સુરતના ઉધના (Udhana) વિસ્તારમાંથી એક હિંદુ સગીરાને મુસ્તફા શેખ (Mustfa Sheikh) નામનો આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો મામલો સામે આવ્યો છે. સામે આવેલ માહિતી અનુસાર, આરોપી મુસ્તફા છેલ્લા એક-દોઢ વર્ષથી સગીરાને પરેશાન કરતો હતો. જે મામલે પીડિતાની માતાને જાણ થતા તેણે પોલીસ (Udhana Police) ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી ઉધના પોલીસે મુસ્તફાની ધરપકડ કરી હતી.
FIR અનુસાર, પીડિતાની માતા છેલ્લા 15 વર્ષથી તેમના ભાઈના ઘરે સુરતના ઉધના ખાતે રહે છે અને ફોલ-બિડિંગ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. તેમના પતિનું 15 વર્ષ પહેલાં અવસાન થયા બાદ તે તેમની પુત્રી સાથે ભાઈને ઘરે રહેવા આવી ગયા હતા. તેઓ પટેલનગર ખાતે ભાડાના મકાનમાં રહે છે. ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, આશરે દોઢ વર્ષ પહેલાં મુસ્તફાએ સોશિયલ મીડિયા માધ્યમ ઈન્સ્ટાગ્રામ દ્વારા પીડિતાનો સંપર્ક કર્યો હતો.
વાત કરવા કરતો હતો દબાણ
ત્યારપછી પીડિતા અને મુસ્તફા કોલ અને મેસેજથી વાતચીત કરતા હતા. જે અંગે પીડિતાના મામાને જાણ થતા તેમણે તેની માતાને કહ્યું હતું. ત્યારપછી તેની માતાએ સગીરાને તેમની માતાના ઘરે ગામડે મોકલી દીધી હતી. આ ઉપરાંત પીડિતાની સગાઈ પણ નક્કી થઈ ગઈ હતી. તેવામાં 10 એપ્રિલના રોજ મુસ્તફાએ પીડિતાની જેની સાથે સગાઇ થવાની હતી તેને પણ ફોન પર મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે જ્યારે પીડિતાની માતાએ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે મુસ્તફા છેલ્લા દોઢ વર્ષથી પીડિતાને કોલ મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો. ઉપરાંત ધમકી પણ આપતો હતો. ઑપઇન્ડિયા પાસે હાજર ફરિયાદની નકલ અનુસાર, આરોપી પીડિતા પર તેની સાથે વાતચીત કરવા દબાણ કરતો અને ધમકી આપતો હતો કે, જો પીડિતા તેની સાથે વાતચીત નહીં કરે તો તેની માતાને જાનથી મારી નાખશે.
માતા-મામાને પણ જાનથી મારી નાખવાની ધમકી
સમગ્ર મામલે વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સંગઠન સાથે સંપર્ક કર્યો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદના અમિતભાઈએ જણાવ્યું હતું કે આરોપી મુસ્તફા છેલ્લા દોઢ વર્ષથી સગીરાને હેરાન પરેશાન કરતો હતો. વાતચીત કરવા દબાણ કરતો અને જો પીડિતા ના પાડે તો તેના મામા, માતા અને તેને જાનથી મારીનાખવાની ધમકી આપતો હતો.
તેમણે જણાવ્યું હતું કે આરોપીએ અગાઉ પીડિતા સાથે મારપીટ પણ કરી હતી. આ ઉપરાંત આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ મુસ્તફાની અમ્મી સહિતના લોકો પીડિતાના પરિવારને ફરિયાદ પરત ખેંચવા ધમકાવવા પણ ગયા હતા. જોકે VHPના સહકારના કારણે પીડિતાના પરિવારે સમાધાન ન કર્યું અને ફરિયાદ પરત ન ખેંચી.
પોક્સો હેઠળ નોંધાઈ ફરિયાદ, થઈ ધરપકડ
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, આરોપીનું નામ મુસ્તકીન ઉર્ફે મુસ્તફા મોહમ્મદ અકબર શેખ (21) છે અને તે ફેબ્રિકેશનનો ધંધો કરે છે. પોલીસે 13 એપ્રિલના રોજ આરોપી મુસ્તફાની ધરપકડ કરીને આગામી કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, “પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મુસ્તફાની ધરપકડ કરી છે, જેને પીડિતાનો હાથ પકડીને છેડતી કરી હતી અને ધમકી આપી હતી કે તું મારી સાથે નહીં ચાલે તો તને જાનથી મારી નાખીશ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મુસ્તફાની ધરપકડ કરી છે અને તેણે અન્ય કોઈ યુવતી સાથે પણ આવી હરકત કરી છે કે કેમ કે પછી તેનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે જાણવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”
આ મામલે પીડિતાની માતાની ફરિયાદના આધારે ઉધના પોલીસે આરોપી મુસ્તફા શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75 (2), 78 (2), 351 (3) અને પોક્સો એક્ટની કલમ 8, 11 (4), અને 12 વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. FIRની નકલ પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.