પેન્ટેકોસ્ટલ પાદરી બજિન્દર સિંઘ (Pastor Bajinder Singh) તેની નકલી ચંગાઈ સભાને (Changai Sabha) કારણે સોશિયલ મીડિયા પર અનેક વિવાદો અને નિંદાઓના કેન્દ્રમાં રહ્યો છે. ‘યેશુ યેશુ’ (Yeshu Yeshu) તરીકે જાણીતા ખ્રિસ્તી ઉપદેશક વિવિધ કારણોસર સમાચારમાં છે, તાજેતરમાં એક મહિલાએ પાદરી બજિન્દર સિંઘ પર જાતીય સતામણી અને ધાકધમકીનો આરોપ લગાવ્યો છે.
તો અહીં આઓને જાણવાનો પ્રયત્ન કરીશું કે કોણ છે આ પાદરી બજિન્દર સિંઘ અને કઈ રીતે જેલની એક કોઠડીમાંથી બહાર આવીને આજે લાખો એલપીકેને પોતાની આંગળીઓના ઈશારે નચાવનાર થઈ ગયો.
હત્યાના ગુનાથી ‘પાદરી’ સુધી: બજિન્દર સિંઘનો ઉદય
પાદરી બજિન્દર સિંઘ, જેને ‘પ્રોફેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પંજાબના તાજપુરમાં રહેતો એક વિવાદાસ્પદ ખ્રિસ્તી ઇવેન્જેલિસ્ટ પાદરી છે અને ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમ ચલાવે છે. ચર્ચની સ્થાપના બજિન્દરે 2016માં કરી હતી. 10 સપ્ટેમ્બર, 1982ના રોજ હરિયાણાના એક હિંદુ જાટ પરિવારમાં જન્મેલા બજિન્દર સિંઘના જીવનમાં વળાંક આવ્યો જ્યારે 2008માં હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
જેલવાસ દરમિયાન, તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને જેલમાં એક ખ્રિસ્તી પાદરીના સંપર્કમાં આવ્યા પછી હિલીંગ ઈફેક્ટનો અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો. 2012માં જેલમાંથી મુક્ત થયા પછી, બજિન્દર સિંઘે શરૂઆતમાં ચંદીગઢ અને જલંધરના નાના મંડળોમાં પ્રાર્થના સભાઓ યોજવાનું શરૂ કર્યું, જેમાં તેણે ખ્રિસ્તના નામે ‘ચમત્કારિક ઉપચાર’ કરવાનો અને વિવિધ બિમારીઓનો ઇલાજ કરવાનો દાવો કર્યો હતો.
વર્ષ 2016માં પાદરી બજિન્દર સિંઘે ચંદીગઢમાં પોતાનું પહેલું ચર્ચ અને 2017માં તાજપુરમાં બીજું ચર્ચ સ્થાપ્યું. 2018માં, જલંધરના ડાયોસીસે આ ચર્ચને બજિન્દરથી અલગ કરી દીધું હતું. જલંધર ડાયોસીસના PRO ફાધર પીટરે કહ્યું હતું કે પાદરી કોઈપણ રીતે ડાયોસીસ સાથે સંકળાયેલા નથી. તેમણે કહ્યું, “તેઓ એક સ્વતંત્ર ચર્ચ ચલાવતા હતા, જેને માન્યતા પણ નથી. તેમની પ્રચાર કરવાની રીત પણ અમારા ચર્ચો સાથે સુસંગત નથી.”

પાદરી બજિન્દર સિંઘે બહેરાથી લઈને HIV-AIDS, લકવો અને કેન્સર સુધીનાઓને તેની ચંગાઈ સભામાં ‘હાલેલુયા’ ચમત્કારોનો ઉપયોગ કરીને સાજા કરવાનો દાવો કર્યો છે. આવી જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, પાદરી બજિન્દર સિંઘે પોતાની ઉપચાર શક્તિઓનો ઉપયોગ કરીને એક મૂંગા-બહેરા સગીર છોકરાને સાજા કર્યા હોવાનો દાવો કર્યો હતો.

નવેમ્બર 2024માં પ્રકાશિત થયેલી બીજી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, પાદરી બજિન્દર સિંઘે ફેફસાના કેન્સરથી પીડિત મહિલા માટે ‘સ્પેશ્યલ પ્રેયર’ કર્યા પછી તેને સાજી કરવાનો દાવો કર્યો હતો. કથિત ચમત્કારોનું વર્ણન કરતા સિંઘે લખ્યું હતું કે, “એક બહાદુર મહિલા જેણે પાંચ વર્ષ સુધી ફેફસાના કેન્સર સામે લડત આપી. તેની યાત્રા પીડા, અનિશ્ચિતતા અને અસંખ્ય સારવારોથી ભરેલી હતી. પરંતુ આજે, તે આપણી સામે ઉભી છે, જે સ્વસ્થ થઈ ચૂકી છે, તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાર્તા છે. પોતાની સૌથી ખરાબ ક્ષણોમાં, તેણે પ્રાર્થના અને વિશ્વાસ તરફ વળી અને પાદરી બજિન્દર સિંઘજીની પ્રાર્થના દ્વારા દૈવી હસ્તક્ષેપની માંગ કરી. અતૂટ શ્રદ્ધા અને પાદરી સાહેબના કારણે તેણે એવા ચમત્કારિક ઉપચારનો અનુભવ કર્યો જેણે તબીબી ચિકિત્સાઓને પણ પડકારી દીધી.”

આ જ રીતે જ્યારે આધુનિક વિજ્ઞાન પણ હજુ સુધી HIV-AIDS માટે અસરકારક ઈલાજ શોધી શક્યું નથી, ત્યારે પાદરી બજિન્દર દાવો કરે છે કે તેણે એક પરિણીત યુગલને માથા પર હાથ ફેરવીને, તેમના ગાલ પર ઘસીને અને ‘હાલેલુયા’ના પોકાર કરીને એઇડ્સ નામના ‘શેતાન’થી ‘સાજા’ કર્યા છે. બજિન્દર સિંઘનું ઇન્સ્ટાગ્રામ પેજ પર 1.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ પેજ તેની હીલિંગ મીટિંગ્સમાં કથિત રીતે થતા ઉપચારના વિડીયોથી ભરેલું છે.

2017માં એક સ્ટંટમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ‘પ્રોફેટ’ બજિન્દર સિંઘે એક મૃત બાળકને જીવિત કર્યો હતો. છોકરાના ગળામાં મોટો ક્રોસ લટકાવીને, ‘પાદરી’ ચમત્કારિક રીતે બાળકને ‘પાછું જીવિત’ કરે છે. બીજામાં, તે એક દર્દીને પાછો જીવિત કરે છે જે ‘કોમામાં’ હતો.
પાદરી બજિન્દર સિંઘ અને તેની ‘આત્મા’ બોલાવવાની રીત
જ્યારે અંકુર જોસેફ નરુલા સહિત ઘણા પેન્ટેકોસ્ટલ પાદરીઓ અને ખ્રિસ્તી ઉપદેશકો ઈસુ ખ્રિસ્તના નામે વ્યક્તિના શરીરમાંથી રોગોને દૂર ભગાડવાનો ‘આદેશ’ આપે છે. ‘રાક્ષસોને બહાર કાઢવા’ માટે નાટકીય વળગાડ મુક્તિ માટેના નાટક કરવામાં આવે છે. આ સિવાય ‘દુષ્ટ આત્માઓ’ પર જોરજોરથી બૂમો પાડીને તેને દૂર કરવામાં આવે છે. જોકે આ બધા બજિન્દર જેટલા પ્રખ્યાત નથી.
સિંઘ ચાલાકી કરીને સામાન્ય લોકોની હતાશા અને નબળાઈઓનો ઉપયોગ કરે છે. 2021માં તેમના નાટકોઓની ટીકાઓએ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર લાવી દીધું હતું. એક ખ્રિસ્તી મિશનરી કાર્યક્રમ દરમિયાન એક સગીર છોકરાને પાદરી બજિન્દર દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેની બહેન પહેલાં બોલી શકતી હતી? તો છોકરો ના પાડે છે અને ફરીથી બજિન્દર પૂછે છે કે પછી શું થયું? ત્યારે છોકરો કહે છે ‘ફિર બોલને લગી’. આ સમગ્ર વિડીયોના બેકગ્રાઉન્ડમાં મોટેથી ‘મેરા યેશુ યેશુ’ ગીત વાગી રહ્યું છે.
આ સમયે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગએ (NCPCR) ચંદીગઢના ડેપ્યુટી કમિશનર મનદીપ સિંઘ બરારને પત્ર લખીને સગીર છોકરાનું બળજબરીથી ધર્માંતરણ કરાવવા બદલ સિંઘ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે વર્ષો પછી એ સગીર છોકરાએ એક વિડીયોમાં કહ્યું હતું કે હવે તે કોઈ ખ્રિસ્તી પાદરીથી પ્રભાવિત થશે નહીં.
