Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત₹30નું મિનિમમ ભાડું, સેમી-હાઈસ્પીડ કનેક્ટિવિટી અને અત્યાધુનિક સુવિધાઓ..ભુજ-અમદાવાદ વચ્ચે શરૂ થશે દેશની...

    ₹30નું મિનિમમ ભાડું, સેમી-હાઈસ્પીડ કનેક્ટિવિટી અને અત્યાધુનિક સુવિધાઓ..ભુજ-અમદાવાદ વચ્ચે શરૂ થશે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન: વાંચો વંદે ભારતથી કઈ રીતે અલગ?

    વંદે ભારત મેટ્રોમાં ટોક-બેક સિસ્ટમ લગાવવામાં આવી છે. જેના થકી યાત્રિકો ઇમરજન્સીની સ્થિતિમાં સીધા ટ્રેન પાયલોટ સાથે સંવાદ કરી શકે છે. પ્રત્યેક કોચમાં આગ અને ધુમાડાને કાબૂમાં લેવા માટે 14 સેન્સર લગાવવામાં આવ્યા છે. જેનાથી જોખમ જેવી સ્થિતિને સરળતાથી પહોંચી વળાશે.

    - Advertisement -

    ભારતીય રેલવે નવી અને અત્યાધુનિક ટ્રેનો લૉન્ચ કરીને દેશવાસીઓને સરળ અને આરામદાયક સુવિધા આપવા માટે સતત મહેનત કરી રહી છે. ત્યારે હવે સ્વદેશી સુપરફાસ્ટ ટ્રેનોમાં એક નવી ટ્રેન સામેલ થવા જઈ રહી છે. 16 સપ્ટેમ્બર, 2024ના રોજ દેશની પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ખાસ વાત તો એ છે કે, દેશની આ પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન ગુજરાતમાં જ શરૂ થવા જઈ રહી છે. ભુજ અને અમદાવાદ વચ્ચે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.

    આ ટ્રેન શરૂ થયા બાદ હજારોની સંખ્યામાં યાત્રિકોને નિયમિત અમદાવાદ અને ભુજ વચ્ચેની યાત્રા કરવા માટે સરળતા પડશે. પશ્ચિમી રેલવેના અમદાવાદ ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને વંદે મેટ્રો ટ્રેનનું સફળ ટ્રાયલ રન પૂર્ણ કર્યું હતું અને વડાપ્રધાન મોદી પોતાની બે દિવસીય ગુજરાત યાત્રા દરમિયાન અમદાવાદથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. વંદે ભારતના તર્જ પર બેનેલી આ ટ્રેનનો હેતુ યાત્રિકોને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવાનો છે. આ ટ્રેનનું નિર્માણ ICF ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે. ત્યારે તે ટ્રેનની વિશેષતાઓથી લઈને તેના વિશેની તમામ વિગતો જાણવી પણ જરૂરી છે.

    ભુજથી અમદાવાદ સુધીની ટ્રેન વચ્ચે કયા સ્ટેશનો પર કરશે વિરામ?

    ભારતની પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે શરૂ થશે. અઠવાડિયાના 6 દિવસ સુધી તેની સેવા સામાન્ય લોકોને મળતી રહેશે. આ ટ્રેન ભુજથી પોતાની યાત્રા શરૂ કરશે અને કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને સામખીયાળી સ્ટેશન પર વિરામ કરશે. કચ્છ જિલ્લા સિવાય તે મોરબી જિલ્લામાં હળવદ, સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા, અમદાવાદ ગ્રામીણમાં વિરમગામ અને અમદાવાદ શહેરમાં ચાંદલોડીયા અને સાબરમતી રેલવે સ્ટેશનો પર વિરામ લેશે અને ત્યારબાદ કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશન પર પોતાની યાત્રા પૂર્ણ કરશે. આ ટ્રેન અઠવાડિયાના 6 દિવસ સુધી ચાલશે. ભુજથી શનિવાર સિવાય અને અમદાવાદથી રવિવાર સિવાય આ ટ્રેન સંચાલિત થશે.

    - Advertisement -

    આ ટ્રેન મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને પણ સેમી-હાઈસ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. હાલમાં વંદે ભારત ટ્રેન અમદાવાદ અને જામનગર વચ્ચે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના ટ્રેક પરથી ચાલી રહી છે. વંદે મેટ્રો ટ્રેન કચ્છ અને અમદાવાદ વચ્ચે દોડશે.

    શું હશે વંદે ભારત મેટ્રોનું ટાઈમ શિડ્યુલ?

    વંદે ભારત મેટ્રો અમદાવાદથી ભુજ વચ્ચેની લગભગ 331 KMની યાત્રા માત્ર 5 કલાક અને 45 મિનિટમાં પૂર્ણ કરશે. મેટ્રો ટ્રેન નંબર- 94802 સવારે 5:05 કલાકે કચ્છના ભુજથી રવાના થશે અને 5 કલાક 45 મિનિટની યાત્રા પૂર્ણ કરીને સવારે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે. તે જ દિવસે વાપસી યાત્રા દરમિયાન ટ્રેન સાંજે 5:30 કલાકે અમદાવાદથી રવાના થશે અને રાત્રે 11:10 કલાકે ભુજ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન 9 સ્ટેશનોને આવરી લેશે. દરેક સ્ટેશન પર તે લગભગ 2 મિનિટની અવધિ માટે વિરામ લેશે, જેથી કરીને તમામ યાત્રિકોને અવરજવરમાં સરળતા રહે અને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે.

    શું હશે તેનું ભાડું?

    વંદે ભારત મેટ્રો ટ્રેનનું મિનિમમ ભાડું ₹30થી શરૂ થશે, જેમાં GSTનો પણ સમાવેશ થઈ જશે. તે સાથે જ સાપ્તાહિક, પાક્ષિક (પખવાડિયું) અને માસિક પાસ પણ યાત્રિકોને સરળતાથી મળી રહેશે, જેના દ્વારા યાત્રિકો ક્રમશઃ 7, 15 અને 20 વખત સિંગલ યાત્રા કરી શકશે. બાળકો માટે પણ સામાન્ય ભાડું લાગુ કરવામાં આવશે, પરંતુ તેની કિંમત માત્ર નજીવી જ રહેશે. જોકે, અમદાવાદ ડિવિઝને હમણાં સુધી ટિકિટ ભાડા અંગેની આધિકારિક ઘોષણા નથી કરી, પરંતુ અધિકારીઓ અનુસાર, ભુજથી અમદાવાદ સુધીની સિંગલ યાત્રા માટે GST સિવાયનું મૂળ ભાડું લગભગ ₹430 હશે.

    વંદે ભારત એક્સપ્રેસથી કેટલી અલગ? શું હશે તેની વિશેષતાઓ?

    વંદે ભારત એક્સપ્રેસ અને વંદે ભારત મેટ્રોમાં ખાસ કોઈ તફાવત જોવા નથી મળી રહ્યો. પરંતુ, અમુક વિશેષતાઓ બંને ટ્રેનોને અલગ બનાવે છે. વંદે ભારતના તર્જ પર વંદે ભારત મેટ્રો પણ સંપૂર્ણપણે વાતાનુકૂલિત (AC) હશે. શરૂઆતમાં તેને 12 વંદે ભારત મેટ્રો કોચ સાથે શરૂ કરવામાં આવશે, પરંતુ બાદમાં ભારતીય રેલવે કોચની સંખ્યા વધારીને 16 કરવાની યોજના બનાવી રહી છે. જોકે, તે યાત્રિકોની માંગ પર નિર્ભર હશે. આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ છે કે, 4 કોચને એક યુનિટ તરીકે બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વંદે ભારતની જેમ જ આ ટ્રેનમાં પણ ઓટોમેટિક દરવાજા હશે.

    તે સિવાય યાત્રિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને સકુશળ, આરામદાયક યાત્રા પૂર્ણ થાય તે માટે સીટોને પણ વિશેષ સુવિધા સાથે બનાવવામાં આવી છે. આ ટ્રેન 110થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલવા સક્ષમ હશે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી (PRO) પ્રદીપ શર્માએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, વંદે ભારત મેટ્રો ટ્રેનની ટેકનિકલ વિશેષતાઓ વંદે ભારત ટ્રેનની અવધારણા પર જ આધારિત છે. જોકે, વંદે ભારતની જેમ જ આ ટ્રેનમાં પણ 2,058 યાત્રિકો માટે કોચમાં ઊભા રહીને મુસાફરી કરવાની જગ્યા પણ હશે અને 1,150 યાત્રિકોને બેસવા માટે ગાદીવાળા ઉત્તમ કક્ષાઆ સોફા પણ હશે.

    અધિકારીએ બંને ટ્રેન વચ્ચેનો મુખ્ય તફાવત પણ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વંદે ભારત અને વંદે મેટ્રો વચ્ચેનો એક મુખ્ય તફાવત એ છે કે, વંદે મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન હશે, જેનો અર્થ એ છે કે, યાત્રિકો પ્રસ્થાનના સમયના થોડા સમય પહેલાં પણ કાઉન્ટર પર જઈને ટિકિટ ખરીદી શકશે અને આરામથી મુસાફરી કરી શકશે. જ્યારે વંદે ભારતમાં પહેલાં રિઝર્વેશન જરૂરી છે.

    વંદે ભારત મેટ્રો ટ્રેનની અન્ય વિશેષતાઓની વાત કરવામાં આવે તો તેમાં, કોચ વચ્ચે અવરજવર માટેની સરળતા, ધૂળમુક્ત વાતાવરણ સ્થાપિત કરવા માટે સપૂર્ણપણે સીલબંધ ગેંગવે, આરામદાયક સીટો, કવચ ટ્રેન એક્સિડેન્ટ વિરોધી સિસ્ટમ, મોબાઈલ ચાર્જિંગ સોકેટ્સ, રોલર બ્લાઇન્ડસ સાથે વિશાળ વિહંગમ સીલબંધ વિન્ડો, સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી ટોક-બેક યુનિટ અને વેક્યૂમ ઇવેક્યુએશન સિસ્ટમ સાથે મોડ્યુલર ટોઇલેટ, 3 x 3 બેંચ-ટાઈપ સિટિંગ, દિવ્યાંગ યાત્રિકો માટે કોચમાં જ વ્હીલચેર-એક્સેસેબલ ટોઇલેટ જેવી સુવિધાઓનો સમાવેશ થશે.

    ખાસ વાત એ છે કે, વંદે ભારત મેટ્રોમાં ટોક-બેક સિસ્ટમ લગાવવામાં આવી છે. જેના થકી યાત્રિકો ઇમરજન્સીની સ્થિતિમાં સીધા ટ્રેન પાયલોટ સાથે સંવાદ કરી શકે છે. પ્રત્યેક કોચમાં આગ અને ધુમાડાને કાબૂમાં લેવા માટે 14 સેન્સર લગાવવામાં આવ્યા છે. જેનાથી જોખમ જેવી સ્થિતિને સરળતાથી પહોંચી વળાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં