સુરતમાં બાઈક પર ‘કટ્ટર હિંદુ’ લખવા બદલ ડિલિવરી બોયને હત્યાની ધમકી આપવામાં આવી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં મુસ્લિમ યુવતીના ઘરે પાર્સલ આપવા ગયેલા હિંદુ યુવકના બાઈક પર ‘કટ્ટર હિંદુ’ લખેલું સ્ટીકર જોઈ યુવતીના અબ્બુ ભડકી ઉઠ્યા હતા. ભડકેલા યુવતીના અબ્બાએ ડિલિવરી આપવા આવેલા હિંદુ યુવકને અપશબ્દો ભાંડી ફરી તેના ઘર તરફ દેખાશે તો જાનથી મારી નાંખશે તેમ ધમકી આપી મારવા પાછળ દોડ્યા હતા. યુવક માંડ પોતાને બચાવીને ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો હતો, જે બાદ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા વાલક પાટિયા પાસે આવેલી ફારૂકી મસ્જીદ પાસેના મુસ્લિમ વિસ્તારની છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરત ખાતે રહેતો 22 વર્ષીય મનીષ ચૌધરી નામનો પીડિત યુવક છેલ્લા એક મહિનાથી ખાનગી કંપનીમાં પાર્સલ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. મનીષ નાનપણથી જ સનાતન ધર્મ પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે. પૂજા-પાઠ કરવા અને તિલક કરી ભગવાનનું નામ લઈ રોજગાર પર ચઢવું તેનો નિત્યકર્મ છે. મનીષ પાસે એક જુનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ છે જેના પર તેણે ભગવા ધ્વજ સાથે ‘કટ્ટર હિંદુ’ લખેલું એક સ્ટીકર પણ લગાવ્યું છે. તેવામાં તેની હિંદુ ધર્મ પ્રત્યેની શ્રધ્ધા જોઈ તેને જાનથી મારી નાંખવાની ધમકી મળશે તેનો તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો.
આ ઘટના સામે આવ્યા બાદ ઑપઇન્ડિયાએ પીડિત હિંદુ યુવક મનીષનો સંપર્ક કર્યો હતો. મનીષે ટેલીફોનીક વાતચીત કરીને અમારી ટીમને આખી ઘટના કહી સંભળાવી હતી. મનીષના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા એક મહિનાથી પાર્સલ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ગઈકાલે તે રાબેતા મુજબ બપોરે 11 વાગ્યે નોકરી પર હાજર થયો હતો અને લગભગ 70 જેટલા પાર્સલ લઈ તેઓ ડિલિવરી માટે નીકળ્યો હતો. તેવામાં એક પાર્સલ વાલક પાટિયા પાસે આવેલી ફારૂકી મસ્જીદ પાસેના મુસ્લિમ વિસ્તારનું હતું, પાર્સલ પર લખેલ અલવીરા નામ સાથેના મોબાઈલ નંબર પર ફોન કરતા સામેથી એક યુવતીએ ફોન ઉપાડ્યો, જે બાદ તે ડિલિવરી એડ્રેસ જાણી પાર્સલ પહોંચાડવા માટે નીકળ્યો હતો.
કટ્ટર હિંદુ લખેલું જોઈ હત્યાની ધમકી આપી
પોતાની સાથે ઘટેલી ઘટના વિશે મનીષે આગળ જણાવ્યું કે, “હું જયારે મુસ્લિમ યુવતી અલવીરાના નામનું પાર્સલ લઈને આપેલા સરનામાં પર પહોંચ્યો, ત્યારે ઘરમાંથી એક યુવતી આવીને પેકેટ લઈ ગઈ. પાર્સલના 1160 રૂપિયા ચુકવવા માટે યુવતિના અબ્બુ ઘરની બહાર આવ્યા. તેવામાં તેમણે મારી બાઈક પર લખેલું ‘કટ્ટર હિંદુ’ લખેલું સ્ટીકર જોયું. આ દરમિયાન ખબર નહીં શું થયું કે મુસ્લિમ યુવતીના અબ્બુ અચાનક મારી ઉપર ભડકી ગયા.
“તેમણે મને ધમકી ભર્યા સ્વરમાં પૂછ્યું કે ‘એ કયું લિખા હૈ?’ મારે અન્ય જગ્યાઓ પર પણ સમયસર પાર્સલ ડિલિવર કરવાના હોવાથી મેં તેમને શાંતિથી જવાબ આપ્યો કે બસ ખાલી એમજ લખ્યું છે. જેના પર તે વધુ ભડક્યા અને કહેવા લાગ્યા કે, ‘શું તું મોમેડીયન લોકોના ઘરે પાર્સલ નથી આપતો? શું આ બધું સારું લાગે?’ જેના પર મેં કહ્યું કે આ મારો અંગત વિષય છે, મેં મારા ધર્મ વિષે લખ્યું છે. હું બીજા કોઈ ધર્મ વિષે ક્યાં કશું વાંધાજનક કહું છું.” મનીષે જણાવ્યું.
મનીષના જણાવ્યા અનુસાર આ સાંભળીને મુસ્લિમ વ્યક્તિ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. આટલું જ નહીં, ભડકેલા વ્યક્તિએ પીડિત હિંદુ યુવકને માર મારવા પાછળ દોટ પણ મૂકી. જોકે મનીષે મામલો શાંતિથી થાળે પાડવા અને ઉશ્કેરાયેલા વ્યક્તિને શાંત કરવા પોતાના મેનેજરને ફોન કરીને આખી ઘટના કહી. આ દરમિયાન મેનેજરે મનીષને તે મુસ્લિમ વ્યક્તિ સાથે વાત કરાવવા કહેતા મનીષે હુમલો કરનારને પોતાનો ફોન આપ્યો. મનીષના કહ્યા અનુસાર મેનેજર સાથે ફોન પર વાત કરતી વખતે પણ આ વ્યક્તિએ મને મા-બહેન પર અભદ્ર ગાળો આપી હતી.
‘મને લાગ્યું મારી હાલત કિશન ભરવાડ જેવી થશે’: મનીષ ચૌધરી
પીડિત હિંદુ યુવક મનીષ ચૌધરીએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે હિંદુ ધર્મ પ્રત્યેનો તેનો પ્રેમ કોઈને આ હદે ખૂંચશે. તાજેતરમાં કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી કિશન ભરવાડની હત્યાની ઘટના યાદ કરતા મનીષે અમારી ટીમને જણાવ્યું કે, “આ બધું એટલું અચાનક બની ગયું કે મને કશું નહોતું સમજી રહ્યું કે શું કરું, મને એમ હતું કે મારા મેનેજર સાથે વાત કરીને ઉશ્કેરાયેલો મુસ્લિમ વ્યક્તિ મને જવા દેશે. પરંતુ તેના વિપરીત તે આ ફોનથી વધુ ઉશ્કેરાઈ ગયો, અને ફોન કાપીને ‘તેરેકો કિસને બોલા ફોન કરનેકો, મેરે ઘરકે આસપાસ દિખા તો જાનસે માર દુંગા’ કહી ફરી મને ગાળો ભાંડવા લાગ્યો. આટલું જ નહીં તે મને મારવા પણ ધસી આવ્યો, એક વાર તો મને એમ થયું કે હું હવે અહીંથી પરત નહીં જઈ શકું અને મારી હાલત પણ કિશન ભરવાડ જેવી થશે. જો હું સમયસર ત્યાંથી ન નીકળ્યો હોત છો ચોક્કસ કિશન ભરવાડ જેવું જ કશું થયું હોત.”
પોતાની સુરક્ષાને લઈ ચિંતા જાહેર કરતા મનીષે જણાવ્ય કે, “તેણે મને કહ્યું હતું કે ‘જાન સે માર દુંગા’ અને ઘટના બાદ મને થોડો ડર પણ છે. નોકરીને લઈને હું મોટાભાગે એકલો જ ફરતો હોઉં છું. કોઈ મને આંતરી લેશે અને કશું કરી નાંખશે તો મારા પરિવારનું શું થશે? આજે આ વ્યક્તિએ આવું કર્યું કાલે તેનું જોઇને બીજા 10 મુસ્લિમો આવું કરશે. માની લો કે કોઈએ મને ઘેરી લીધો તો મદદ આવતા આવતા થોડો તો સમય લાગશે ને? ત્યાં સુધીમાં શું ન થઈ શકે મારી સાથે. આથી પ્રસાશન પાસે મારી માંગ છે કે મેં જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે આરોપીને કડક અને દાખલો બેસે તેવી સજા આપવામાં આવે, જેને જોઈ અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરે.”
ઉલ્લેખનીય છે કે સુરતમાં બાઈક પર કટ્ટર હિંદુ લખવા બદલ ડિલિવરી બોયને હત્યાની ધમકી મળ્યાની આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક હિંદુ સંગઠનોએ પણ આ મામલે ચિંતા જાહેર કરી હતી. પીડિત યુવકે ફરિયાદ દાખલ કરાવતા હિંદુ સંગઠનોએ પણ ઘટનામાં આરોપીને આકરી સજા આપવાની માંગ કરી છે. તો બીજીતરફ સુરતની સરથાણા પોલીસ મનીષ ચૌધરીની ફરિયાદના આધારે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.