તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરનાં પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં MLC કે. કવિતાની શુક્રવારે (15 માર્ચ) EDએ ધરપકડ કરી. એજન્સીના અધિકારીઓએ હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને દિવસભરની તપાસને અંતે ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કે. કવિતા વિરુધ્ધ આ કાર્યવાહી દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ મામલે કરવામાં આવી, જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંઘ જેલમાં છે અને કેજરીવાલને 8 સમન્સ મળી ચૂક્યાં છે.
આ કેસ સાથે કે. કવિતાનું શું કનેક્શન છે?
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આ કેસમાં કવિતાનું નામ સામે આવ્યું હતું. એજન્સીની તપાસમાં સામે આવ્યું હતું કે દારૂ વિક્રેતાઓને લાયસન્સ આપવા માટે દિલ્હી સરકાર દ્વારા લાવવામાં આવેલી એક્સાઈઝ પોલિસીથી અમુક ડીલરોને ફાયદો પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને આ માટે દક્ષિણ ભારતના એક જૂથે આમ આદમી પાર્ટીને ₹100 કરોડની લાંચ આપી હતી. આ જૂથને આ કેસમાં ‘સાઉથ ગ્રુપ’ કહેવામાં આવ્યું છે અને કવિતા તેનાં સભ્ય હોવાનું કહેવાય છે.
આ જૂથમાં BRS નેતા કવિતા, શરત રેડ્ડી (અરબિંદો ગ્રુપના પ્રમોટર) MS રેડ્ડી (સાંસદ) અને તેમના પુત્ર રાઘવ મગુંટા અને અન્યનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના કમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરે પાર્ટીના નેતાઓ વતી આ ગ્રુપ પાસેથી 100 કરોડની રકમ સ્વીકારી હતી.
EDનું કહેવું છે કે આ જૂથ પોલિસીમાં જેટલી મંજૂરી આપવામાં આવી હતી તેનાથી વધુ કેટલાક લાભો મેળવવા માગતું હતું, જેમાં બેરોકટોક પહોંચ, સ્થાપિક હૉલસેલ વ્યવસાયો અને મલ્ટીપલ રીટેલ ઝોનમાં ભાગીદારી અને અન્ય કેટલાક અનુચિત લાભોનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં આ કેસની તપાસ કરતી એજન્સીઓ ED અને CBIએ કે કવિતાની આ કેસમાં એક સાક્ષી તરીકે પૂછપરછ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેઓ સીધી રીતે આ કૌભાંડ સાથે સંકળાયેલાં છે. આ કેસના અનેક વ્યક્તિઓ સાથે તેમનાં કનેક્શન સામે આવ્યાં હતાં. પૂછપરછ દરમિયાન એક આરોપી અરુણ રામચંદ્રન પિલ્લાઇએ જણાવ્યું હતું કે તેઓ કવિતા વતી કામ કરતા હતા. જ્યારે કવિતાએ સાઉથ ગ્રુપ વતી દિલ્હી સરકારના અધિકારીઓ અને મંત્રીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે જ AAPને ₹100 કરોડ ચૂકવવા માટે ગ્રુપને તૈયાર કર્યું હોવાનું કહેવાય છે.
એજન્સી અનુસાર, અકાઉન્ટન્ટે નિવેદનમાં જણાવ્યું હતું કે, કવિતા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વચ્ચે આ બાબતે રાજકીય સમજૂતી થઈ હતી. આ જ ક્રમમાં કે કવિતાએ 19-20 માર્ચ, 2021ના રોજ વિજય નાયર સાથે પણ મુલાકાત કરી હતી.
