બૉમ્બે હાઈકોર્ટે શુક્રવારે (20 સપ્ટેમ્બર) એક ચુકાદો આપીને IT નિયમોમાં સંશોધન કરીને ફેક્ટચેકિંગ યુનિટ સ્થાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરી દીધો છે. વર્ષ 2023માં સરકારે નિયમોમાં સંશોધન કરીને સોશિયલ મીડિયા પર સરકાર વિશે ફેલાવવામાં આવતી ગેરમાહિતીનું ફેક્ટચેક કરવા માટે વર્ષ 2021ના IT નિયમોમાં સુધારો કર્યો હતો, પરંતુ બૉમ્બે હાઈકોર્ટે તેને ‘ગેરબંધારણીય’ ગણાવ્યો છે.
વર્ષ 2023માં નિયમોમાં આ સંશોધન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ જેમ કેન્દ્ર સરકારના અન્ય ચર્ચિત નિર્ણયોમાં થાય છે તેમ આ મામલો પણ કોર્ટમાં પહોંચી ગયો. જેમાં અરજી કરનારાઓ પૈકીનો એક વિવાદિત ‘કૉમેડિયન’ કુણાલ કામરા પણ છે. આ સિવાય એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન, એસોશિએશન ઑફ મેગેઝિન વગેરેએ પણ બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને સરકારના આ ફેક્ટચેકિંગ યુનિટની જોગવાઈ કરતા સુધારાને પડકાર્યો હતો.
આ મામલે બૉમ્બે હાઈકોર્ટે સુનાવણી બાદ જાન્યુઆરી, 2024માં બે જજની બેન્ચે એક ચુકાદો આપ્યો હતો, પરંતુ તેમાં બંને ન્યાયાધીશોના મતમાં વિરોધાભાસ હતો. આ ખંડિત નિર્ણય બાદ ચીફ જસ્ટિસે અતુલ ચંદુરકર પાસે મામલો મોકલી આપ્યો હતો અને નિર્ણય કરવા માટે કહ્યું હતું. તેમણે શુક્રવારે (20 સપ્ટેમ્બર) નિર્ણય સંભળાવીને IT નિયમોના 2023ના સંશોધનને ‘ગેરબંધારણીય’ ઠેરવ્યું.
જસ્ટિસ ચંદુરકરે જાન્યુઆરી, 2024નો ચુકાદો આપનારી ખંડપીઠના જસ્ટિસ ગૌતમ પટેલના (હાલ નિવૃત્ત) અભિપ્રાયને યોગ્ય ગણાવ્યો. નોંધવું જોઈએ કે જાન્યુઆરી, 2024ના ચુકાદામાં જસ્ટિસ પટેલે ઠેરવ્યું હતું કે, 2023માં IT એક્ટમાં કેન્દ્ર સરકારે કરેલો સુધારો બંધારણના આર્ટિકલ 14ના ખાંડ 3(1)(b)(v) અને આર્ટિકલ 19ના (1)(a) અને (g)નું ઉલ્લંઘન છે.
વાચકોને જાણ થાય કે બંધારણનો આર્ટિકલ 14 કાયદા અને જોગવાઈ સામે સમાનતાનો અધિકાર આપે છે અને આર્ટિકલ 19માં અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે એપ્રિલ, 2023માં કેન્દ્ર સરકારે વર્ષ 2021ના IT નિયમોમાં સંશોધન કરીને એક જોગવાઈ ઉમેરી હતી, જે સરકારને એક ફેક્ટચેકિંગ યુનિટ સ્થાપવા માટે માર્ગ મોકળો કરી આપતી હતી. આ જોગવાઈ અનુસાર, જો ફેક્ટચેકિંગ યુનિટ કોઈ સોશિયલ મીડિયા સામગ્રીની તથ્ય ચકાસણી કરીને તેને ‘ભ્રામક’ કે ‘ખોટી’ જણાવે તો ઓનલાઇન માધ્યમોએ તેને હટાવી લેવાની રહેશે. જો તેમ ન કરવામાં આવે તો તેમને થર્ડ પાર્ટી કોન્ટેન્ટ સામે મળતી સુરક્ષા આંચકી લેવાની પણ સરકારને સત્તા આપવામાં આવી હતી.
