સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કરોડો રામભક્તો રામમય થઈને ભક્તિના રંગે રંગાઈ ગયા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ ઉત્સાહિત છે. દરેક રામભક્તો ‘જય શ્રીરામ’ જેવા જયઘોષ સાથે પોતાની લાગણી અને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. આવા જ ઉત્સાહમાં આવીને મધ્ય પ્રદેશની એક પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીએ ‘જય શ્રીરામ’નો નારો લગાવી દીધો. જેનાથી ત્યાં હાજર શિક્ષક અબ્દુલ વાહિદે ગુસ્સે થઈને વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો. પોલીસે આ મામલે FIR નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર આ ઘટના મધ્ય પ્રદેશના શહડોલ સ્થિત ગ્રીન બેલ્સ નામની પ્રાઇવેટ સ્કૂલમાં બનવા પામી હતી. 7મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ શનિવારે (20 જાન્યુઆરી) ઇંગ્લિશના ક્લાસ દરમિયાન ‘જય શ્રીરામ’નો નારો લગાવ્યો તો શિક્ષક અબ્દુલ વાહિદ તેનાથી ભડકી ઉઠ્યો હતો. તેણે નારો લગાવનારા 12 વર્ષના વિદ્યાર્થીને ઊભો કર્યો અને તેને સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ સામે જ અપમાનિત કર્યો. જે બાદ આરોપી અબુલ વાહિદે તે વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો હતો. સ્કૂલ બાદ વિદ્યાર્થી જ્યારે ઘરે પહોંચ્યો તો તેણે પરિવારને આ ઘટના વિશેની વાત કરી હતી.
હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશનને ઘેરીને કર્યો વિરોધ
બુઢાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજય જયસવાલે આ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, સ્કૂલમાં બનેલી આ ઘટના બાદ પીડિત બાળકનો પરિવાર અને હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો હતો. જે બાદ હિંદુ સંગઠનો, સ્થાનિક લોકો અને પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમણે પોલીસ સ્ટેશનને ઘેરીને ‘જય શ્રીરામ’ના નારા લગાવવાનું ચાલુ કર્યું અને આરોપી શિક્ષકની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવા લાગ્યા હતા. જે બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને આરોપી શિક્ષક અબ્દુલ વાહિદ અને સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ઘટનાની માહિતી મેળવીને શિક્ષક અબ્દુલ વાહિદ અને સ્કૂલના સંચાલક સમર નિયાઝી વિરુદ્ધ કલમ 153, 325 અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે. એ ઉપરાંત બંને આરોપીઓ સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. સાથે જ શિક્ષક અબ્દુલ વાહિદની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સ્કૂલ મેનેજમેન્ટ પર આ મામલે બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જ્યાં આ ઘટના બનવા પામી હતી તે એક ખાનગી શાળા છે અને CBSC બોર્ડ હેઠળ ચાલે છે. આ શાળા નિયાઝી એજ્યુકેશનલ સોસાયટી નામની સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.