AAPને રકમ લાયસન્સ અપાય તે પહેલાં જ ચૂકવી દેવામાં આવી હતી
તપાસમાં જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટીને અપાયેલી ₹100 કરોડની રકમ પહેલાં જ ચૂકવી દેવામાં આવી હતી. ED અનુસાર, અરુણ રામચંદ્રન પિલ્લાઇ અને તેના સાથીઓ AAP નેતાઓ અને સાઉથ ગ્રૂપ વચ્ચે રાજકીય સમજૂતી કરવા માટે કામ કરતા હતા. પિલ્લાઇ ઇન્ડોસ્પિરિટ નામની કંપનીમાં 32.5 ટકા શૅર ધરાવે છે, જે કંપનીને દિલ્હી એક્સાઈઝ પોલિસી હેઠળ L1 લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેમણે ₹3.40 કરોડનું રોકાણ કર્યું હતું, જેમાંથી 1 કરોડ કવિતાના નિર્દેશ પર મળ્યા હતા.
આરોપ છે કે ઈન્ડોસ્પિરિટ ખરેખર કવિતાની જ માલિકીની કંપની છે અને જેમાં મગુંટા પરિવાર અને દિલ્હી સ્થિત સમીર મહેંદ્રૂ પણ પાર્ટનર છે. ચાર્જશીટમાં એજન્સીએ જણાવ્યું છે કે તેમણે વિજય નાયરના માધ્યમથી AAPને જે પૈસા આપ્યા હતા તેના બદલામાં અરુણ પિલ્લાઇના નામે ઈન્ડો સ્પિરિટમાં ભાગીદારી મળી હતી. EDએ જણાવ્યું કે, AAP નેતાઓને ચૂકવેલી રકમ રિકવર કરવા માટે સાઉથ ગ્રૂપના નેતાઓને ઇન્ડોસ્પિરિટમાં ભાગ આપવામાં આવ્યો હતો.
કેસમાં પકડાયેલા અનેક લોકોએ આપ્યું હતું કવિતાનું નામ
આ સિવાય બિઝનેસમેન અમિત અરોડાએ પણ આ કેસમાં કવિતાનું નામ આપ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓને સાઉથ ગ્રૂપ તરફથી રકમ ચૂકવવાની વાતની પુષ્ટિ કરી હતી. આ કેસના અન્ય પણ અમુક વ્યક્તિઓ જેઓ પછીથી સાક્ષી બન્યા, તેમણે કૌભાંડમાં કે. કવિતાનું નામ આપ્યું હતું.
એજન્સીએ જણાવ્યું હતું કે, ઇન્ડોસ્પિરિટના મેનેજિંગ ડાયરેક્ટર સમીર મહેંદ્રૂનો સંપર્ક સાઉથ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણી વખત તેની કવિતા સાથે પણ વાતચીત થઈ હતી. પરંતુ આરોપ છે કે કવિતાએ આ કેસને લગતી વાતચીત જે ફોન થકી થઈ હતી તે નષ્ટ કરી દીધો છે. EDએ કોર્ટમાં એવું પણ જણાવ્યું હતું કે, કૌભાંડથી મળેલી રકમથી કવિતાએ હૈદરાબાદમાં મોંઘાભાવની જમીન પણ ખરીદી હતી. જ્યારે દિલ્હી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક સપ્લેમેન્ટરી ચાર્જશીટમાં જણાવાયું છે કે કવિતા અને તેમના પતિએ ફોએનિક્સ ગ્રૂપ ઑફ કંપનીઝ સાથે નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા, જે કંપની વિરુદ્ધ ITની તપાસ ચાલી રહી છે.
કવિતાને એજન્સીઓ ભૂતકાળમાં પણ સમન્સ પાઠવી ચૂકી હતી અને જે માટે તેઓ કોર્ટમાં પણ પહોંચ્યાં હતાં. તાજેતરમાં જાન્યુઆરીમાં એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં, પરંતુ તેઓ હાજર થયાં ન હતાં. આખરે એજન્સીએ તેમના ઘરે જઈને ધરપકડ કરી લીધી હતી. ધરપકડ PMLA હેઠળ થઈ છે.
અહીં નોંધવું જોઈએ કે દિલ્હીની કેજરીવાલ સરકારની આ વિવાદાસ્પદ લિકર પોલિસીનું કૌભાંડ છતું થઈ જતાં તેને પરત ખેંચી લેવામાં આવી હતી. હાલ એજન્સીઓ મોટાપાયે તપાસ કરી રહી છે.