સુરતના કપોદ્રાની શાળામાં શિક્ષિકાએ કેજીની વિદ્યાર્થીનીને એક-બે નહીં પણ એકસાથે 35 થપ્પડ મારી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના કાપોદ્રા વિસ્તારના કારગિલ ચોક ખાતે આવેલી સાધના નિકેતન વિદ્યાલયની છે. ઘટના સામે આવ્યા બાદ પીડિત વિદ્યાર્થીનીના પરિવાર સહિત શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ રોષે ભરાયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા, જેના આધારે વિદ્યાર્થીનીના માતાપિતા શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને તાજી જાણકારી મુજબ તેની ધરપકડ કરી લેવાઈ છે.
અહેવાલો અનુસાર આ અમાનુષી ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ આરોપી શિક્ષિકા પોતાના નિવાસસ્થાનેથી ફરાર થઈ ગઈ હતી. આ દરમિયાન પીડિત વિદ્યાર્થિનીના વાલીએ પુરાવાઓને આધારે પોલીસ ફરિયાદ કરતા કપોદ્રા પોલીસ પણ આરોપી શિક્ષિકાની શોધમાં લાગી ગઈ હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સંબંધીના ઘરેથી તેને શોધી કાઢી હતી અને તેની ધરપકડ કરી હતી.
દિકરીના શરીર પર લાલ ચકામા જોઈને માતા ચોંકી ગઈ
મળતી માહિતી અનુસાર, પીડિત વિદ્યાર્થીની સુરત શહેરના કપોદ્રા વિસ્તારમાં આવેલા કારગિલ ચોક પાસે આવેલી સાધના નિકેતન વિદ્યાલયમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. શાળાએથી ઘરે આવીને જ્યારે તે પોતાનો ગણવેશ બદલી રહી હતી ત્યારે તેની માતાએ બાળકીના પીઠ પર લાલ ચકામા જોયા હતા. માતાએ તે વિશે પૂછતાં બાળકીએ કહ્યું હતું કે તેની શિક્ષિકાએ તેને માર માર્યો છે. દીકરીને આ હદે માર મારવામાં આવતા માતા રોષે ભરાઈ હતી અને શાળાએ ફરિયાદ કરવા પહોંચી હતી.
આ મામલે વિદ્યાર્થીનીના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ પોતાના કામ પર હતા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને તેમની પુત્રીને આ હદે માર મારવામાં આવ્યો હોવાની જાણ થઇ હતી, જે બાદ તેઓ પણ શાળાએ પહોંચ્યા હતા. પહોંચતા સુધીમાં શાળા બંધ થઇ ગઈ હતી, પરંતુ રોષે ભરાયેલા માતાપિતાએ આ વિશે શાળાના આચાર્યને ફરિયાદ કરી હતી. આ દરમિયાન વર્ગખંડમાં લાગેલા CCTV તપાસતા બાળકીના માતા-પિતા બંને ચોંકી ઊઠ્યાં હતાં.
CCTVમાં કેદ થઈ વિદ્યાર્થીનીને 35 થપ્પડ મરવાની આ રાક્ષસી ઘટના
CCTV કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં તેમણે જોયું હતું કે શાળાની શિક્ષિકા બાળકીને પીઠ પર એક-બે નહીં પણ પૂરા 35 ધબ્બા મારી રહી છે. આ સાથે જ શિક્ષિકાએ બાળકીને ગાલ પર 2 તમાચા પણ ચોડી દીધા હતા. પોતાની બાળકી સાથે થયેલા અમાનુષી વ્યવહાર જોઈએ વિદ્યાર્થીનીના વાલી વધુ રોષે ભરાયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બીજી તરફ બાળકીને માર મારવાનો આ વિડીયો પણ વાયરલ થઇ ગયો હતો. સાવ કુમળા ફૂલ જેવી બાળકી સાથે અમાનુષી વ્યવહાર સામે આવ્યા બાદ લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કોઈ શિક્ષિકા આ હદે કઈ રીતે ક્રૂરતા દર્શાવી શકે? શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને આ વિશે જાણ થતાં તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સુરત શહેરના DEO દિપક દરજીએ પણ સંજ્ઞાન લેતા તેમણે જણાવ્યું છે કે, “અમે મેનેજમેન્ટ સાથે વાત કરીને જો શિક્ષિકા દોષમાં હશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. શિક્ષિકાએ આવું કેમ કર્યું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ આવી કોઇપણ પ્રકારની વસ્તુ ચલાવશે નહીં અને ચલાવવા માંગતું પણ નથી.”
હાલ સુરતના કપોદ્રાની શાળામાં શિક્ષિકાએ કેજીની વિદ્યાર્થીનીને 35 થપ્પડ મારી હોવાની ઘટના આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં લોકો શિક્ષિકા વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે.