વડોદરાના મકરપુરા ખાતે રહેતી હિંદુ સગીરા પર રેપ કરનાર તોસીફ ઇમરાનખાન પઠાણને પોક્સો કોર્ટે 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ ભોગ બનનારી સગીરાને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ-2019ની જોગવાઈ હેઠળ 6 લાખ રૂપિયાનું વળતર આપવા પણ સ્પેશિયલ પોક્સો કોર્ટે આદેશ કર્યો છે. આરોપીએ વર્ષ 2019માં પીડિતાને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવીને તેની પાસે અનેકવાર મુખમૈથુન કરાવ્યું હતું. પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં તેનું ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી હિંદુ વિધવા મહિલાએ પોતાની સગીર બાળકી પર તોસીફ પઠાણે રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિનું અવસાન થઇ ચૂક્યું છે અને તેઓ મકરપુરા GIDC પાસે આવેલી એક સોસાયટીમાં પોતાની એકમાત્ર સગીર વયની દીકરી સાથે રહે છે. ફરિયાદ અનુસાર પાડોશમાં રહેતા તોસીફે 10મા ધોરણમાં ભણતી તેમની દીકરીને ઈન્સ્ટાગ્રામ દ્વારા પ્રેમજાળમાં ફસાવી હતી.
અલગ-અલગ જગ્યા પર લઇ જઈ કર્યો રેપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર તોસીફે સગીરાને એક મોબાઈલ ફોન પણ લઈ આપ્યો હતો. તે અવારનવાર પીડિતાને લઈને મકરપુરાના લાલબાગ અને ONGC બાગમાં લઇ જતો, ત્યાં જઈ તે સગીરા સાથે શારીરિક અડપલાં કરી તેની પાસે મુખમૈથુન કરાવતો હતો. ફરિયાદ મુજબ ઇમરાન સગીરાના ગુપ્તાંગ અને અન્ય અંગો સાથે છેડછાડ કરીને તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી પણ કરતો હતો. આ સાથે જ પોતાની દીકરીને કલમા પઢાવવાના અને નમાજ અદા કરવા તેમજ બુરખો પહેરવા માટે દબાણ કરવાના આરોપ કર્યા હતા.
મસ્જિદમાં લઇ જઈ કરાવ્યું ધર્માંતરણ
સગીરાની માતાએ આપેલી ફરિયાદ અનુસાર આરોપી તોસીફ તેમની પુત્રીને લઈને પ્રતાપનગર પુલ નીચે આવેલી મસ્જિદમાં લઇ ગયો હતો. ત્યાં લઇ જઈ તેણે સગીરાને કલમા પઢાવી ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. આ ઘટના બાદ સગીરા પોતાના ઘરમાં બુરખો પહેરવા લાગી હતી. તોસીફે તેનું એ હદે બ્રેઈનવૉશ કરેલું કે તે ઘરમાં જ નમાજ પઢવા લાગી હતી. સગીરાની માતાએ ફરિયાદમાં તેવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમની પુત્રી મઝહબી તાલીમ મુજબ રોજા પણ રાખતી હતી.
પોતાની દીકરીની આ દશા જોઇને ચિંતિત માતાએ તોસીફને સમજાવવાનો પ્રયત્ન કરવા પર તેણે તેમને ધમકી પણ આપી હતી. તેણે સગીરાની માતાને કહ્યું હતું કે, “તારાથી થાય તે કરી લે, હું તારી દીકરી સાથે નિકાહ કરીશ અને તેને મારી બીવી બનાવીશ. જો તું વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ.” પીડિતાના માતાની ફરિયાદ બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ, છેડતી, દુષ્કર્મ તેમજ પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ પોલીસે આરોપીના મોટરસાઈકલ, કપડાં, પીડિતાનાં કપડાં તેમજ અન્ય જરૂરી પુરાવાઓ અને સાક્ષીઓનાં નિવેદનો લઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે બાદ આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષે સરકારી વકીલ હિતેન્દ્ર જોષીની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાને રાખી પોક્સો કોર્ટના જજ પ્રિયંકા અગ્રવાલે તોસીફને ગુનેગાર ઠેરવ્યો હતો. તોસીફ વિરુદ્ધના આરોપો સાબિત થતા વડોદરાના મકરપુરા ખાતે હિંદુ સગીરા પર રેપ કરનાર તોસીફ પઠાણને ન્યાયાલયે 20 વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે, બીજી તરફ ઘટના સમયે સગીરાની ઉમર 16 વર્ષ કરતાં ઓછી હોવાથી કોર્ટે 6 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે.