ઉત્તરપ્રદેશના બરેલીમાં અનસ અન્સારી નામના મુસ્લિમ યુવકે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને હત્યાની ધમકી આપી હતી. અનસ અન્સારી નામના મુસ્લિમ યુવકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બાબા બાગેશ્વરને મારી નાખવાની ધમકી આપી હતી. અનસ અન્સારી દ્વારા કરાયેલી ધમકીની આ પોસ્ટને લઈને સનાતન ધર્મના પ્રચારોકો અને હિંદુ સંગઠનો રોષે ભરાયા હતા. હિંદુ સંગઠનોએ પોલીસને સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અસન અન્સારી સામે FIR દાખલ કરી ગુનો નોંધ્યો છે.
અહેવાલોના જણાવ્યા અનુસાર હાફિજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિઠોરા વિસ્તારમાં રહેતા અનસ અન્સારીએ ઇન્સ્ટરગ્રામ પર mr-anas2332 નામથી આઈડી બનાવી હતી. આ આઈડી દ્વારા તેણે સનાતન ધર્મ અને સનાતન ધર્મના પ્રચારક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને ભડકાઉ પોસ્ટ કરી હતી. તેણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને લઈને હિંદુ જાગરણ મંચ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ મામલે પોલીસે અનસ અન્સારી વિરુદ્ધ FIR દાખલ કરીને 3 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની ધરપકડ કરી હતી.
શું હતી વિવાદિત પોસ્ટ?
અનસ અન્સારી નામના મુસ્લિમ યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધમકીભરી પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે બાબા પર મોત મંડરાઈ રહી છે. આ પોસ્ટ કર્યા બાદ હિંદુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘણા હિંદુ યુઝરોએ અનસ અન્સારીને મેસેજ પણ કર્યા હતા. જેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હિંદુ સંગઠનોએ પોસ્ટના સ્ક્રીનશોટ લઈને X (અગાઉનું ટ્વિટર) પર શેર કરીને બરેલી પોલીસ, આઈજી, એડીજી અને ડીજીપીને ટેગ કરીને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધ્યો
હિંદુ જાગરણ મંચ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મળેલી ફરિયાદને ધ્યાને લઈને પોલીસ તાત્કાલિક એક્શન લઈ આરોપી અનસ અન્સારીની ધરપકડ કરી હતી. આરોપી અનસ અન્સારી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. આ મામલે પોલીસ તરફથી હાફિજગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અનસ અન્સારી ક્યાં લોકો સાથે સંપર્કમાં હતો એ બાબતની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર આ મામલે આરોપી અનસ અન્સારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 295A (ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવી), 504 (શાંતિનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવું) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.