મંગળવારે (26 ડિસેમ્બર, 2023) RBIને એક ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો. જેમાં બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. ઇ-મેઇલ દ્વારા RBIની ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકની મુંબઈ સ્થિત ઓફિસ સહિત 11 સ્થળો પર બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ RBIએ પોલીસ વિભાગને જાણ કરી હતી. હવે આ મામલે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતથી ત્રણ ઈસમોની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ આદિલ, વસીમ અને આર્શિલ તરીકે થઈ છે.
RBIને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મુદ્દો
— News18Gujarati (@News18Guj) December 27, 2023
પાદરામાંથી એક યુવક અને પાણીગેટમાંથી બે યુવકોની અટકાયત
આદિલ, વસીમ અને આર્શીલ નામના યુવકોની કરાઈ ધરપકડ
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર ATSનું વડોદરામાં ગુપ્ત ઓપરેશન#NEWS18GUJARATINO1 #GUJARAT pic.twitter.com/aFwZmVwWZs
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે RBIને ધમકીભર્યો મેઇલ મોકલનારા આદિલ, વસીમ અને અર્શીલ નામના યુવકોને વડોદરાથી ઝડપી પાડીને પૂછપરછ શરૂ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ ગુજરાત પોલીસ અને ગુજરાત ATSને સાથે રાખીને આરોપીઓને દબોચ્યા છે. મળેલી માહિતી અનુસાર ત્રણેય આરોપીઓ પરસ્પર મિત્રો અને સંબંધીઓ છે. આદિલ રફીક અને વસીમ પરસ્પર સંબંધી છે અને અર્શીલ બંનેનો મિત્ર છે. ત્રણેયને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઇ-મેઇલ મોકલવા માટે વપરાયેલા ઉપકરણને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય આરોપીની ઓળખ મોહમ્મદ અર્શીલ (27) તરીકે થઈ છે. તેણે BBA કર્યું છે અને શેર માર્કેટમાં કામ કરે છે. તેના જ મોબાઈલમાંથી ઈ-મેઈલ આઈડી બનાવવામાં આવ્યું હતું, જેની મદદથી ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો. અન્ય આરોપી વસીમ મેમણ (35) તેનો સબંધી થાય છે, જે પાનની દુકાન ચલાવે છે. ત્રીજો આરોપી આદિલ મલિક (23) છે, જે ઈંડાની દુકાન ચલાવે છે. પોલીસે જણાવ્યા મુજબ, મલિકે ફેક ડોક્યુમેન્ટના આધારે સિમ ખરીદ્યું હતું, જે આદિલને આપ્યા બાદ તેણે અર્શીલને પહોંચાડ્યું હતું.
પોલીસને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પૂછપરછમાં આરોપીઓએ તેમનાથી ભૂલ થઈ ગઈ હોવાનું અને બીજો કોઇ મકસદ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે, હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને મુંબઈ લઇ જવામાં આવી રહ્યા છે, જ્યાંથી જે પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી હતી તેમને સોંપી દેવામાં આવશે.
RBIને મળ્યો હતો ધમકીભર્યો મેલ
આરોપીઓએ મંગળવારે (26 ડિસેમ્બર) RBIને મેઇલ કરીને ધમકી આપી હતી. આરોપીઓએ લખ્યું હતું કે, RBI ઓફિસ, HDFC બેન્ક અને ICICI બેન્ક સહિત 11 સ્થળોએ બૉમ્બ મૂકવામાં આવ્યા છે. આરોપીઓએ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજીનામું પણ માંગ્યું હતું.
આ ઇ-મેઇલમાં એવું પણ કહેવાયું હતું કે, RBI સાથે પ્રાઇવેટ સેકટરની બેંકોએ મળીને દેશનો સૌથી મોટો કૌભાંડ આચર્યું છે. આ સાથે જ આ કૌભાંડમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ હોવાની વાત કરી હતી. આ બંને ઉપરાંત નાણાં વિભાગના અમુક મોટા અધિકારીઓ અને દેશના મોટા નેતા પણ આમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપીએ કહ્યું હતું કે તે ‘ખિલાફત ઇન્ડિયા’નો સભ્ય છે. આ મેઇલ મળ્યા બાદ મુંબઈ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. મેઇલમાં જણાવેલા તમામ સ્થળો પર પોલીસ વિભાગે તપાસ કરી હતી પરંતુ પોલીસને કોઈપણ વસ્તુ શંકાસ્પદ મળી નહોતી.