થર્ડ પાર્ટી કન્ટેન્ટ સામે મળતી સુરક્ષાને ‘સેફ હાર્બર’ કહેવાય છે, જે અનુસાર ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પર જો વિવાદાસ્પદ કે કાયદા વિરુદ્ધની સામગ્રી અપલોડ કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી માત્ર તે સામગ્રી મૂકનાર સામે કરવામાં આવે છે, જે-તે માધ્યમની માલિકી ધરાવતી કંપની સામે નહીં. જોકે, આ સુવિધા સરકાર ખતમ પણ કરી શકે છે. જો તેમ થાય તો કંપનીને પણ કેસમાં જોડવામાં આવે છે.
આ સુધારા બાદ કુણાલ કામરા અને અન્યોએ બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ અરજી કરીને નિયમ 3ને (જેમાં FCU સ્થાપવાની વાત કહેવામાં આવી છે) પડકાર્યો હતો અને દલીલ આપી હતી કે તે IT એક્ટની કલમ 79 અને બંધારણના આર્ટિકલ 14 અને 19નું ઉલ્લંઘન છે. આ મામલે સુનાવણી બાદ જાન્યુઆરી, 2024માં બૉમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે એક ચુકાદો આપ્યો હતો, પરંતુ તેમાં બંને ન્યાયાધીશના મત ભિન્ન હતા.
બૉમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આપ્યો હતો ભિન્ન મત ધરાવતો ચુકાદો
જસ્ટિસ ગૌતમ પટેલે અરજદારોની માંગ વ્યાજબી ઠેરવીને સંશોધનના નિયમ 3ને રદ કરવા પક્ષે ચુકાદો આપ્યો હતો. તેમણે યુઝર કન્ટેન્ટની સેન્સરશિપની સંભાવનાઓ વ્યક્ત કરીને સ્પષ્ટ દિશાનિર્દેશોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો અને સરકાર સંબંધિત માહિતી અને અન્ય સંવેદનશીલ ફરિયાદોના નિરાકરણમાં અસંતુલન હોવાનું પણ જણાવ્યું હતું.
બીજી તરફ, જસ્ટિસ નીલા ગોખલેએ પોતાના ચુકાદામાં સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, સંશોધન માત્ર એવી જ ગેરમાહિતી માટે કરવામાં આવ્યું છે, જે દુર્ભાવનાયુક્ત ઈરાદે ફેલાવવામાં આવતી હોય, તેનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાને કોઈ નુકસાન પહોંચશે નહીં. સાથે એમ પણ જણાવ્યું હતું કે, દુરુપયોગની સંભાવનાઓ હોય માત્ર તેટલા કારણથી આખું સંશોધન ગેરલાયક ઠેરવી શકાય નહીં અને જો નિયમોનો દુરુપયોગ થાય તો કોર્ટના દરવાજા ખુલ્લા જ છે.
બંને ન્યાયાધીશોએ અલગ-અલગ મત સંભળાવ્યા બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ત્રીજા જજ તરીકે જસ્ટિસ ચંદુરકર પાસે મામલો મોકલી આપ્યો હતો અને ટાઈ-બ્રેકિંગ ઓપિનિયન આપવા માટે જણાવ્યું હતું. આખરે તેમણે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે, જે ડિવિઝન બેન્ચના જસ્ટિસ પટેલના ચુકાદા સાથે મેળ ખાય છે. આથી આ ચુકાદો હવે ડિવિઝન બેન્ચને મોકલવામાં આવશે અને તે 2:1થી ઔપચારિક રીતે ચુકાદો આપશે.
જસ્ટિસ ચંદુરકરે જસ્ટિસ ગૌતમના અભિપ્રાયને અનુમોદન આપતાં કહ્યું કે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ આગળ કોઈ ‘રાઈટ ટૂ ટ્રુથ’ આવતું નથી. સાથે એવું પણ ઠેરવ્યું કે, નાગરિકો માત્ર એવી જ માહિતી મેળવી જે FCU દ્વારા ફેક, ખોટી કે ભ્રામક ન દર્શાવાઈ હોય તે સરકારની ‘જવાબદારી’માં આવતું નથી. જસ્ટિસ ચંદુરકરે ચુકાદામાં નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકાર સંબંધિત માહિતી ખોટી કે ફેક છે તે માત્ર જ્યારે તે ડિજિટલ ફોર્મમાં હોય ત્યારે જ નક્કી કરવા પાછળનો કોઈ તર્ક કે આધાર નથી, જ્યારે આ જ પ્રકારની માહિતી જ્યારે પ્રિન્ટ ફોર્મમાં હોય ત્યારે કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
સરકારે કહ્યું- અમારું ધ્યાન માત્ર ફેક ન્યૂઝ પર જ રહેશે, સરકારની ટીકા ડામવાનો કોઈ ઈરાદો નથી
અહીં સુનાવણી દરમિયાન સરકાર પક્ષથી શું કહેવામાં આવ્યું હતું તે પણ જાણવું જરૂરી છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે ફેક્ટચેકિંગ યુનિટ સરકારની ટીકા કે પછી વ્યંયાત્મક ટિપ્પણીઓને ડામવા માટે નથી લાવવામાં આવી રહ્યું, પરંતુ તેનું ફોકસ માત્રને માત્ર સરકાર સંબંધિત માહિતી જ હશે. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ નિયમ માત્ર એવી જ માહિતીને લાગુ પડશે, જે સરકારની સત્તાવાર ફાઇલોમાં ઉપલબ્ધ છે.
ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતી પર ચિંતા વ્યક્ત કરતાં SGએ કહ્યું હતું કે, તેનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ તરાપ નહીં મારવામાં આવે અને માત્ર ફેક ન્યૂઝને જ ટાર્ગેટ કરવામાં આવશે. સાથે એમ પણ કહ્યું હતું કે, આમાં પણ સરકાર અંતિમ નિર્ણય નહીં લે અને જે-તે સોશિયલ મીડિયા માધ્યમોએ સામગ્રીની યોગ્ય તપાસ કરીને નિર્ણય લેવાનો રહેશે અને આખરે તો કોર્ટ જ અંતિમ નિર્ણય લેનારી હોય છે.
માર્ચમાં સરકારે અધિસૂચિત કર્યું હતું FCU, સુપ્રીમે લગાવી દીધી હતી રોક
એ પણ ઉલ્લેખ કરવો રહ્યો કે જાન્યુઆરી, 2024માં બૉમ્બે હાઈકોર્ટે ખંડિત નિર્ણય સંભળાવ્યા બાદ અરજદારોએ વધુ એક અરજી કરીને માંગ કરી હતી કે જ્યાં સુધી ત્રીજા જજ મામલા પર નિર્ણય ન લે ત્યાં સુધી કેન્દ્ર સરકારને FCUની સ્થાપના પર રોક લગાવવા માટે નિર્દેશ આપવામાં આવે. પરંતુ માર્ચમાં જસ્ટિસ ચંદુરકરે આ અરજી ફગાવી દીધી હતી અને વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ થોડા જ દિવસમાં કેન્દ્ર સરકારે ફેક્ટચેકિંગ યુનિટને PIB હેઠળ અધિસૂચિત કરી દીધું હતું. પરંતુ બીજા જ દિવસે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો અને આખરે ત્યાંથી સ્ટે લાગી ગયો હતો. સુપ્રીમ કોર્ટે જોકે કેસના મેરીટ પર કોઈ ચર્ચા કરી ન હતી, પરંતુ બૉમ્બે હાઇકોર્ટ નિર્ણય ન કરે ત્યાં સુધી FCUની સ્થાપના પર રોક લગાવી દીધી હતી. હવે બૉમ્બે હાઇકોર્ટના નિર્ણય બાદ કાયમ માટે રોક લાગી ગઈ છે.