અન્ય કપટી પાદરીઓની જેમ, બજિન્દર પણ તેની હિલીંગ મિટિંગ્સમાં ભોળા લોકોને તેના ‘ઉપચાર’ પર વિશ્વાસ કરાવવા માટે અનેક યુક્તિઓ અપનાવે છે. અ ઉપરાંત વળગાડ દૂર કરવા મોંમાંથી હવા ફૂંકવી અથવા કોઈપણ વસ્તુ, બાઇબલ અથવા ક્રોસથી લોકોને સ્પર્શ કરવો વગેરે જેવી યુક્તિઓ અનાવે છે. આવી સભાઓમાં જોરજોરથી આકર્ષક સંગીત વગાડવામાં આવે છે, જેથી ભોળા લોકોને સરળતાથી ફસાવી શકાય અને તેમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવી શકાય.
બજિન્દર અને તેની ચંગાઈ સભાઓ
નોંધનીય છે કે પાદરી બજિન્દર અને તેની ચંગાઈ સભાઓ પંજાબના ‘ચર્ચ બેલ્ટ’ જિલ્લાઓ ગુરદાસપુર, અમૃતસર, જલંધર, લુધિયાણા અને ફિરોઝપુરમાં ભારે ભીડને આકર્ષે છે. જોકે, સિંઘની પ્રવૃત્તિઓ ફક્ત પંજાબ પૂરતી મર્યાદિત નથી. સિંહે પોતાની આવી નાટકીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં શીખો અને હિંદુઓ સહિત અન્ય બિન-ખ્રિસ્તી સમુદાયોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કર્યા છે.
તેણે ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું છે. 2022માં, હિંદુ અધિકાર જૂથ કલિંગા રાઇટ્સ ફોરમે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં (NCST) ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જેમાં આયોગને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ઓડિશાના DGPને બાલંગીર જિલ્લાના સબ-કલેક્ટર લંબોદર ધારુઆ સામે FIR દાખલ કરવા નિર્દેશ આપે. આ જિલ્લા સબ-કલેક્ટર પંજાબ સ્થિત ‘પાદરી’ બજિન્દર સિંઘને આદિવાસી હિંદુઓને નિશાન બનાવતા અને ખ્રિસ્તી ધર્માંતરણ કાર્યક્રમમાં મદદ કરી રહ્યા હતા.
આ ‘ચંગાઈ સભા’ઓ નબળા લોકો – ગરીબ, બીમાર, હતાશ અને નિરાશ લોકોને લક્ષ્ય બનાવે છે, જ્યાં દવા અથવા સંસાધનો નિષ્ફળ જાય ત્યાં તાત્કાલિક રાહતનું વચન આપે છે. આ દરમિયાન ખ્રિસ્તી ધર્મને મુક્તિના માર્ગના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. જોકે આ રણનીતિમાં પેન્ટેકોસ્ટલ પાદરીઓ અને તેમની ટીમો તેમના ઉપદેશોમાં પંજાબના સાંસ્કૃતિક પ્રતીકો – પાઘડી, લંગર, ટપ્પા અને ગિદ્દા- ને ખુલ્લેઆમ અપનાવીને, વધુ પરંપરાગત રીતે અનુયાયીઓને આકર્ષે છે.
ખ્રિસ્તી ધર્મ તરફ લોકોને આકર્ષવા માટે, ઘણા પેન્ટેકોસ્ટલ પાદરીઓ ભારતના સામાજિક-આર્થિક અંતરનો ઉપયોગ કરે છે, ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને નાણાકીય લાલચ, નોકરીઓ અને સરળ લગ્નોના વચનો, રોગો માટે ‘ચમત્કારિક’ ઉપચાર અને કેટલાક કિસ્સાઓમાં, વિદેશમાં રહેવાના વચનો આપીને નિશાન બનાવે છે.
સેલિબ્રિટી સપોર્ટ અને રાજકીય સમર્થન
પાદરી બજિન્દર સિંઘને રાજકારણીઓ અને બોલીવુડ કલાકારોનો પણ ટેકો છે. નવેમ્બર 2021માં, પંજાબના ભૂતપૂર્વ સીએમ ચરણજીત સિંઘ ચન્ની અને અભિનેતા સોનુ સૂદ મોગામાં તેમની મીટિંગમાં હાજરી આપવાના હતા. વિશ્વ હિંદુ પરિષદે તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યા બાદ સીએમ ચન્નીએ આ કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય લીધો.
આ ઉપરાંત સામે આવ્યું હતું કે પ્રખ્યાત હાસ્ય કલાકારથી ઉપદેશક બનેલા જોની લીવર, અભિનેત્રી રાખી સાવંત અને નાગિનની ફેમ સોનિયા સિંઘે ‘પાદરી’ બજિન્દરને ટેકો આપ્યો હતો અને લોકોને તેમની સભામાં હાજરી આપવા વિનંતી કરી હતી. અભિનેતા ચંકી પાંડે અને સૂરજ પંચોલી પણ બજિન્દરના કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા.

તાજેતરના મહિનાઓમાં, અરબાઝ ખાન, જયા પ્રદા, રઝા મુરાદ અને તુષાર કપૂર જેવા બોલીવુડ કલાકારોએ ચંદીગઢમાં બજિન્દર સિંઘના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
રાજકીય પક્ષો અને સરકારો પણ ઉપદેશકોનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનારાઓ સામે પગલાં લેવામાં ઉદાસીન વલણ ધરાવે છે કારણ કે તેમને મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓનો ટેકો છે. કેટલાક ‘ધર્મનિરપેક્ષ’ પક્ષો તો વોટ બેંકની રાજનીતિ માટે આ છેતરપિંડી કરનારાઓને સમર્થન આપે છે, જેનાથી પાદરી બજિન્દર સિંઘ જેવા ઉપદેશકોને કોઈપણ અવરોધ વિના ધર્માંતરણ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન મળે છે.
બળાત્કાર, છેતરપિંડી, લૂંટ અને મની લોન્ડરિંગ: પાદરી બજિન્દર સિંઘ સામે અનેક કેસ
બજિન્દર સિંઘના ‘ધાર્મિક ઉપચાર’ના દાવાઓ વિરુદ્ધના અસંખ્ય કેસ અને આરોપો દર્શાવે છે કે તેની યુક્તિઓ કપટી અને શોષણકારી છે. તેના ‘ચમત્કારો’ બનાવટી છે, જે ખાસ કરીને ગરીબો અને વંચિત જાતિ જૂથોના લોકોની હતાશાનો ઉપયોગ કરે છે. તેનો ગુનાહિત ઇતિહાસ 2006માં હરિયાણાના યમુનાનગરમાં હુમલો અને ધાકધમકી આપવાના આરોપોથી શરૂ થયો હતો. ત્યારબાદ 2008માં તેને હત્યા મામલે દોષિત ઠેરવવામાં આવ્યો હતો જેના પરિણામે તે ખ્રિસ્તી ધર્મ અપનાવી પેન્ટેકોસ્ટલ ધર્મપ્રચારમાં જોડાયો હતો.
2018માં, પંજાબના ઝીરકપુરમાં એક કથિત બળાત્કાર કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. સ્વઘોષિત ખ્રિસ્તી ઉપદેશક લંડન જઈ રહ્યો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પર પોલીસે તેની અટકાયત કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે સિંઘે 2017માં તેને વિદેશ લઈ જવાના બહાને લલચાવી હતી. ત્યારબાદ તેણે કથિત રીતે ચંદીગઢ સ્થિત તેના ઘરે બોલાવી અને તેનું યૌન શોષણ કર્યું અને તેનો વિડીયો બનાવ્યો, જેનો ઉપયોગ સિંઘ તેને ધમકી આપવા માટે કરતો હતો. અહેવાલો મુજબ આરોપી પાદરીએ વિદેશ લઈ જવાના વચન પર પીડિતા પાસેથી 3 લાખ પડાવ્યા હતા.
સિંઘને જામીન મળી ગયા છે, પરંતુ કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. 3 માર્ચ 2025ના રોજ, મોહાલી કોર્ટે આ કેસમાં પાદરી બજિન્દર સિંઘ અને અન્ય બે લોકો સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું કારણ કે તેઓ કોર્ટમાં હાજર ન થયા.
