Sunday, March 30, 2025
More
    હોમપેજદેશસેંકડો ટન રાહતસામગ્રી સાથે રવાના કરાયાં વિમાન-જહાજો, અદ્યતન તબીબી સાધનો સાથે મોકલાઈ...

    સેંકડો ટન રાહતસામગ્રી સાથે રવાના કરાયાં વિમાન-જહાજો, અદ્યતન તબીબી સાધનો સાથે મોકલાઈ ટીમો: વાંચો ‘ઑપરેશન બ્રહ્મા’ વિશે– મ્યાનમારમાં ભૂકંપ બાદ ભારતે શરૂ કર્યું છે અભિયાન

    'ઑપરેશન બ્રહ્મા' માત્ર મ્યાનમાર માટે જ નહીં, પરંતુ વિશ્વ સમક્ષ પણ ભારતની માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

    - Advertisement -

    28 માર્ચ, 2025ના રોજ મ્યાનમારમાં (Myanmar) આવેલા વિનાશકારી ભૂકંપ (Earthquake) બાદ ભારે તબાહી જોવા મળી છે. 7.7ની તીવ્રતા સાથે આવેલા આ ભૂકંપના કારણે મ્યાનમારની કમર તૂટી ગઈ અને જાનહાનિની સાથે-સાથે મોટી માનહાનિ પણ થઈ છે. હમણાં સુધીમાં 1600થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને હજારોની સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત છે. મ્યાનમારની સૈન્ય સરકારે પ્રથમ વખત વિશ્વ સમક્ષ પોતાના હાથ ફેલાવ્યા છે અને મદદની ખુલ્લી અપીલ કરી છે. આ ઘટના બાદ તરત જ ભારતે ‘ફર્સ્ટ રિસપોન્ડર’ની ભૂમિકા નિભાવીને મદદ માટેના હાથ લંબાવ્યા છે અને ‘ઑપરેશન બ્રહ્મા’ (Operation Brahma) લૉન્ચ કર્યું છે.

    ભારતે મ્યાનમારની મદદ માટે ‘ઑપરેશન બ્રહ્મા’ લૉન્ચ કર્યું છે અને માનવતાવાદી સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સાથે જ ભારતે તાત્કાલિક ધોરણે આ ઑપરેશન હેઠળ મદદ પૂરી પાડવાનું પણ શરૂ કરી દીધું છે. આ ઑપરેશન હેઠળ ભારતીય સેના, NDRF અને મેડિકલ ટીમો મ્યાનમારમાં તહેનાત કરવામાં આવી છે. તે સિવાય રાહતસામગ્રી પણ જહાજો ભરીભરીને પહોંચાડવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય સતત મ્યાનમારના સંપર્કમાં છે. આ લેખમાં ‘ઑપરેશન બ્રહ્મા’ વિશેની વિગતે માહિતી મેળવીશું.

    શું છે ‘ઑપરેશન બ્રહ્મા’?

    ‘ઑપરેશન બ્રહ્મા’ એ ભારત સરકાર દ્વારા મ્યાનમારમાં 28 માર્ચ, 2025ના રોજ આવેલા વિનાશક ભૂકંપ પછી શરૂ કરાયેલું માનવતાવાદી રાહત અભિયાન છે. તેનો હેતુ મ્યાનમારમાં ભૂકંપગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવાનો છે. આ અભિયાન ભારતના ‘વસુધૈવ કુટુંબકમ્’ના (વિશ્વ એક પરિવાર) સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે, જેમાં વૈશ્વિક સ્તરે મદદ પહોંચાડવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

    - Advertisement -

    આ ઑપરેશન હેઠળ ભારતે મ્યાનમારમાં રાહતસામગ્રી, બચાવ ટીમો અને તબીબી સહાય મોકલી છે. આ રાહત કાર્ય ભારતના વિદેશ મંત્રાલય, ભારતીય સેના અને NDRF સહિત અન્ય સંસ્થાઓના સંકલનમાં ચાલી રહ્યું છે. ભારતે આ દુર્ઘટનાના થોડા જ કલાકોમાં પોતાની ‘ફર્સ્ટ રિસપોન્ડર’ની ભૂમિકા નિભાવી છે, જે તેની ઝડપી પ્રતિક્રિયા અને કાર્યક્ષમતાનું પ્રતીક છે. વિશ્વના મોટા-મોટા અખબારોથી લઈને દુનિયાભરના મીડિયામાં ‘ઑપરેશન બ્રહ્મા’ની ચર્ચા પણ થઈ રહી છે.

    શા માટે ‘ઑપરેશન બ્રહ્મા’ નામ રખાયું?

    ‘ઑપરેશન બ્રહ્મા’ નામ ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક મહત્વને દર્શાવે છે. હિંદુ ધર્મમાં બ્રહ્મા એ સૃષ્ટિના દેવતા છે, જેમને નવું જીવન અને પુનર્જન્મના પ્રતીક ગણવામાં આવે છે. આ નામની પસંદગી એ સંદેશ આપે છે કે, ભારત મ્યાનમારના લોકોને આ આપત્તિમાંથી બહાર કાઢીને તેમના જીવનમાં નવી આશા અને પુનનિર્માણની શરૂઆતમાં મદદ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. તે સિવાય મ્યાનમારનું જૂનું નામ પણ ‘બ્રહ્મદેશ’ હતું, જેનો અર્થ એ થતો હતો કે, ‘બ્રહ્માની ભૂમિ’. આ કારણે પણ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ નામ રાખીને મ્યાનમારને પુનઃ જીવન આપવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

    ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળની સહાયતા

    વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 29 માર્ચ, 2025ના રોજ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ 15 ટન રાહત સામગ્રીની પ્રથમ ખેપ મ્યાનમારના યાંગૂન શહેરમાં પહોંચાડી હતી. આ પહેલું વિમાન 15 ટન રાહતસામગ્રી લઈને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરફોર્સ બેઝ પરથી ઉડ્યું હતું. તેમાં તંબૂઓ, ધાબળા, સ્લીપિંગ બેગ, ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ, જનરેટર અને જરૂરી મેડિકલ સહાયનો સમાવેશ થાય છે. આ સામગ્રી યાંગૂનના મુખ્યમંત્રી યુ સો થેઈને ભારતીય રાજદૂત અભય ઠાકુર દ્વારા સોંપવામાં આવી હતી.

    ત્યારબાદ ભારતે NDRFની 80 સભ્યોની શોધ અને બચાવ ટીમને મ્યાનમારની રાજધાની ને પી તૉમાં ઉતારી છે. આ ટીમ 29 માર્ચની સાંજે C-130 વિમાન દ્વારા ત્યાં પહોંચી હતી, જ્યાં ભારતીય રાજદૂત અભય ઠાકુર અને મ્યાનમારના વિદેશ મંત્રાલયના રાજદૂત મૌન્ગ લીન ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમ કોન્ક્રીટ કટર, ડ્રિલ મશીન અને ડોગ સ્કવોડ સહિત સ્પેશ્યલિસ્ટ સર્ચ અને રેસ્ક્યુ ટૂલથી લેસ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવામાં સ્થાનિક અધિકારીઓની સહાયતા માટે આ ટીમ પી તૉમાં તહેનાત રહેશે.

    આ ઉપરાંત 29 માર્ચના રોજ જ બે C-17 ગ્લોબમાસ્ટર વિમાનો દ્વારા 118 સ્ટાફ સાથેની ભારતીય સેનાની ફિલ્ડ હૉસ્પિટલ યુનિટ પણ મ્યાનમારમાં ઉતારવામાં આવી હતી. લેફ્ટિનેન્ટ કર્નલ જગનીત ગિલના નેતૃત્વમાં ભારતીય સેનાના શત્રુજીત બ્રિગેડ મેડિકલ રિસપોન્ડર્સમાંથી આ ચુનંદા મેડિકલ ટીમ અદ્યતન તબીબી અને સર્જીકલ સંભાળ પૂરી પાડશે. આ યુનિટમાં મહિલાઓ અને બાળકોની સંભાળ માટે વિશેષ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય 60 પેરા ફિલ્ડ એમ્બ્યુલન્સ પણ મ્યાનમારમાં પહોંચાડવામાં આવી છે.

    તે સિવાય આ યુનિટ માંડલેમાં 60 બેડ ધરાવતા મેડિકલ ટ્રીટમેન્ટ સેન્ટરની પણ સ્થાપના કરશે. આ સાથે જ 60 ટન વધારાની રાહતસામગ્રી પણ મોકલવામાં આવી છે. માત્ર એક જ દિવસમાં ભારતે પાંચ રાહત ઉડાનો મ્યાનમારમાં ઉતારી છે. વધુમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, રાહતસામગ્રી લઈને બે ભારતીય નેવીના જહાજો પણ મ્યાનમાર માટે રવાના થઈ ચૂક્યાં છે અને બે વધુ જહાજ તેમની પાછળ ચાલવાનાં છે.

    તેમણે વધુમાં કહ્યું કે, પ્રથમ જહાજ 10 ટન રાહતસામગ્રી લઈને શનિવારે સવારે રવાના થયું છે અને બીજું જહાજ બપોરે રવાના થઈ ચૂક્યું છે. 31 માર્ચ સુધીમાં આ જહાજો યાંગૂનમાં પહોંચે તેવી શક્યતા છે. તે સિવાય અંદમાન ઍન્ડ નિકોબાર કમાન્ડ હેઠળ શ્રી વિજયપુરમમાં તહેનાત બે વધારાના જહાજો આવનારા સમયમાં ભારતના સહાયતા પ્રયાસોને મજબૂત કરવા માટે મ્યાનમાર તરફ રવાના કરવામાં આવશે.

    વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટ આપતા કહ્યું હતું કે, “INS સતપુરા અને INS સાવિત્રી 40 ટન માનવીય સહાય લઈને યાંગૂન બંદર તરફ રવાના થઈ ચૂક્યાં છે.” નેવી જહાજોની સાથે વાયુસેનાનાં વિમાનો પણ સતત કાર્યરત છે. વાયુસેનાના વિમાનો દ્વારા અનેક સેવાઓ તાત્કાલિક ધોરણે મ્યાનમારમાં પહોંચાડવામાં આવી છે. કટોકટીની તમામ સેવાઓને વિમાન દ્વારા મોકલવામાં આવી છે, જ્યારે બાકીની રાહતસામગ્રી વાયુસેનાનાં જહાજો દ્વારા મોકલવામાં આવી રહી છે.

    ‘અમે વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને કાર્યવાહી કરીને સાબિત કરીએ છીએ’

    રણધીર જયસ્વાલે ‘ફર્સ્ટ રિસપોન્ડર’ હોવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં તૂર્કી અને સિરીયામાં ચલાવવામાં આવેલાં ‘ઑપરેશન દોસ્ત’ જેવાં મિશનોનો હવાલો પણ આપ્યો હતો. તેમણે ભારતના ‘વિશ્વ એક પરિવાર’ના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “જ્યારે આપણે વસુધૈવ કુટુંબકમ્ કહીએ છીએ તો અર્થ એ જ હોય છે કે આપણે તેને કાર્યવાહી દ્વારા સાબિત પણ કરીએ.’ વધુમાં વડાપ્રધાન મોદીએ પણ મ્યાનમારના સૈન્ય નેતા અને સુપ્રીમ જનરલ મીન આઉંગ હ્લાઈન્ગ સાથે વાતચીત કરી હતી અને પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે, “એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારત આ કઠિન સમયમાં મ્યાનમારના લોકો સાથે મજબૂતીથી ઊભું છે.”

    દુનિયાભર માટે ‘ફર્સ્ટ રિસપોન્ડર’ તરીકે કામ કરે છે ભારત

    એક સમય હતો જ્યારે ભારત દુનિયાને મદદ આપવાની સ્થિતિમાં નહતું. પરંતુ છેલ્લા એક દાયકામાં ભારત અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું અને વિશ્વ માટે ‘ફર્સ્ટ રિસપોન્ડર’ પણ. દુનિયાના કોઈપણ ભાગમાં કોઈપણ આપત્તિ આવે તો ‘ફર્સ્ટ રિસપોન્ડર’ની ભૂમિકા સાથે ભારત તમામ મદદ પૂરી પાડે છે. વર્ષ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે ‘ઑપરેશન સંજીવની’ લૉન્ચ કર્યું હતું અને માલદીવ, મોરેશિયસ તથા અન્ય પાડોશી દેશોને દવાઓ, તબીબી સાધનો અને સહાય પૂરી પાડી હતી. ભારતની ઝડપી પ્રતિક્રિયાના કારણે વિશ્વભરમાં તેની પ્રશંસા પણ થઈ હતી.

    તે સિવાય 2015માં યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ દરમિયાન ભારતે ‘ઑપરેશન રાહત’ લૉન્ચ કરીને 5000થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જેમાં ભારતીયોની સાથે મોટાભાગના વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. તે સિવાય 2015માં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ પછી ભારતે તાત્કાલિક ‘ઑપરેશન મૈત્રી’ લૉન્ચ કર્યું હતું અને મદદ માટે હાથ લંબાવ્યા હતા. તે સિવાય સિરીયા અને તૂર્કીમાં પણ ‘ઑપરેશન દોસ્ત’ લૉન્ચ કરીને મદદ પૂરી પાડવામાં આવી હતી.

    આ તમામ ઉદાહરણો દર્શાવે છે કે, ભારતે વૈશ્વિક આપત્તિઓમાં સતત પોતાની જવાબદારી નિભાવી છે. ‘ઑપરેશન બ્રહ્મા’ પણ આવી જ એક કડી છે, જે ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા અને પાડોશી દેશ સાથેના મજબૂત સંબંધોને રેખાંકિત કરે છે. ભારતનો ઇતિહાસ બતાવે છે કે તે વૈશ્વિક આપત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ‘ઑપરેશન બ્રહ્મા’ માત્ર મ્યાનમાર માટે જ નહીં, પરંતુ વિશ્વ સમક્ષ પણ ભારતની માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં