UP ATSએ નેપાળના રસ્તે ભારતમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા ઇસ્લામિક આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ત્રણેયમાં 2 પાકિસ્તાની નાગરિક છે તો એક આતંકવાદી કાશ્મીરનો રહેવાસી છે. આ ત્રણેય ઉત્તર પ્રદેશના મહારગંજ જિલ્લાની નેપાળી સીમાથી બસમાં બેસીને ભારતમાં ઘૂસી રહ્યા હતા. તપાસ દરમિયાન સુરક્ષાકર્મીઓને શંકા જતા ત્રણેય પકડાઈ ગયા હતા. હાલ ત્રણેયને UP ATSના હવાલે કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ આતંકવાદીઓને ISI દ્વારા મોકલવામાં આવ્યા હતા. તેમને ભારતમાં મોટી આતંકી ઘટના પાર પાડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તેમની ઓળખ મોહમ્મદ અલ્તાફ પુત્ર ખિજર મોહમ્મદ ભટ, રહેવાસી- મકાન નંબર 559, સાદીકાબાદ, રાવલપિંડી- પાકિસ્તાન. બીજાની સૈયદ ગજનફર, પુત્ર સૈયદ મોહમ્મદ સૈયદ, રહેવાસી- તીરામણી ચોક, ઈરફાનાબાદ, F-87, ઘર નંબર 19, જામિયા અલી મૂર્તજા મસ્જિદ ઇસ્લામાબાદ પાકિસ્તાન. અને ત્રીજાની ઓળખ નાસિર અલી, પુત્ર ગુલામ અહમદ અલી, રહેવાસી કરાલી પોરા હવલ શ્રીનગર, જમ્મુ-કાશ્મીર તરીકે થઈ છે.
સુરક્ષા એજન્સીએ ત્રણેયની ધરપકડ કરીને તેમને UP ATSન સોંપી દીધા છે. ATSના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓની ઘૂસણખોરીના ઈનપુટ પહેલેથી જ મળી ચૂક્યા હતા. જેના કારણે નેપાળ બોર્ડર પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ ત્રણેય એક બસમાં સવાર મળી આવ્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાની જાસુસી ISIની મદદથી ભારતમાં મોટી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર. મોહમ્મદ અલ્તાફ હિજબુલના મુજફ્ફરાબાદ ખાતેના કેમ્પમાં ટ્રેનીંગ લઈ ચુક્યો છે અને તે નેપાળમાં બેઠેલા હિજબુલના હેન્ડલરના સંપર્કમાં હતો. આ હેન્ડલરે જ અલ્તાફને નેપાળના રસ્તે ભારત પહોંચાડવાના નિર્દેશ આપ્યા હતા. નેપાળના કાઠમાંડુમાં તેને હેન્ડલર મળ્યો અને તેણે અલ્તાફની સાથે સૈયદ ગજનફરને બનાવટી આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે જ તેઓ ભારતમાં ઘૂસ્યા હતા.
આ મામલે ATSના IG નિલાબ્જા ચૌધરીએ કહ્યું હતું કે, “ATSને એક ઇન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા કે કેટલાક પાકિસ્તાની નાગરિકો નેપાળ બોર્ડરથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે, જેમની મદદ પાકિસ્તાની જાસુસી એજન્સી ISI કરી રહી છે. આ આતંકવાદીઓએ ISIની મદદથી પાકિસ્તાન સ્થિત હિજબુલના ટ્રેનીંગ સેન્ટરમાં હથીયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી છે અને તેઓ ભારતમાં આતંકી હુમલો કરવા આવી રહ્યા હતા. આ સૂચના આધારે ઉત્તર પ્રદેશ ATSની ગોરખપુર યુનીટે ઇલેક્ટ્રિક અને હ્યુમન સર્વેલન્સના આધારે સફળ ઓપરેશન ચલાવ્યું અને સોનૌલી બોર્ડર પાસે ફરેદા નામના ગામ પાસેથી 2 પાકિસ્તાની આતંકવાદી અને તેમને મદદ કરી રહેલા 1 કાશ્મીરીન ધરપકડ કરવામાં આવી હતી.”