2022માં, જલંધરના તાજપુર ગામમાં પ્રોફેટ બજિન્દર સિંઘના ચર્ચમાં કેન્સરથી પીડિત 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયું. એઈમ્સના ડોકટરોએ છોકરીની સારવાર કરવાનો ઇનકાર કર્યા પછી, તેના માતાપિતા તેને બજિન્દર સિંઘના ચર્ચમાં લઇ ગયા જ્યાં તેમને ઘણી વખત ₹15,000થી ₹50,000 ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું અને છતાં તેઓ છોકરીને જીવિત કરવામાં નિષ્ફળ ગયા. છોકરીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે છોકરીના મૃત્યુ પછી તેમના પરિવારને ચર્ચમાંથી કાઢી મૂકવામાં અને છોકરીના પરિવાર પાસેથી વધુ પૈસાની માંગણી કરી અને દાવો કર્યો કે પાદરી તેને ફરીથી જીવિત કરશે. તે સમયે, મૃતક યુવતીના પરિવારે સિંઘ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
2023માં, આવકવેરા વિભાગે પંજાબ સ્થિત બે પાદરીઓ, બજિન્દર અને હરપ્રીત દેઓલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ખુલાસો કર્યો કે પાદરીઓ હીલિંગ મિટિંગ્સની આડમાં ચર્ચ ચલાવી રહ્યા છે જે વિદેશોમાંથી મોટી રકમ સ્વીકારે છે. 2020માં, ખ્રિસ્તી ઉપદેશક અંકુર જોસેફ નરુલા પર મની લોન્ડરિંગ અને ધર્માંતરણનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સિંઘના સમર્થકો તેમને એક દૈવી ‘પ્રોફેટ’ તરીકે જુએ છે, પરંતુ તેના સંગઠન પર ધર્માદા સેવાઓ અને ‘ચમત્કારિક’ ઉપચારની આડમાં મોટી રકમ એકઠી કરવાનો આરોપ છે, જેના કારણે નાણાકીય પારદર્શિતા પર પ્રશ્નો ઉભા થાય છે. જેનું ઉદાહરણ છે મોહાલીમાં ₹4.3 કરોડનો શંકાસ્પદ જમીનનો સોદો. આ જમીન સોદાએ તે સમયે લોકોને ચોંકાવી દીધા હતા કારણ કે આ સોદો વિસ્તારના બજાર મૂલ્ય કરતાં ઘણી ઊંચી કિંમતે થયો હતો.
ધર્માંતરણ છે પાદરી બજિન્દર સિંઘનો મુખ્ય ધંધો
2024માં, રાજસ્થાનના ભરતપુરમાં એક ખાનગી હોટલમાં લગભગ 400 લોકોનું ખ્રિસ્તી ધર્માંતરણ કરવાનો પ્રયાસ હિંદુ સંગઠનો દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યો હતો. ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયા પછી, એવું બહાર આવ્યું કે અત્યાર સુધીમાં રાજસ્થાનના ભરતપુરના લગભગ 20,000 ગરીબ અને સંવેદનશીલ લોકો આ ઉપદેશકોની ટોળકીએ પાથરેલા ધર્માંતરણના જાળમાં ફસાઈ ગયા છે. આ કેસમાં, ‘પાદરી’ બજિન્દર સિંઘ મુખ્ય સૂત્રધાર હતો. એવું બહાર આવ્યું કે આ ધર્માંતરણ રેકેટને ઇટાલિયન ક્રિશ્ચિયન ગ્રુપ લાબા મીનીસ્ટ્રી તરફથી ભંડોળ મળી રહ્યું હતું.
1 માર્ચ 2025ના રોજ, પંજાબના કપૂરથલામાં 22 વર્ષીય મહિલાએ પાદરી બજિન્દર સિંઘ પર યૌન ઉત્પીડન, પીછો કરવા અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપો મૂક્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે કિશોરાવસ્થામાં હતી ત્યારે બજિન્દર સિંઘે તેનું જાતીય શોષણ કર્યું હતું. પોલીસે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ સિંઘ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
પીડિતા ડિસેમ્બર 2017થી પાદરી બજિન્દર સિંઘની ચંગાઈ સભામાં હાજરી આપી રહી હતી. 2020 સુધીમાં, તે તેની ‘પૂજા ટીમ’નો ભાગ બની ગઈ હતી. પીડિતાના જણાવ્યા મુજબ, ખ્રિસ્તી ધર્મોપદેશકે તેનો ફોન નંબર મેળવ્યા પછી તેને ખરાબ મેસેજ મોકલવાનું શરૂ કર્યું. જોકે, સિંઘે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
જ્યારે અધિકારીઓએ પાદરી બજિન્દરના ઝડપી વિસ્તરણ તથા પંજાબ અને ઓડિશા, ઝારખંડ જેવા અન્ય રાજ્યોમાં તેની ચંગાઈ સભાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ હજુ સુધી તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઑપઇન્ડિયા લાંબા સમયથી ખ્રિસ્તી મિશનરીઓ અને પાદરીઓ દ્વારા વિવિધ પ્રકારના નાટકો દ્વારા સાંસ્કૃતિક માળખાને બદલવાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે.