દિલ્હીના એક એપ ડેવલપરની (App Developer) વધારે પડતી હોંશિયારીએ ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. બન્યું એવું કે તેણે ‘jiohotstar.com‘ નામનું એક ડોમેઈન નેમ ખરીદી લીધું હતું. એ આશયથી કે ભવિષ્યમાં જ્યારે ડિઝની હોટસ્ટાર અને રિલાયન્સના વાયાકોમ18 (જેની પાસે જિઓસિનેમાની માલિકી છે) વચ્ચે ડીલ ફાઈનલ થઈને એક નવું પ્લેટફોર્મ આકાર લેશે તેનું નામ આ જ (જિઓ હોટસ્ટાર) હશે અને આ ડોમેઈન નેમ પરત મેળવવા માટે રિલાયન્સ તેને અમુક નાણાકીય મદદ કરશે.
નોંધવું જોઈએ કે વાયાકોમ18 અને ડિઝની હોટસ્ટાર વચ્ચે આ વર્ષની શરૂઆતમાં મર્જરની ઘોષણા કરવામાં આવી હતી, જે હાલ પ્રકિયા હેઠળ છે અને નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જવાની સંભાવના છે. મર્જર પૂર્ણ થયા બાદ એક નવી એન્ટિટી બનશે અને એક જ બ્રાન્ડ નેઇમ હેઠળ લૉન્ચ કરવામાં આવશે, જેનું નામ હજુ સુધી સામે આવ્યું નથી.
આ ડેવલપરે તુક્કો એવો લગાવ્યો હતો કે રિલાયન્સ અગાઉ પણ પ્લેટફોર્મ ખરીદીને તેનું રિબ્રાન્ડિંગ કરી ચૂકી છે. જેમકે, સાવનડોટકોમ ખરીદીને તેને પછી જિઓસાવન નામ આપવામાં આવ્યું હતું. તેણે વિચાર્યું કે હોટસ્ટાર સાથે પણ આવું જ થઈ શકે અને નવા પ્લેટફોર્મને ‘જિઓહોટસ્ટાર’ નામ આપવામાં આવી શકે. ત્યારબાદ તેણે આ ડોમેઇન નેમ મળે છે કે કેમ તે જોયું અને આખરે તે તેને મળી પણ ગયું અને તેણે ખરીદી લીધું.
Someone bought the JioHotstar domain (before the merger) and wants Reliance to fund their higher studies from domain sale.
— pea bee (@prstb) October 23, 2024
Really hope they can get a good payout from this! pic.twitter.com/uBjvgVgqZG
પોતાની બ્લોગપોસ્ટમાં ડેવલપર લખે છે કે, વર્ષ 2021માં હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો, જે કેમ્બ્રિજ યુનિવર્સિટી એક્સલરેટ પ્રોગ્રામ માટે સિલેક્ટ થયો. તે કહે છે કે તેણે IITમાંથી અભ્યાસ કરવો હતો, પણ તેમ શક્ય ન બન્યું એટલે કેમ્બ્રિજ પ્રોગ્રામ માટે સિલેક્ટ થવું તેના માટે બહુ મોટી વાત હતી.
તે આગળ કહે છે કે, “કેમ્બ્રિજ એક ફૂલ ડિગ્રી પ્રોગ્રામ પણ ઑફર કરે છે, પરંતુ હું એટલા રૂપિયા ખર્ચી શકું તેમ નથી. જ્યારે મેં આ ડોમેઈન નેમ જોયું તો મને લાગ્યું કે કદાચ પરિસ્થિતિ હું જેમ વિચારું છું તેમ સર્જાઈ શકે. મારો ડોમેઈન ખરીદવાનો એક જ ઇરાદો હતો- જો મર્જર ખરેખર થાય તો હું કેમ્બ્રિજમાં જવાનું મારું સ્વપ્ન સાકાર કરી શકું.
તે પોસ્ટમાં કહે છે કે, આવે જ્યારે મર્જર થઈ રહ્યું છે અને ન્યૂઝ રિપોર્ટ જણાવી રહ્યા છે કે મર્જર બાદ કોઈ પણ એક જ સાઇટ રહેશે (જિઓસિનેમા અથવા હોટસ્ટાર) તો મને લાગે છે કે જિઓહોટસ્ટાર જ શ્રેષ્ઠ બ્રાન્ડનેમ રહેશે. જેનાથી બ્રાન્ડ ઇક્વિટી પણ બની રહેશે અને યુઝરો માટે પણ યોગ્ય રહેશે.
તેણે કંપનીને કહ્યું છે કે, આ ડોમેઇન નેમ ફરીથી મેળવવા માટે તેનો સંપર્ક કરવામાં આવે. અંતે તે લખે છે કે, ‘રિલાયન્સ કરોડોની કંપની છે અને તેમના માટે આ એક નાનકડી રકમ હશે, પણ મારા માટે મોટી રકમ છે.’
આ પોસ્ટની ખૂબ ચર્ચા થયા બાદ ગુરુવારે (24 ઑક્ટોબર) એપ ડેવલપરે એક પોસ્ટમાં જણાવ્યું કે, રિલાયન્સે તેનો સંપર્ક કર્યો અને એક પણ રૂપિયો આપવાની ના પાડી દીધી હતી અને હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે આગળ વધી રહ્યા છે. તેણે 93 હજાર પાઉન્ડની માંગ કરી છે, જે આજની સ્થિતિએ ભારતીય ચલણમાં જોઈએ તો 1 કરોડ 1 લાખ જેટલી રકમ થાય છે.
રિલાયન્સ તરફથી આ મામલે હજુ કશું પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ ડેવલપરનું માનીએ તો કંપની કાયદાકીય કાર્યવાહી કરશે. તેનું કહેવું છે કે, તેણે ટ્રેડમાર્કના નિયમોનો ભંગ કર્યો નથી કારણ કે જ્યારે 2023માં તેણે ડોમેઇન નેમ ખરીદ્યું ત્યારે જિઓહોટસ્ટાર નામની કોઈ ચીજ અસ્તિત્વમાં જ ન હતી. તેણે હવે કાયદાકીય રીતે મદદ પણ માંગી છે.
- ડેવલપરે જે કર્યું એ ગેરકાયદેસર છે? હવે આગળ શું?
હવે આ કેસમાં ઘણા ડેવલપરને ભેજાબાજ ગણાવીને તેની પ્રશંસા કરી રહ્યા છે તો ઘણાનું કહેવું છે કે આમ કરીને તે માત્ર પોતાની મુશ્કેલીઓ જ વધારી રહ્યો છે.
ઑપઇન્ડિયાએ આ બાબતના જાણકારોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, આ ડેવલપરે જે કારસ્તાન કર્યું છે તેને ‘ડોમેઇન સ્ક્વેટિંગ’ કહેવાય છે અને ખરેખર તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવે છે અને એક પ્રકારે સાયબરક્રાઇમ કહેવાય છે.
સાયબરસ્ક્વેટિંગમાં કોઈ વ્યક્તિ કોઈ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક, કંપનીનું નામ કે કોઈ વ્યક્તિના નામ સાથે સંબંધિત ડોમેઇન ખરીદી લે છે, જેથી જે-તે વ્યક્તિ કે કંપની તેને પછીથી ન ખરીદી શકે અને પછી તેને પરત આપવા માટે પૈસાની માંગણી કરે છે. તેને ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો પણ એક પ્રકાર માનવામાં આવે છે. આ ગુનામાં મોટો આધાર જે-તે વ્યક્તિના ઇરાદાઓ પર જ રહે છે.
આ કિસ્સામાં ડેવલપર પોતે જ સ્વીકારે છે કે તેણે કયા આશયથી ડોમેઈન નેમ ખરીદ્યું હતું. એક રીતે આ ખંડણીનો પણ ગુનો બની શકે. હવે રિલાયન્સ આગળ શું કરે છે એ જોવું રહ્યું. જોકે, આવા ઘણા કિસ્સાઓમાં રજિસ્ટ્રાર વધુ માથાકૂટમાં નથી પડતા અને ટ્રેડમાર્ક જેની માલિકીનું હોય તેની વિનંતી સ્વીકારીને સીધું ડોમેઈન નેમ કંપનીના નામે ટ્રાન્સફર કરી દે છે. આ કિસ્સામાં આગળ કાંઈ થતું નથી.