મહારાષ્ટ્રથી કાળજું કંપાવી દે દેવી ઘટના સામે આવી છે, ગત સપ્તાહમાં ગોવંડીના બૈંગનવાડી વિસ્તારમાં બર્થડે પર 10,000 રૂપિયાના બીલમાં ભાગ પડાવવા મામલે થયેલા વિવાદમાં 4 મિત્રોએ પોતાના જ મિત્રની હત્યા કરી નાંખી હતી. આ હત્યારાઓમાં 2 આરોપી સગીર વયના છે, પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે, જેમાંથી શાહરૂખ અને નાસીરની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ સગીર વયના આરોપીઓને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં જન્મદિવસના બીલ માટેની માથાકુટમાં શાહરૂખ, નાસીર સહીત 4 જણાએ 20 વર્ષીય યુવકની હત્યા કરી હોવાની ઘટનાથી આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મહારાષ્ટ્રમાં જન્મદિવસના બીલ માટેની માથાકુટમાં યુવકની હત્યા મામલે મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, મૃતક 20 વર્ષીય સાબિર અંસારીની તેના જ 4 મિત્રોએ હત્યા કરી દીધી હતી. જેમાંથી 2 આરોપીઓ સગીર વયના છે. વાસ્તવમાં મૃતકે તેના મિત્રોને એક ઢાબામાં પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. જેમાં જમવાનું બીલ 10 હજાર આવ્યું હતું, જેને પીડીતે ચૂકવી દીધું હતું. જોકે તેના મિત્રોએ ભાગે પડતા પૈસા આપવાનું વચન આપ્યું હતું. પણ જયારે પૈસા આપવાનો સમય આવ્યો તો તે તમામે પૈસા આપવાની ના પાડી દીધી હતી. જે બાદ થયેલી માથાકૂટમાં આરોપીઓએ સાબિરની હત્યા કરી હતી.
હાલ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 323, 109 અને 34 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે, અને આગળની તપાસ ચાલુ છે.
A 20-year-old youth named Sabir was allegedly murdered by four of his friends, two of whom were minors, following a dispute over sharing the food bill during Sabir's birthday party. The police arrested all four accused. Two accused- Shahrukh and Nishar were sent to jail and two…
— ANI (@ANI) June 6, 2023
મીડિયા અહેવાલો મુજબ ચારેય આરોપીઓએ મૃતક સાબિરને કહ્યું હતું કે તેઓ બાદમાં પૈસા ચૂકવી આપશે, તે બાદ સાબિરે પોતે જમવાનું બીલ ચુકવ્યું અને ઘરે આવી ગયો હતો. બપોરે લગભગ 2 વાગ્યાના અરસામાં જયારે સાબિર આરોપી શાહરૂખ અને તેના અન્ય 3 મિત્રો પાસે પૈસા માંગવા ગયો ત્યારે તેમણે પૈસા આપવાની ના પડી અને ધમકી આપી હતી. જે બાદ સાબિર ત્યાંથી ચાલ્યો ગયો હતો અને તેના અન્ય મિત્રને આ ઘટના વિશે જણાવ્યું હતું.
બાદમાં 31 મેની રાત્રે લગભગ 8 વાગ્યાના આરસમાં જયારે સાબિર તેના અન્ય મિત્રો સાથે શિવાજી નગર વિસ્તારમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો, તે સમયે ચારેય આરોપીઓ ત્યાં આવી ચઢ્યા હતા અને મૃતકને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન તેઓ સાબીરને ધારદાર હથીયારના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચી હતી, અને ગંભીર રીતે ઘાયલ સાબિરને દવાખાને લઈ જવામાં આવ્યો જ્યાં ફરજ પરના ડૉકટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.