ગોવામાં એક નેતા સુભાષ વેલિંગકરે ખ્રિસ્તી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોનું DNA પરીક્ષણ કરવાની માંગ કર્યા બાદ આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનને જોતાં ગોવા પોલીસે શનિવારે (5 ઑક્ટોબર, 2024) કહ્યું કે, વેલિંગકર ફરાર છે અને તેમને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
આ વિવાદ વચ્ચે સમગ્ર મામલો શું છે તે જાણીએ.
ગોવાના ખ્રિસ્તી સમુદાયનો આરોપ છે કે વેલિંગકરે ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોનું DNA પરીક્ષણ કરવાની માંગ કરીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સાથે તેમનું એમ પણ કહેવું છે કે આ પ્રકારનાં નિવેદનો આપીને સાંપ્રદાયિક સદભાવને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પૂર્વ RSS નેતા વેલિંગકર વિરુદ્ધ ગોવામાં અનેક ઠેકાણે ફરિયાદો પણ થઈ છે.
આમ આદમી પાર્ટી MLA ક્રૂઝ સિલ્વાની ફરિયાદના આધારે શુક્રવારે (4 ઑક્ટોબર) રાત્રે ઉત્તર પોવાના બિચોલિમ પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી. જેમાં વેલિંગકર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પછીથી પોલીસની એક ટીમ તેમના ઘરે પણ ગઈ, પરંતુ તેઓ મળ્યા ન હતા. નોંધનીય છે કે 2016માં વેલિંગકરને RSSએ બરતરફ કર્યા હતા.
વેલિંગકરની ધરપકડની માંગ સાથે શુક્રવારે રાજ્યમાં અનેક ઠેકાણે પ્રદર્શનો પણ થયાં. જેમાં કોંગ્રેસ અને AAP નેતાઓ પણ સામેલ છે. શનિવારે પ્રદર્શનકારીઓએ મડગાંવ, અંજુના અને ઓલ્ડ ગોવામાં પ્રદર્શન કરીને વેલિંગકરની ધરપકડની માંગ કરી.
ગોવાના સંરક્ષક ફ્રાન્સિસ ઝેવિયર નહીં, પરશુરામ: વેલિંગકર
આ અઠવાડિયાની શરૂઆતમાં સુભાષ વેલિંગકરે ગોવાના સંરક્ષક કહેવાતા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોના DNA ટેસ્ટની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, સેન્ટ ઝેવિયરને ‘ગોએંચો સાઈબ’ ન કહી શકાય. આ પહેલાં 2022માં પણ તેમણે આવું નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું છે કે હિંદુઓના પૌરાણિક ભગવાન પરશુરામ ‘ગોએંચો સાઈબ’ છે.
નોંધવું જોઈએ કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર સ્પેનિશ જેશૂઈટ મિશનરી હતા. તેઓ 1542માં ગોવા પહોંચ્યા હતા. તે સમયે ગોવા પોર્ટુગલ શાસન હેઠળ હતું. 1552માં ચીનના એક પ્રાંતમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તેમના અવશેષ જૂના ગોવામાં ‘બેસિલિકા ઑફ બૉમ જીસસ’માં રાખવામાં આવ્યા છે. આ અવશેષોનું પ્રદર્શન 21 નવેમ્બર, 2024થી 5 જાન્યુઆરી, 2025 સુધી ગોવામાં આયોજિત થશે.
વેલિંગકરે ગુરુવારે ઓલ્ડ ગોવા પોલીસ મથકે અમુક એક્ટિવિસ્ટ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મેં તાજેતરમાં જ ગોવા ઇન્ક્વિજિશન વિશે એક નિવેદન આપ્યું, જે ગોવાના ઇતિહાસનો એક દુર્ભાગપૂર્ણ અધ્યાય છે. જે પોર્ટુગલ શાસન દરમિયાન બન્યું હતું. જ્યારે ઇતિહાસ ખ્રિસ્તી ધર્મના પ્રસારમાં સેન્ટ ફ્રાન્સિસના યોગદાનની વાત કરે છે.”
