Friday, November 22, 2024
More
    હોમપેજદેશભારત-ચીન વચ્ચે શું હતો વિવાદ અને હવે શું બદલાશે…સમજો કેમ અગત્યના છે...

    ભારત-ચીન વચ્ચે શું હતો વિવાદ અને હવે શું બદલાશે…સમજો કેમ અગત્યના છે LAC પેટ્રોલિંગ કરાર

    સહમતીની સૌથી મોટી અસર એ થશે કે, ગલવાન ઘાટીમાં જે તણાવનું વાતાવરણ રહે છે, તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. હવે બંને દેશોની સેનાઓ LAC પર 2020 પહેલાંની સ્થિતિની જેમ પેટ્રોલિંગ કરી શકશે.

    - Advertisement -

    ભારત અને ચીન (India And China) વચ્ચે LAC અને બોર્ડર પેટ્રોલિંગને (Border Patroling) લઈને એક મહત્વપૂર્ણ કરાર (Agreement) થયો છે. આ કરારના કારણે સાડા ચાર વર્ષથી ચાલી રહેલા બંને દેશો વચ્ચેના વિવાદનો અંત આવી શકે છે. બંને દેશો વચ્ચે પૂર્વી લદાખમાં પેટ્રોલિંગને લઈને કરાર કરવામાં આવ્યો છે. જેના કારણે સૈનિકોની વાપસી પણ થશે અને 2020ના વિવાદનું સમાધાન પણ થઈ શકશે. વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આ અંગે કહ્યું છે કે, બે મોટા દેશો વચ્ચે આવું થતું રહે છે, પરંતુ આ એક મોટી સફળતા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, કરાર થવો તે લાંબી કૂટનીતિક પ્રક્રિયાનું પરિણામ છે. એવું કહેવાય રહ્યું છે કે, બંને દેશો વચ્ચે થયેલા આ કરારથી LAC (Line of Actual Control) પર 2020 પહેલાં જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિ જોવા મળશે.

    વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા અથવાડિયાઓથી ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તર પર વાતચીત ચાલી રહી હતી. આ વાતચીતના કારણે જ LAC પર પેટ્રોલિંગને લઈને સહમતી બની શકી છે. ચીને પણ આ કરારની પુષ્ટિ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું છે કે, “બંને પક્ષો વચ્ચે સહમતી બની ગઈ છે અને અમે ભારત સાથે મળીને કામ કરીશું.” જોકે, આ કરાર થવો સહેલો નહોતો. કરાર વિશેની વિગતે માહિતી મેળવવા માટે સૌપ્રથમ વિવાદ સમજવો જરૂરી છે. આપણે અનુક્રમે, મુદ્દાસર માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું.

    શું હતો વિવાદ અને કઈ રીતે થઈ શકી સહમતી?

    કરાર વિશેની માહિતી સમજવા અને સૌથી પહેલાં તે જાણવું જરૂરી છે કે, વિવાદ શું હતો. જોકે, ભારત અને ચીન વચ્ચે તો અનેક મુદ્દાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ વિવાદ LACને લઈને વકર્યો હતો. જૂન, 2020માં લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના કારણે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના લગભગ 20 જવાનો વીરગતિ પામ્યા હતા અને ચીનના પણ સેંકડો સૈનિકો મૃત્યુ પામ્યા હતા. જોકે, ચીને આધિકારિક રીતે તેના જવાનોના મૃત્યુ વિશે સ્વીકાર્યું જ નથી. આ ઘટના બાદથી જ LAC પર ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું.

    - Advertisement -

    ત્યારથી લઈને કરાર થયો ત્યાં સુધીમાં અનેક વખત ભારત અને ચીનને લઈને ચાલી રહેલો વિવાદ સમાચાર પત્રો, ન્યૂઝ અને સોશિયલ મીડિયામાં ચર્ચાતો રહેતો હતો, પરંતુ બંને દેશો વચ્ચે સહમતી બની શકતી નહોતી. ભારત અને ચીન વચ્ચે થયેલા આ કરારનો માર્ગ સરળ નહોતો. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે થયેલી સહમતી ઘણા સમયથી ચાલી રહેલી વાતચીતનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે, ઘણા અથવાડિયાઓથી બંને દેશો ચેનલો દ્વારા કામ કરતાં હતા.

    તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે 21 વાર અને રાજદ્વારીઓ વચ્ચે 31 વખત બેઠકો યોજાઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ ચીનના મોટા નેતાઓ અને વિદેશ મંત્રી સાથે બેઠક કરી હતી. જેના કારણે આખરે બંને દેશો વચ્ચે બોર્ડર પેટ્રોલિંગને લઈને સહમતી બની શકી છે.

    શું થયો કરાર?

    ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર વિશેની વિગતે માહિતી સામે આવી શકી નથી. પરંતુ LAC પર જેવી સ્થિતિ જૂન 2020 પહેલાં હતી, હવે ફરીથી તેવી જ સ્થિતિ ત્યાં જોવા મળશે. એટલે બંને દેશોના સૈનિકો પેટ્રોલિંગ પોઈન્ટ પર પેટ્રોલિંગ કરી શકશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, હવે LAC પર ભારતીય અને ચીની સૈનિકો તે રીતે જ પેટ્રોલિંગ કરી શકશે, જે રીતે તેઓ પહેલાં કરતાં હતા. આ સહમતી બાદ હવે ડેપસાંગ અને ડેમચોકમાં પણ પેટ્રોલિંગ થઈ શકશે.

    ડેપસાંગમાં પેટ્રોલિંગ ભારતના દ્રષ્ટિકોણથી પણ ખૂબ મહત્વનું છે. કારણ કે, કારાકોરમ દૌલત બેગ ઓલ્ડી પોસ્ટથી 30 કિલોમીટર દૂર છે. ટેકરીઓ વચ્ચે એક સમતળ વિસ્તાર પણ છે, જેનો ઉપયોગ લશ્કરી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. બીજી તરફ ડેમચોક પર પેટ્રોલિંગ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે, તે સિંધુ નદીની નજીકમાં આવેલું પોઈન્ટ છે. જો તે સ્થળ પર ચીનનું નિયંત્રણ હોત તો ઉત્તર ભારતના રાજ્યોમાં પાણી પુરવઠાને અસર થવાનો ભય હતો.

    ફોટો (ઇન્ડિયન એક્સપ્રેસ)

    ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સહમતી હેઠળ ભારતીય સેના ડેપસાંગ પેટ્રોલિંગ પોઈન્ટ 10થી 13 સુધી અને ડેમચોકમાં ચારડિંગ નાળા સુધી પેટ્રોલિંગ કરી શકે છે. માહિતી અનુસાર, બંને દેશોની સેના મહિનામાં બે વખત પેટ્રોલિંગ કરી શકશે. પહેલાં પેટ્રોલિંગ ટીમમાં 13થી 18 સૈનિકો હતા, પરંતુ હવે માત્ર 14-15 સૈનિકો રહેશે. આ સિવાય બંને દેશો પેટ્રોલિંગની તારીખો પણ શેર કરશે, જેથી કોઈપણ પ્રકારનો સંઘર્ષ ન થાય. સૈનિકોની વાપસીને લઈને પણ કરારમાં કહેવાયું છે કે, આગામી 10 દિવસમાં બંને દેશોની સેનાની વાપસી શરૂ કરી દેવામાં આવશે.

    1962 બાદથી પેટ્રોલિંગ પોઈન્ટનો વિવાદ, શું થાય છે પેટ્રોલિંગ પોઈન્ટ પર?

    ભારતની ચીન સાથેની સરહદ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે- પૂર્વીય, મધ્ય અને પશ્ચિમ. લદાખ સાથેની સરહદ પશ્ચિમ ક્ષેત્રમાં આવે છે. આ સરહદ 1,597 કિલોમીટર લાંબી છે. ઉપરાંત પશ્ચિમ સેક્ટરમાં LAC એટલે વાસ્તવિક નિયંત્રણ રેખા નક્કી નથી હોતી. 1962ના યુદ્ધ બાદ 1970માં પૂર્વી લદાખ સાથે જોડાયેલી LAC પરથી ભારતે પોતાની સેના હટાવી લીધી હતી. તેના કારણે તે વિસ્તારમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી વધી ગઈ હતી. તેથી જ્યાં સરહદ નક્કી નહોતી, તે વિસ્તારોમાં LAC પર પેટ્રોલિંગ પોઈન્ટ (PP) બનાવવામાં આવ્યા હતા. જ્યાં ભારતીય સૈનિકો પેટ્રોલિંગ કરી શકે.

    1976માં LAC પર ભારતે 65 પેટ્રોલિંગ પોઈન્ટ નક્કી ર્ક્યા હતા. પેટ્રોલિંગ પોઈન્ટ 1 કારાકોરમ પાસે છે અને 65 ચુમારમાં છે. આ પેટ્રોલિંગ પોઈન્ટને સરળતાથી ઓળખી પણ શકાય છે. પરંતુ હજુ સુધી તેમને ચિહ્નિત કરવામાં આવ્યા નથી. હવે પેટ્રોલિંગ પોઈન્ટ પર સૈનિકો શું કરે છે તે વિશેની વાત કરીએ.

    પેટ્રોલિંગ પોઈન્ટથી ભારત અને ચીન વચ્ચેની સરહદ નક્કી નથી થતી, પરંતુ તે તમામ વિવાદિત વિસ્તાર ગણાય છે. આ પેટ્રોલિંગ પોઈન્ટ પર બંને દેશોના સૈનિકો પેટ્રોલિંગ કરી શકે છે. ઘણા સૈનિકો ચાલીને પેટ્રોલિંગ કરે છે તો ઘણી વખત વાહન લઈને પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે. પરંતુ, સૈનિકોને પેટ્રોલિંગ કરવા માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે. જેને પ્રોટોકોલ કહેવામાં આવે છે.

    ઘણી વાર બંને દેશના સૈનિકો એક સાથે પેટ્રોલિંગ માટે પહોંચી જાય છે, તો તેવામાં પ્રોટોકોલ એ છે કે, જો એક પક્ષને બીજાની પેટ્રોલિંગ ટીમ દેખાઈ આવે તો તે ત્યાં જ અટકી જશે. આવી સ્થિતિમાં કઈ બોલવાનું નથી હોતું, પરંતુ બેનર દેખાડવામાં આવે છે. ભારતના બેનરમાં લખેલું હોય છે કે, ‘તમે ભારતના વિસ્તારમાં છો, પરત ફરો’ અને એ જ રીતે ચીનના બેનરમાં લખ્યું હોય છે કે, ‘તમે ચીનના વિસ્તારમાં છો, પરત ફરો.’ જોકે, ઘણી વખત સૈનિકો પાછળ હટવાના સ્થાને ઘર્ષણમાં ઉતરી આવતા હતા. 2020માં પણ તેવી જ સ્થિતિ ઊભી થઈ હતી.

    પરંતુ, હવે આ સહમતી બન્યા બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ ન થવાની સંભાવના છે. કારણે કે, ભારત અને ચીનની સેનાઓ એકબીજાને પેટ્રોલિંગની તારીખ શેર કરશે. જેના કારણે બંને પેટ્રોલિંગ ટીમ એક જ સ્થળે, એક સાથે પેટ્રોલિંગ કરી શકશે નહીં. જેથી બંને વચ્ચે કોઈ ઘર્ષણ પણ ઉદ્ભવી શકશે નહીં.

    શું થશે કરારની અસર?

    આ સહમતીની સૌથી મોટી અસર એ થશે કે, ગલવાન ઘાટીમાં જે તણાવનું વાતાવરણ રહે છે, તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. હવે બંને દેશોની સેનાઓ LAC પર 2020 પહેલાંની સ્થિતિની જેમ પેટ્રોલિંગ કરી શકશે. ભારતીય સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે, “આપણે એપ્રિલ 2020થી પહેલાંની સ્થિતિમાં જવા માંગીએ છીએ.” ભારત અને ચીન વચ્ચે LAC પર 5 સ્થળોએ સંઘર્ષ ચાલી રહ્યો હતો. જેમાં ડેપસાંગ, ડેમચોક, ગલવાન ઘાટી, પેંગોગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગનો સમાવેશ થાય છે. 2020 બાદ ઘણી વાતચીત પછી ગલવાન ઘાટી, પેંગોગ ત્સો એ ગોગરા હોટ સ્પ્રિંગ પરથી બંને દેશોની સેના પરત ફરી હતી.

    જોકે, ડેપસાંગ અને ડેમચોકમાં સેના તહેનાત રહેવાથી અથડામણનું જોખમ સતત ઊભું થઈ રહ્યું હતું. પરંતુ, હવે સમજૂતી બાદ આ પાંચ સ્થળોએથી ભારત અને ચીનની સેનાઓ હટી જશે અને પહેલાંની જેમ પેટ્રોલિંગ કરી શકશે. જેના કારણે સરહદ પર પણ શાંતિ ઊભી થઈ શકશે. આ ઉપરાંત આ કરારની અસર બંને દેશોના અર્થતંત્ર પર પણ પડી શકે છે. બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ ઓછો થવાથી દ્વિપક્ષીય સંબંધો પણ સુધરવાની સંભાવના દેખાઈ રહી છે.

    આ કરાર અંગે ભારતના વિદેશ સચિવે પણ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, એવી આશા સેવાઈ રહી છે કે, LAC પર થતી અથડામણોને હવે અટકાવી શકાશે. તેમણે 2020ના ગલવાન સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો.જેમાં કર્નલ રેન્કના અધિકારી સહિત 20 ભારતીય જવાનો વીરગતિ પામ્યા હતા અને ચીનના પણ સેંકડો જવાનો મૃત્યુ પામ્યા હતા. તેમણે કડક નિરીક્ષણ કરવા પર ભાર આપ્યો હતો, જેથી હવે પછી કોઈ અથડામણ ન થઈ શકે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ઝીનપિંગ દ્વારા સહમતીનું સમર્થન નિશ્ચિતપણે LAC પરની સ્થિતિને સરળ બનાવવા સુધી લઈ જશે.

    LAC શું છે?

    ભારત અને ચીન વચ્ચે ક્યારેય પણ કોઈ આધિકારિક સરહદ નથી રહી અને તેનું કારણ પણ ચીન પોતે જ છે. ચીન કોઈપણ રેખાને સ્વીકારતું નથી. 1962ના યુદ્ધ દરમિયાન ચીની સેના લદાખ અને અરુણાચલ પ્રદેશના તવાંગ સુધી ઘસી આવી હતી. બાદમાં જ્યારે યુદ્ધવિરામ થયું તો તે નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને દેશોની સેના જ્યાં તહેનાત છે, તેને જ LAC એટલે વાસ્તવિક નિયંત્રણ રેખા માનવામાં આવશે. તે એક રીતે સીઝફાયર લાઇન છે.

    ફોટો (જાગરણ)

    LAC જમ્મુ-કાશ્મીરમાં ભારતનો વિસ્તાર અને ચીનના ગેરકાયદે કબજાવાળા અક્સાઈ ચીનને અલગ કરે છે. LAC લદાખ, કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં