GST ચોરીની મળેલી ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે (DGGI) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર સહિતના 14 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક નામ ડાબેરી મુખપત્ર ‘ધ હિન્દુ’ના (The Hindu) વામપંથી મહેશ લાંગાનું (Mahesh Langa) પણ છે. ક્રાઇમ બ્રાન્ચે GST કૌભાંડ મામલે લાંગાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.
માહિતી અનુસાર, સેન્ટ્રલ GST દ્વારા ક્રાઇમ બ્રાન્ચની FIRના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યમાં 14 સ્થળોએ ક્રાઇમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમોએ દરોડા પાડ્યા હતા. DGGIના ઝોનલ ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. જેના માટે તેમણે હજારો કરોડોના બોગસ બિલો પણ જનરેટ કર્યા હતા.
ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ ₹200 કરોડથી વધુના કૌભાંડની વિગતો સામે આવી રહી છે. ખાસ વાત તો એ છે કે, ‘ધ હિન્દુ’ના વામપંથી પત્રકાર મહેશ લાંગાને પણ આ તપાસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આ કૌભાંડ અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી પૂર્ણ શક્યતાઓ પણ છે. આ કૌભાંડ સાથે ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો પણ ₹50 હજાર કરોડને પાર થઈ ગયો છે.
FIR અનુસાર, આ કૌભાંડ ફેબ્રુઆરી 2023થી મે 2024 સુધીમાં આચરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, કોઈ વ્યક્તિ દ્વારા ‘ધ્રુવી એન્ટરપ્રાઇઝ’ (Dhruvi Enterprise) નામેથી બોગસ ભાડાકરાર બનાવીને તે ભાડાકરાર ખોટો હોવાનું જાણવા છતાં પણ તેને અમદાવાદ GST વિભાગમાં ઓનલાઈન રજૂ કરવામાં આવ્યો હતો. આ ભાડાકરાર દ્વારા ‘ધ્રુવી એન્ટરપ્રાઇઝ’ના નામે GST નંબર મેળવીને બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે અન્ય કંપનીઓના (FIRમાં નામજોગ) પ્રોપરાઇટર સાથે મળીને ગુનાહિત ષડ્યંત્ર રચીને બોગસ બિલિંગ, બોગસ દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી દેશની કરોડો રૂપિયાની આવકને નુકશાન પહોંચાડી ગુનો રચ્યો છે.
આ સાથે જ FIRમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે સંકળાયેલી તમામ કંપનીઓ અને તેના ઓનરના નામો પણ આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ તમામ લોકો વિરુદ્ધ IPCની કલમ 420, 467, 468, 471, 474 , 120 (BNS) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઑપઇન્ડિયા પાસે FIR નકલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઑપઇન્ડિયાએ DGGIના ઝોનલ ડાયરેક્ટર હિમાંશુ જોષીનો સંપર્ક કરવા પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહોતો. માહિતી મળ્યા બાદ રિપોર્ટને અપડેટ કરી દેવામાં આવશે.
‘GST રજીસ્ટ્રેશન એક પીડા છે’- ધરપકડ પહેલાં લાંગાએ આપ્યું હતું ‘જ્ઞાન’
નોંધવા જેવું છે કે, મહેશ લાંગા અમદાવાદમાં વામપંથી મીડિયા ‘ધ હિન્દુ‘ માટે કામ કરતો પત્રકાર છે. એક રીતે ગુજરાતની ઘટનાઓ અને પોતાના એજન્ડાઓ પર નજર રાખવાનું કામ તેનું છે. પરંતુ, હવે GST કૌભાંડ મામલે જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મહેશ લાંગાની સાથે અન્ય પણ ઘણા લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આરોપ છે કે, આ તમામ લોકોએ સાથે મળીને દેશભરમાં કરોડોનું GST કૌભાંડ આચર્યું છે.
મહત્વની વાત તો તે છે કે, ‘પત્રકાર’ મહેશ લાંગાએ પોતાની ધરપકડના એક દિવસ પહેલાં જ GSTને લઈને ‘જ્ઞાન’ પીરસ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, GST રજીસ્ટ્રેશન એક એવી પીડા છે. સંઘર્ષ કરી રહ્યો હતો, ઘણા બધા દસ્તાવેજો અને પ્રશ્નો ઊભા થયા હતા.” આ સાથે તેણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘ભારતમાં વેપાર કરવાની સરળતા.’ પરંતુ, આ પોસ્ટના બીજા જ દિવસે તેનું નામ ‘GST કૌભાંડ’માં સામે આવ્યું અને તેની ધરપકડ પણ થઈ.