તેમણે આગળ કહ્યું, “એ સમજવું જોઈએ કે ગોવા ઇન્ક્વિજિશને બિનખ્રિસ્તીઓ માટે એક આતંકભર્યું શાસન બનાવ્યું હતું. મારું માનવું છે કે ઇતિહાસને ફરી જોઈને, ભૂતકાળની કાર્યવાહીની તપાસ કરવાનો અને સંતત્વના સાચા અર્થ પર વિચાર કરવાનો સમય આવી ગયો છે.”
તેમણે પોતાના નિવેદન પાછળ બૌદ્ધ લોકોની માંગનો પણ તર્ક આપ્યો. તેમણે કહ્યું, “મારાં નિવેદનો લેખિત ઇતિહાસની વાત કરે છે, મારા વ્યક્તિગત વિચારોને નહીં. શ્રીલંકા અને વિશ્વભરના બૌદ્ધ ધર્માવલંબીઓ વચ્ચે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોની ઓળખ સત્યપુટ કરવા માટે DNA ટેસ્ટની માંગ જોર પકડી રહી છે.”
શું છે બૌદ્ધોની માંગ?
શ્રીલંકા સહિત દુનિયાભરના બૌદ્ધ ગોવાના સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોની તપાસની માંગ કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે જે અવશેષોને ફ્રાન્સિસ ઝેવિયરના ગણાવવામાં આવે છે તે બૌદ્ધ આચાર્ય રાહુલ થેરોના અવશેષો છે. વર્ષ 2014માં શ્રીલંકાના એક્ટિવિસ્ટ સમૂહે ભારતના PM મોદી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો.
ડિસેમ્બર, 2014માં એક અરજીમાં બૌદ્ધ સમુદાયના લોકોએ રજૂઆતમાં કહ્યું હતું કે, “અમારું માનવું છે કે વિચારાધીન શબ શ્રીલંકાના એક અત્યંત સન્માનિત સાહિત્યિક દિગ્ગજ અને વિશ્વન ભિક્ષુ આચાર્ય વેન. થોટાગામુવે શ્રી રાહુલા થેરો (1409-91)નું છે. જ્યારે કૅથલિકો કહે છે કે આ ફ્રાન્સિસ ઝેવિયરનું શબ છે, જેઓ એક વિવાદાસ્પદ ખ્રિસ્તી જેશુઇટ મિશનરી હતા અને તેમની ઉપર કુખ્યાત ગોવા ઇન્ક્વિજિશન શરૂ કરીને માનવતા વિરુદ્ધ અપરાધનો આરોપ લાગ્યો હતો.”
તેમણે માંગ કરી હતી કે, આ શબ ફ્રાન્સને પરત કરી દેવામાં આવે અને વિવાદાસ્પદ અવશેષોને હવે ગોવામાં રાખવામાં ન આવે. કારણ કે ન તો ગોવા કે ન ભારત વિદેશી દેશોનું ઉપનિવેશ છે.
આ અગાઉ શ્રીલંકાના એક પત્રકાર W TJS કવિરત્નેએ ફેબ્રુઆરી, 2014માં એક લેખમાં કહ્યું હતું કે, બૌદ્ધ ભિક્ષુઓ અને શ્રીલંકાના ધર્માવલંબીઓના એક વર્ગનું કહેવું છે કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષ 15મી સદીના બૌદ્ધિ ભિક્ષુ રાહુલ થેરોના છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકોના આ વિચારોની પુષ્ટિ માટે DNA પરીક્ષણ કરવું જરૂરી છે.
ખ્રિસ્તીઓએ ઝેવિયરના અવશેષોના પ્રદર્શનનો કર્યો હતો વિરોધ
2014માં પ્રથમ વખત ગોવાના ખ્રિસ્તી સમુદાયના લોકોએ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોના જાહેર પ્રદર્શન સામે વિરોધ કર્યો હતો. આ જાહેર પ્રદર્શન છેલ્લા 500 વર્ષમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું હતું. આ માટે 22 નવેમ્બર 2014થી 4 જાન્યુઆરી 2015 ગોવા સુધીનો સમય પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.
તે સમયે ખ્રિસ્તી સમુદાયના એક વર્ગે ફ્રાન્સિસ ઝેવિયરના અત્યાચારનો ભોગ બનેલા કોંકણી ખ્રિસ્તી પીડિત નામના જૂથની રચના કરી હતી. તેમણે ઝેવિયરના અત્યાચારનો ભોગ બનેલા લોકોના વંશજ હોવાનું કહીને પ્રદર્શન સામે આંદોલનની ચેતવણી આપી હતી. તેમની માંગ એવી હતી કે, ઝેવિયરનો મૃતદેહ તેના વતન ફ્રાન્સ પરત કરવામાં આવે. આ માંગને લઈને તેમણે દેશવ્યાપી હસ્તાક્ષર અભિયાન પણ શરૂ કર્યું હતું.
પોતાને પીડિતોના વંશજ માનતા લોકોએ કહ્યું હતું કે, ગોવામાં પોર્ટુગીઝ શાસન સમાપ્ત થયાને 53 વર્ષ થઈ ગયા છે. તેથી ઝેવિયરના મૃતદેહને ભારતમાં સાચવવો એ ભારતનું અપમાન છે અને તેને વહેલી તકે પોર્ટુગલ મોકલવો જોઈએ. પીડિતોએ ગોવા સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ અરજી કરવાની પણ યોજના બનાવી હતી.
ભારતના બૌદ્ધ સંગઠનો પણ DNA ટેસ્ટની તરફેણમાં હતા
ફ્રાન્સિસ ઝેવિયર અને બૌદ્ધ વિદ્વાન રાહુલ થેરોના અવશેષોને લઈને સર્જાયેલા વિવાદને કારણે ભારતના બૌદ્ધ સમુદાયના લોકો અને સંગઠનો પણ DNA પરીક્ષણ કરાવવાની તરફેણમાં છે. તેમનું કહેવું છે કે, જે પણ વિવાદ ઊભો થાય, તેને વૈજ્ઞાનિક રીતે તપાસીને ઉકેલ શોધવો એ શાંતિની તરફેણમાં છે.
બિહારના બોધગયા સ્થિત બૌદ્ધ ધર્મના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંના એક મહાબોધિ મંદિરની વ્યવસ્થાપન સમિતિના સભ્ય ધમ્મા ધીરુ ઉર્ફે પ્રેમા ફંતે આ સંદર્ભે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના બૌદ્ધ સમુદાયના લોકો પણ ઇચ્છે છે કે, ગોવામાં સાચવવામાં આવેલા કથિત ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષોનું પરીક્ષણ કરવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ થેરો બૌદ્ધ ધર્મના એક મહાન સંત હતા અને જો તેમના અવશેષો અંગે તપાસની માંગણી કરવામાં આવી રહી છે તો તે થવી જોઈએ. તેમણે કહ્યું કે દેશના બૌદ્ધ સમુદાયના સંગઠનો વચ્ચે આ અંગે પરામર્શ કરવામાં આવશે અને જો જરૂર પડશે તો વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને આ અંગે મેમોરેન્ડમ પણ આપવામાં આવશે.
કોણ છે બૌદ્ધ ધર્મના પ્રસિદ્ધ સંત રાહુલ થેરો?
થોટાગામુવે શ્રી રાહુલા થેરો શ્રીલંકાના સાહિત્ય જગતમાં સાહિત્યિક દિગ્ગજ હતા. તેમણે 1430થી 1440ના સમયગાળા દરમિયાન બુદ્ધગજ્જ્યા, વુર્થમાલા સંદેસાયા, પરવી સંદેસાયા, સેલાહિની સંદેસાયા, કાવ્યાસેકરાય, પંચિકા પ્રદીપયા, બુદ્ધિપસદિનિયા, ગિરા સંદેસાયા, સાકસકાડા અને માવુલુ સંદેસયા જેવી પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓ લખી હતી.
તેમનો જન્મ 9 જૂન 1409ના રોજ રાજા પરાક્રમબાહુ 6ના શાસન દરમિયાન થયો હતો. તેઓ 1429માં ભિક્ષુ બન્યા હતા. આ પછી તેઓ વચ્ચિશ્વર તરીકે ઓળખાયા હતા. રાહુલ થેરો 6 ભાષાઓમાં પારંગત હતા અને એક પ્રતિષ્ઠિત લેખક, અનુભવી જ્યોતિષી અને આયુર્વેદિક દવાના નિષ્ણાંત હતા. તેમણે આ ત્રણેય ક્ષેત્રોથી લઈને આધ્યાત્મિકતા સુધીના ઘણા પ્રખ્યાત પુસ્તકો લખ્યા છે.
તેઓ રાજા પરાક્રમબાહુ પાસેથી સંગરાજાનો દરજ્જો મેળવનાર પ્રથમ ભિખ્ખુ બન્યા હતા. તેઓ રાજા વિજયબાહુ પ્રથમ દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી શૈક્ષણિક સંસ્થા થોટાગામુવે વિજયબા પિરિવેનાના મુખ્ય પદાધિકારી અને પ્રધાનાચાર્ય પણ હતા. વિજયબા પિરિવેના અને રથપથ વિહાર બંનેનો 1580 એડીમાં થોમ ડિસોઝા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. માત્ર થોડા ગ્રેનાઈટના થાંભલાઓ બચી ગયા હતા.
શ્રી રાહુલ થેરોનું 27 સપ્ટેમ્બર 1491ના રોજ 82 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી ગ્રામજનો વિજયબા પિરિવેના પહોંચ્યા હતા અને સુરક્ષા માટે એલ્પિટિયા નજીક અંબાના ઈન્દુરુગિરી ગુફામાં તેમના શરીરને (વધતા વાળ અને નખ સાથે) મૂકી દીધું હતું. એવું કહેવાય છે કે, રાહુલ થેરોએ એક ઔષધ (સિદ્ધલોક રસ) નું સેવન કર્યું હતું જેના કારણે તેમનું શરીર વર્ષ 4230 સુધી યથાવત રહ્યું હતું.
તેમના શરીરના આ પરિવર્તનની વાત તેમના મૃત્યુ પહેલા તાંબાના પતરા પર એક શ્લોકમાં કોતરવામાં આવી હતી. જ્યારે પોર્ટુગીઝ શ્રીલંકા પહોંચ્યા, ત્યારે તેમણે તેના મૃતદેહનો કબજો લીધો હતો અને તેને ગોવા મોકલી દીધો હતો. એવું કહેવાય છે કે, રાહુલ થેરોના મૃતદેહને ગોવા લઈ જવાનું કામ ઈસાઈ મિશનરી ફ્રાન્સિસ ઝેવિયરને સોંપવામાં આવ્યું હતું. સફર દરમિયાન ફ્રાન્સિસ ઝેવિયરનું દરિયામાં મૃત્યુ થયું હતું અને ત્યારબાદ રાહુલ થેરોના શરીરને ફ્રાન્સિસ ઝેવિયરનું ગણાવી દેવાયું હતું.
કોણ હતા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર?
ખ્રિસ્તી મિશનરી અન ખ્રિસ્તી પંથના પ્રચારક સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર વર્ષ 1542માં પોર્ટુગીઝ કાફલા સાથે ભારત આવ્યા હતા. તેમણે ભારત પહોંચીને ખ્રિસ્તી મતનો પ્રચાર કર્યો હતો. તેઓ ‘સોસાયટી ઓફ જીસસ’ સાથે સંકળાયેલા હતા. આ સોસાયટી ઓફ જીસસના લોકો જેસુઈટ કહેવાય છે.
સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના આગમન પછી 1559 સુધીમાં ગોવામાં 350થી વધુ હિંદુ મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હિંદુઓની મૂર્તિપૂજા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી મત અપનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પછી પણ સેન્ટ ઝેવિયરને સમજાયું કે, હિંદુઓનું બળજબરીથી ધર્માંતરણ કરવાના તેમના પ્રયાસો સંપૂર્ણપણે સફળ થયા ન હતા.
સમય જતાં તેમને ખાતરી થઈ ગઈ કે, સનાતન ધર્મની શ્રદ્ધા અકબંધ છે. જો તે મંદિરોનો નાશ કરે છે તો લોકો પોતાના ઘરમાં મંદિરો બનાવે છે. તેણે જોયું કે, લોકોને તીક્ષ્ણ હથિયારોથી કાપીને, તેમના હાથ અને ગરદન કાપીને તથા અવિરત ત્રાસ આપ્યા પછી પણ લોકો ફેની (સસ્તો દારૂ) અને સનાતન ધર્મ વચ્ચે સનાતન ધર્મ પસંદ કરી રહ્યા છે હસતાં-હસતાં મોતને ભેટી રહ્યા છે.
નિરાશ થઈને ઝેવિયરે રોમના રાજાને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે હિંદુઓને અપવિત્ર જાતિ ગણાવ્યા અને તેમને જુઠ્ઠા અને છેતરનારા કહ્યા અને કહ્યું કે, તેમની મૂર્તિઓ કાળી, કદરૂપી અને ડરામણી હોવાની સાથે જ તેલની ગંધથી યુક્ત હોય છે. આ પછી હિંદુઓ પર અત્યાચારનો સૌથી ખરાબ તબક્કો આવ્યો હતો. ફ્રાન્સિસ ઝેવિયરે ગોવા પર સંપૂર્ણ કબજો કર્યો હતો.
હિંદુઓને દબાવવા માટે એક ધાર્મિક નીતિ બનાવવામાં આવી હતી અને ઈસુની કથિત સત્તામાં વિશ્વાસ ન રાખનારા ‘નૉન-બિલીવર્સ’ને સજા થવા લાગી હતી. આ ઘટના વિશે લખનારા ઇતિહાસકારોને પણ ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમને કાં તો ગરમ તેલમાં નાખીને સળગાવી દેવામાં આવ્યા હતા અથવા તો જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવા કેટલાક લેખકોમાં ફિલિપો સાસેસ્ટી, ચાર્લ્સ ડેલોન, ક્લાઉડિયસ બુકાનન વગેરેના નામ સામેલ છે.
ઇતિહાસમાં પ્રથમ વખત હિંદુઓને મોટા પાયે ભાગી જવા અને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર માત્ર ભારતમાં જ નહીં પરંતુ મલય દ્વીપકલ્પ, શ્રીલંકા, જાપાન અને ચીનમાં પણ ખ્રિસ્તી મતનો પ્રચાર કરવા ગયા હતા. ચીનના ટાપુ પર તાવથી તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે, તેમણે પોતાના જીવનમાં ઓછામાં ઓછા 30,000 લોકોને ખ્રિસ્તી બનાવ્યા હતા.
સોસાયટી ઑફ જીસસ અથવા ‘જેસુઈટ્સ’, જેનો સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર એક ભાગ હતા, તેણે લોકોને મોટા પાયે ગુલામ બનાવ્યા હતા. જેસુઈટ્સે અમેરિકામાં સ્થાનિક આદિવાસીઓને ગુલામ બનાવ્યા હતા. તેની પાસે એક સમયે 20,000થી વધુ ગુલામો હતા અને તેમને ખેતરોમાં અને અન્ય નોકરીઓમાં કામે રાખવામાં આવતા હતા. ગુલામો રાખવા અને તેમને ત્રાસ આપવાને ઘણી વખત યોગ્ય ગણાવવામાં આવ્યું હતું. તેને ખ્રિસ્તી મત વિરુદ્ધ ગણી શકાતું નહોતું.