अक्षताश्च सुरश्रेष्ठ कुंकुमाक्ता: सुशोभिता:।
मया निवेदिता भक्त्या: गृहाण परमेश्वर॥
અર્થાત હે પ્રભુ, કુમકુમના રંગે સુશોભિત સર્વશ્રેષ્ઠ આ અક્ષત આપને અર્પણ છે, કૃપા કરીને આપ તેનો સ્વીકાર કરો… સનાતન સંસ્કૃતિમાં ચોખા એટલે કે અક્ષત એક ખુબ જ પવિત્ર અને મહત્વનું ધાન છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે અને આ અવસરે આખા દેશના રામભક્તોને અક્ષત મોકલીને આ પાવન અવસરમાં જોડાવવા આહ્વાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ રામ મંદિર અયોધ્યાના શુભ કાર્યમાં અક્ષત જ કેમ? આ પ્રશ્ન અનેક લોકોને થયો હશે. આજે આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું.
સનાતન સંસ્કૃતિમાં 33 કોટી દેવી દેવતાઓ છે અને આ તમામ દેવી દેવતાઓની પૂજા વિધિ પણ અલગ અલગ છે. પરંતુ આ તમામ દેવી દેવતાઓની પૂજામાં એક બાબત સામાન્ય છે, અને તે છે ‘અક્ષત’ એટલે કે ચોખા. હિંદુ ધર્મમાં ભગવાનને અક્ષત અર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. અનેક પુરાણો અને ગ્રંથોમાં પૂજા કે અન્ય કોઈ પવિત્ર વૈદિક વિધિઓમાં અક્ષતના પ્રયોગનું પ્રાવધાન છે. સનાતન સંસ્કૃતિમાં અક્ષતને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અક્ષત સહુથી પવિત્ર અને શુદ્ધ અનાજ
હિંદુ ધર્મમાં ચોખાનું મહત્વ જાણવા માટે ઑપઇન્ડિયાની ટીમે જ્યોતિષકાર્ય અને કર્મકાંડ સાથે સંકળાયેલા અને ગુજરાતની ખ્યાતનામ ડેરી ફર્મમાંથી નિવૃત અધિકારી કન્હૈયાલાલ નર્મદા શંકર જોષીનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અક્ષત કે ચોખા આપણા હિંદુ ધર્મમાં સહુથી પવિત્ર અનાજ માનવામાં આવે છે, કારણ કે તે ધાન એટલે કે જવની અંદર પાકે છે. ધાનની અંદર પાકવાના કારણે તેને કોઈ પણ પશુ કે પક્ષી એંઠું નથી કરી શકતા. આ કારણે ધાર્મિક વિધિ વિધાનમાં તેનું મહત્વ વધી જાય છે.”
કન્હૈયાલાલના જણાવ્યા અનુસાર અક્ષત એવું ધન છે કે જો કોઈ પૂજામાં કોઈ સામગ્રી ઘટતી હોય તો તેની જગ્યાએ ચોખાનો ઉપયોગ કરીને જે-તે સામગ્રીની ઉણપને પૂર્ણ કરી શકાય છે અને તે ધાર્મિક રીતે માન્ય પણ છે. તેમણે જણાવ્યું કે, “ચોખાનો રંગ સફેદ હોવાના કારણે તેને શાંતિ અને પવિત્રતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. કેટલીક એવી માન્યતાઓ પણ છે કે પૃથ્વી પર સહુથી પહેલા અક્ષત કે ચોખાની જ ખેતી કરવામાં આવી હતી અને તે કારણે જ અક્ષતને પ્રથમ અન્ન માનીને તેને ઈશ્વરને સમર્પિત કરવામાં આવે છે.” કન્હૈયાલાલના જણાવ્યા અનુસાર સનાતન ધર્મમાં દરેક દેવી કે દેવતાઓને કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવી વર્જિત છે, પરંતુ અક્ષત એક માત્ર એવું અનાજ છે જે દરેક દેવને અર્પણ કરી શકાય છે.
દીર્ઘાયુનું પ્રતિક અક્ષત
કન્હૈયાલાલ જોષીના જણાવ્યા અનુસાર અક્ષત વર્ષો સુધી સંગ્રહ કરી શકાય તેવું અનાજ છે અને તે ક્યારેય ખરાબ પણ નથી થતું. તેમણે જણાવ્યું કે, “અક્ષતને દીર્ઘાયુ માનવામાં આવે છે. ચોખા જેટલા જૂના થાય એટલા જ સ્વાદિષ્ટ થતા જાય છે અને આ કારણે જ જૂના ચોખાનો ભાવ પણ વધારે હોય છે. જયારે કોઈના કપાળે તિલક કરવામાં આવે છે ત્યારે કંકુ સાથે ચોખાનો પણ પ્રયોગ કરવામાં આવે છે અને તેને સન્માન અને યશનું પ્રતિક પણ માનવામાં આવ્યું છે. ચોખા લગાવવાનો અર્થ તે છે કે જે-તે વ્યક્તિની ઉંમર સાથે તેનો યશ અને સન્માન પણ લાંબા સમય સુધી યથાવત રહે. પૂજામાં પણ તેનો ઉપયોગ કરવા પાછળનો હેતુ તે છે કે તેના ફળ સ્વરૂપ પુણ્ય પણ દીર્ઘાયુ બને.”
પુરાણોમાં અક્ષતનો મહિમા
પુરાણોને ટાંકીને કન્હૈયાલાલે જણાવ્યું કે, “હિંદુ શાસ્ત્રોમાં અન્ન અને હવનનું વિશેષ મહત્વ છે. તેવી માન્યતા છે કે અક્ષત કે જવ દ્વારા કરવામાં આવેલા હવનથી ઈશ્વર સંતુષ્ટ થાય છે. તેવું પણ માનવામાં આવે છે કે અક્ષત અર્પણ કરવાથી માત્ર દેવી-દેવતાઓ જ નહીં, પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચોખામાં કંકુ ભેળવીને ભગવાનને અર્પણ કરવાથી પૂજાનું ફળ ઝડપી ફળીભૂત થાય છે.” ચર્ચા દરમિયાન તેમણે મહાભારતની એક કથા પણ યાદ અપાવી હતી કે કેવી રીતે પાંડવોના વનવાસ વખતે ક્રોધિત ઋષિ દુર્વાશાના કોપથી બચાવવા ભગવાન કૃષ્ણએ માત્ર ચોખાનો એક દાણો ગ્રહણ કર્યો અને સ્નાન કરવા ગયેલા દુર્વાશા અને તેમન શિષ્યોનું પેટ ભરાઈ ગયું અને પાંડવો તેમના કોપથી બચી ગયા.
અક્ષત અને ચોખામાં શું ફરક?
આ વાતચીત દરમિયાન ઑપઇન્ડિયાએ કન્હૈયાલાલ જોષીને ચોખા અને અક્ષતના તફાવત વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, “આમ તો બંનેનો અર્થ એક જ થાય, પરંતુ સામાન્ય રીતે લોકો પૂજામાં લેવાતા ચોખાને અક્ષત કહેતા હોય છે. અક્ષતની સંધી છુટ્ટી પડીએ તો અ+ક્ષત એટલે કે જે ક્ષતિગ્રસ્ત નથી, જે આખું છે અથવા અખંડ છે તેને અક્ષત કહેવાય. પૂજામાં પણ ચોખાના આખા દાણાનો પ્રયોગ કરવામાં આવે છે. ચોખા કે અક્ષત અલગ અલગ નથી પરંતુ તેના પ્રયોગ અનુસાર તેને નામ આપવામાં આવે છે.”
આમંત્રણ કે નિમંત્રણમાં અક્ષતનો મહિમા
હવે આવીએ મુદ્દાની વાત પર. સનાતન ધર્મમાં અક્ષતના મહત્વ વિશે તો આપણે જાણ્યું, હવે જાણીએ આમંત્રણ પાઠવવા માટે અક્ષતના ઉપયોગ વિશે. કન્હૈયાલાલ જોષીના જણાવ્યા અનુસાર સદીઓથી પવિત્ર કે મંગલ કાર્યોમાં આમંત્રણ કે નિમંત્રણ આપવા માટે અક્ષતનો ઉપયોગ થતો આવ્યો છે. તેમણે જણાવ્યું કે, “જે સમયમાં પત્રિકાઓ મોકલીને આમંત્રણ પાઠવવામાં નહોતું આવતું તે સમયે કંકુવાળા ચોખા કરીને તેને અમંત્રણ સ્વરૂપે મોકલવામાં આવતા. આજના સમયમાં પણ ભારત સહિત ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શુભ પ્રસંગોમાં કંકુવાળા ચોખા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં પણ એક વિશેષ પ્રાવધાન છે. જયારે મોટા સમૂહને આમંત્રણ પાઠવવાનું હોય તે સમયે કંકુવાળા અક્ષત મોકલવામાં આવે છે, જયારે ખૂબ જ મહત્વના અને નજીકના લોકોને આમંત્રિત કરવાના હોય ત્યારે હળદળવાળા પીળા અક્ષત મોકલવામાં આવે છે. હળદળ પણ સનાતનમાં પવિત્ર અને વિશેષ મહત્વ ધરાવે છે.”
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના અમંત્રણ માટે અક્ષત પૂજન
ઉલ્લેખનીય છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પાવન અવસરે દેશના તમામ રામભક્તોને આમંત્રિત કરવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અક્ષત પૂજન કરવામાં આવ્યું હતું. પૂજા કરવામાં આવેલા રામ મંદિર અયોધ્યાના આ અક્ષતને દેશના ખૂણે-ખૂણે જનમાનસ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા હાલ દેશના ગામેગામ આ આમંત્રણરૂપી અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે.
श्री राम जन्मभूमि मंदिर प्राण प्रतिष्ठा समारोह हेतु जनमानस को आमंत्रित करने के लिए आज जन्मभूमि परिसर में अक्षत पूजन कर, कार्यकर्ताओं में वितरित किया गया।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 5, 2023
Today, Akshat pujan happened at Shri Ram Janmabhoomi Mandir. The Akshat was then handed over to karyakartas, who will take it… pic.twitter.com/oLRCQMl4jC
આશા કરીએ છીએ કે આ લેખ દ્વારા આપને અક્ષત અને તેના મહત્વ વિશે સમજાયું હશે અને એ પણ ખ્યાલ આવ્યો હશે કે, રામ મંદિર અયોધ્યાના નિમંત્રણ તરીકે માત્ર અક્ષત જ શા માટે આપવામાં આવ્યા છે.