Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતભગવાન શ્રીકૃષ્ણએ વિકસાવી હતી જે ભવ્ય પ્રાચીન દ્વારકા, તે ફરી થશે જીવંત:...

    ભગવાન શ્રીકૃષ્ણએ વિકસાવી હતી જે ભવ્ય પ્રાચીન દ્વારકા, તે ફરી થશે જીવંત: બેટ દ્વારકાની વિશ્વસ્તરીય કાયાપલટ કરવા માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન- જાણો કઈ રીતે થશે વિકાસ

    બેટ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન હોવાનું મનાય છે. હિંદુ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તેથી ધાર્મિક દ્રષ્ટિની સાથે-સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થળ ભારતની ભવ્ય ધરોહર માનવામાં આવે છે. જેથી લાખોની સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે છે. જેને ધ્યાને લઈને માસ્ટર પ્લાનના ભાગ રૂપે ગુજરાત સરકારે પહેલા ફેઝ માટે ₹150 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ ગત ફેબ્રુઆરીમાં દ્વારકાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. સુદર્શન સેતુના લોકાર્પણ બાદથી દ્વારકામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. આ સાથે જ લોકોમાં પ્રાચીન દ્વારકાને જાણવાનો અને માણવાનો ક્રેઝ પણ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. તેથી લોકો દ્વારકા અને બેટ દ્વારકાની યાત્રા પર દૂરદૂરથી આવી રહ્યા છે. આ તમામ લોકોને ‘વર્લ્ડ ક્લાસ’ સુવિધા આપવા માટે હવે રાજ્ય સરકાર પણ તૈયાર થઈ ગઈ છે. અહીં આવતા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે ‘ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ’ દ્વારા ‘વર્લ્ડ ક્લાસ’ લેવલે બેટ દ્વારકાની કાયાપલટ કરવામાં આવશે. જેમાં ત્રણ તબક્કામાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

    ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી દ્વારકાની મુલાકાતે દિનપ્રતિદિન પ્રવાસીઓ આવી રહ્યા છે અને તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. તેથી હવે બેટ દ્વારકાની વિશ્વ સ્તરે કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ‘ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે’ બેટ દ્વારકા દ્વીપના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે INI ડિઝાઇનની નિમણૂક કરી હતી. જે બાદ મહિનાઓ સુધી રિસર્ચ કરીને વર્લ્ડ ક્લાસ લેવલે INS ડિઝાઇને બેટ દ્વારકાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પહેલા ફેઝ માટે સરકાર દ્વારા ₹150 કરોડ ફાળવી પણ દેવાયા છે. આવનારા સમયમાં ફેઝ 2 અને ફેઝ 3નું પણ ડેવલપમેન્ટ થશે. આપણે બેટ દ્વારકાના વિકાસ માટેના આખા માસ્ટર પ્લાનને સરળતાથી સમજવા પ્રયાસ કરીશું.

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 1

    • દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ
    • સ્ટ્રીટ બ્યુટીફીકેશન
    • હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ
    • શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ
    • નોર્થ બીચ ડેવલપમેન્ટ- પબ્લિક બીચ
    • ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર
    • હિલ્લોલ પાર્ક વિથ વ્યૂઈંગ ડેક

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 2

    • હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ
    • અભય માતા મંદિર અને સનસેટ પાર્ક
    • નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર
    • સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર
    • કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
    • રોડ એન્ડ સાઈન

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 3

    • સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ
    • કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
    • લેક અરાઇવલ પ્લાઝા

    આ ઉપરાંત ભવિષ્યમાં પણ દ્વારકા મંદિરને વિકસિત અને સુવિધાસભર બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવતા રહેશે. આવનારા કેટલાક સમયમાં પર્યટકો માટે મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ વિથ ગાર્ડ ટ્રેનિંગ વગેરે પણ ડેવલપ કરવામાં આવશે. તે સિવાય સબમરીન દ્વારા પ્રવાસીઓને પ્રાચીન દ્વારકાના દર્શન કરાવવાના પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે.

    - Advertisement -

    બેટ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન હોવાનું મનાય છે. હિંદુ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તેથી ધાર્મિક દ્રષ્ટિની સાથે-સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થળ ભારતની ભવ્ય ધરોહર માનવામાં આવે છે. જેથી લાખોની સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે છે. જેને ધ્યાને લઈને માસ્ટર પ્લાનના ભાગ રૂપે ગુજરાત સરકારે પહેલા તબક્કા માટે ₹150 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનું ટેન્ડરિંગ વર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

    ફેઝ 1માં તૈયાર થનારાં મુખ્ય આકર્ષણો

    બેટ દ્વારકા મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ બેટ દ્વારકા ડેવલપમેન્ટના માસ્ટર પ્લાન મુજબ કરાશે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં પ્રવેશ દ્વાર બનાવાશે. જેમાં સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા માર્ગે અને દરિયાઈ રસ્તાથી મુખ્ય પ્રવેશ સુધીના માર્ગ પર મુખ્ય દ્વાર બનાવવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓને વિશેષ અનુભૂતિ કરાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે. આપણે ફેઝ 1ના વિકાસકાર્યોને મુદ્દાસર સમજીશું.

    મંદિર પરિસર અને આસપાસના પ્રાંગણનો વિકાસ

    માસ્ટર પ્લાન અનુસાર, મંદિર પરિસરના વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવ કરાવવાનો છે. મંદિર પરિસરમાં એન્ટ્રી માટે ચાર અલગ-અલગ દિશાઓમાંથી પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશે. જેમાં મુખ્ય સેતુથી ગામ તરફ આવતા માર્ગે અને દરિયાઈ માર્ગ પર મુખ્ય પ્રવેશ દ્વાર બનશે. અહીં શ્રદ્ધાળુઓ માટે અલગ-અલગ સુવિધાઓ જેમ કે, મંદિર સામગ્રીને લઈને ચીજ-વસ્તુઓ, ખાણીપીણીની દુકાનો, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો અને જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ અને પગરખાં મૂકવાની લૉકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા પણ ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસીલીટી ધરાવતી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટિપર્પઝ હૉલ પણ બનાવાશે.

    ભગવાન શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર દર્શાવતાં ચિત્રો અને મૂર્તિઓનું પ્રદર્શન

    સૌથી મહત્ત્વનું કે, મંદિરમાં ભીડ ન થાય એ માટે ભાઈઓ અને બહેનોની દર્શન કરવાની લાઈન અલગ બનાવાશે. આ ઉપરાંત દિવ્યાંગોને કોઈ હાલાકી ભોગવવી ના પડે એ રીતે આ માસ્ટર પ્લાન ડિઝાઈન કરાયો છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓને માહિતગાર કરતાં સાઈન બોર્ડ, પાણીની પરબ, કચરા પેટી અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યાત્રાળુઓની યાત્રા યાદગાર બને તે માટે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રના ચિત્રો અથવા મૂર્તિનું પ્રદર્શન પણ થશે.

    નોર્થ બીચ (પદમ બીચ)

    બેટ દ્વારકાનો આ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે. જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ, આ બીચ પર પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને ટોઈલેટ જેવી ફેસેલિટી ઊભી કરાશે. આ નોર્થ બીચ પર પ્રવાસીઓ મનોરંજન અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે. તે સાથે જ અન્ય સુવિધાઓ પણ બીચ પર વિકસાવવામાં આવશે.

    ટુરિસ્ટ વિઝિટર સેન્ટર

    બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્લાન મુજબ, અહીં ટુરિસ્ટ વિઝિટર સેન્ટર હાલમાં સુદામા સેતુથી મંદિર પરિસર જતાં રસ્તામાં બનાવાશે. જેમાં મંદિરની ઐતિહાસિક માહિતી, બેટ દ્વારકામાં થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી અપાશે. એટલું જ નહીં, પરંતુ અહીં વેઇટિંગ એરિયા, ટોઈલેટ્સ, લોકર સુવિધા, ગુજરાતી ફૂડના ચટાકા માણવા માટે એક રેસ્ટોરાં અને હાટ બજાર પણ બનાવાશે. ટુરિસ્ટ વિઝિટર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રિકોને દ્વારકાના ભવ્ય અને મહાન ભૂતકાળની અનુભૂતિ કરાવવાનો છે. એ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ આ સાથે જ જોવા મળશે.

    હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ

    માસ્ટર પ્લાનમાં બેટ દ્વારકાના ઘણા ઐતિહાસિક મંદિરોને જોડતી હેરિટેજ સ્ટ્રીટમાં મુખ્યત્વે દ્વારકાધીશ મંદિર, શંખનારાયણ મંદિર અને હનુમાન દાંડી મંદિરનો સમાવેશ કરાયો છે. આ મંદિરોને જોડતા રસ્તાઓને ‘હેરિટેજ’ થીમ પર ડેવલપ કરાશે. આ સ્ટ્રીટમાં ભીતચિત્રો, મ્યુરલ, ચબુતરા, લેન્ડસ્કેપિંગ, લાઈટ અને બેસવાની સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. તે સિવાય તેને વર્લ્ડ ક્લાસ લેવલ સુધી વિસ્તારીત કરી શકાશે. ઉપરાંત તેમાં પ્રાથમિકથી લઈને વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવશે.

    હિલ્લોલ પાર્ક

    હિલ્લોલ પાર્ક પરથી યાત્રાળુઓ ‘સૂર્યોદય અને સૂર્યાસ્ત’નો નયનરમ્ય નજારો જોઈ શકશે. માસ્ટર પ્લાન મુજબ, આ સ્થળને ‘પબ્લિક પાર્ક’ તરીકે વિકસાવાશે. અહીંથી સુદામા સેતુનો નયનરમ્ય વ્યૂ પણ જોવા મળશે. આ પાર્કમાં પણ ખાણીપીણીના સ્ટોલ, સ્પેશિયલ લેન્ડસ્કેપ, બોર્ડવોક, વોકવે અને કોમન ટોઈલેટ્સ જેવી સુવિધા ઊભી કરાશે. રાજ્ય સરકારના પ્રયાસોથી ધાર્મિક અને પ્રવાસનના સુગમ સંયોગ થકી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો પણ ઉપલબ્ધ થશે અને સાથેસાથે સ્થાનિક ઉત્પાદનને વધુને વધુ પ્રોત્સાહન પણ મળશે.

    બેટ દ્વારકાને વર્લ્ડ ક્લાસ લેવલે ડેવલપ કરવાના આ માસ્ટર પ્લાનમાં કુદરતી સંપત્તિના સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આખો પ્લાન કુદરતી અને સાંસ્કૃતિક વારસો જળવાય રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેટક દ્વારા દ્વારકા જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ મળશે અને એકસાથે જ ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળનો લ્હાવો પણ મળશે. ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ દ્વારા ધાર્મિક સ્થળને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં