Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલવારાણસીમાં હિંદુ સંગઠનો શા માટે મંદિરોમાંથી હટાવી રહ્યાં છે સાંઈ બાબાની મૂર્તિઓ?...

    વારાણસીમાં હિંદુ સંગઠનો શા માટે મંદિરોમાંથી હટાવી રહ્યાં છે સાંઈ બાબાની મૂર્તિઓ? જાણો શું છે વિવાદ: અગાઉ દ્વારકા પીઠના શંકરાચાર્યે પણ શરૂ કર્યું હતું અભિયાન

    સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે તે પણ ઉલ્લેખ કર્યો છે કે, સાંઈ બાબા ઈશ્વરને 'અલ્લાહ' કહીને સંબોધિત કરતાં હતા. વેબસાઇટ અનુસાર, સાંઈ બાબાએ મસ્જિદમાં ઘણો સમય વિતાવ્યો હતો અને પોતાને 'અલ્લાહના સેવક' તરીકે ગણાવ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને પ્રાચીન શહેર કાશીમાં હિંદુ સંગઠનોએ એક અભિયાન શરૂ કર્યું છે. તે અભિયાન હેઠળ વારાણસીના હિંદુ મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવીને ગંગા નદીમાં પ્રવાહિત કરવામાં આવી રહી છે. મંગળવારે (1 ઑક્ટોબર) ‘સનાતન રક્ષક દળ’ સંગઠને આ અભિયાનની જાહેરાત કરી હતી અને ત્યારબાદથી અભિયાન હેઠળ અનેક હિંદુ મંદિરોમાંથી સાંઈ બાબાની પ્રતિમાઓ હટાવી પણ લેવાઈ છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધીમાં તે અંગેના રિપોર્ટ અને સમાચાર પ્રકાશિત થયા હતા. હાલ સાંઈ બાબાને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડયું છે.

    સનાતન રક્ષક દળે તાજેતરમાં જ લોહટિયાના ‘બડા ગણેશ’ મંદિરમાંથી 5 ફૂટની સાંઈ બાબાની મૂર્તિને હટાવી હતી. સંગઠને આ અંગે કહ્યું હતું કે, તેમણે સફેદ રંગના કપડાંમાં સાંઈ બાબાની પ્રતિમાને વીંટાળીને ગંગા નદીમાં પ્રવાહિત કરી દીધી છે. વારાણસીની આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે, જેના કારણે હવે લખનૌ સહિતના અન્ય શહેરોમાં પણ હિંદુ મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ, અચાનકથી આ વિવાદ કઈ રીતે શરૂ થયો તે વિશે પણ જાણવું જરૂરી છે.

    શા માટે હટાવાઈ રહી છે મૂર્તિઓ?

    આ ઘટનાને ધ્યાને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, આખરે શા માટે સાંઈ બાબાની મૂર્તિઓને હટાવવામાં આવી રહી છે. આ પ્રશ્નનો જવાબ આપતાં વારાણસીના બડા ગણેશ મંદિરના મુખ્ય પૂજારી રમ્મુ ગુરુએ જણાવ્યું હતું કે, “સાંઈ બાબાની પૂજા યોગ્ય જાણકારી અને માહિતીના અભાવે કરવામાં આવી રહી હતી, જે શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મમાં વર્જિત ગણાય છે.” આ ઉપરાંત આ વિવાદને જન્મ આપનાર ‘સનાતન રક્ષક દળ’ના પ્રદેશ અધ્યક્ષ અજય શર્માએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું.

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, “કાશીમાં માત્ર ભગવાન શિવની પૂજા થવી જોઈએ. ભક્તોની ભાવનાઓનું સન્માન કરીને 14 મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવી લેવામાં આવી છે. આવનારા દિવસોમાં અગસ્ત્યકુંડ અને ભૂતેશ્વર મંદિરમાંથી પણ મૂર્તિઓ હટાવવામાં આવશે.” તે ઉપરાંત અજય શર્માએ વધુમાં કહ્યું હતું કે, હિંદુઓ ધીમે-ધીમે પોતાની પરંપરા અને ભગવાનોને ભૂલી રહ્યા છે. તેમણે કહ્યું કે, “સનાતન સંસ્કૃતિ અને પરંપરામાં સનાતનધર્મી વૈદિક પૂજા-અર્ચના હિંદુઓ ભૂલી ગયા છે. કાશીના પૌરાણિક ધર્મસ્થાનોમાં 33 કોટિ દેવતા વિદ્યમાન છે.”

    ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “કાશી ખંડના મંદિરોમાં વિધર્મી ચાંદ મિયાં ઉર્ફ સાંઈ બાબાની પ્રતિમા સ્થાપિત કરવી દુર્ભાગ્યપૂર્ણ અને મહાપાપ છે. અમે લોકો મંદિરના પૂજારી અને મહંતોને સમજાવીને આ પ્રતિમાઓ હટાવી રહ્યા છીએ. હમણાં કાશી ખંડની અંદર આવતા દેવસ્થાનોમાંથી ચાંદ મિયાં ઉર્ફે સાંઈની પ્રતિમાઓ હટાવવામાં આવી રહી છે. ધીરે-ધીરે કાશી ખંડની બહાર પણ આ અભિયાન શરૂ કરવામાં આવશે.” ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમારા આરાધ્યના મંદિરોમાં આશીર્વાદ મુદ્રામાં બેઠેલા સાંઈની મૂર્તિઓ અમને સહેજ પણ પસંદ નથી. ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જે જેને પૂજે છે, તે તેને જ પ્રાપ્ત થાય છે. પિતૃને પૂજીશું તો પિતૃને પ્રાપ્ત થશુ અને પ્રેતને પૂજીશું તો પ્રેતને પ્રાપ્ત થઈશું.”

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, બુધવારે (2 ઑક્ટોબર) સનાતન રક્ષક દળના અધ્યક્ષ અજય શર્માને સ્થાનિક પોલીસે કસ્ટડીમાં લીધા હતા, કારણ કે, તેમણે અન્ય સાથીઓ સાથે મળીને સ્થાનિક હિંદુ મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવી હતી. આ ઘટના બાદ પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અન્ય 50 હિંદુ મંદિરોમાંથી પણ સાંઈ બાબાની મૂર્તિઓ હટાવી લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જેમને સાંઈ બાબા પ્રત્યે આસ્થા છે, તેઓ તેમનું અલગથી મંદિર બનાવી શકે છે અને ત્યાં તેમની આરાધના કરી શકે છે.

    કોણ હતા સાંઈ બાબા?

    ઉલ્લેખનીય છે કે, સાંઈ બાબા હવે ક્યાંય અજાણ નથી. 19મી સદીમાં વિવિધ વિષયો પર પોતાના ઉપદેશોને લઈને જાણીતા બન્યા હતા. કહેવાય છે કે, સાંઈ બાબા હિંદુ ઉપરાંત અન્ય પંથ-મઝહબના લોકો માટે પણ પૂજનીય ગણાય છે. જોકે, હિંદુઓ અને હિંદુ સંગઠનોના એક મોટા વર્ગ દ્વારા એવો તર્ક આપવામાં આવે છે કે, સાંઈ બાબા એક મુસ્લિમ વ્યક્તિ હતા, તેથી હિંદુઓએ તેમની પૂજા ન કરવી જોઈએ. જોકે, ઘણા સાંઈભક્તો તેમને ભગવાન દત્તાત્રેયનો અવતાર પણ માની રહ્યા છે, પરંતુ તે બાબતના ના તો કોઈ પુરાવા મોજૂદ છે અને ના તો કોઈ હિંદુ ધર્મશાસ્ત્રોમાં તે અંગેનું વર્ણન છે, માટે તે લોકોમાં પ્રસરી રહેલી એક ‘માન્યતા’ ગણી શકાય.

    હિંદુ ધર્મશાસ્ત્રો અથવા તો ઇતિહાસના ગ્રંથોમાં પણ સાંઈ બાબાનો કોઈ ઉલ્લેખ મળી શકતો નથી. ઉપરાંત ઇસ્લામના સૂફીવાદના ચળવળના ઇતિહાસમાં પણ સાંઈ બાબા નામના કોઈ ‘સૂફી સંત’નો ઉલ્લેખ મળી શક્યો નથી. તેથી તે અંગેની કોઈ આધિકારિક માહિતી આપી શકાય તેમ નથી. પરંતુ, શિરડી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતીને આપણે અમુક અંશે આધિકારિક ગણી શકીએ છીએ.

    શું કહે છે સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ?

    સાંઈ બાબા અંગેની માહિતી શિરડી સ્થિત સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ પર મળી આવે છે. ટ્રસ્ટની વેબસાઇટ અનુસાર, ‘સાંઈ બાબાને ભારતમાં હમણાં સુધીના થયેલા સૌથી મહાન સંતો પૈકીના એક ગણવામાં આવે છે.’ વધુમાં કહેવાયું છે કે, તેઓ (સાંઈ બાબા) અસાધારણ શક્તિઓથી સંપન્ન છે અને ભગવાનના અવતાર તરીકે પૂજાઈ રહ્યા છે. વેબસાઇટ મુજબ ‘સાંઈ’નો અર્થ થાય છે સાક્ષાત ઈશ્વર. અથવા તો પૂર્ણ. અહીં એ પણ નોંધવા જેવું છે કે, હિંદુ ધર્મશાસ્ત્રોમાં ઈશ્વરને ‘પૂર્ણ’ તરીકે પણ ઉલ્લેખવામાં આવ્યા છે. હિંદુઓ માને છે કે, ઈશ્વર પરિપૂર્ણ હોય છે. જેમ કે, ભગવાન શ્રીકૃષ્ણ માટે વારંવાર ‘પૂર્ણપુરુષોત્તમ’ શબ્દ વાપરવામાં આવ્યો છે.

    સાઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે ધાર્મિક સમસ્યાઓથી પરે સાંઈ બાબાના જીવન અને શિક્ષા પર જોર આપતા કહ્યું છે કે, “સાંઈ બાબાનું એક ઉત્તમ પાસું એ છે કે, તેઓ ધર્મ, જાતિ અથવા સંપ્રદાયના ભેદભાવથી પરે છે. તેમણે તમામ ધર્મોને અપનાવ્યાં છે અને સાર્વભૌમિક ધર્મનો પ્રચાર પણ કર્યો છે. તમામ ધર્મોના ભક્તો સાંઈમાં તેમનુ મિલન સ્થળ શોધે છે અને તમામ સમુદાયો અને જીવનના તમામ ક્ષેત્રોના લોકો બાબા દ્વારા પ્રેરિત મહાન પ્રેમ અને શ્રદ્ધાથી એક પણ થાય છે.”

    ખાસ વાત તો તે છે કે, સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે તે પણ ઉલ્લેખ કર્યો છે કે, સાંઈ બાબા ઈશ્વરને ‘અલ્લાહ’ કહીને સંબોધિત કરતા હતા. વેબસાઇટ અનુસાર, સાંઈ બાબાએ મસ્જિદમાં ઘણો સમય વિતાવ્યો હતો અને પોતાને ‘અલ્લાહના સેવક’ તરીકે ગણાવ્યા હતા, એવા સેવક જેમની આત્મા હંમેશા ‘અલ્લાહ’ને યાદ કરતી હોય. વધુમાં કહેવાયું છે કે, “બાબાને પોતાના હિંદુ ભક્તો અને તેમના ગુરુઓ પ્રત્યે ઘણું સન્માન હતું અને તેમણે તેમની જરૂરીયાતોનું પણ પૂરતું ધ્યાન રાખ્યું હતું. તેમને (હિંદુઓને) હિંદુ તથા અન્ય ધાર્મિક અનુષ્ઠાન અનુસાર પૂજા કરવાની પરવાનગી પણ આપી હતી.” વધુમાં કહેવાયું છે કે, “સાંઈ બાબાનું નિવાસસ્થાન એક મસ્જિદ હતી અને અલ્લાહનું નામ હંમેશા તેમના હોઠ પર રહેતું હતું. તેમણે પોતાને ઈશ્વરની (અલ્લાહ)ની સેવા કરનારી અને હંમેશા અલ્લાહને યાદ કરનારી (યાદ-એ-હક્કા) આત્મા તરીકે વર્ણીત કર્યા હતા.”

    વેબસાઇટ પર વધુમાં કહેવાયું છે કે, “આજે લોકો શિરડીમાં બાબાને શ્રદ્ધાંજલિ આપવા અને બાબાના તે વચનની સત્યતાનો અનુભવ કરવા આવે છે કે, તેઓ પોતાની સમાધિમાંથી પણ ભક્તોની પ્રાર્થનાઓનો ઉત્તર આપશે. દસ આદેશોની જેમ બાબાએ માનવતાના કલ્યાણ માટે અગિયાર આશ્વાસન આપ્યાં છે. બાબાએ કહ્યું છે કે, તેઓ તે લોકોની સેવામાં દાસ છે, જેઓ તેમને પ્રેમ કરે છે. તેઓ હંમેશા તે લોકોની મદદ કરવા માટે તત્પર છે, જે તેમના તરફ વળે છે. બાબાએ સર્વશક્તિમાન ગુરુ (અલ્લાહ માલિક એક- માત્ર એક) પ્રત્યે પૂર્ણ સમર્પણના મૂલ્યો શિખવ્યા અને તેમની કૃપાનો અનુભવ પણ કર્યો.”

    દ્વારકા પીઠના શંકરાચાર્યએ શરૂ કર્યું હતું અભિયાન

    જોકે, સાંઈ બાબાની મૂર્તિઓ હટાવીને તેમની પૂજા બંધ કરાવવાનું આ કોઈ પહેલું અભિયાન નહોતું. આ પહેલાં 2014માં દ્વારકાના પૂર્વ શંકરાચાર્ય દિવંગત સ્વરૂપાનંદ સરસ્વતીએ હિંદુઓને સાંઈ બાબાની પૂજા ન કરવા માટેની અપીલ કરી હતી અને તે માટે એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સાંઈ બાબા હિંદુ નથી. તેમણે સાંઈ બાબાને ‘ચાંદ મિયાં’ કહીને તેમની મુસ્લિમ ઓળખ પર ભાર મૂક્યો હતો. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ભગવાન હનુમાનને ઝાડના થડથી સાંઈને ખદેડતાં દર્શાવીને પોસ્ટર પણ જારી કર્યા હતા.

    સાંઈ બાબા ટ્રસ્ટની ટીકા કરતાં તેમણે આરોપ લગાવીને કહ્યું હતું કે, ટ્રસ્ટ સાંઈ બાબાને ભગવાન હનુમાન અને અન્ય હિંદુ દેવતાઓથી શ્રેષ્ઠ દર્શાવીને હિંદુ ધર્મને ‘બરબાદ’ કરી રહ્યું છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, “સાંઈ બાબાનું વાસ્તવિક નામ ચાંદ મિયાં છે અને તેઓ મરી પણ ચૂક્યા છે. અમે તેને ભગવાન નહીં, પરંતુ પ્રેત માનીએ છીએ.” તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જો સાંઈ બાબા હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિક છે તો શા માટે મુસ્લિમો તેમને નથી પૂજતા? આ ઘટના બાદ સાંઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ (જે સાંઈ બાબા સહિતના મહારાષ્ટ્રના વિભિન્ન મંદિરોનું સંચાલન કરે છે)ના પ્રમુખ રમેશ જોશીએ શંકરાચાર્ય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે વખત અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે બંને વખત અરજી ફગાવી દીધી હતી અને આ વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    આ ઘટનાના થોડા દિવસો બાદ જ સાંઈધામ ટ્રસ્ટના પ્રમુખ રમેશ જોશીએ દ્વારકા પીઠ પર પહોંચીને શંકરાચાર્ય સ્વરૂપાનંદ મહારાજની માફી માંગી હતી અને સ્વીકાર્યું હતું કે, સાંઈ બાબા મુસ્લિમ હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તેમણે અન્ય એક સંસ્થાને આ વિશે તપાસ કરવાનું કામ સોંપ્યું હતું અને તે સંસ્થા દ્વારા તેમને જાણવા મળ્યું હતું કે, સાંઈ બાબા મુસ્લિમ હતા. ઉપરાંત તેમણે મીડિયામાં પણ શંકરાચાર્યની જાહેરમાં માફી માંગી હતી.

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ આપ્યું હતું નિવેદન

    નોંધનીય છે કે, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બાગેશ્વર ધામના મહંત અને પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સાંઈ બાબા હિંદુ દેવતા નહોતા. તેમણે કહ્યું હતું કે, સાંઈ બાબાને સંત અથવા ફકીર કહેવામાં આવી શકે છે, પરંતુ તેમને ભગવાન કહી શકાય નહીં. તેમણે એવું પણ કહ્યું હતું કે, કોઈ ગીધ સિંહ હોવાનો ડોળ કરી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, “આપણાં ધર્મના શંકરાચાર્યજીએ સાંઈ બાબાને દેવતાનું સ્થાન નથી આપ્યું. શંકરાચાર્ય હિંદુ ધર્મના વડાપ્રધાન છે. તેમની આજ્ઞાનું પાલન કરવું દરેક સનાતનીનું કર્તવ્ય છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આપણાં ધર્મના કોઈપણ સંત, જેમ કે ગોસ્વામી તુલસીદાસજી અથવા તો સૂરદાસજી, માત્ર સંત હતા, મહાપુરુષ હતા, કલ્પપુરુષ હતા.. પરંતુ ભગવાન નહોતા.” જોકે, આ ઘટના બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સાંઈ બાબા પર ટિપ્પણી કરવાને લઈને FIR પણ નોંધવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં