વડોદરામાં કેટલાક મુસ્લિમ વ્યક્તિઓએ અશાંત ધારો લાગુ થયેલા વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી લીધી હોવાનું સામે આવ્યું છે. અશાંત ધારો લાગુ કરેલા વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા આ લોકોએ બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા. સમગ્ર મામલે પહેલા કલેકટર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. કલેકટર સામે રજૂઆત બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસે ઇલિયાસ, શકીલ અને સમીર નામના ઈસમો સામે ગુનો નોંધી કર્યાહી કરી હતી.
મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા વડોદરા કલેકટરને ફરિયાદ મળી હતી કે કેટલાક મુસ્લિમ લોકોએ અશાંત ધારાવાળા વિસ્તારમાં મકાન ખરીદ્યા છે. ફરિયાદ મળ્યા બાદ સબ રજીસ્ટાર ઓફીસ દ્વારા તપાસ કરવામાં આવી અને બાદમાં રાવપુરા પોલીસને ફરિયાદ કેરી ફોરવર્ડ કરવામાં આવી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તપાસ આદરી હતી, જેમાં ફરિયાદ સાચી હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ પોલીસે ઇલિયાસ, શકીલ અને સમીર નામના આરોપીઓની ધરપકડ કરી હતી.
3 People nabbed for buying houses under disturbed areas act through fake documents #Vadodara #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/hFV6LGnUul
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2024
કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ પૈકી ઇલિયાસ શેખ નામનો આરોપી દેશ છોડીને વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. જોકે તે ભાગે તે પહેલા જ પોલીસે એક લૂક આઉટ નોટીસ જાહેર કરી હતી. નોટીસ જાહેર કર્યા બાદ તેને મુંબઈથી ઝડપીને જેલના સળિયા ગણતો કરી દેવાયો હતો. ધરપકડ બાદ ત્રણેય આરોપીઓએ રજૂ કરેલા દસ્તાવેજોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ તમામ દસ્તાવેજો ખોટા હોવાનું ઠેરવ્યું હતું.
કાર્યવાહી દરમિયાન પોલીસે ફરીયાદી પક્ષને બાહેંધરી આપી છે કે આ કાવતરા પાછળ સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કલેકટર કચેરીથી માંડીને દસ્તાવેજ તૈયાર કરવામાં જે પણ સરકારી ખાતાના વ્યક્તિ સંકળાયેલા હશે, તપાસ બાદ તે તમામ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આરોપી ઇલિયાસ શેખ વડોદરામાં ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અશાંત ધારાવાળા વિસ્તારમાં મકાન ખરીદીને સાઉદી ભાગવાની ફિરાકમાં હતો, પોલીસની સમય સુચકતા અને સતર્કતાના કારણે તે જેલના સળિયા ગણતો થઈ ગયો છે.