આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) શનિવારે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઘૂસણખોરોને (Illegal Immigrants) દેશની બહાર કાઢવા માટે આસામ સરકારે હવે દર વખતે કોર્ટમાં જવાની જરૂર નથી. તેમણે નલબારીમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું છે કે, 1950માં પસાર થયેલો ઇમિગ્રન્ટ્સ (એક્સપલ્ઝન ફ્રોમ આસામ) એક્ટ (Immigrants (Expulsion from Assam) Act 1950) હજુ પણ માન્ય છે. આ કાયદા હેઠળ આસામ સરકાર ગેરકાયદેસર વિદેશીઓને કોર્ટની મદદ વગર દેશની બહાર કાઢી શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ કાયદા પ્રમાણે જિલ્લા કલેક્ટર (ડિસ્ટ્રિક્ટ કમિશનર) પણ ગેરકાયદેસર વિદેશીઓને તાત્કાલિક દેશની બહાર કાઢવાનો આદેશ આપી શકે છે. આ કાયદો કોઈ કારણસર ભૂલાઈ ગયો હતો અને સરકારના વકીલોએ પણ આનો ઉલ્લેખ કર્યો ન હતો. હવે આ કાયદો ફરીથી ધ્યાનમાં આવ્યો છે, અને સરકાર તેનો ઉપયોગ કરીને ગેરકાયદેસર વિદેશીઓને દેશની બહાર કાઢશે. તેમણે કહ્યું, “હવે ગેરકાયદેસર વિદેશીઓની ઓળખ થયા બાદ તેમના કેસને ટ્રિબ્યુનલમાં મોકલવાની જરૂર નહીં પડે. અમે તેમને તરત જ સરહદની બહાર મોકલી દઈશું.”
આ કાયદાથી પ્રક્રિયા બનશે ઝડપી
હિમંતા બિસ્વા સરમાએ વધુમાં જણાવ્યું કે, NRCની પ્રક્રિયાને કારણે ગેરકાયદેસર વિદેશીઓની ઓળખ અને દેશનિકાલની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. હવે આ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું, “NRCને કારણે ગેરકાયદેસર વિદેશીઓની ઓળખ ધીમી ગતિએ થઈ રહી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા ઝડપી બનશે. એકવાર ઓળખ થઈ જાય, અમે તેમને બાંગ્લાદેશમાં પાછા મોકલી દઈશું.”
તેમણે ઉમેર્યું કે, આ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા માટે તૈયારીઓ ચાલુ છે. હવે ટ્રિબ્યુનલમાં કેસ મોકલવાની જરૂર નથી, તેથી આ કામ વધુ ઝડપી થશે. જોકે, જે લોકોએ તેમના દેશનિકાલના આદેશ સામે કોર્ટમાં અરજી કરી છે, તેમને કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી દેશની બહાર નહીં કાઢવામાં આવે.
ઓક્ટોબર 2024માં સુપ્રીમ કોર્ટે નાગરિકત્વ કાયદાની કલમ 6Aની માન્યતા નક્કી કરતી વખતે જણાવ્યું હતું કે, ઇમિગ્રન્ટ્સ (એક્સપલ્ઝન ફ્રોમ આસામ) એક્ટ, 1950ની જોગવાઈઓને કલમ 6A સાથે જોડીને ગેરકાયદેસર વિદેશીઓની ઓળખ માટે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે, આ કાયદો કલમ 6Aની વિરુદ્ધ નથી, અને બંને કાયદા એકસાથે કામ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે, આ કાયદો બનાવવામાં આવ્યો કારણ કે બાંગ્લાદેશથી આસામમાં મોટી સંખ્યામાં સ્થળાંતરીઓનો પ્રવેશ થતો હતો, જે હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે. સંસદે આ મુદ્દાને ઉકેલવા માટે આ પગલું ભર્યું હતું. નોંધનીય છે કે, પશ્ચિમી સરહદ માટેનો આવો જ એક કાયદો, ઇન્ફ્લક્સ ફ્રોમ પાકિસ્તાન (કંટ્રોલ) એક્ટ, જાન્યુઆરી 1952માં રદ કરવામાં આવ્યો હતો, પરંતુ પૂર્વીય સરહદ માટેનો આસામ માટેનો કાયદો હજુ પણ અમલમાં છે.
શું છે આ કાયદો
ઇમિગ્રન્ટ્સ (એક્સપલ્ઝન ફ્રોમ આસામ) એક્ટ, 1950 અનુસાર, જો કેન્દ્ર સરકારને લાગે કે આસામમાં બહારથી આવેલી કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓની હાજરી ભારતના સામાન્ય લોકોના હિતમાં કે આસામના કોઈ વર્ગ અથવા અનુસૂચિત જનજાતિના હિતમાં નુકસાનકારક છે, તો કેન્દ્ર સરકાર તેમને આસામ છોડવાનો આદેશ આપી શકે છે અને તેમને દેશની બહાર કાઢવા માટેના આદેશો જારી કરી શકે છે. આ અધિકાર કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો છે, પરંતુ આ કાયદો કેન્દ્ર સરકારને આ અધિકાર કોઈપણ કેન્દ્રીય અધિકારી અથવા આસામ, મેઘાલય અને નાગાલેન્ડની સરકારના અધિકારીને સોંપવાની સત્તા પણ આપે છે.
આ રીતે, આ કાયદાનો ઉપયોગ કરીને આસામ સરકાર હવે ગેરકાયદેસર વિદેશીઓને ઝડપથી ઓળખીને દેશની બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરશે.