections) ઊંધા માથે પછડાટ ખાધી છે. કુલ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિએ (ભાજપ+ શિવસેના (શિંદે)+ NCP (અજિત પવાર)) કુલ 9 ઉમેદવારો ઉતાર્યા હતા, એ તમામે જીત મેળવી અને INDI ગઠબંધને 2 બેઠકો જીતીને 1 પર હાર ચાખવી પડી હતી. આ એટલા માટે બન્યું, કારણ કે કોંગ્રેસમાંથી જ ક્રોસ વૉટિંગ થયું હતું. 

    વિધાન પરિષદની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. એટલે કે તેમાં ધારાસભ્યો મતદાન કરીને MLC ચૂંટે છે. કુલ 11 બેઠકો ખાલી પડવાથી ચૂંટણી યોજાઇ હતી, જેમાં ઉમેદવારો હતા 12. જેથી એકની હાર નિશ્ચિત હતી. INDI ગઠબંધન કે મહાવિકાસ આઘાડીએ (કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ), NCP (શરદ પવાર)) એક વધુ ઉમેદવાર ઉતાર્યા હતા, એ આશા સાથે કે ક્રોસ વૉટિંગ થાય તો તેમને ફાયદો થશે. બીજી તરફ, અજિત પવાર જૂથને મતો ખૂટતા હતા. પણ થયું ઊંધું અને છેલ્લે તેમના જ ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કરતાં એક બેઠક ગુમાવવી પડી. 

    આ ચૂંટણીમાં ભાજપે 4 ઉમેદવારો ઉતાર્યા હતા. જ્યારે શિંદે અને અજિત જૂથમાંથી 2-2 ઉમેદવાર હતા. આ તમામ 9 ઉમેદવારોએ જીત મેળવી છે. બીજી તરફ, કોંગ્રેસે પ્રજ્ઞા સાટવને ટીકીટ આપી હતી, જેમણે જીત મેળવી છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) તરફથી મિલિન્દ નાવરેકર જીત્યા છે. પરંતુ શરદ પવારના સમર્થનથી લડતાં PWP પાર્ટીના જયંત પાટીલની હાર થઈ છે. 

    - Advertisement -

    શું છે મતોનું ગણિત?

    288નું સંખ્યાબળ ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ 274 ધારાસભ્યો છે. એટલે કે આ ચૂંટણીમાં દરેક MLC ઉમેદવારને ચૂંટણીમાં જીત માટે 23 કે તેથી વધુ ફર્સ્ટ પ્રેફરન્સ વૉટ જોઈએ. (આ ફર્સ્ટ પ્રેફરન્સ વૉટિંગ સિસ્ટમ સમજવા માટે વાંચો-) આ ચૂંટણીમાં મહાયુતિ પાસે 201 ધારાસભ્યોનું સમર્થન હતું, જેમાં અપક્ષ MLA અને અમુક નાની પાર્ટીઓ પણ આવી ગઈ. જ્યારે INDI પાસે 67 MLAનું સમર્થન હતું. 6 ધારાસભ્યો તટસ્થ હતા. 

    ચૂંટાયેલા ઉમેદવારો પૈકી 8 ઉમેદવારો ફર્સ્ટ પ્રેફરન્સ વૉટથી જીત્યા હતા. જ્યારે બાકીનાની જીત સેકન્ડ ચોઈસ ઑફ વોટર્સથી નક્કી થઈ હતી. નોંધવું જોઈએ કે મત આપતી વખતે ધારાસભ્યોએ દરેક ઉમેદવારને 1, 2, 3 એવી પસંદગી આપવાની હોય છે. પ્રથમ પહેલી પસંદગી ગણાય છે. તેનાથી પરિણામ નક્કી થઈ જાય તો વિજેતા ઘોષિત કરવામાં આવે છે, નહીંતર બીજી પસંદગી ગણાય છે. 

    ભાજપના 4 ઉમેદવારો 26-26 મત મેળવીને પહેલા રાઉન્ડમાં જ વિજેતા બન્યા, જ્યારે એક ઉમેદવાર બીજા રાઉન્ડમાં 14 મત સાથે જીત્યા. એ જ રીતે NCP (અજિત)ના બે ઉમેદવારોને 24 અને 23 મત મળ્યા. શિંદે જૂથના ઉમેદવારોને પણ 24-24 મત મળ્યા અને વિજેતા ઘોષિત થયા. કોંગ્રેસ ઉમેદવાર 25 મત સાથે વિજેતા થયા અને શિવસેના ઉદ્ધવ જૂથના એક ઉમેદવારને 22 મત મળ્યા (બીજા રાઉન્ડમાં) જેથી તેઓ વિજેતા જાહેર થયા. પરંતુ PWP ઉમેદવાર જયંત પાટીલને માત્ર 12 મત મળતાં હારનો સામનો કરવો પડ્યો. 

    કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કર્યાનું અનુમાન

    હવે અહીં વિધાનસભામાં કોંગ્રેસના 37 ધારાસભ્યો છે. જેમાંથી 25 ધારાસભ્યોએ પોતાના ફર્સ્ટ પ્રેફરન્સ વૉટ પાર્ટી ઉમેદવાર પ્રજ્ઞા સાટવને આપ્યા. જેથી હવે 12 વૉટ વધ્યા. બીજી તરફ, ઉદ્ધવ જૂથના મિલિન્દ નાર્વેકરને 22 મત મળ્યા છે, જેમાંથી 17 મતો ઉદ્ધવ જૂથના છે. અર્થાત, બાકીના 5 મત કોંગ્રેસના ટ્રાન્સફર થયા, જેથી આંકડો 22 પર પહોંચ્યો. પરંતુ તેમ છતાં કોંગ્રેસના 7 મત વધે છે. એટલે કે આટલા ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કર્યું છે. 

    બીજી તરફ, આ ચૂંટણીમાં અજિત પવાર જૂથ પાસે કુલ 42 મત હતા. જેમાંથી 40 પાર્ટીના ધારાસભ્યો અને 2 અપક્ષ MLAનું સમર્થન હતું. જેથી તેમના 2 ઉમેદવારોને જીત માટે કુલ 46 (23+23) મતની જરૂર હતી. પરંતુ તેમને મળ્યા છે 47 મત. એટલે કે પાંચ મત વધુ મળ્યા છે. જે કોંગ્રેસના ક્રોસ વૉટિંગના કારણે ફાયદો થયો હોવાનું અનુમાન છે. 

    અહીં વાસ્તવમાં અજિત પવાર જૂથ પાસે મતો ખૂટતા હતા, પરંતુ તેમ છતાં તેમણે 2 ઉમેદવારો ઉતાર્યા હતા અને બંને વિજયી થયા છે. બીજી તરફ, INDI ગઠબંધન પાસે સંખ્યાબળ હોવા છતાં એક બેઠક પર હાર ચાખવી પડી છે. વિપક્ષના આંતરિક વિખવાદનો સીધો ફાયદો મહાયુતિને થયેલો જોવા મળે છે. 

    આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે તે પહેલાં યોજાયેલી આ ચૂંટણીને સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી, જેમાં મહાયુતિએ ખેલ પાડી દીધો છે. બીજી તરફ, INDI ગઠબંધન માટે ચિંતા વધી છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં ભલે સારું પ્રદર્શન કર્યું હોય પણ આ પરિણામો દર્શાવે છે કે ધારાસભ્યો પર તેમની પકડ નથી અને આટલી મોટી સંખ્યામાં ક્રોસ વૉટિંગ થઈ રહ્યું છે. આ તરફ, શિવસેના (શિંદે જૂથ) અને NCPએ (અજિત જૂથ) પણ પુરવાર કર્યું છે કે તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ મજબૂત છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં