Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશ₹76,000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર, આંતરરાષ્ટ્રીય વ્યાપારને મળશે...

    ₹76,000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર, આંતરરાષ્ટ્રીય વ્યાપારને મળશે વેગ તો સાથે સર્જશે 12 લાખ રોજગારીની તકો: મહારાષ્ટ્રમાં જે વાધવન પોર્ટનો PM મોદીએ કર્યો શિલાન્યાસ, તેની વિશેષતાઓ જાણો

    બંદરનિર્માણ માટે સ્થળ એવું પસંદ કરવામાં આવ્યું છે, જે ગુજરાત, રાજસ્થાન જેવાં પશ્ચિમી રાજ્યો અને મધ્ય ભારત બંનેથી નજીક પડે એમ છે. ઉપરાંત, પશ્ચિમ છેડે આવેલું હોવાના કારણે યુરોપીય, મધ્ય-પૂર્વીય દેશો, આફ્રિકન દેશો સાથેના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ સરળતા રહેશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (30 ઑગસ્ટ) મહારાષ્ટ્રની યાત્રાએ છે. અહીં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે તો સાથે પાલઘર ખાતે નિર્માણ પામનાર વાધવન પોર્ટ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. ₹76 હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર આ બંદરનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે થનાર છે. તૈયાર થયા બાદ તે ભારતનું સૌથી મોટું ‘ડીપ વૉટર પોર્ટ’ બનશે, જેનાથી ભારતની મેરિટાઇમ કનેક્ટિવિટી પણ વધશે અને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ સાથે પણ સીધું જોડાણ સ્થપાશે, જેનાથી ગ્લોબલ ટ્રેડમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળશે. 

    PM મોદીએ શિલાન્યાસ માટે રવાના થવા પહેલાં આ પોર્ટ વિશે એક X પોસ્ટ કરીને પ્રોજેક્ટને અત્યંત મહત્વનો અને વિશેષ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “આ વિશેષ પરિયોજના ભારતના વિકાસમાં યોગદાન આપશે અને સાથોસાથ પ્રગતિના પાવરહાઉસ તરીકે મહારાષ્ટ્રની ભૂમિકાને પણ મજબૂત કરશે.”

    વાધવન બંદર અનેક રીતે મહત્વનું છે. સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ તે દેશનું સૌથી મોટું ઊંડા પાણીમાં સ્થિત બંદર બનશે. તેના કારણે હાલના સૌથી મોટા બંદર જવાહરલાલ નહેરુ પોર્ટ પરનું ભારણ પણ ઓછું થશે. સાથોસાથ તેની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે તેના કારણે એક તરફ જ્યાં ભારતમાં પણ મોટાભાગનાં કાર્ગો ડેસ્ટિનેશન સાથે જોડાણ થઈ રહેશે તો આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સ સાથે પણ કનેક્ટિવિટી મજબૂત થશે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વૃદ્ધિ થશે. 

    - Advertisement -

    આ પોર્ટ મહારાષ્ટ્રના પાલઘરના દહાણુ શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે. આ નગર ગુજરાત સરહદ પૂર્ણ થાય કે થોડા જ અંતરે સ્થિત છે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ 76,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવું અનુમાન છે. જે જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડનું સંયુક્ત સાહસ હશે. બંદર કુલ 17,471 હેક્ટર જમીન આવરી લેશે, જેમાંથી 16,906 હેક્ટર પોર્ટની સરહદમાં હશે. તૈયાર થયા બાદ તે નહેરૂ પોર્ટ અને મુંબઈ પોર્ટ બાદ મહારાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું બંદર હશે. આ મોટા બંદરના નિર્માણથી નેહરુ પોર્ટ પરનું ઘણુંખરું ભારણ ઓછું થઈ જશે. 

    બંદરનિર્માણ માટે સ્થળ એવું પસંદ કરવામાં આવ્યું છે, જે ગુજરાત, રાજસ્થાન જેવાં પશ્ચિમી રાજ્યો અને મધ્ય ભારત બંનેથી નજીક પડે એમ છે. ઉપરાંત, પશ્ચિમ છેડે આવેલું હોવાના કારણે યુરોપીય, મધ્ય-પૂર્વીય દેશો, આફ્રિકન દેશો સાથેના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ સરળતા રહેશે. જ્યારે પૂર્વમાં ભારતમાં પણ અનેક કાર્ગો ડેસ્ટિનેશન સાથે સીધો સંપર્ક થઈ શકશે, જેના કારણે સમય-ખર્ચની બચત થશે.

    કેવી હશે સુવિધાઓ, શું છે ખાસ?

    આ બંદર ભારતનું સૌથી મોટું ડીપ-વૉટર પોર્ટ તો હશે, પણ સાથોસાથ દુનિયાનાં ટોપ-10 બંદરોમાં પણ સ્થાન પામશે. જેમાં 100 મીટર લંબાઈના કુલ 9 લાંબાં કન્ટેનર ટર્મિનલ હશે. ચાર મલ્ટીપર્પઝ બર્થ બનાવવામાં આવશે અને 4 લિક્વિડ કાર્ગો બર્થ હશે. એક-એક રો-રો બર્થ અને કોસ્ટ ગાર્ડ બર્થની પણ સુવિધા હશે. ભારત માટે ગ્લોબલ ટ્રેડના એક ગેટવે તરીકે કામ કરતાં આ બંદર વાર્ષિક 298 MMT સંચિત ક્ષમતાનું સર્જન કરશે. 2030 સુધીમાં પૂર્ણ થઈ ગયા બાદ અને સંપૂર્ણપણે સંચાલિત થયા બાદ તે વાર્ષિક 23.2 મિલિયન ટેવેન્ટી-ફૂટ ઈક્વિવલન્ટ યુનિટ્સનું સંચાલન કરશે. 

    બંદર બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય ભારતમાં એક વિશ્વકક્ષાનો મેરિટાઇમ ગેટવે તૈયાર કરવાનો છે, જે દેશના વ્યાપાર અને આર્થિક વિકાસને ગતિ આપી શકે. તેનાથી પરિવહનનો સમય ઘટશે અને સાથે ખર્ચમાં પણ ઘટાડો થશે. બંદર પર મોટાં કન્ટેનરો ધરાવતાં જહાજો જ નહીં પણ ‘અલ્ટ્રા લાર્જ કાર્ગો શિપ્સ’ પણ આવી શકશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બંદર પર ડીપ બર્થથી માંડીને કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને આધુનિક પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

    આ પોર્ટ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સમુદ્રનો 1,448 હેક્ટર વિસ્તાર પુનર્ગ્રહણ કરીને તેને જમીનમાં ફેરવવામાં આવશે. રેતી, પથ્થર અને કોંક્રીટ વડે નવી જમીન તૈયાર કરીને તેની ઉપર નિર્માણ કરવામાં આવશે. જ્યાં નિર્માણ થઈ રહ્યું છે ત્યાં પાણીની ઊંડાઈ 20 મીટર સુધીની છે. નોંધવું જોઈએ કે ભારતનાં વર્તમાન બંદરોમાંથી ક્યાંય હાલ આટલો મોટો ડ્રાફ્ટ (પાણી અને જહાજના સૌથી નીચેના બિંદુ વચ્ચેનું અંતર) નથી, જેના કારણે અમુક મોટાં જહાજો ભારત આવી શકતાં નહતાં અને ઘણી વખત બાયપાસ કરીને જતાં હતાં. જવાહરલાલ નેહરુ પોર્ટ ખાતે 15.5 મીટરનો ડ્રાફ્ટ છે, જે દેશનાં હાલનાં બંદરોમાં સૌથી વધુ છે. 

    આ પોર્ટ એક મેરિટાઇમ માર્વેલ તો ખરું જ, પણ સાથોસાહ રોજગાર સર્જનમાં પણ મોટી ભૂમિકા ભજવશે. સરકારના અનુમાન મુજબ તૈયાર થઈ ગયા બાદ તે 12 લાખ રોજગારીની તકો ઉભી કરશે, જેના કારણે એક તરફ જ્યાં સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે તો બીજી તરફ સમગ્ર વિસ્તાર સહિત મહારાષ્ટ્ર અને દેશના પણ આર્થિક વિકાસને ગતિ પ્રદાન થશે અને સાથોસાથ સામુદાયિક વિકાસ પણ થશે. 

    રેલ-રોડ કનેક્ટિવિટી પણ મજબૂત બનશે 

    આ બંદર સાથે રોડ-રેલ જોડવા માટે નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને માર્ગ-પરિવહન અને હાઇ-વે મંત્રાલય બંદરને નેશનલ હાઈવે સાથે જોડતા રસ્તાનું નિર્માણ કરશે. બીજી તરફ, રેલવે મંત્રાલય વર્તમાન રેલ નેટવર્ક તેમજ આગામી ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડોર સાથે બંદરનો સંપર્ક થાય તે પ્રકારે ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરશે. રેલ કોરિડોર અને મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે સાથે સીધી કનેક્ટિવિટી મળ્યા બાદ બંદરનું રણનિતિક વ્યાપારિક મહત્વ અનેકગણું વધી જશે. ઉપરાંત, આ રેલ-રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કના કારણે મહારાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત, રાજસ્થાન, NCR, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને અન્ય મધ્ય-ઉત્તર ભારતના ઔદ્યોગિક વિસ્તારોને સીધો ફાયદો થશે. ગુજરાતમાં વાપી-ઉમરગામ-સેલવાસ વગેરે ક્ષેત્રોમાં ઉદ્યોગો મોટાં પ્રમાણમાં છે, જ્યાંથી આ બંદર થોડા જ અંતરે નિર્માણ પામી રહ્યું છે. 

    કોણ-કોણ કરી રહ્યું છે રોકાણ? 

    હવે પ્રશ્ન થાય કે 76 હજાર કરોડ રૂપિયા જેટલું ભંડોળ ક્યાંથી આવશે? આ માટે પાવર ફાયનાન્સ કોર્પોરેશન, રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન અને જાપાન ઈન્ટરનેશન કૉ-ઑપરેશન એજન્સી જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ ફન્ડિંગ કરી રહી છે. રેલ મંત્રાલય પણ ₹1,765 કરોડનું રોકાણ કરશે અને ₹2,881 કરોડના ખર્ચે રોડ કનેક્ટિવિટી અપાશે. મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ અને મહારાષ્ટ્ર રાજ્ય વીજ પુરવઠા કંપની પણ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹300 કરોડનું રોકાણ કરશે. જ્યારે ₹37,244 કરોડ કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પઝ બર્થ, કોસ્ટલ કાર્ગો બર્થ, RORO અને લિક્વિડ બર્થના ખાનગી ઑપરેટરો દ્વારા રોકવામાં આવશે. માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ અને અન્ય કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ PPP મોડેલ પર કરવામાં આવનાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં